Get The App

ઈર્ષ્યા અને અન્ય દુર્ગુણને દૂર કરવા શું કરવું?

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
ઈર્ષ્યા અને અન્ય દુર્ગુણને દૂર કરવા શું કરવું? 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- અદેખાઈ એ વિવેકની શત્રુ છે. અને એનું થાણું મન છે. અદેખો માણસ સુખી રહી શક્તો નથી, અને સુખ ક્યાંથી અશાન્તને ? માટે દોશદ્રષ્ટા નહીં શુભદ્રષ્ટા બનો

 પ્રશ્ન :- માનવસહજ અદેખાઈ, ઈર્ષ્યા અને અન્ય દુર્ગુણોને દૂર કરવા શું કરવું ?

પ્રશ્નકર્તા - હરેશ બી. લાલવાણી, ૩૧, તુલસી બંગલો, સોલા રોડ, અમદાવાદ.

અ દેખાઈ અને ઈર્ષા બન્ને એક જ અર્થમાં વપરાય છે. અદેખાઈ એટલે બીજાનું સારું કે ભલું દેખવું ન ખમાય એવી લાગણી કે ભાવ. ઇર્ષા પણ આવી દુર્વૃત્તિથી જન્મે છે. અદેખાઈ અને ઈર્ષામાં બીજાથી ચડિયાતા થવાની / હોવાની લાગણી કામ કરે છે. આ અર્થમાં સામાનું સારું ન દેખો તેમ કરવાનો ભાવ અને પ્રયત્ન કામ કરતો હોય છે. સામેની કે અન્ય વ્યકિતનો ઉત્કર્ષ, અભ્યુદય, સુખ, સંપન્નતા, માન, પદ, પ્રતિષ્ઠા જોઈ બીજી વ્યકિતના મનમાં એક પ્રકારનું ઝેર ઉત્પન્ન થાય છે. દ્રષ્ટિમાંથી અમી અદ્રશ્ય થઇ જાય છે. ઈર્ષ્યા ઘણીવાર વેરવૃત્તિનું કારણ પણ બને છે. સજ્જનો બીજાનું સુખ જોઇ ખુશ થાય છે અને દુર્જનો એ સુખ કેમ નષ્ટ થાય તેના પ્રયત્નો કરતા હોય છે. દ્વેષ માણસ પાસે જાતજાતના વેશ ભજવાવે છે. અદેખાઈ માણસના સ્વભાવની એક પ્રકારની વિકૃતિ છે.

નીતિશતકમાં માણસોના ચાર પ્રકાર વર્ણવ્યા છે. (૧) સત્પુરુષો કે જેઓ પોતાનો સ્વાર્થ ત્યજીને પારકાનું ભલું કરે છે. (૨) સામાન્ય મનુષ્ય એટલે જેઓ પોતાના સ્વાર્થને વાંધો ન આવે એવી રીતે બીજાના ભલા માટે પ્રયત્ન કરે છે. (૩) ત્રીજા પ્રકારના એવા લોકો જેઓ સ્વાર્થ માટે પારકાનું હિત બગાડે છે. તેઓ રાક્ષસ સમાન છે. (૪) પરંતુ જેઓ કોઇપણ પ્રયોજન વિના જ પારકાનું હિત બગાડે છે, તેઓ કેવા ગણાય એ જ અમે જાણતા નથી.

આ ચોથા પ્રકારના માણસો એટલે અદેખા માણસો. પડદા પાછળ રહીને છૂપી રીતે બીજાને બદનામ કરનાર કે તેનું અહિત કરનારા લોકો. સંસ્કૃતમાં એક રસપ્રદ શ્લોક દ્વારા મત્સર કે અદેખાઈના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. 'આંબાની કેરીની પ્રશંસા સાંભળી નાળિયેરમાં પાણી ભરાઈ ગયું, ફણસ કાંટાળુ થઈ ગયું, કાકડી બે ભાગમાં વહેંચાઈ ગઈ (કડવી અને મીઠી) કેળાનું મુખ નીચું નમી ગયું, દ્રાક્ષનું ફળ નાનું થઈ ગયું અને જાંબુનો રંગ કાળો પડી ગયો. આ બધું અદેખાઈ, ઈર્ષા કે મત્સરનું જ પરિણામ છે.'

પોતાના ઘરમાં અંધારું હોય, તો માણસ બીજાના ઘરના પ્રકાશને સહી શક્તો નથી. પોતાની પાસે ન હોય અને બીજાની પાસે હોય, તે બીજા પાસે જોઈને માણસને એક પ્રકારની લઘુતા લાગે છે. આવી લઘુતાની કૂખેથી અદેખાઈ જન્મ લે છે. સ્વભાવનું ચાડિયાપણું પણ અદેખાઈનું માનીતું સંતાન છે. ચાડી દ્વારા કાન ભંભેરણી કરી બીજાના હિતને નુકસાન પહોંચાડવાનું એક પ્રકારનું ગુપ્ત કાવતરું છે. અદેખાઈ કે ઈર્ષ્યાને મનનો કમળો ગણવામાં આવે છે. સામાન્ય રીતે એકસમાન વ્યવસાય, વિદ્યા કે કાર્યક્ષેત્રમાં અદેખાઈને કારણે જ બીજાને હીન ચીતરવાની કે દેખાડવાની પ્રવૃત્તિ ચાલતી હોય છે. પદોન્નતિ માટે કે ઊંચું સ્થાન મેળવવા માટેની વિવેકહીન ભૂખથી પીડાતા લોકો અદેખાઈના હાથનું રમકડું બની જાય છે. માણસો બીજાનાં શસ્ત્રોની ઈર્ષ્યા કરે છે, તેમ બીજાના શાસ્ત્રો કે પુસ્તકોની પણ ઈર્ષ્યા કરે છે. 'શ્રીમદ્ ભગવદ્ગીતા'માં દૈવી સંપદા ધરાવતા અને આસુરી સંપદા ધરાવતા લોકોના સ્વભાવની ચર્ચા કરવામાં આવી છે.

અઢારમાં અધ્યાયમાં 'દૈવી સંપદાને લઈ જન્મેલા લોકો તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્યશુધ્ધિ, શત્રુતાનો ભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું - આ બધાં દૈવી સંપદાને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે. જ્યારે દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ... આદિમાં પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા રહેનારા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અન્તર્યામીનો (ભગવાનનો) પણ દ્વેષ કરે છે.'

અદેખાઈ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ એ માણસને સમજવા દેતી નથી, કારણ કે અદેખાઈ એ વિવેકની શત્રુ છે. પારિવારિક જીવન અને રાજકીય ક્ષેત્રોમાં પણ અદેખાઈને રમવા માટે મોટું મેદાન મળી જાય છે.

ઈર્ષ્યા કે અદેખાઈનું થાણું માણસનું મન છે. માણસના મનની ચંચળતા છે, માણસના મનનું બહુરૂપિયાપણું છે. એટલે માણસના મનમાં શું ચાલે છે, તેની બીજાને ખબર પડતી નથી. પણ માણસને પોતાને ખબર હોય છે, કારણ કે એ સહેતુક અદેખાઈ કરતો હોય છે. માણસ મનને ખુલ્લું ન કરે ત્યાં સુધી વાલિયો લૂંટારો જ રહેવાનો. આત્મદર્શન થાય, તો વાલ્મીકિ બની શકે.

અદેખાઈ માણસને કોઠે પડી ગઈ હોય છે. એટલે એને આજીવન દુર્યોધન રહેવું ગમે છે. યુધિષ્ઠિર બનવા અદેખો માણસ પોતાના મનને મનાવી શકતો નથી. તુલસીદાસજીએ સાચું જ કહ્યું છે કે, 'કેટલાક લોકો ઉચ્ચ પદ પર બેઠેલા હોય છે, તેમજ વૈભવશાળી પણ હોય છે, પરંતુ તેમનાં કાર્યો નીચતાપૂર્ણ હોય છે. ઈર્ષ્યાને કારણે તેઓ બીજાનું ઐશ્વર્ય સાંખી શકતા નથી.'

અદેખો માણસ ભ્રષ્ટ બુધ્ધિનો હોય છે, એટલે ઈર્ષ્યાની ખાઈમાં પડયો રહેવાનો તેને અજ્ઞાાનને કારણે આનંદ હોય છે. જે માણસ જાતે જ પોતાની નૌકા ડુબાડવામાં આનંદ જોતો હોય એને સંતો પણ સુધારી શકતા નથી. જે માણસ કોલસાથી કાળા થયેલા હાથને મેંદી મુકાયેલો માને તેને કોણ સમજવી શકે ? એનો સ્વભાવ જ અદેખો બની ગયો હોય છે. સ્વ એટલે પોતાનો ભાવ એટલે મનોવલણ. સ્વભાવ એ આંતરિક વસ્તુ છે, એમાં આદત, ટેવ, ગુણ, વિશિષ્ટતા, પ્રકૃતિ, લક્ષણ, મિજાજ, તાસીર, સંસ્કાર વગેરેનો સમાવેશ થાય છે. અદેખાઈના દૂષણમાંથી મુક્તિ જોઇતી હોય તો સ્વભાવ સુધારવો પડે.

અદેખો માણસ માનસિક રીતે સુખી રહી શકતો નથી. અને સુખ ક્યાંથી આશાન્તને ? પણ ઈર્ષ્યાની આદત પડી જાય એમાંથી સહેલાઇથી બહાર નીકળી શકાતું નથી. આવી આદત કે ટેવ માણસના સ્વભાવમાં વણાઈ જાય છે. આવી આદતમાંથી મુક્ત થવા માટે સ્વભાવમાં પરિવર્તન લાવવું બહુ જરૂરી છે. સ્વભાવમાં ઈર્ષ્યા ઉપરાંત અન્ય ઘણાં દોષો જોવા મળે છે... અસત્ય બોલવું, ચોરી કરવી, મદ્યપાન કરવું, કામચોર હોવું... વગેરે વગેરે.

આ બધાં દૂષણોમાંથી મુક્ત થવા માટે માણસે નકારાત્મકતા છોડી, સકારાત્મક વિચારોનું ચિંતન કરવું જોઈએ. મનમાં પડેલા પૂર્વગ્રહ કે વેરવૃત્તિ ફગાવીને નમ્રતા અને નિખાલસતાપૂર્વક ચર્ચાને સ્થાન આપવું જોઈએ. મનને દ્વેષથી મુકત રાખી સહુ તરફ પ્રેમ અને સદ્ભાવ દાખવવાં જોઈએ. બીજાના ભોગે પોતાને સુખી બનાવવાની એષણા દૂર કરવી જોઈએ. કોઇપણ માણસ સંપૂર્ણપણે દેવ નથી કે નથી સંપૂર્ણપણે દાનવ. માટે તેનામાં રહેલા દેવત્વના અંશને જ નિહાળો. દોષદ્રષ્ટા નહીં શુભદ્રષ્ટા બનો. જીદ, હઠ, વટ, અહંકાર ત્યજીને માનવતાને વિકસાવો. સદ્વાચન સદ્ચિંતન, સદુપદેશનું શ્રવણ કરો. સ્વભાવ બદલવામાં ઘરનાં વડીલોનો સહયોગ પણ બહુ આવકારકદાયક નીવડે છે.