Get The App

ભાગ્ય બિચારું માણસની વિચારસરણીનું શિકાર બન્યું છે!

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
ભાગ્ય બિચારું માણસની વિચારસરણીનું શિકાર બન્યું છે! 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- જગતમાં ઘટનાઓની માળાના મણકા ફર્યા જ કરવાના. દરેક પરિવર્તનને ભાગ્ય સાથે જોડવાની જરૂર ખરી?

વિધાતાએ લખેલા લેખ બદલી શકાય ખરા ?

પ્રશ્નકર્તા : મનન-નિયંતિ પંડયા સી-૭૦૩ તુલસી હાઈટ્સ, ત્રાગડ-ગરનાળા પાસે, હિલોક હૉટલ પહેલાં, મુ. ત્રાગડ, જિ. ગાંધીનગર

ન રસિંહ મહેતાએ કહ્યું છે કે 'માનવી મુર્ખ મન વ્યર્થ સોચે જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.' માનવીના છઠ્ઠીના લેખમાં મેખ ન જ વાગે. પણ સુખ-દુ:ખ પ્રારબ્ધ પ્રમાણે ભોગવવાનું હોય તો પુરુષાર્થનો શો અર્થ ?

બધી જ ગેરસમજનું મૂળ કારણ છે પ્રારબ્ધ અને પુરુષાર્થ વિષેની ગેરસમજ. છઠ્ઠીના લેખ, વિધિના લેખ વગેરે માન્યતાઓ આપણે શાસ્ત્રોના વિધાનોના પ્રભાવની અસર હેઠળ માનીએ છીએ. બાકી તો કોણ વિધાતા ? ભાગ્યના લેખ લખવાની શી વ્યવસ્થા ? વિશ્વમાં પળે-પળે અનેક દેશોમાં અનેક બાળકો જન્મ લેતાં ને મરણ પામતાં હોય તો એમના લેખની નોંધણીની શી વ્યવસ્થા ? અને મનુષ્ય સતત ક્રિયાશીલ રહેતો હોય તો પળે પળે તેના દ્વારા થતાં કર્મોનો હિસાબ રાખવાનું વિધાતા કે ચિત્રગુપ્ત માટે શક્ય છે ખરું ? અબજો કમ્પ્યુટર રાખવામાં આવે તો પણ આ શક્ય ના બને. એટલે ભાગ્યવાદ એ આસ્થાનો વિષય બની ગયો છે.

ભગવદ્ ગોમંડલ ભાગ-૮માં વિધાતા શબ્દના ૧૨ અર્થ આપવામાં છે. તે પૈકી ક્રમાંક ૧૦માં જણાવવામાં આવ્યું છે કે 'વિધાતા એટલે ભાગ્ય નિર્માણ કરનારી શક્તિ, છઠ્ઠીના લેખ લખનારી દેવી. ભાગ્યદેવતા, પ્રારબ્ધની અધિષ્ઠાત્રી દેવી, વિધાત્રી. આ દેવીની કાર્યપધ્ધતિ શી એની ચોખવટ આ થકી પ્રાપ્ત થતી નથી. 'લેખ' પર 'મેખ' મારવી એટલે વિધાતાએ પ્રારબ્ધમાં લખ્યું હોય તે મિથ્યા કરવું.' 'લખ્યા લેખ મટે નહીં'નો અર્થ પ્રારબ્ધ નિષ્ફળ જતું નથી એવો અર્થ દર્શાવવામાં આવ્યો છે.'

'પુરુષાર્થ એટલે પુરુષે (મનુષ્યે) સાધવાનાં ચાર મોટા કાર્યો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ દરેક પુરુષાર્થ ગણાય છે. શક્તિ, સામર્થ્ય, પરાક્રમના અર્થમાં પણ પુરુષાર્થ શબ્દ પ્રયુક્ત થાય છે.' 'સાંખ્ય દર્શન'મા પુરુષાર્થ વિષે નોંધવામાં આવ્યું છે કે 'હું સુખી થાઉં, દુ:ખી ન થાઉં એવી એ જાતની લોકોની પ્રાર્થના હોવાથી મહર્ષિ કપિલે સુખની પ્રાપ્તિ તથા દુ:ખની નિવૃત્તિને પુરુષાર્થ કહ્યો છે.'

પુરુષાર્થ ઉપર શ્રધ્ધા રાખવાને મતને 'પુરુષાર્થવાદ' કહેવામાં આવે છે. આ શબ્દ નસીબવાદથી ઊલટો છે. નસીબવાદી ભાગ્યમાં હોય તે જ મળે છે તેમ માને છે. નસીબનો ખેલ એટલે ભાગ્ય બળવાન હોવું તે.

નસીબ પર આધાર રાખનારને દૈવવાદી પણ કહેવામાં આવે છે. સઘળી ચર્ચાઓમાંથી ફલિત થાય છે કે અર્થપ્રાપ્તિ માટે પણ પુરુષાર્થ તો કરવો જ પડે. 'ધર્મ' માટે પણ ક્રિયાશીલ તો રહેવું જ પડે. મનની મહેચ્છાઓ કે કામનાઓ પરિપૂર્ણ કરવા માટે પણ પુરુષાર્થ તો કરવો જ પડે અને મોક્ષપ્રાપ્તિ માટે પણ સાધનોનો સહારો લેવો પડે છે.

મતલબ કે જિંદગીના ચાર આશ્રમો પૈકી એકપણ આશ્રમમાં માણસ પુરુષાર્થ સાથે છેડો ફાડીને ભાગ્યાધીન બની શકે નહીં. બ્રહ્મચર્ચાશ્રમમાં વિદ્યા પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો પડે. નસીબમાં હશે તો ભણાશે એવો તર્ક નિરર્થક નીવડે છે. માણસ ગૃહસ્થ બને ત્યારે અર્થ કમાવા નોકરી, વેપાર-વાણિજ્ય વગેરે માટે તેણે પ્રયત્ન મતલબ કે પુરુષાર્થ કરવો પડે છે. નોકરિયાત નોકરી કરે તો જ પગાર મળે. સંન્યસ્ત આશ્રમમાં સાંસારિક અલિપ્તતા કેળવી ઇશ્વરમય બનવા માટે પણ આવશ્યક પુરુષાર્થ કરવો પડે અને સન્યાસ ધારણ કર્યા પછી પણ મોક્ષ પ્રાપ્તિ માટે પ્રભુભક્તિ માટે નિરંતર સક્રિય રહેવું પડે. આ બધી જ બાબતોમાં માણસ કર્મ એટલે કે પુરુષાર્થની ઉપેક્ષા કરે તો ભાગ્ય ફળ આપવાનું નથી.

સંસ્કૃત સાહિત્યમાં પૂર્વજન્મનાં કર્મો કે નસીબનો મહિમા ગાતાં અનેક સુભાષિતો જોવા મળે છે : જેમ કે : અયોધ્યા ક્યાં અને દશરથનાં વચન પાળવા માટે દંડકારણ્ય આવી પહોંચેલા રામ ક્યાં ? સોનેરી મૃગ બનેલો મારીચ રાક્ષસ ક્યાં અને સીતાનું અપરણ ક્યાં ? સુગ્રીવ સાથે રામની મૈત્રી થવી તે ક્યાં અને સીતાજીને શોધવા હનુમાન કહે છે મને મોકલ્યો, તે કાર્ય ક્યાં ? ખરેખર જે બાબત બનવાની બિલકુલ કલ્પના પણ નથી હોતી, તેને પણ ક્રૂર કર્મ કરનાર વિધાતા ઘડી આપે છે. આ કર્મનો વાયદો અટલ છે, દૈવવશાત્ જે બનવાનું છે, તે મિથ્યા કરી શકાતું નથી. ટુંકમાં જે થયું તે શા માટે થયું તેની સમજ ન પડતાં માણસ તેને ભાગ્યનું નામ આપી દે છે. માણસનું જ્ઞાન પણ પૂર્વજન્મનું કારણ અને અજ્ઞાન પણ પૂર્વજન્મોનાં કર્મોનું ફળ. માણસ પોતાનો પ્રમાદ, બેજવાબદારી, શઠતા, સ્વાર્થ અને બેઇમાનીને છુપાવવા માટે પણ કર્મના નિયમની મદદ લેવામાં નાનમ અનુભવતો નથી. 

ભાગ્યે માણસને પજવવાનો ઠેકો નથી લીધો કે કામધેનુ બનીને આપણા સઘળા મનોરથો પાર પાડવાનો ઠેકો પણ નથી લીધો. એટલે ભાગ્યવાદી વિચારોથી પર રહી માણસે પુરુષાર્થ કરતાં રહેવામાં પાછી પાની કરવી ના જોઇએ.

એટલે ભાગ્યવાદી બનવાને બદલે પુરુષાર્થવાદી બનવામાં જ સાર છે. 'જેહના ભાગ્યમાં જે સમે, જે લખ્યું' તે મેળવવા માટે પણ માણસે પુરુષાર્થ તો કરવો જ પડે છે. 

ઘણીવાર ઘણી વસ્તુઓ આકસ્મિક રીતે પ્રાપ્ત થઇ જતી હોય છે કે આકસ્મિક રીતે હાનિકારક પણ નીવડી જતી હોય છે, એને ભાગ્ય રૂઠવાનું કે નસીબ વાંકુ હોવાનું માની, 'ભગવાને ધાર્યું હશે તે થશે' - એમ માની પુરુષાર્થ ત્યજી દઇએ તો હાથમાં નિરાશા સિવાય કશું જ ન આવી શકે. એટલે વિપરિત પરિણામ મળે ત્યારે મનને એ રીતે આશ્વસ્ત રાખવું જોઇએ કે હજી પ્રતીક્ષાનો સમય પાક્યો નથી. હજી પુરુષાર્થની આકરી પરીક્ષા થવાની બાકી છે. નસીબ પણ પુરુષાર્થની પીઠ પર સવાર થઇને તમને આશીર્વાદ આપવા ઇચ્છતું હોય તેની કોને ખબર !

એટલે વિધાતાના લેખ પર મેખ મારી શકાય કે નહીં એ પ્રશ્ન અસ્થાને છે. વિધાતાના લેખ વિષે સમજતા પહેલાં આપણે પ્રારબ્ધ અને પુરુષાર્થ અંતે છે શું ?  તે જાણવું અત્યંત જરૂરી છે. પ્રારબ્ધનો સંબંધ પણ અંતે તો કર્મ સાથે જોડાયેલો છે. સંચિત કર્મો ના સારા-માઠાં પરિણામો માણસે ભોગવવા પડે છે તેને જ પ્રારબ્ધ કે ભાગ્ય તરીકે ઓળખવામાં આવે છે. પુરુષાર્થમાં શ્રધ્ધા રાખનારાઓ કહે છે કે માણસે પૂર્વજન્મમાં જે કામ કર્યું હશે તેને જ નસીબ કહેવાય છે તો એનો અર્થ એ થયો કે પુરુષાર્થ વિના નસીબ કે ભાગ્ય સધાતું નથી.

દૈવ પર આપણો પ્રત્યક્ષ અધિકાર નથી પણ પુરુષાર્થ તો આપણા હાથની વાત છે. નસીબમાં ફળવાનું હોય તોય એ કર્મ દ્વારા જ ફળવાનું છે. કર્મ કરનારે કદી નિરાશ થવું પડતું નથી.

જો ફળ કર્મને આધીન હોય તો તો પછી દૈવને નમસ્કાર કરવાથી શું ફાયદો ? મનુષ્ય જે કર્મો કરે છે તેને જ નમસ્કાર કરવા જોઇએ. વિધાતાએ લખેલા લેખ બદલવાનો વિચાર કરવાને બદલે પુરુષાર્થ એટલે સારાં કર્મોનો વિચાર કરો કારણ કે કર્મો દ્વારા જે ભાગ્ય ઘડાતું હોય છે.