- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- સ્વાર્થના કારાવાસના કેદીઓ બનેલા વામણા લોકોનો વસ્તી વધારો એ આજના વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. કુમાર્ગે ચાલવાથી લોકો વખાણે એના કરતાં સન્માર્ગે ચાલવા છતાં લોકો વખોડે એ વધુ સારું છે
'લાભને જ શુભ' માનનારા પ્રગતિને શિખરે બિરાજે છે, જ્યારે 'શુભને લાભ' માનનારા ઉપેક્ષિત થાય છે, તે શું યોગ્ય છે ?
પ્રશ્નકર્તા :- ચિરાગ દીપકભાઈ જગતાપ,
એ/૩૦ મુરલી એપાર્ટમેન્ટ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ-૫૧
મા ણસ લાભ માટે પ્રામાણિક પ્રયત્નો કરે એમાં કશું જ ખોટું નથી, પરંતુ લાભમાં કેવળ તૃષ્ણાને પ્રાધાન્ય મળે, લાલચને પ્રોત્સાહન પ્રાપ્ત થાય, ત્યારે એ લોભમાં પરિણમે છે અને લોભનો થોભ નથી હોતો, એટલે માણસને અનીતિને માર્ગે દોરી જતાં અચકાતો નથી. કર્મ સાથે ફળની પ્રાપ્તિ જોડાયેલી છે. પરંતુ માણસ જ્યારે પોતાની નજર માત્ર ફળ પર જ ઠેરવે, ત્યારે કર્મનું ચારિત્ર્ય ખોવાઈ જાય છે. અને એકવાર માણસ સારા-નરસાનો ભેદ એટલે કે વિવેક ભૂલવા માંડે પછી તેના પતનનો પ્રકાર કે સીમા નક્કી કરવાનું શક્ય બનતું નથી.
માણસે આગળ વધવું છે. આગળ વધવા માટે, ઉન્નતિ કરવા માટેના લાભ ખાતર એ ગમે તેવા પ્રયત્ન કરવા તત્પર થાય ત્યારે એની પ્રગતિ અપ્રામાણિકતાથી દૂષિત થાય છે. પરંતુ સ્વાર્થભક્તો કે તકસાધુઓને પ્રામાણિકતા-અપ્રામાણિકતાનો પ્રશ્ન મુંઝવતો નથી. કારણ કે એમને સાધનની શુદ્ધિ સાથે નહીં પણ ધ્યેયની સિદ્ધિ સાથે લેવાદેવા હોય છે.
માણસની અર્થભૂખ, લોભ કે લાલચને કારણે આવા માણસોની જાળમાં ફસાવનારાઓ-મદદગારો મળી જ રહે છે. કારણ કે આવા મદદગારો પણ કોઈપણ પ્રકારની નીતિ-અનીતિનો ખ્યાલ સેવતા હોતા નથી. એટલે એવા મદદગારોની પ્રવૃત્તિ લોભી, સ્વાર્થી, લાલચી, સ્વાર્થી તકસાધુઓને અપેક્ષિત ફાયદો મળી જાય તેવી હોય છે.
જેમને પોતાના જીવન પ્રત્યે સ્વમાન છે, સ્વાભિમાન છે, જે કેવળ પાશવીવૃત્તિઓને વશ થઈ ઐહિક સુખોની ઉપલબ્ધિઓને જીવનનું ચરમ અને પરમધ્યેય માની લેતો નથી, એવો માણસ સ્વાર્થ ખાતર કોઈપણ ગલત સોદા કરવા માટે ક્યારેય તૈયાર થતો નથી. એચ. ડબલ્યુ. બીચર એટલે જ કહેતા હતા કે 'માનવી પાસે કેટલું ધન છે એ ન વિચારો, પરંતુ એ કેટલો ચારિત્ર્યશીલ છે એ પ્રથમ માપો.' એટલે કે ચારિત્ર્યને પ્રથમ સ્થાન આપો. અને બીજું સ્થાન સંજોગોને આપો. ચારિત્ર્યશીલ માનવી સંજોગોનો સ્વામી હોય છે.
શુભને જ લાભ માનવો એટલે શુદ્ધ સાધનોથી કર્મફળનો પુરસ્કાર મેળવવો. એવો સિદ્ધાંતનિષ્ઠ માણસ સત્યનો ઉપાસક હશે, સ્વાર્થનો સોદાગર નહીં. ધન, વૈભવ, સત્તા કે સ્વાર્થ કાજે એવો માણસ વેચાશે નહીં. ખોટાં કામો એ કરશે નહીં અને કરવા દેશે પણ નહીં. એવો માણસ પોતાના ધન, પદ, સત્તા કે શક્તિનો ઉપયોગ અનૈતિક કામો માટે નહીં કરે. આવું નિયંત્રણ તો માણસે પોતાની જાત પર મૂકવું પડે. સત્યાચરણ કરનાર બીજાના સ્વાર્થ કે મેલી મુરાદો બર આવવાનું-લાવવાનું સાધન બની શકતો નથી. એટલે લોકો તેને 'સિદ્ધાંતનું પૂંછડું, વેદિયો, નકામો' કહીને વગોવે છે. જેમને ખોટાં કામો કરાવવાં હોય છે તેઓ હંમેશા જી-હજૂરિયાઓ શોધતા હોય છે તેમને એવો માણસ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 'ફાયદાકારક' હોતો નથી. પરિણામે તંત્ર અને તકબાજો તેને સત્તા અને ક્ષેત્રોથી દૂર રાખવામાં શાણપણ માને છે.
કદાચ 'અશુભ' તાત્કાલિક ફાવી જાય પણ એનો અર્થ એ નથી કે દુનિયામાં અશુભની બોલબાલા છે એમ માનીને માણસે નિરાશ થઈ શુભ પરત્વે શ્રદ્ધાશૂન્ય બની 'અશુભ'ના આરાધક બનનારાની પંક્તિમાં બેસી જવું. અશુભનાં ફળ તાત્કાલિક મીઠાં લાગે પણ વહેલાં મોડાં તેવું આચરનારને ભારે જ પડે છે. ઇતિહાસમાં એવા બેશુમાર દાખલાઓ જોવા મળે છે.
શુભ માર્ગે જનારો ઉપેક્ષિત થાય એ એનો પરાજય નહીં પણ એક પ્રકારે સિદ્ધિ જ છે, કારણ કે તેનો આત્મા નિર્મળ રહી શક્યો એ જ એની ઉપલબ્ધિ છે. એવો માણસ માનતો હશે કે 'મારે મારી કોઈ ઇચ્છા પાર પાડવી નથી, મારે તો મને જેણે મોકલ્યો છે તે પરમપિતાની ઇચ્છા પાર પાડવી છે.' બેઈમાનીથી પદ, પૈસો કે સત્તા પ્રાપ્ત કરનારની એક યા બીજા કારણસર ઊંઘ હરામ થઈ જતી હોય છે. આ સ્થિતિ જ એને કુદરતે આપેલી સજા છે. આપણે એકાએક ધરાશાયી થતાં વૃક્ષો પણ જોઈએ છીએ અને નાનકડાં પણ મૂળને વળગીને રહેલા છોડવાને પણ આંધી વચ્ચે ય હેમખેમ ટકેલાં જોઈએ છીએ. ચારિત્ર્યનું પણ એવું જ છે. નઠારા લોકો ફાવી જાય એમાં ફાવનાર જેટલા જ એમને ફાવવાની અનુકૂળતા કરી આપવા આંખ આડા કાન કરનાર પણ દોષિત છે.
મને એક પોર્ટુગીઝ કહેવતનું સ્મરણ થાય છે. એ કહેવતનો અર્થ એવો છે કે 'તમે ઇજ્જત મેળવી લો, પણ તેને લાયક ન બનો, એના કરતાં બહેતર છે તમે આબરૂને લાયક બનો. ભલે લોકો તરફથી તમને ઇજ્જ ન મળે.'
દુષ્ટ માણસના હાથમાં સત્તાના સૂત્રો સોંપી તેને 'મોભાદાર' બનાવવો એ સનેપાતના દર્દીને મદ્યપાન કરાવવા જેવું છે. ઇજ્જત વિષેના ખોટા ખ્યાલોએ જ આ જગતમાં સાચી ઇજ્જતની ફજેતી કરી છે. ઉચ્ચ સ્થાનાપન્ન ઇજ્જતહીન વ્યક્તિને સ્વાર્થની નજરે જોનાર સમાજ નિર્દયને પણ કરૂણાસાગર, ભ્રષ્ટને પણ ચારિત્ર્યશીલ, જુલ્મીને પણ પરગજુ અને અનેક પ્રકારની ગંદકીઓથી ખરડાયેલા હાથવાળાને 'વરદહસ્ત' કહીને બહેકાવે છે. પાપના કીચડમાં સદાય ચાલનાર, પણ આકસ્મિક તકથી મોટા બની ગયેલા માણસના 'ચરણકમળ' પોતાના આંગણ, ગૃહ કે સંસ્થામાં પડતાં સ્વાર્થી સમાજ 'ધન્યતા' અનુભવે છે.
કુમાર્ગે ચાલતા તકસાધુઓ વખણાય છે. અને સન્માર્ગે ચાલતા સજ્જનો વખોડાય ત્યારે માનજો કે સમાજની આંખે મોતિયો આવ્યો છે.
સ્વાર્થના કારાગારના કેદીઓ બનેલા વામણા લોકોની વધતી જતી વસ્તી એ આજની વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. કુમાર્ગે ચાલવાથી લોકો વખાણે એના કરતાં સન્માર્ગે ચાલવા છતાં લોકો વખોડે એ વધુ સારું છે.
વખાણની ભૂખ જ માણસ પાસેથી વિવેકનો પ્રકાશ છીનવી લે છે. સ્વાર્થભક્તિ જ અયોગ્ય વ્યક્તિની કદમબોસી કરવાની ફરજ પાડે છે. સંસ્કારિતા, સભ્યતા વગેરે વિષેના આપણા ખ્યાલો કેવા દંભી અને ક્ષુલ્લક છે ? હૃદયની વિશાળતા અને અમીદ્રષ્ટિ વગર કોઈ માણસ પોતાની જાતને સંસ્કારી અને સભ્ય કેવી રીતે કહેવડાવી શકે?
ઉપયોગીને તો સૌ સદ્ભાવનાનું દાન કરે, પણ બિનઉપયોગીને ય હૈયાના હેતથી ભીંજવે એનું નામ સજ્જન. જ્યાં પામવું નહીં પણ આપવું એ જ ધર્મ હોય, ત્યાં હિસાબને સ્થાન ક્યાંથી હોય ? લાભને 'શુભ' નહીં 'શુભ'ને જ લાભ ગણે એના જીવનના ચોપડા સાચા.
આપણે એક વાતની ખાસ નોંધ લેવી જોઈએ. જીવનનું લક્ષ્ય લાભ નહીં પણ શુભ જ હોવું જોઈએ. એટલે જીવનના ચોપડામાં પહેલાં શુભનો જ પછી જ લાભનો વિચાર કરવો જોઈએ. પરંતુ આજે આ ક્રમ બદલાઈ ગયો છે.
શુભનો અર્થ આપણે એ ઘટાડવો જોઈએ કે 'હું વ્યક્ત કરું છું તેમાંથી જેટલું શુભ હોય તેટલું જ ફળો. માત્ર શુભ ઇચ્છાઓ જ ફળવી જોઈએ, અશુભ નહીં. તમારા સંકલ્પને શુભ અને શિવનું બળ હશે તો આપોઆપ તમારી બેટરી અંદરથી ચાર્જ થવા માંડશે.'


