Get The App

સંસાર 'અસાર' છે તે જાણવા છતાં બધાં લોકો 'સંસાર'માં કેમ પડે છે?

Updated: Jul 19th, 2022

GS TEAM

Google News
Google News
સંસાર 'અસાર' છે તે જાણવા છતાં બધાં લોકો 'સંસાર'માં કેમ પડે છે? 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- જીવન દેવતાએ આ સંસારને 'અસાર' માનવા માટે જીવનનું વરદાન આપ્યું જ નથી. શ્રેષ્ઠ સંસારી બનવા માટે જ જીવન પ્રાપ્ત થયું છે

* સંસાર 'અસાર' છે, તે જાણ્યા છતાં બધાં સંસારમાં કેમ પડે છે ?

* પ્રશ્નકર્તા: મુકુંદરાય ડી. જસાણી, હવેલી શેરી, 'જલારામ' મું. બાબરા, (સૌરાષ્ટ્ર)

'સં સારતા' મતલબ કે એક રૂપથી બીજા રૂપમાં સરકતા જવું એ સંસારનો સ્વભાવ છે. એટલે જ તેને સંસાર કહ્યો છે સંસારમાં કશું જ કાયમી નથી, સુખ પણ નહીં અને દુઃખ પણ નહીં. આધિ વ્યાધિ અને ઉપાધિનાં ચક્રો ચાલતાં રહે છે તેમ સુખની ઘડીઓ પણ આવતી જતી રહે છે. સુખ-દુઃખનો સરવાળો એટલે જ જીવન.

લોકો સંસારને લાભ-હાનિની દ્રષ્ટિએ મૂલવે છે. 'લાભ' થાય ત્યારે 'સંસાર'ને 'રુડો' કહી પ્રશંસા કરે અને નુકસાન, હાનિ કે દુઃખ આવે ત્યારે આ સંસાર 'ભૂંડો' છે, 'અસાર' છે, વ્યર્થ છે, મિથ્યા છે એવા આક્ષેપો કરે. 'સંસાર'ને જોવાની દ્રષ્ટિ રાગ-દ્વેષ, આસક્તિ, મોહ અને પોતાનું ધાર્યું થવું જ જોઇએ, એવી અપેક્ષાથી જુએ છે. માણસની તૃષ્ણાઓની કોઈ સીમા નથી. એટલે તૃષ્ણા પર મનુષ્ય જેટલું નિયંત્રણ રાખે અને આસક્તિનો ગુલામ ન બને એટલા અંશે જીવનમાં શાન્તિનો અનુભવ થાય.

સંસાર એક સાગર છે, ડૂબવા માટે નહીં 'તરવા' માટે. સંસારની અસારતાનો સતત ખ્યાલ રાખી ડરી ડરીને જીવવા માટે પરમશક્તિએ આપણને માનવ-જીવનનું વરદાન નથી આપ્યું. સંસારને 'પાપ' કે અભિશાપની ભૂમિ માનવાને બદલે સત્કાર્યો થકી સુંદર બનાવવા માટે આપણને ધરતી પર મોકલ્યા છે એવી ઉદાત્ત દ્રષ્ટિ જ આપણને સંસારને યથાર્થ રીતે સમજવાની દ્રષ્ટિ આપી શકે. સ્વામી વિવેકાનંદ હંમેશાં સકારાત્મક દ્રષ્ટિ કેળવવાની વાત કરતાં તેમણે ઉચિત જ કહ્યું છે કે સંસાર એક વ્યાયામશાળા છે, માણસ પોતાને બળવાન બનાવવા માટે આ ધરતી પર આવે છે. સંસારને 'અસાર' માની એની નિંદા કરવાનો કશો જ કર્મના સિદ્ધાન્ત મુજબ માણસ પોતાના કર્મો અનુસાર મનુષ્યનું વરદાન પ્રાપ્ત કરે છે. પૂર્વનાં સંચિત કર્મો અનુસાર માણસને 'સુખ' દુઃખ પ્રાપ્ત થતાં જ રહે છે. આ રૂપાળી સૃષ્ટિ કુદરતે આપણને નિરાશામાંથી આશાવાદી બનવા માટે હાજર રાખી છે. આપણે આપણી મરજી મુજબ ભગવાન ચાલે એમ ઇચ્છીએ છીએ અને દુઃખ આવે ત્યારે ભગવાનની 'ખફા મરજી' થઇ એમ માનીએ છીએ. પણ સુખ-દુઃખનું ચક્ર પરિવર્તન મુજબ ચાલતું રહેવાનું જ છે એમ માનીએ તો દુઃખની પળોમાં પણ આશ્વસ્ત થઇ જીવવાનુ આંતરિક અને આધ્યાત્મિક બળ મળશે. ચિંતક ગોલ્ડોનીના શબ્દોમાં 'આ સંસાર સુંદર પુસ્તક છે, પરંતુ જે એને વાંચી શક્તો નથી એના માટે તે વ્યર્થ છે.'

માણસ જિંદગીની વ્યાખ્યા કરવામાં ગોથાં ખાઈ જાય છે જિંદગી એટલે ધન, વૈભવ, આરામ, પીડા કે વેદનાનો અભાવ એવા બાંધ્યા અને સીમિત ખ્યાલોથી જિંદગી વ્યાખ્યા કરવા પ્રેરાય છે. જેને આપણે પૂજ્ય વંદનીય કે આરાધ્ય માનીએ છીએ એવી અવતારી વિભૂતિઓ, દેવી-દેવતાઓ કે સંત-મહાત્માઓનાં જીવન પણ દુઃખ મુક્ત રહ્યાં નહોતાં. પણ એમણે પોતાના જીવનની સાર્થકતા માત્ર પોતાને સુખી બનાવવામાં નહીં પણ 'સર્વહિતાય' અને 'સર્વ સુખાય'ની ભાવના પોતાના અંતઃકરણ સાચવી રાખી એટલે એમણે સંસારની 'અસારતા'ની ફરિયાદ ન કરી.

ધર્મશાસ્ત્રો અને સંત-મહાત્માઓએ માણસને જગાડવા માટે, જીવનની સાર્થકતા સમજવા માટેના સાધન તરીકે સાંસારિક સુખોની અસારતાની ભારપૂર્વક વાત કરી છે. સંસારમાં કોઈ સુખ શાશ્વત નથી, એટલે એના મોહમાં પડીને ક્ષણિક સુખોને સર્વસ્વ માનશો નહીં, એવા બોધ માટે સંસારની અસારતાની વાત કરી છે. આ સંસારમાં સુખો પરત્વેની એકાંગી વૃત્તિ કેળવવાને બદલે ત્યાગ, સેવા, સમર્પણ, પ્રેમ ભાવના અપનાવીને અને શ્રદ્ધાવાદી દ્રષ્ટિકોણ કેળવીને જ સંસારમાં પ્રસન્નતા પામી શકે. પ્રસન્નતાનું સરનામું 'રેડીમેઇડ' મળતું નથી. વળી 'મોક્ષ' અથવા 'મુક્તિ'નું સ્થળ કોઇએ જોઇને વર્ણવ્યું નથી એટલે માણસ 'બ્રહ્મમય' બનવાને બદલે જાતજાતનાં 'ભ્રમો'માં અટવાયા કરે છે. મનુષ્ય આ સૃષ્ટિના રંગમંચનો અભિનેતા છે. અભિનેતાએ હસવાનો પણ અભિનય કરવો પડે છે અને રડવાનો પણ. પણ એ અભિનય અમુક પાત્રની ભજવણી પૂરતો હોય છે. અભિનેતા પોતે એના કારણે સુખી કે દુઃખી થતો નથી ! માણસ માત્રની આવી જ સ્થિતિ છે એટલે પોતાની ભૂમિકા પ્રત્યે આસક્તિ રાખવાને બદલે પોતાનો રોલ ઝિંદાદિલીપૂર્વક ભજવવો એ જ જિંદગીનો આદર્શ હોઈ શકે.

માણસમાં રહેલી આસક્તિ તેને તેના સાચા સ્વરૂપનું ભાન થવા દેતી નથી. એટલે પોતાને સમજવાનું અજ્ઞાાન જ તેને રડાવે છે. માણસને પ્રલોભનો જાતજાતની જાળમાં ફસાવે છે. 'કર્મના સિધ્ધાંત'માં વર્ણવ્યા મુજબ સંસારમાં તમે 'આસક્ત' છો કે 'વિરક્ત' છો તે જાણવાનું તમારી પાસે જ બેરોમીટર છે. તમે 'એકલા' પડો અને 'એકલતા' લાગે તો તેનું નામ 'આસક્તિ' અને તમે એકલા પડો અને પરમાત્મા સાથે એકતા લાગે તેનું નામ 'વિરક્તિ'. આ બેરોમીટરથી તમે તમારું માપ જાતે જ કાઢી લઈ શકો કે તમે 'જ્ઞાાનમાર્ગ'માં જવા માટે અધિકારી છો કે નહીં માણસમાં આત્મદર્શનની વિવેકશક્તિ જાગૃત નહીં થવાને કારણે જ એ ભોગવાદી બને છે.

સાત્વિક ગુણો જ તેના જીવનને ઉદાત્ત બનાવી શકે. 'મનના માળા'માં આઈ.કે.વીજળી વાળાએ 'ભગવાન સાથે વાતચીત'નો એક પ્રેરક પ્રસંગ વર્ણવ્યો છે. તદનુસાર એક માણસે ભગવાનને પ્રાર્થના કરી કે 'હે ભગવાન ! મારી બધી ખરાબ આદતો તું લઇ લે.'

તો ભગવાને કહ્યું: 'ના ! એ બધી ખરાબ આદતો મારે લેવાની નથી, તારે છોડવાની છે.'

પછી પેલા માણસે ભગવાનને કહ્યું: 'હે પ્રભુ ! મારા અપંગ બાળકને તું સારો અને સંપૂર્ણ બનાવી દે.'

ભગવાને જવાબ આપ્યો: 'ના, એનો આત્મા સારો અને સંપૂર્ણ છે. શરીર તો ક્ષણભંગુર છે.' ત્યાર બાદ એણે ભગવાન પાસે ધીરજ અને સબૂરીની માગણી કરી.

ભગવાને કહ્યું: 'ના, ધીરજ અને સબૂરી એ તો કસોટીઓની નીપજ છે. એ અપાતી નથી, શીખી શકાય છે.'

હવે પેલા માણસે મક્કમ નિર્ધાર સાથે કહ્યું: 'હે દીનાનાથ ! મને તું સુખ આપ.'

ભગવાને હસતાં હસતાં કહ્યું: 'ના બેટા, હું તો તને આશીર્વાદ આપું છું. સુખ અને દુઃખ તો તારા મનની પેદાશ છે.'

પછી એણે પોતાની પીડાઓ લઈ લેવાની ભગવાન પાસે માગણી કરી.

ભગવાને કહ્યું: 'આ પીડા અને દુઃખો જ તને દુન્યવી કારણોથી દૂર રાખી મારા સુધી લઇ આવે છે અને તું બરાબર સાંભળી લે, હું તને ગુમાવવા માગતો નથી.'

ભગવાનને બધી જ વાતોમાં 'ના' પાડતા જોઇને એ માણસે કહ્યું: 'હે ભગવાન ! તું મને બધી જ વસ્તુઓ આપી દે, જેથી હું જિંદગીનો આનંદ માણી શકું.'

ભગવાને કહ્યું: 'ના, એમ નહીં, હું તને જિંદગી જ આપું છું. જેથી તું બધી વસ્તુઓનો આનંદ લઈ શકે.'

પેલા માણસની ધીરજની હદ આવી ગઈ. એણે કંટાળીને કહ્યું: 'હે નાથ ! તું મારા આત્માનો ઉત્તરોત્તર વિકાસ થાય તેવું કરી દે'

એના આશ્ચર્ય વચ્ચે ભગવાને પણ આ વખતે ના પાડી. અને કહ્યું તારે તારી મેળે જ વિકાસ સાધવાનો છે. હું તારામાં જરૂરી ફેરફારો ચોક્કસ કરીશ, જેથી તારી સાધના ફળે.

હવે એ માણસને ભગવાન પાસે શું માગવું તેનો ખ્યાલ જ નહોતો આવતો. છેલ્લે એણે એમ માગ્યું 'હે ભગવાન ! તું મને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ હું બીજાં બધાંને કરી શકું, એટલું તો શીખવાડ.'

આ વખતે ભગવાન મંદ-મંદ હસ્યા. જમણો હાથ ઊંચો કર્યો અને બોલ્યા: 'હમ...મ...મ હવે 

બરાબર છે. હવે તને કાંઈ સમજાયું હોય તેમ લાગે છે. જા, તથાસ્તુ' સંવાદ પૂરો થયો.

જીવન દેવતાએ સંસારને અસાર માનવા માટે જીવનું વરદાન આપ્યું જ નથી. શ્રેષ્ઠ સંસારી બનવા માટે જ જીવન પ્રાપ્ત થયું છે. જેટલા અંશે તમે સ્વાર્થ ેઅને તૃષ્ણાઓનું સામ્રાજ્ય ઘટાડી શકો તેટલા અંશે ઉત્તમ માનવી બની શકો. સંસારમાંથી બને તેટલો વધારો વધારે સુખ, સંપત્તિ, ભોગ-વિલાસમાં રચ્યો - પચ્યો રહેવાને કારણે એ સંસાર અમૃત છે કે વિષ એનો ભેદ સમજી શક્તો નથી. આત્મજાગૃતિનો અભાવ એ જ સંસારમાં પડયા રહેવાની ભાવના.