- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- અહંપ્રેમ આજના સમાજનું કેન્સર છે. અહંકાર એટલે શેતાનનું ગુપ્ત શસ્ત્ર મનુષ્યની ઘણી બધી ભૂલોના મૂળમાં તેનું અહમ જ કામ કરતું હોય છે
માણસ પોતાના અહમને કારણે જીવનમાં ઘણું બધું ગુમાવે છે છતાં પોતાના એ અહમને છોડવા તૈયાર નથી શું આ યોગ્ય છે ?
શ્રી ભગવાનદાસ પરમાર ૧૮૪૯-૫, એમ.પી. ચાલી, જૂનાવાડજ, અમદાવાદ.
મા ણસના અભિમાનનું રહસ્ય શું ? એનો જવાબ શેખ સાદી એક સરળ પંક્તિમાં આપી દે છે. 'જેને હોશ હોય છે, એ કદી ઘમંડ કરતો નથી.'
મતલબ કે અભિમાન એ અજ્ઞાનભરી બેહોશી છે. જે માણસ અંદરથી જાગ્રત હોય છે એ ક્યારેય અહમ કે અભિમાન કરતો નથી. અભિમાની એટલે છીછરો માણસ. જે માણસ જીવનના કેન્દ્રમાં ન હોય એની વાણી, વર્તન કે કર્મમાં ક્ષુદ્રતાનો પ્રતિઘોષ સંભળાય. અભિમાની કે અહંકારી માણસ માત્ર પોતાને જ મહત્ત્વનો ગણે છે. એટલે એને બાકીના લોકો તુચ્છ લાગે છે. એ પોતાની જ બહાદુરી કે સાહસ-શૌર્યનાં ગાણાં ગાવામાં રચ્યોપચ્યો રહે છે. એટલે બીજાનાં સુકૃત્યો પણ એને દુષ્કૃત્યો લાગે છે. અહંકાર એ પતનનો 'પાસપોર્ટ' છે. દરેક અભિમાની ને એ વાતની ખબર હોતી નથી કે તેનું અભિમાન એને પોતાને જ ભ્રમમાં રાખી 'ટાઈમ-બોમ્બ' ગોઠવતું હોય છે. આ ટાઈમ-બોમ્બનો વિસ્ફોટ થાય એ પહેલાં માણસ ચેતી જાય, એટલે કે અભિમાન ત્યજી દે તો એ બચી જાય છે. હવે બીજો સવાલ : અભિમાન આટલું બધું ખતરનાક હોવા છતાં માણસ તેને કેમ છોડી શકતો નથી ?
વિવેક માણસને સારા-નરસાની પરખ શીખવે, પણ નરસા કે ખરાબ અને સારાનો ફરક સમજાયા પછી પણ માણસ નરસું છોડવાનો હરખ ન દાખવે તો એને સુપરિણામ ક્યાંથી સાંપડે ?
ખરાબ વસ્તુ છોડવા માટે એકલો વિવેક પર્યાપ્ત નથી, એ માટે 'વૈરાગ્ય' ભાવ કેળવવો પડે. એવો ઉત્કટ વૈરાગ્યભાવ માણસ ત્યારે જ દાખવી શકે, જ્યારે એ પોતાનું મનોબળ મજબૂત કરી શકે. માણસને એની સ્વભાવગત મર્યાદાઓ પ્રથમ તબક્કે આવું મજબૂત મનોબળ કેળવતાં રોકી શકે, પણ જો માણસ આ મનોબળને ધીરે ધીરે મજબૂત બનાવી મનોવિકાર પર વિજય પામવા બદ્ધ બનાવે તો અંતે તે પોતાના ધ્યેયમાં સફળ થાય છે. યોગ્ય બનવાનું અઘરું છે, કારણ કે એ માટે સાધના અને સંયમ જોઈએ. અભિમાની બનીને પોતાની 'યોગ્યતાં' નાં બણગા ફૂંકવાનું સહેલું છે, કારણ કે એ કાર્ય કેવળ વાણીવિલાસથી જ થઈ શકે. ભ્રમવશ માણસ ભોળવાઈને કે દોરવાઈને અભિમાનીની વાત સાચી માની લે, એટલે અભિમાનીને ઓર નશો ચઢે.
માણસ સમક્ષ એવી હજારો ઘટનાઓ પડેલી છે જે તેને પોકારી પોકારીને કહે છે કે 'એક સરખા દિવસ કોઈના સદાએ જતા નથી.' માણસની કરુણતા એ છે કે એને પોતાનાં અનુભવમાંથી પણ બોધપાઠ લેવાની દાનત ભાગ્યે જ હોય છે.
એક સમયે ઊંચ સિંહાસન વિરાજીત લોકો સમય પલટાતાં ભોંય પર પટકાઈ ધૂળ ચાટતા થઈ જાય છે. ગર્વમાં રાચતા માણસનો એક અવળો પડેલો પાસો તેની સઘળી પ્રતિષ્ઠાને હણીને ક્યારેક જેલના સળિયા ગણતો કરી નાખે છે. સમજ્યા વગર જીદે ચઢનારનું પતન નિશ્ચિત હોય છે. અભિમાની રાવણ કે દુર્યોંધન નામશેષ થઈ ગયા, પણ તેઓ પોતાના અગણ્ય વારસદારો મૂકતા ગયા છે. પૈસા, સત્તા, પદ અને શક્તિ માણસ પચાવી ન શકે તો એ અભિમાની બની જાય છે. મોટા દેખાવાના કે પંચમાં પુછાવાના અભરખા માણસને દંભી બનાવી દે છે.
માણસ ઠોકર ખાધા છતાં ન સુધરે તો કાં તો એ મૂર્ખ હોય અથવા અહંકારી. અહંકારી કે અભિમાની લોકો મોહગ્રસ્ત હોય છે. એમની બુદ્ધિ અને વિવેકશક્તિ પર અજ્ઞાનનું આવરણ છવાયેલું હોય છે, તેથી સાચી દિશામાં ન તો એ વિચારી શકે છે કે ન વર્તી શકે છે.
'દર્પદલન'માં ક્ષેમેન્દ્રે સાચું જ કહ્યું છે કે ''કુળ, ધન, જ્ઞાન, રૂપ, પરાક્રમ, દાન અને તપ આ સાત બાબતો મનુષ્યોના ગર્વ માટે કારણરૂપ હોય છે. દુ:ખ અસ્થિર છે, વિદ્યા વિવાદપૂર્ણ બને છે, ધન ક્ષણમાં નષ્ટ થઈ જાય છે, એટલે આવી બધી મોહજનક વસ્તુઓ પ્રત્યેનું માણસનું અભિમાન મિથ્યા છે. રૂપાળું શરીર અંતે વૃદ્ધાવસ્થામાં જીર્ણ બને છે, તેને રોગોથી ક્ષીણ બનતું અને મરણાધીન જોઈ કયા માણસને ગર્વ થાય ? મતલબ કે બુદ્ધિશાળી મનુષ્યે સંસારમાં જોવા મળતી તમામ વસ્તુઓ સમયાધીન હોઈ ગર્વથી મુક્ત રહેવંન જોઈએ.
માણસના દંભ અને હું પદનું કારણ તેની જીવન વિષયક સમજનું અજ્ઞાન પણ છે. માણસ આત્મપ્રેમને વશ થઈને દંભનો સહારો લે છે.
'હું' પદમાં રાચનાર પોતાના અભિમાનને જ જીવનનું સર્વસ્વ માને છે. કવિવર્ય જયશંકર પ્રસાદે એવા માણસોને જાણીજોઈને ભૂલા પડેલા માણસો રૂપે વર્ણવ્યા છે. તેમણે કહ્યું છે ''ભૂલો પડેલો પાછો આવી શકે છે, ખોવાયેલો મળી જાય છે, પરંતુ જે જાણી જોઈને ભુલભુલામણી તોડવાના મદમાં દંભના ચક્રવ્યૂહમાં પોતાની જાતને હડસેલી દે છે તે અંતે મરે છે અને બીજાને પણ મારે છે. ગર્વના રથનો જાતે ઘોડો બની એને ખેંચવા માટે પોતે જોતરાય એવા માણસને કોણ બચાવી શકે ? માણસે એ વાત સમજી લેવી પડે છે કે ગજ-કાતર લઈ ઉપરવાળો કહો કે કોઈ અદ્રષ્ય શક્તિ કહો, પોતાનું કામ કરી રહી છે, જે અભિમાની માણસને વેતરી નાખે છે.''
'ન રાજા રહેગા, ન રાની રહેગી.
યે માટી સભી કી કહાની કહેગી.'
ફિલ્મી ગીતની આ પંક્તિઓ બધાએ યાદ રાખવા જેવી છે.
જેઓ પલટાતા સમય અને સંજોગોની વાત પરત્વે ગંભીર બનતા નથી અને ગર્વનો પાલવ પકડી રાખે છે એમને સમય એવી ઠોકર ખવડાવે છે કે ફરી ક્યારેય ઊભા થઈ શકતા નથી. પણ કેટલાક લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે વક્ર ચાલે ને તેઓ પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે.
એટલે જ અહંપ્રેમ એ આજપર્યંત ટકી રહેલો અસાધ્ય રોગ છે. જેમ જેમ માણસ વધુ શિક્ષિત થતો જાય, તેમ તેમ એના અહંપ્રેમમાં ઓટ આવવી જોઈએ. પણ આજે પરિસ્થિતિ એનાથી ઊંઘી છે. આજના વિદ્યાલયો, મહાવિદ્યાલયો અહંપ્રેમીના અડ્ડા બન્યા છે. ગુરુનું 'ગુરુત્વ' ઘટતું ગયું છે...અને જ્ઞાન વ્યક્તિને નમ્ર બનાવે છે તેને બદલે આજના માણસનો જ્ઞાનાભાસ તેને બહેકાવે છે.
અહંપ્રેમી એટલે અંદરથી અશાન્ત માણસ. એવા અહંપ્રેમીઓ દંભના વિષને અમૃત માનીને તેની પ્યાલીઓ ગટગટાવવામાં ગુલદાન રહેતા હોય છે. આપણે ઈચ્છતા હોઈએ કે આપણું જીવન પોતાને માટે તેમજ સમાજ માટે ઉપકારક બને તો અહમને તિલાંજલી આપીને, અહંજાળમાંથી શીઘ્ર મુક્ત થવું જોઈએ.
કડવા પણ સાચા ટીકાકારો અહંપ્રેમીઓની સંખ્યાને નાથી શકશે. પ્રામાણિક ટીકા સહન કરવી એ નામર્દનું કામ નથી. અને અહંપ્રેમી જેવો બીજો કોઈ નામર્દ નથી. અહંપ્રેમ આજના સમાજનું કેન્સર છે. અહંકાર એટલે શેતાનનું ગુપ્ત શસ્ત્ર ! મનુષ્યની ઘણી બધી ભૂલોના મૂળમાં તેનો ઘમંડ જ કામ કરતું હોય છે.


