- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- ઘણાં પરિવારોમાં દીકરા-દીકરી ને સમાન ગણવામાં આવે છે. દીકરીને પણ દીકરા જેવી જ જીંદગી જીવવાની છૂટ આપવામાં આવે છે. પણ હજુ પણ દીકરીને પારકી થાપણ કહેનારા પરિવાર ઘણાં છે
ભાઈ-ભગિનીનો પ્રેમ અક્ષત રહે છે ?
પ્રશ્નકર્તા : પ્રવીણસિંહ દરબાર, સિવિલ હોસ્પિટલના સેવાભાવી કાર્યકર, યુવા નેતા, અસારવા, અમદાવાદ - ૧૬
ર ક્ષાબંધનનો દિવસ દર વર્ષે આવે છે અને વિદાય થાય છે. એ શ્રદ્ધા, ભાવના અને શુભત્વમાં વિશ્વાસનો વિષય છે. દરેક ભાવનાને લાભહાનિને દ્રષ્ટિએ વિચારવાની આદત જ માણસને સ્વાર્થી બનાવે છે. રક્ષાબંધન એ ખૂબ જ પ્રાચીન પર્વ છે. પૌરાણિક માન્યતા મુજબ રક્ષાબંધનના દિવસે ઇંદ્રાણીએ શાસ્ત્રીય વિધિ-વિધાન સાથે એક રક્ષાકવચ તૈયાર કર્યું અને તેને ઇંદ્રના કાંડા પર બાંધ્યું હતું. રાક્ષસો સામેના યુદ્ધના સમયે એનો ઇન્દ્રાણીએ ઇન્દ્ર માટે જીતનો માર્ગ ખોલી આપ્યો હતો. રક્ષાસૂત્ર અથવા રાખડી બાંધવાની પ્રથા એ ક્રિયાથી શરૂ થઈ હોવાનું મનાય છે.
રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ છે. જેમાં બહેન ભાઇના રક્ષણની દુવા માગે છે અને ભાઈ તેના રક્ષક બનવાની વણલેખી બાંયધરી આપે છે, રાખડીની એ પવિત્રતાનું બંધન કોઈપણ અજાણી બહેન કોઇને રાખડી બાંધી ભાઈ બનાવી શકે છે. ભાઈના કપાળે તિલક કરી મંગલ કામના સાથે રાખડી બાંધે છે. 'ભાઈ સમૃદ્ધ બને, વિજયી બને અને મારી રક્ષા કરે' એવી ભાવના રક્ષાબંધનમાં સમાયેલી છે. જ્યારે બાળક અભિમન્યુ સાત કોઠાના ચક્રવ્યૂહને વીંધવા તૈયાર થયો, ત્યારે માતા કુંતીએ તેના હાથ ઉપર રાખડી બાંધતા ગાયું હતું.
'મારા બાળુડા હો બાળ
તારા પિતા ગયા પાતાળ
સાથે મામો છે શ્રીગોપાળ'
કુંતીએ તેને વિજયના પ્રતીક તરીકેનું આત્મબળ વધારવા ગાયું હતું.
રક્ષાબંધન પર્વની એ વિશેષતા છે કે હિન્દુ-મુસ્લિમના સાંપ્રદાયિક ભેદ રાખ્યા સિવાય બેન મુસ્લિમ ભાઈને પણ રાખડી બાંધી રક્ષણ મેળવી શકે છે. એનું લોકપ્રસિધ્ધ ઉદાહરણ છે રાણી કર્ણાવતી અને મુસ્લિમ બાદશાહ હુમાયુનું. પોતાના પર હુમલો કરનાર સામે રક્ષણ મેળવવા રાણી કર્ણાવતીએ બાદશાહ હુમાયુને રાખડી મોકલી હતી અને એની લાગણીને માન આપીને હુમાયુએ કર્ણાવતીની રક્ષા માટે મોટી ફોજ મોકલી હતી.
શ્રીકૃષ્ણ દાનવો સામે લડી રહ્યા હતા, ત્યારે એમની આંગળી ઘવાઈ હતી, તે સમયે દ્રોપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને ઘવાયેલી આંગળી પર પાટો બાંધ્યો હતો અને શ્રીકૃષ્ણે દ્રૌપદી જ્યારે પણ યાદ કરે ત્યારે તેને મદદરૂપ થવાનું વચન આપ્યું હતું. એ દિવસ પણ રક્ષાબંધનનો દિવસ જ હતો.
હિન્દુધર્મની જેમ જૈનધર્મ પણ સાધુઓની પૂજા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવનાથી રક્ષા પોટલી બાંધે છે.
શ્રીમદ્ ભગવતપુરાણમાં વામન વેશધારણ કરેલા ભગવાન વિષ્ણુ અને અહંકારી રાજા બલિનો ઉલ્લેખ જોવા મળે છે. બલિનો અહંકાર દૂર કરવા વામનવેરો ઉપસ્થિત થઇ વિષ્ણુભગવાને તેની પાસે જે પોતે માગે તે આપવાનું વચન માગ્યું હતું અને વામને ત્રણ પગલાં ભૂમિ માગીને આકાશ, પાતાળ અને ધરતી માગી લીધી અને બલિરાજાને પૂછ્યું, હવે ત્રીજો પગ ક્યાં મૂકું ? ભગવાને બલિને રસાતાળમાં મોકલી આપ્યો હતો. બલિએ ભગવાન વિષ્ણુ પાસે તેમની સેવામાં રહેવાનું વચન માગી લીધું હતું. આમ રક્ષાબંધનના દિવસે બલિરાજાનું બળ વિષ્ણુ ભગવાને વામનવેશે ખંડિત કર્યું હતું, એટલે રક્ષાબંધનના દિવસને બળેવ પણ કહેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં રક્ષાબંધનનો તહેવાર 'નાળિયેરી પૂનમ' અથવા 'શ્રાવણી' નામે પ્રસિધ્ધ છે. રક્ષાબંધનને દિવસે લોકો વરુણદેવની પૂજા કરી તેમને પ્રસન્ન કરવા માટે સમુદ્રમાં નાળિયેર પધરાવે છે.
તામિલનાડુ, કેરાલા અને ઓરિસ્સાના બ્રાહ્મણો રક્ષાબંધનના આ પર્વને 'અવનિ અવિત્તમ' પણ કહે છે. જેમાં નદીસ્નાન સહિત ઋષિઓનું તર્પણ કરી નવી જનોઇ ધારણ કરે છે. યુજર્વેદી બ્રાહ્મણો ૬ મહિના માટે વેદોના અધ્યયનનો આરંભ કરે છે, એટલે આ પર્વનું એક નામ 'ઉપક્રમણ' પણ છે, જેનો અર્થ છે નવી શરૂઆત.
આફ્રિકા સહિત અન્ય દેશોમાં રહેતા ભારતીય નાગરિકો પણ રક્ષાબંધનના દિવસની ઉજવણી કરે છે. આધુનિક યુગમાં રાખડી 'ઓનલાઈન' નો વિષય બની ગઈ છે. એની સામે તહેવારની પવિત્રતાનું વિસ્મરણ ન થાય, એ માટે જાગૃતિ કેળવવાનું અનિવાર્ય બન્યું છે. રક્ષાબંધન નિમિત્તે ચલચિત્રો પણ ઘણાં બન્યા છે.
મૂળ વાત છે, શું 'રાખડી'ના ધાગા (દોરા) માં જીવનનું રક્ષણ કરવાની શક્તિ છે ? આ શક્તિ રાખડીમાં નહીં, પણ તેની ભાવનામાં છે. એ ભાવના સાથે બહેન ભાઇને રાખડી બાંધે છે, કે 'ભાઈ ભગવાન તમારી રક્ષા કરે' અને ભાઈ આજીવન બહેનની રક્ષા કરવાની ભાવનાથી રાખડી બંધાવે છે, જે સતત તેને બહેનની યાદ અપાવે છે.
રક્ષાની ભાવના માટે જેલમાં રહેતા કેદીઓને પણ રક્ષા બાંધી 'સદ્વિચાર' જેવી સંસ્થાઓ આ દિવસે કેદીઓને રાખડી બાંધે છે, જેથી તેઓને ઓછું ન આવે.
રાખડીમાં વિશ્વાસ, પવિત્રતા અને ભાવનાનું મહત્વ છે. શુભેચ્છાની પવિત્ર ભાવના સાથે બહેન દ્વારા ઉચ્ચારેલા શબ્દો જાણે અખિલ બ્રહ્માંડમાં સંભળાય છે અને ભાઈના દેવરક્ષણના પવિત્ર શબ્દો પ્રમાણે બહેનની ભાવના સફળ થવાની ભૂમિકા બંધાય છે.
રક્ષાબંધનની સાર્થકતા આજના યુગમાં યાંત્રિકતા ધારણ ન કરી દે, તેમાં રહેલી છે. એની પવિત્રતા અને શુભેચ્છા કોઈપણ ગણતરી વગર બહેન ભાઈ માટે ભાવનાપૂર્વક ધરાવે તો રક્ષાબંધનની સાર્થકતાની મૂળ ભાવના જળવાઈ રહે.
રક્ષાબંધન એ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનો દિવસ છે. એની આન, બાન અને શાન સુરક્ષિત રાખવા માટે દરેક ભાઈ-બહેને સમર્પિત રહેવુ પડશે. આજે અનેક બહેનો પર જાતજાતના અત્યાચારો થાય છે, ત્યારે માત્ર પોતાની બહેનના જ નહીં, પણ કોઈપણ નારીના રક્ષણ માટે નાગરિકોએ પ્રતિજ્ઞાબધ્ધ બનવું પડશે.
પહેલાંના જમાનામાં દીકરી માટે 'પારકી થાપણ'શબ્દ વપરાતો હતો. અત્યારે પણ મોટાભાગનાં માતા-પિતા દીકરીને 'પારકી થાપણ' જ માને છે. એટલે દીકરીને સારું ઘર અને સારો વર મળી જાય એટલું જ ભણાવવાની ઇચ્છા ધરાવે છે પછી ભલે ને દીકરી અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હોય અને લગ્ન પછી દીકરીના દામ્પત્યમાં ઉભા થતા પ્રશ્નોમાં પણ પોતાની જવાબદારીથી મા-બાપો હાથઊંચા કરી દે છે. દીકરી સાસરે જાય પછી એનાં સુખ-દુ:ખ સાથે તેમની કોઈ લેવાદેવા નથી એવી માન્યતા ધરાવે છે.
જો કે ઘણાં પરિવારોમાં દીકરા-દીકરી ને સમાન ગણવામાં આવે છે. દીકરીને પણ દીકરા જેવી જ જીંદગી જીવવાની છૂટ આપવામાં આવે છે. પણ હજુ પણ દીકરીને પારકી થાપણ કહેનારા પરિવાર ઘણાં છે.
ભાઈએ સાચા અર્થમાં બહેનની રક્ષા કરવી હોય તો સૌ પહેલા તેને તેના સમાજમાં તેના હક અપાવવા પડશે. માતા પિતાએ સંતાનભેદ ભૂલીને દીકરીને પણ દીકરાના સમકક્ષ સ્થાન આપવું પડશે. પૈતૃક સંપત્તિનો વારસદાર એકલો દીકરો નહીં પણ તમામ સંપત્તિમાં દીકરીને પણ સમાનાધિકારિણી બનાવવી જોઇએ. જો ભાઈ આટલી વાત સમજે ને અમલમાં મૂકે તો રક્ષાબંધનની સાચી સાર્થકતા સિધ્ધ થઇ જાય.


