Get The App

સંતાનોને આપવા જેવો સાચો વારસો ક્યો ?

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
સંતાનોને આપવા જેવો સાચો વારસો ક્યો ? 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- બાળકનું દિમાગ કોરી સ્લેટ જેવું હોય છે, એમાં શું લખવું એની ચિંતા અને ચીવટ રાખે તે સાચા મા-બાપ

- માબાપ બાળકો માટે પૈસા ઉપાડવાનું એટીએમ નથી

* માતા-પિતાએ સંતાનોને સાચો વારસો ક્યો આપવો જોઈએ ?

* પ્રશ્નકર્તા - ધૈવત પ્રફુલ્લ જગતાપ, ૪ આકાશદીપ ફલેટ, ભદ્ર વસંતચોક, અમદાવાદ.

સંતાનનો અર્થ પુત્ર પુત્રી બન્નેના અર્થમાં લેવો જોઈએ. એમ મનાય છે કે માતાપિતામાં જે કાંઈ ઉત્તમ ગુણો છે, તે પેઢી દર પેઢી જળવાઈ રહે, તે માટે સંસ્કારોના વારસદાર તરીકે ઈશ્વર બાળકને આ ધરતી પર મોકલે છે.

સંતાન પ્રત્યે પ્રેમ અને લાગણી હોય એ જરૂરી છે, પણ સંતાન બાળક હોય, ત્યારે એની કુટેવોના મૂક સાક્ષી બનવું એ સંતાનપ્રેમ નથી. માતાપિતા બનવું અને જવાબદારીની રીતે યોગ્ય ઠરવું એ સફળ માતૃત્વ-પિતૃત્વ છે. વિવેકહીન લાડ એ બાળઉછેરની સૌથી ખરાબ રીત છે. બાળઉછેરને તપ માનવું જોઈએ. એ માટે મા-બાપનું જીવન પવિત્ર નિર્મળ અને સદાચારી હોવું જોઈએ.

એક સજ્જન, સમાજમાં વધે એ મા-બાપના તપનું ફળ છે. નાનપણથી જ તેનામાં સંયમ, સહિષ્ણુતા, વેરભાવનો અભાવ, વિનય-વિવેક, ગુરુજનો પ્રત્યેનો આદર, સેવાભાવના ચારિત્ર્યશીલતા, કામ પ્રત્યેની નિષ્ઠા, પ્રમાણિકતા જેવી બાબતો વિકસે એવા અનુકરણીય આદર્શો ઘર અને શાળામાંથી પ્રાપ્ત થવા જોઈએ.

બાળકનું દિમાગ કોરી સ્લેટ જેવું હોય છે. એમાં શું લખવું એની ચિંતા અને ચીવટ રાખે તે સાચા મા-બાપ. સારાં મા-બાપ થવા ડિગ્રીની નહીં, પણ દ્રષ્ટિની જરૂર છે. બાળકની પ્રત્યેક માગ સંતોષવા તેની સામે મમતા કે પ્રેમવશ ઝૂકી જવું, એ એક પ્રકારનો પરાજય છે. બાળકના મનમાં તમારા પ્રત્યે સાચો આદર વિકસ્યો હશે, તો તમારી ધાક અને બીકને બદલે તમારા વાત્સલ્યની ઉપેક્ષા નહીં કરે. બાળકના સહૃદયી મિત્ર બનો, એટલે એ તમારો થઈ જશે. બાળકને ધન અને પોતે માનેલી ધર્મપ્રવૃત્તિનો વારસો આપવાને બદલે શ્રેષ્ઠ નાગરિકત્વ, માનવતા, દેશપ્રેમ અને સેવા તથા પરોપકારનો વારસો મા-બાપ તરફથી મળે તો બાળકનું ઘડતર ઉચિત પરિણામ આપી શકે. માબાપ બાળકો માટે પૈસા ઉપાડવાનું એટીએમ નથી.

સંતાન યુવક કે યુવતી બને, ત્યારે માતાપિતાની જવાબદારી વધી જાય છે. યુવાનનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે. આત્મસન્માન અને માન-અપમાન વિષે એની સજાગતા વધી જાય છે. સ્વતંત્રતાની અમર્યાદ ભૂખ હોય છે. રૂઢિચુસ્તતા એને ગમતી નથી. બંધનને એ સજા માને છે. આજ્ઞાપાલન અને ઉપદેશ એના ગળે ઊતરતા નથી. એને તનગમતું અને મનગમતું કરવાનાં અરમાન હોય છે. રૂડા-રૂપાળા દેખાવાના અભરખા હોય છે. રોક-ટોકનો એ વિરોધી બની જાય છે. યૌવનમાં જુસ્સો અને ગુસ્સો બન્ને હોય છે. જોશ એનું જીવનચાલક બળ હોય છે અને સંભાળી સંભાળીને ડગલા ભરવાના હોશને એ પ્રગતિ વિરોધી માને છે. ભૂલ કરવાનો પણ પોતાને અધિકાર છે, એમ માની એ જોખમી પ્રયોગો કરતાં પણ અચકાતો નથી. યુવાન પોતાની આસપાસની પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે તીવ્ર રાગદ્વેષ વ્યક્ત કરે છે. એટલા માટે એનામાં સંયમ અને સહિષ્ણુતા કેળવાય એ જરૂરી છે.

જોઈતું અને મનગમતું સત્વરે મેળવી લેવાની યૌવનને ઉતાવળ હોય છે. શિક્ષણ સંસ્થાઓ એને કારકિર્દીલક્ષી બનાવે છે, જીવનલક્ષી નહીં, એટલે યુવાન શિક્ષિત બને છે, પણ 'અંદર'ની કેળવણી બાજુએ રહી જાય છે.

રવિશંકર મહારાજ યુવાનોને સમાજ અને દેશપ્રત્યેની ઋણ-અદાયગીનો સંદેશ આપતા કહે છે : યુવાનો, અભ્યાસકાળ દરમ્યાન જે સગવડો ભોગવી છે, તેનું સમાજ પ્રત્યે તમારે માથે ઋણ છે. એ ઋણ કઈ રીતે ફેડવાનો તમે વિચાર કર્યો છે ? આજે તો જે વધારે ભણે છે તે સમાજ પાસેથી વધારે લે છે. ડોક્ટર થયો તો મોટી ફી લેશે, વકીલ થશે તો પણ મોટી ફી લેશે. એમાં સમાજને શો ફાયદો ? ત્યાગ, સેવા, સમર્પણ, કરૂણાશીલતા અને માનવતા જ કોઈ વ્યવસાય કે ધંધાને ગૌરવંતા બનાવી શકે. યુવાન વિચારશીલ બને, કુરિવાજો, વહેમ, અંધશ્રધ્ધા અને શોષણ દૂર થાય તે માટે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. નિષ્ક્રિયતા અને આત્મકેન્દ્રિતાને વરેલો યુવક કે યુવતી સમાજ માટે ભારરૂપ છે. વિષયો કે ઈન્દ્રિય સુખો પાછળની ઘેલછા એને ઠરવા ન દે તો ક્ષુલ્લક સુખો માણવામાં જ એનું જીવન સમાપ્ત થઈ જાય.

'શ્રેષ્ઠ માનવ'માં સ્વામી સત્ય-મિત્રાનંદગિરિજી કહે છે આજના યુવાનમાં નમ્રતા નથી, તેથી ચારિત્ર્યશીલતાનાં ક્યાંય દર્શન થતાં નથી અને તેથી જ યુવાનોની શક્તિઓ સર્જનાત્મક બનવાને બદલે આવેશ પ્રેરિત તોડફોડની પ્રવૃત્તિઓમાં લાગી જાય છે. તેઓ શ્રીરામનો જીવન પ્રસંગ આલેખતાં ઉમેરે છે કે, લંકાવિજય કરીને, રાવણવધ કરીને રામ-લક્ષ્મણ અયોધ્યા પધારી ચૂક્યા છે. માતા કૌશલ્યના મનમાં એક વિચાર આવ્યો કે, મારા રામ-લક્ષ્મણ તો સુકુમાર છે. આવા મહાભયાનક રાવણને તેઓ કેવી રીતે મારી શક્યા હશે ? એમણે રામને આ અંગે પૂછ્યું, ત્યારે પોતાની તાકાતની આપવડાઈ કરવાને બદલે શ્રીરામે કહ્યું : 'મા, આપણા કૂળપૂજ્ય ગુરુદેવ વશિષ્ઠજીની કૃપા અને આશિષના પ્રતાપે રાવણને હણવાની શક્તિ અમારામાં આવી હતી. બાકી અમારી તે શી શક્તિ ?' આવી નમ્રતા અને વિનય જ યૌવનને તારી શકે.

એટલે બાળપણ એ ઉત્તમ સંસ્કાર અને ચારિત્ર્યશીલતાની વાવણી કરવાનું ઉત્તમ ક્ષેત્ર છે. જેમાંથી કણમાંથી મણ સંસ્કારો પ્રગટી શકે. રવીન્દ્રનાથ ટાગોરે આશાવાદી સ્વરમાં એટલે જ કહ્યું છે કે 'પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આ સંસારમાં જન્મે છે કે, ઈશ્વર હજી મનુષ્યથી નિરાશ થયો નથી. બાળક કેવળ એક ઘર કે કુટુંબની નહીં, પણ માનવસમાજની સંપત્તિ છે, એમ માની માતા-પિતાએ તેનો ઉછેર કરવો જોઈએ.' ગાંધીજી એટલે જ કહેતા હતા કે સત્ય અને અહિંસાનો પાઠ હું બાળકો પાસેથી શીખ્યો છું. પોતે સજ્જન અને સૌજન્યપૂર્ણ, શાંત અને વિચારશીલ માતાપિતા બનવું એ બાળકને પ્રત્યેક જન્મદિને આપવાની ઉત્તમ ભેટ છે.

મા-બાપે પરાવલંબન નહીં, પણ સ્વાવલંબન અને પુરુષાર્થના સંસ્કાર આપવા જોઈએ. પૈસાનો દુરુપયોગ અને વ્યસનો પાછળના નિરર્થક ખર્ચથી દૂર રહેવા માટેની સુટેવો નહીં વિકસે તો યૌવન બરબાદ થઈ જશે.

આજના જીવનમાંથી કરકસરની સંપૂર્ણ બાદબાકી થઈ ગઈ છે - મા-બાપના જીવનમાંથી પણ કૂવામાં પાણી નહીં હોય તો હવાડામાં પાણી ક્યાંથી આવશે ? બાળકને માતાપિતા પાસેથી સંતોષ અને નૈતિકતાનું શિક્ષણ મળે, તો જ એનું જીવન સાર્થક બને. એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે સંતાનો પર તમારા વિચારો થોપશો નહીં. એમને તમારા જેવા બનાવવાની કોશિશ ન જ કરશો. તેમને ધંધા, વ્યવસાય કે નોકરીમાં તમારી કાર્બન કોપી કે ઝેરોક્સ કોપી ન બનાવશો. નવું પણ માનવતાથી મહેકતું જગત બનાવવાનો તેમનામાં ઉમળકો રહે એવા સંસ્કાર જ તેમને માટે જીવન વિધાયક બની શકે. આજીવિકા માટે નહીં, પણ સંતાન દેશ તથા સમાજ માટે જીવે એવી ભાવના વારસામાં આપવી એ જ સંતાન ઘડતરની સાચી રીત.

માતાપિતાએ સંતાનને નીચે જણાવેલી મહત્વની બાબતોનો વારસો આપવો જોઈએ. ૧. શ્રધ્ધાપૂર્ણ સ્વતંત્ર દિમાગથી વિચારવાની કેળવણી ૨. આત્મનિયંત્રણ ૩. નિરંતર સેવા પરાયણતાની ભાવના ૪. નિષ્પક્ષ અને અસંકુચિત દ્રષ્ટિથી ઘટનાઓને સમજવાની દ્રષ્ટિ ૫. ચારિત્ર્યશીલતા, નિર્ભયતા અને અંદરથી ઊજળા બનવાનું શિક્ષણ ૬. ધન કમાવાની વૃત્તિ પર સત્ય, નેકી અને ધર્મનો પહેરો જરૂરી છે, એવી સમજણ.