Get The App

કેટલાંક લોકો બીજાનું સુખ જોઈને દુ:ખ અનુભવે છે, આમ કેમ ? એમની સાથે કેવો વ્યવહાર રાખવો ?

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News

- ઈશ્વરે માણસનું સર્જન આનંદ વહેંચવા કર્યું છે, દ્વેષ વહેંચવા નહીં. ઇર્ષ્યા, દ્વેષ અને વેરવૃત્તિને તમારા દિમાગમાં થાણું નાખવાની પરવાનગી આપશો તો એ તમારા જ દિમાગની પવિત્રતાને ભરખી જશે અને અંતે તમને વિનાશની ખીણમાં હડસેલી દેશે

કેટલાંક લોકો બીજાનું સુખ જોઈને દુ:ખ અનુભવે છે, આમ કેમ ? એમની સાથે કેવો વ્યવહાર રાખવો ? 1 - image

* કેટલાંક લોકો બીજાનું સુખ જોઈને દુ:ખ અનુભવે છે, આ કેમ ? એમની સાથે કેવો વ્યવહાર રાખવો ?

* પ્રશ્નકર્તા : મુકેશ ચંદારાણા, ઑફિસર-પ્રોજેક્ટ, ટાટા કેમિકલ્સ લિ. મીઠાપુર (સૌરાષ્ટ્ર)

સં સાર એટલે વૈવિધ્યતાથી સભર માનવીઓનો મહામેળો. જેટલાં મન તેટલાં માનવી. પ્રત્યેક મનની નોખી ભાત, પ્રત્યેક મનની નોખી ચાલ. માણસ એ આખરે માણસ છે. એ નથી દેવ કે નથી દાનવ. માણસ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સરથી મુક્ત થઈ શકે તો એનું મન સાત્વિક બની શકે. માણસને સદાય તેના મનોવિકારો પજવતા હોય છે. આ મનોવિકારોમાં ઇર્ષ્યા અને આતૃપ્તિ માણસને ઠરવા દેતી નથી. માણસ સુખભૂખ્યો છે સુખ મેળવવા એ વલખાં મારે છે. સુખની અતિ ભૂખ એને ઠરવા દેતી નથી ! આ અતૃપ્તિ એટલે કે અસંતોષ એ માણસને પારાવાર દુ:ખો આપનારું પરિબળ છે.

માણસનું મન સુખ માટે સ્પર્ધા કરવા તેને પ્રેરે છે. એટલે તે માત્ર સુખી થવા નહીં પણ બીજા કરતાં વધુ સુખી થવા અને દેખાવા પ્રયત્ન કરે છે. પોતે પડોશી કરતાં, અન્ય સ્વજનો કરતાં સહેજ કે વધુ ચઢિયાતો છે, એવા અહંકારથી પીડાઈને માનસિક સંતોષ અનુભવે છે. માણસની ભૂખના અનેક પ્રકારો છે. સૌંદર્યની ભૂખ, પ્રતિષ્ઠાની ભૂખ, પ્રશંસાની ભૂખ, ધનની ભૂખ, વૈભવની ભૂખ, સત્તાની ભૂખ, પદની ભૂખ, પદોન્નતિની ભૂખ. માણસનું મન જ્યાં સુધી ભટકતું રહે, ત્યાં સુધી એ સુખાનુભૂતિ કરતું નથી ! માણસ તૃષ્ણાઓના મહાસાગરમાં ડૂબેલો રહે છે. તૃષ્ણા બહુસંતાનમયી છે. એની કૂખે પ્રત્યેક પળે નવી-નવી સંતાન સૃષ્ટિ જન્મતી જ રહે છે. દરેક તૃષ્ણા કે વાસના ખોરાક માગે છે. તૃષ્ણાના પ્રકારોને સંતોષવાની માણસમાં તાકાત નથી એટલે અધૂરી કામનાઓ તેને ઠરવા દેતી નથી. માણસ જેટલાં અંશે પોતાની તૃષ્ણાઓનો પરિત્યાગ કરે તેટલા અંશે સુખી થઈ શકે. માણસ અંદરથી જેટલો શુદ્ધ બને, તેટલા અંશે તેનું બાહ્ય વર્તન પણ શુદ્ધ બની શકે ! જીતની હદ હોઈ શકે, પણ તૃષ્ણા કોઈ હદને ઓળખતી નથી !

ઇર્ષ્યા વિવેકની શત્રુ છે. ઇર્ષ્યાને કારણે માણસ ન કરવાનું કરવા તૈયાર છે અને ન વિચારવાનું વિચારે છે.

એક અજ્ઞાાત ઉક્તિ અનુસાર કેરીની પ્રશંસા સાંભળીને નાળિયેરમાં પાણી ભરાઈ ગયું. ફણસ કાંટાળું થઈ ગયું. કાકડી બે ભાગોમાં વહેંચાઈ ગઈ. કેળાનું મુખ નીચું થઈ ગયું. દ્રાક્ષનું ફળ નાનું બની ગયું અને જાંબુડાનો રંગ શ્યામ બની ગયો. આ બધું ઇર્ષ્યાનું જ કારણ છે.

માણસ જેમ નાનો તેમ તેની ઇર્ષ્યા પણ પ્રમાણમાં નાની. માણસ જેમ મોટો તેમ તેની ઇચ્છાની પ્રબળતા પણ મોટી મોટા માણસની ઇર્ષ્યા સ્વાર્થ, સ્પર્ધાભાવ અને વેરવૃત્તિના કારણે પણ હોઈ શકે છે.

લક્ષ્મીનારાયણ મિશ્રે 'ચક્રવ્યૂહ' ના બીજા અંકમાં ઉચિત જ કહ્યું છે : ''પોતાના ઘરમાં અંધકાર હોય તો બીજાનો પ્રકાશ અસહ્ય બની જાય છે. ઇર્ષ્યાને કારણે માણસ બીજાને દુ:ખી કે મુશ્કેલ સ્થિતિમાં મૂકીને જોઈને સુખી થાય છે. માણસના હાથમાં ઇર્ષ્યા કરીને આવે છે શું ? કેવળ પરિતાપ.''

ઇર્ષ્યા કરીને તમે બીજાનું સુખ લૂંટી તો શકતા નથી. પરિણામે તમારા હાથમાં નિષ્ફળતા સિવાય કશું નથી આવતું. માણસને કેવળ સુખ નથી જોઈતું, તુલનાત્મક સુખ જોઈએ છે. બીજા કરતાં પોતાનું મકાન મોટું નહીં હોવાનો અસંતોષ, બીજાના કરતાં પોતાનું ટી.વી. ઓછી કિંમતનું હોવાનું દુ:ખ, બીજાના ઘરમાં સુખ-શાંતિ વધુ અને પોતાના ઘરમાં કલેશ-કંકાસ કેમ, બીજાનાં સંતાનો ભણવામાં વધુ તેજસ્વી અને પોતાનું સંતાન નબળું કેમ-આવા અનેક તર્કો અને તુક્કાઓમાંથી ઇર્ષ્યા જન્મે છે. ઇર્ષ્યા એ મનના હાથનું રમકડું છે. એ માણસ પાસે, જાતજાતના ખેલ કરાવે છે. ઇર્ષ્યા એટલે કે દાઝનું બીજાું નામ 'મત્સર' છે, જે સૂચવે છે કે એ તરફ 'મત' સર, એટલે કે સરવા જેવું કે જવા જેવું નથી !

ઇર્ષ્યાનું ક્ષેત્ર કેવળ નિરક્ષર કે અશિક્ષિતોમાં હોય એવું નથી. ભણેલા-ગણેલા લોકો વેપારીઓ, અને વ્યવસાયીઓમાં પણ ભારોભાર ઇર્ષ્યા હોય છે. હેટલિટે કહ્યું છે તેમ ખેલાડીઓને બીજા ખેલાડીઓની ઇર્ષ્યા થતી હોય છે અને કવિને બીજા કવિની ઈર્ષ્યા થતી હોય છે. ધર્મગુરૂઓ પણ ઈર્ષ્યાથી મુક્ત રહી શકતા નથી. ઈર્ષ્યાયુક્ત હોય તે સંસારી અને ઈર્ષ્યામુક્ત હોય તે સંત. મમત્વ, હુંપદ અને અભિમાન માણસને ઈર્ષ્યાળુ બનાવે છે. એક દ્રષ્ટાન્ત અનુસાર રસ્તામાં બેઠેલો એક ફકીર ગરીબોને તાંબાનાણું વહેંચતો હતો. આજુબાજુ ફરતા બધા છોકરાઓને થોડું થોડું નાણું આપ્યું. એવામાં હાથી પર સવાર થઇને એક રાજા ત્યાં આવી પહોંચ્યો. ફકીરે મુઠ્ઠી ભરીને તાંબાનાણું એ રાજા તરફ ફેંક્યું. રાજાને આશ્ચર્ય થયું. આ ફકીરે શા માટે મારા તરફ નાણું ફેંક્યું ? રાજાએ કહ્યું : ''સાંઈબાબા, આ બિચારા ગરીબ છોકરાઓને નાણું આપવાને બદલે મને શા માટે આપ્યું. મારી પાસે તો અઢળક દોલત છે. હું ક્યાં ગરીબ છું ?''

ફકીરે હસતાં-હસતાં કહ્યું : ''તારા વૈભવ અને ધન સામગ્રીએ જ તને ગરીબ બનાવ્યો છે, કારણ કે હજી તું ધરાયો નથી. તૃષ્ણાએ તને ગરીબ બનાવ્યો અને એ તૃષ્ણા સંતોષવા તું અનેક મનુષ્યોનાં ગળાં કાપે છે. એટલે ભવિષ્યમાં પણ તું દુ:ખી અને ગરીબ જ રહેવાનો.''

હકીકતમાં તો 'હરિએ સર્જ્યું છે સુખ, મન મનનું માની લે છે દુ:ખ' બીજાનું સુખ જોઇ ભગવાનને પ્રાર્થના કરવી જોઇએ કે તેને વધુ સુખ આપજે અને મારી યોગ્યતા અનુસાર મને પણ સુખ આપજે. માણસ અંદરથી લઘુતા અનુભવે ત્યારે જ તેનામાં ઈર્ષ્યાનો જન્મ થાય છે. લઘુતા એ મનની સંકડાશ છે, જેનું મન મોકળું તે તેટલા પ્રમાણમાં ઈર્ષ્યાની આગથી મુક્ત.

સંત તુલસીદાસજી કહે છે : 'ઉચ્ચ નિવાસ નીચ કરતૂતી, દેખી ન સકહિ પરાઇ વિભૂતી.' મતલબ કે કેટલાક લોકો ઉચ્ચ પદસ્થ અને વૈભવશાળી હોય છે પરંતુ તેમનાં કાર્યો નીચતાપૂર્ણ 

હોય છે. ઈર્ષ્યાને કારણે જ તેઓ બીજાનું ઐશ્વર્ય સહી શકતા કે જોઇ શકતા નથી. ઈર્ષ્યાળુ માણસ બીજાના સુખને ભસ્મીભૂત કરવાનાં સ્વપ્નાં સેવતો હોય છે. એનામાં ગુપ્ત રૂપે રહેલી વેરવૃત્તિ બીજાને દુ:ખી જોઇને તેનામાં હરખ જન્માવે છે. માણસ મહત્વકાંક્ષાને વશ થઇને પણ જે સુખ બીજો માણસ ભોગવી રહ્યો છે, તે પોતાને નહીં મળવાને કારણે બળાપો વ્યક્ત કરે છે.

બીજાના સુખને જોઇ પોતે દુ:ખ અનુભવનાર કે બીજાને દુ:ખી કરીને પોતે સુખ અનુભવનાર માણસ દયાપાત્ર છે. એ પોતાની વાસનાઓનો ગુલામ છે. એટલે એની ઈર્ષ્યા, દ્વેષ કે વેરવૃત્તિને તેવી જ ઈર્ષ્યા કે દ્વેષથી જવાબ આપવો અને તેના પ્રત્યે તિરસ્કાર કે ઘૃણા દાખવવી એ તો જગતનું વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન થશે. ઈર્ષ્યા-દ્વેષમાં વૃદ્ધિ થશે. એટલે આપણે તેના પ્રત્યે ક્ષમા ભાવ દાખવવો, એના પ્રત્યે કરુણાશીલ રહેવું એ જ સૌથી સારો વિકલ્પ છે. આ જગત આધિ, વ્યાધિ અને ઉપાધિથી ત્રાસેલું છે. તમારામાં ઈર્ષ્યાભાવ વધારી જગતને વધુ દુ:ખી બનાવશો નહીં. ઈશ્વરે માણસનું સર્જન આનંદ વહેંચવા કર્યું છે, દ્વેષવૃદ્ધિ માટે નહીં. કેરોલાઇન મેટિલ્ડાએ કહેલી વાત યાદ રાખીએ : 'હે પરમેશ્વર, મને પોતાને નિર્દોષ રાખજે, બીજાને ભલે મહાન બનાવજે. ઈર્ષ્યા, દ્વેષ અને વેરવૃત્તિને તમારા દિમાગમાં થાણું નાખવાની ભૂલથીયે પરવાનગી આપશો તો એ તમારા જ મનની પવિત્રતાને ભરખી જશે અને અંતે તમને વિનાશની ખીણમાં હડસેલી દેશે.'

Tags :