- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- સંયમ અને સમજણની લક્ષ્મણરેખા જેટલી સચવાય તેટલા જ અંશે સંબંધ અક્ષત-હેમખેમ રહે
પ્રશ્ન : સંબંધો સાચવવા, સંભાળવા, સુરક્ષિત રાખવા ક્યા સિધ્ધાંતોને અપનાવવા પડે ?
પ્રશ્નકર્તા - રક્ષિત ઉષાકર વોરા મુ.પો. સરગાસણ જિ. ગાંધીનગર
સંબંધ સહજરૂપે વહેતો રહે તો જ સ્વસ્થ રહે. સંબંધને અપેક્ષાઓને ત્રાજવે તોળવાની તૈયારી જેટલી ઓછી સંબંધની દીઘાર્યું રહેવાની તેટલી શક્યતા વધુ.
વરસાદ ઝરમર ઝરમર વરસતો હોય તો એમાં પલળવાની પણ એક મજા છે. ધોધમાર વરસાદ અને ઝડીઓમાં નહાવાનો આનંદ પણ કોઈને ગમે, પરંતુ ગૂંગળામણ અનુભવાય એવું માણસને ગમતું નથી.
સંબંધમાં પણ એવું છે. એ જેટલો ભારવિહોણો, તેટલો આનંદદાયક. એમાં લાગણીનું તત્વ જેટલું વધુ અને માગણીનું તત્વ જેટલું ઓછું, સંબંધ સ્વસ્થ રહેવાની શક્યતા તેટલી વધારે. અન્ય ક્ષેત્રોની જેમ સંબંધને પણ અતિશયતાના આક્રમણથી અળગો રાખવો જોઈએ. ઘણીવાર વધુ પડતી નિકટતા, ધૃણા કે તિરસ્કારમાં પરિણમે છે. એટલે સંબંધોને બહેકાવવાને બદલે મહેકાવવાની વાત પર ભાર મૂકવો જોઈએ.
સવાલ એ થાય કે સંબંધ મહેકે કઈ રીતે ? એ મહેકે ત્યાગ અને સમર્પણના ખાતરથી, એ મહેકે નિ:સ્વાર્થતાની નિર્મળ હવાથી, એ મહેકે સંબંધની શાન સાચવવાની નેક નિયતથી, એ મહેકે સંબંધીના ગુણો પ્રત્યે આદરભાવ અને દોષો પ્રત્યે ક્ષમાભાવથી, એ મહેકે આપવાની ભાવનાથી, એ મહેકે સહિષ્ણુતાથી અને મહેણાંટોણાં વ્યંગ્યવક્રોકિતથી મુક્ત રહીને સંબંધોને મદદરૂપ થવાની ઉત્કટ અભિલાષા અને તૈયારીથી.
રવીન્દ્રનાથ ટાગોરે પાંદડા અને ઝાકળબિંદુના સુંદર ઉદાહરણ આપતા કહ્યું છે કે રાત્રિના અંધકારમાં ઝાકળ અને પાંદડાનો સંબંધ સ્થપાય છે, શોરબકોર વગર, સંબંધના પ્રદર્શન કે જાહેરાત વગર. ઝાકળબિંદુ પાંદડાનો આશ્રય માગે છે. પાંદડું બિનશરતી આશ્રય આપે છે. રાતભર એનું આતિથ્ય કરે છે. સૂરજ ઊગે એટલે ઝાકળબિંદુનું વિલોપન થાય છે. જતાં જતાં પણ ઝાકળબિંદુ પાનનું સૌંદર્ય વધારે છે. એ પાંદડા પર પડયું પણ ભાર વગર. પાંદડાને બોજારૂપ બન્યા વગર અને સંબંધ સાચવ્યો.
સંબંધને લાંબો જીવાડવો હોય તો ઘડીમાં ઓછો અને ઘડીમાં વધુ વ્યવહાર રાખવાને બદલે સંતુલિત સંબંધ નિભાવવો જોઈએ. શરૂઆતમાં અત્યંત નિકટતા અને પછી ધીરે ધીરે એમાં ઓટની સ્થિતિ લાવવાને બદલે શરૂઆતમાં સંબંધને વિકસવાની ભૂમિકા અને એમાં આત્મીયતા તથા નિ:સ્વાર્થતા અકબંધ રહેતા જણાય તો ક્રમશ: વધવા દેવાની સ્થિતિ સંબંધને અનેક આપત્તિઓથી બચાવી શકે છે.
નિકટતાનો અર્થ ગમે ત્યારે, ગમે તે અધિકાર ભોગવવાનો પરવાનો, એવું અર્થઘટન અને ઉતાવળ દાખવવાને કારણે ઘણા સંબંધો પાયમાલ થતા આપણે જોઈએ છીએ. નિકટતાનો અર્થ જ એ કે સંબંધમાં અત્યંત જવાબદારીપૂર્વક વર્તવું. સંબંધીને અવાંછનીય વસ્તુઓથી દૂર રાખવો. જેમ કે કસમયે સંબંધીને ત્યાં દોડી જવું, નાનાં-નાનાં કામો માટે વારંવાર તકલીફ આપવી, કામ ન થાય તો સંબંધીનો દોષ જોવો, પૈસાની માગણી કરવી, તેના ઘરની વ્યક્તિઓ સાથે શંકાપ્રેરક સંબંધો વધારવા, સંબંધીની મિત્રો કે સગાવહાલાં સમક્ષ નિંદા કરવી, સંબંધીને ક્રોધ કે અપમાનનો શિકાર બનાવવો, જીદ કરવી... આ બધી બાબતો સંબંધને નુકસાન પહોંચાડનારી છે, એટલે જ એ બધી બાબતોથી માણસે મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંબંધમાં સંયમ અને સમજણની લક્ષ્મણરેખા જેટલી સચવાય તેટલા જ અંશે સંબંધ અક્ષત-હેમખેમ રહે.
જ્યાં લાગણીના સાચા સંબંધો હોય છે, ત્યાં સંબંધ તૂટવાની શક્યતા હોતી જ નથી. જે સંબંધો કસોટીની આંચ ન સહી શકે એ સંબંધો બોદા સંબંધ કહેવાય. એટલે સંબંધમાં સ્વયંસ્વીકૃત કેટલીક આવશ્યક મર્યાદાઓનું અનુપાલન કરવું શ્રેયસ્કર છે. સંબંધ જેટલો ભોગલક્ષી ઓછો, અને ત્યાગલક્ષી વધુ તેટલી જ એની આવરદા વધારે. માનવ સંબંધની વાત કરીએ તો ભક્તો અને ઉપદેશકો એમાં ઋણાનુબંધને મહત્વ આપે છે.
'કોઈ આજ જશે કોઈ કાલ,
આ તો પંખીડાનો મેળો'
એની સાથે સાથે 'કોઈ કોઈનું નથી રે' એ જ વાત્સવિકતા છે, એમ ભારપૂર્વક વર્ણવે છે.
વાસ્તવમાં સંબંધ એક સામાજિક આવશ્યકતા છે. સમાજ આખરે તો પારસ્પારિક વ્યવહારના તાણા-વાણાથી વણાયેલું એક બહુરંગી વસ્ત્ર જ છે ને ! માણસના સંબંધ બંધાય તેનાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક, વ્યવસાયિક વગેરે અનેક પ્રકારનાં કારણો હોય છે. કેટલાક સંબંધો નૈમિત્તિક હોય છે. નિમિત્ત કે કારણ પૂરું થતાં એવાં સંબંધ પૂરા થઈ જતા હોય છે પણ સગાઈ-સંબંધ, લાગણી અને મૈત્રીમાં બંધાતા સંબંધો વિશિષ્ટ હોય છે. સંબંધ લાગણી, પ્રેમ, ઉપકાર અને સ્વાર્થથી બંધાય છે અને મનમેળ રહે ત્યાં સુધી સ્વસ્થ રહે છે. એમાં શંકા, વહેમ, ગણતરી અને સંકુચિતતા કે ઉદારતા અને સહિષ્ણુતાનો અભાવ ઉદ્ભવે એટલે સંબંધમાં તિરાડ પડે છે. મતભેદ વરવું રૂપ લઈ મનભેદ સર્જે છે અને મનભેદનું તીવ્રતમ રૂપ તિરસ્કાર, નફરત, વેરવૃત્તિ અને કૃતઘ્નતા જન્માવે છે.
સંબંધ બાંધવા અને જીરવવા તથા જાળવવા એ પણ એક કલા છે. સંબંધને ઝરણાની જેમ વહેતો રહેવા દઈ ધીરે ધીરે વિકસવા દેવો જોઈએ. ઉતાવળે બાંધેલા સંબંધનો ઉતાવળિયો આનંદ માણી લેવાની વૃત્તિ સંબંધની આન અને શાનમાં અંતરાયરૂપ બને છે. જે અંતે સંબંધ તૂટવા માટેનું કારણ પુરું પાડે છે.
સંબંધમાં જેટલી સાહજિકતા અને સ્વચ્છતા વધારે, સંબંધ તેટલા સ્વસ્થ રહી શકે. સંબંધમાં વ્યક્તિ પોતાને મહત્વ આપવાને બદલે સંબંધ અને સંબંધીને મહત્વ આપે તો તેવો સંબંધ વધુ શુધ્ધ રહે. જ્યાં જાતે સુખી થવા કરતાં બીજાને સુખી કરવાની ભાવના બળવત્તર હોય ત્યાં સંબંધ જળવાઈ રહે છે.
જગતમાં માતૃપ્રેમને સૌથી વધુ મહત્વ અપાયું છે અને તેની શ્રેષ્ઠતાની વાહવાહી થઈ છે તેનું કારણ આ છે, માતાનો સંતાનો સાથેનો સંબંધ લાગણીભીનો અને નિ:સ્વાર્થ હોય છે, એમાં માગણીને પ્રાધાન્ય નથી હોતું. પોતે સુખી થવા કરતાં સંતાનને સુખી કરવાની, સુખી જોવાની અને સુખી રાખવાની ભાવના માતાના હૃદયમાં કેન્દ્રસ્થાને હોય છે. બે મિત્રોનો સંબંધ જો ત્યાગભાવના અને શુદ્ધ લાગણીપ્રેરિત હોય તો તેવો સંબંધ પણ લાંબા સમય સુધી હેમખેમ રહે છે. કોઈપણ સંબંધમાં ક્ષમાભાવ જેટલો વધારે, એ સંબંધ જળવાઈ રહેવાની શક્યતા તેટલી વધારે.
મોટે ભાગે પારિવારિક, કૌટુંબિક અને સગાઈ સંબંધના વ્યવહારોમાં અપેક્ષાઓ, માન-સન્માનની ભાવના, અધિકારપ્રિયતા અને ઉપકારોની પરિગણના એક યા બીજી રીતે મહત્વના બની જાય છે. સંબંધને તેમાં હકનું સ્વરૂપ આપવામાં આવે છે, ફરજનું ઓછું.
તેથી સંબંધીએ શું કર્યું, શું ના કર્યું, કેવી લાગણી દેખાડી, એની ઉપરથી સંબંધનું માપ કઢાતું હોય છે. ઉપરાંત સાથે રહેવાને કારણે નાનાં-મોટાં કારણસર વાંધા-વચકા પડી જતા હોય છે. સંબંધમાં સૌજન્ય જેટલું વધુ, સંબંધ તેટલો દીર્ઘજીવી. સામાજિક સંબંધોમાં લેતી-દેતીને ઓછું મહત્વ અપાય તો એવા સંબંધો લાંબા ટકે છે.


