- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- ભૌતિક સુખોના અંબારે માનવની પારસ્પારિક નિકટતામાં ગાબડાં પાડયા છે
પ્રશ્ન : સમગ્ર સૃષ્ટિમાં સાચી લાગણીનો દુષ્કાળ હોય એવું કેમ અનુભવાય છે ?
પ્રશ્નકર્તા : ડી.કે માંડવીયા સ્ટેશન રોડ પોરબંદર
જગત આખું જાતજાતના અસંતોષની આગથી દાઝી રહ્યું છે. દરેક માણસ પરસ્પર માટે મલમ બનવાને બદલે પોતાના અસંતોષની લૂ વહેતી રાખી બીજાની પીડા વધારે છે. પરિણામે પીડામાં વધારો થાય છે અને શાંતિ તથા આનંદ દૂર સરતાં જાય છે.
માણસ એ સામાજિક પ્રાણી છે એટલે એ સ્નેહ, સખ્ય અને આત્મીયતાભરી નિકટતાને તાંતણે બંધાયેલો છે. રક્તગત અને લાગણીગત સંબંધોની ઉદાત્તતા માણસના જીવનને પ્રસન્નતા અર્પે છે. એમાં પડેલી તિરાડ માણસના મનને વિષાદયુક્ત બનાવી દે છે. સંબંધો પછી ભલે એ રક્તજન્ય હોય, લાગણીજન્ય હોય કે કાનૂનરક્ષિત હોય એ નિર્મળપણે વહેતા રહે ત્યાં સુધી એમાં ફોરમ રહે છે. એ બેધિયાર બને ત્યારે એમાં મલિનતા જન્મે છે અને સંબંધો તથા લાગણી ઔપચારિક બની જાય છે. અંગત સ્વજનો અને સ્નેહીઓમાં જ્યારે અન્ય માટે કશું ક કર્યાનો અહંકે સામેના પાત્રે કશુંના કર્યાનો કચવાટ લાગણીની ઘનિષ્ટતા કે સાર્થકતાનો માપદંડ બની જાય છે ત્યારે અપેક્ષાઓને ઝૂલે હીંચતી લાગણી અસલામતીની ભાવના અનુભવે છે. માણસ દ્વારા પ્રદર્શિત થતો પ્રેમ, લાગણી, સંબંધ નિમિત્તે થતો ત્યાગ કે કુરબાની ફળવી જ જોઈએ એવું ગણિત, સંબંધ કે પ્રેમના દેવતાને માન્ય નથી. સ્વજનો પ્રત્યેની મમતા કે લાગણીએ સ્વયંભૂ અને સ્વયંસ્કૂરિત ઉદાત્ત ભાવના બને અને કશુંક કર્યાનો પ્રત્યુત્તર ન મળ્યાનો કચવાટ મનમાં ન રહે તો મન અનેક પ્રકારની મનોયાતનાઓમાંથી મુક્ત રહી શકે.
પણ, ભૌતિક સુખોના અંબારે માનવની પારસ્પારિક નિકટતામાં ગાબડાં પાડયા છે. એક જ ઘરમાં સાથે રહેતા માણસો સંયુક્ત રીતે જીવવા છતાં સાવ વિભક્ત છે. દરેકને પોતાનું મહત્ત્વ છે. અન્ય એને મન ગૌણ છે. પોતાની સગવડ, પોતાનું મંતવ્ય, પોતાનું સુખ, પોતાની જીવનશૈલી સાચી અને બીજાનું બધું જ ગૌણ અને ખોટું એવાં મનોવલણો ધરાવવાને કારણે માણસ સ્વજનોની નિકટતા અનુભવવાનો આયાસ કરવાને બદલે પોતાના અહંકારનો સંત્રી બનવામાં પોતાનું ચાતુર્ય માને છે આજને માણસ જન તો છે, પણ 'સ્વજન' ગણાવાની ઉષ્મા ગુમાવતો જાય છે. પરિણામ એ આવ્યું છે કે લાગણી અને સંબંધોમાં ઔપચારિકતા વધી છે અને આત્મીયતાની ઉષ્મા સાવ તળિયે જઈ રહી છે.
પહેલાનાં સમયમાં વડીલો, બુઝુર્ગો, ગુરુઓ, સ્વરૂપ જીવી બતાવવા અને તેને જીવનમાં ઉતારવા માટે નાનેરાં કે યુવકોને પ્રેરિત કરતા હતા. આજે તો માણસના જીવનમાં વાસ્તવિકતાનું સ્થાન ઔપચારિકતાએએ લઈ લીધું છે. લાગણી કે આત્મીયતા હોય પણ ખરી અને ન પણ હોય, માત્ર યંત્રવત ક્રિયા પણ હોય. 'નમસ્તે'માં નમવાની, નમ્રતાની ભાવના સમાયેલી છે. માણસમાં રહેતા પરમાત્માની વંદનાનો ભાવ છે. પણ નમસ્તે કેવળ હાથ જોડવાની પ્રક્રિયા બની ગઈ છે. માણસ દર્શનપ્રિય હોય કે ન હોય, પ્રદર્શન પ્રિય તો અવશ્ય છે. જેમાં ભારોભાર ઔપચારિકતા સમાયેલી છે. ઔપચારિકતાના ઘણા અર્થ થાય છે. જેમકે ઉપરચોટિયુ, ગૌણ, ધોરણસરનું, નામનું, વિવેક પૂરતું, બનાવટી, કૃત્રિમ, બાહ્ય ઉપચારનું, લાક્ષણિક વિધિપૂર્વકનો શિષ્ટાચાર, નિયમાનુસાર... વગેરે... જે 'રિયલ' એટલે કે વાસ્તવિકતાથી ઘણી જ દૂર હોય છે.
આજનો માણસ વાસ્તવિકતાથી દૂર થતો જાય છે, તેનું એક કારણ એ પણ છે કે એનું ભાવનાત્મક ઘડતર થયું હોતું નથી. પરસેવાની કમાણી કરતાં ખોટા માર્ગે જલદી પૈસા મળે તેવા બૌધ્ધિક ખ્યાલોએ તેના મનનો કબજો લઈ લીધો છે.
આજે જીવનની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જીવન એટલે માનવમાંથી મહામાનવ બનવા ઈશ્વરે આપેલી તક એ વાતની સદંતર ઉપેક્ષા થઈ રહી છે. પરિણામે જીવનમાં માનવીય અને નૈતિક મૂલ્યોની ઉપેક્ષા થઈ રહી છે. 'નમન-નમન મેં ફેર હૈ,બહુત નમે નાદાન' આ વાત સાચી ઠરી રહી છે.
શાળા મહાશાળાઓમાં શિક્ષણને સ્થાન અપાતું જાય છે, પણ આજે નથી વાણીમાં વિવેક કે નથી વર્તનમાં વિવેક ઘર કે શિક્ષણ-સંસ્થાઓ જીવનઘડતરનું કામ કરવા સમય ફાળવી શકતી નથી. ઔપચારિકતા એ બાહ્ય વિવેક છે. એમાં અંત:કરણનો ઉમળકો ન હોય. પહેલાનાં સમયમાં તન, મન અને હ્ય્દય ત્રણેયની કેળવણી પર ભાર મુકાતો હતો. છાત્ર કે શિષ્ય કુળવાન ખાનદાન બને, વિદ્યા સાથે સંસ્કાર પણ વિકસે તેનો ખ્યાલ રાખી ગુરુકુળ ચલાવતાં હતા.
આજે પારિવારિક સંબંધોમાં, મૈત્રીભાવમાં, પ્રેમની અભિવ્યક્તિમાં બધે જ કૃત્રિમતા. આઈ લવ યુ એ હોઠના શબ્દો બની ગયા છે. એમાં હૈયાની વફાદારીનું અમી હોય, તો જ એ રિયાલિટી બની શકે. જન્મદિનની પાર્ટીઓ કે ઉજવણીમાં પણ કેક કાપવાની ફોર્માલિટી અવશ્ય થાય છે. સ્કૂલોમાં થતી પ્રાર્થનાઓ પણ ફોર્માલિટી ખાતર કરાવવામાં આવે છે. વિદ્યાર્થીને પ્રાર્થનાનો અર્થ પણ ખબર હોતો નથી.
જીવનમાં શિસ્ત, શાલીનતા, સંયમ, આદર વગેરે ઘટવાનું કારણ માણસના મનની સંકુચિતતા છે. માણસનું મન સાંકડું બની ગયું છે. માટે એ માત્ર પોતાનો જ વિચાર કરે છે. બીજા બધા ગૌણ બની ગયા છે.
આજે માણસને માત્ર 'આજ'માં રસ છે. એટલે એ દંભી અને આત્મકેન્દ્રી બની ગયો છે. લાભ અને અને મન સર્વસ્વ છે. તેનામાં કરુણાનો ઝરો સુકાવા માંડયો છે એટલે એને સાત્વિકતામાં રસ નથી. આજના માણસના મનમાં ધન એ જ ધર્મ છે. બુધ્ધિશુધ્ધિ અને સંસ્કાર ગૌણ છે. એટલે અન્યો માટે લાગણીનો ઝરો ધીરે ધીરે સુકાવા લાગ્યો છે. આત્મનિરીક્ષણ અને મન પરનો કાબૂ જ આવી આફતની ક્ષણોમાં માણસનો સાથી બની શકે.
જીવનમાં લાગણી કે પ્રેમનું મહત્ત્વ છે. લાગણી શબ્દનું સાચું મૂલ્ય નહીં સમજવાને કારણે જ માણસનું મન અનેક પ્રકારની ગેરસમજણો સર્જતું હોય છે. લાગણીમાં સારી રીતે બંધાવું, સમજણપૂર્વક બધાવુ, સહ્ય્યતાપૂર્વક બંધાવું અને ભાર વગર બંધાવુ, સાચી લાગણીની આ મહેક છે. અને આવી લાગણીના સંબંધોને તૂટવાનો કે બરબાદ થવાનો, બગડવાનો કે વિકૃત થવાનો ડર હોતો નથી. કારણ કે જ્યાં સાચી સમજણ પ્રગટી હોય ત્યાં ગેરસમજને અવકાશ નથી હોતો. એટલે જ લાગણીના સંબંધોને ન ધસાય, ન લજવાય, કે ન ઉવેખાય. લાગણીના સંબંધોમાં લેવાને નહીં, આપવાને સ્થાન છે. આપવાનો નિર્બંધ, નિર્વ્યાજ અને નિ:સ્વાર્થ આનંદ એ જ લાગણીના સંબંધોની સફળતા છે.
લાગણીના સંબંધોમાં વમળો તો આવવાના જ. પણા આવા સંબંધોની શાન અને આન નહીં સમજવાની સ્થિતિમાંથી ગૂંચવાડા સર્જાતા હોય છે. આજનો માણસ અસહિષ્ણુ બની ગયો છે એટલે આવા ગૂંચવાડા દૂર કરવાને બદલે આવા સંબંધોની દરકાર કરતો નથી અને ધીરે ધીરે લાગણીમાં ઓટ આવતી જાય છે.
લાગણીના સંબંધોમાં ગણતરી હોય ત્યાં જ આવું થાય છે. સંબંધ એ પૂજા છે, ઉપાસના છે, એમાં ન ભોગ લેવાય, ન દેવાય. એમાં તો શ્રધ્ધા અને લાગણીનું વૈદ્ય ધરાવાય અને એનો પ્રસાદ હોંશે હોંશે આરોગાય. સંબંધને ગણિતનાં કાટલાંથી તોળી હિસાબ કરનાર તકસાધુઓ સંબંધને લજવે છે.
સમર્પણ, બલિદાન અને સહેવાની તૈયારીએ લાગણીના સંબંધના પ્રવેશદ્ધારની પૂર્વશરત છે. સામેની વ્યક્તિ પ્રેમનો જવાબ પ્રેમથી જ આવે એવા દુરાગ્રહથી માણસે મુક્ત રહેવું જોઈએ. પ્રેમ શરતને ધિક્કારે છે, સમર્પણને આવકારે છે.
આજના ભૌતિકયુગના માણસ સામે એવી ફરિયાદ થઈ રહી છે કે તે પોતાની સંવેદનશીલતા અને માનવતા ગુમાવી રહ્યો છે. એનું મુખ્ય કારણ અગાઉ કહ્યું તેમ સર્વત્ર જોવા મળતો મૂલ્ય નિષ્ઠાનો અભાવ છે અને એનું મુખ્ય કારણ સમાજમાં જોવા મળતી અસમાનતા એક તરફ ગરીબી તથા બીજી તરફ પૈસાની વિવેકશૂન્ય ભૂખ છે. એટલે જીવનના શાશ્વત મૂલ્યો તરફ માણસ ઉદાસીન અને બેપરવા બની ગયો છે.


