- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- ચારિત્ર્યનો અભાવ જ માણસની બુદ્ધિને ભ્રષ્ટ અને બેઈમાન બનાવે છે. વિવેકશૂન્ય માણસો કેવળ સ્વાર્થને મહત્વ આપે છે, સત્યને નહીં
પ્રશ્નકર્તા : ભાવસાર કન્હૈયાલાલ હરિભાઈ, અંબાજી માતાનું ચાચરુ, ભાવસાર ઓળ, મુ.તા. વડનગર, ગુજરાત
માણસ કર્મબદ્ધ પ્રાણી છે. માતાના ઉદરમાં એણે પ્રથમ શ્વાસ લીધો હશે, ત્યારથી અંતિમ શ્વાસ સુધી એની કર્મયાત્રા ચાલુ જ રહે છે. માણસે જીવવાને મહત્વ આપ્યું છે, જીવવાની રીતને નહીં. એટલે જીવવું મહત્વનું બની ગયું છે અને જીવવાની રીત ગૌણ બની ગઈ છે. માણસ સ્વૈરવિહારી હોવાને બદલે 'સત્યવિહારી' હોત તો ? કર્મ જ માણસને લઘુ કે મહાન બનાવી શકે છે.
'ભગવદ્ગોમંડલ'માં કર્મ શબ્દના ૩૫ અર્થ આપવામાં આવ્યા છે. કર્મને ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ એમ ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. આત્મ સાક્ષાત્કાર માટે કેટલાક લોકો જ્ઞાાનમાર્ગ અપનાવે છે તો કેટલાક ભક્તિમાર્ગ. કશુંક કરવાની ઈચ્છા જ માણસને કર્મ તરફ દોરી જાય છે. કર્મ સાથે અંત:કરણનો મનમેળ ન હોય તો કર્મ કેવળ ફોગટની પ્રવૃત્તિ બની જાય છે.
હૃદયની ભીનાશ જો બાહ્ય કર્મમાં નહીં હોય તો કર્મ સૂકું જ રહેશે.
માણસ 'કર્મપ્રધાન' છે તેટલો જ 'અર્થપ્રધાન' છે. નાણાંની પ્રાપ્તિને એ જિંદગીનું સૌથી મોટું ટાણું માને છે. જિંદગીના કર્મો મજારૂપ પણ બની શકે અને સજારૂપ પણ.
કર્મ જ મનુષ્યને મહાન કે લઘુ બનાવે છે એ વાત સમજાવવા ગુરૂ શિષ્યોને લઈને એક સ્થળે ઉભા રહ્યાં ત્યાં કેટલાક મજૂરો કૂવો ખોદતા હતા. જેમ-જેમ કૂવો ખોદાતો ગયો, તેમ-તેમ મજૂરો ઉપરથી નીચે જવા માંડયા. ગુરૂએ શિષ્યને પૂછ્યું : ''શું સમજ્યાં શિષ્યો નિરૂત્તર રહ્યા.''
તરત જ ગુરૂ તેમને બીજે એક ઠેકાણે લઈ ગયા. ત્યાં કડીઆ એક મહેલ ચણી રહ્યા હતા. ખાસ્સી ઉંચાઈ સુધી ચણ્યા બાદ પણ તેઓ પાલક બાંધી વધુ ઊંચે ચઢવાની કોશિશ કરી રહ્યા હતા. ગુરૂએ શિષ્યોને પૂછ્યું ''શું સમજ્યા ?'' પણ શિષ્યો નિરૂત્તર રહ્યા. ગુરૂએ કહ્યું : ''આ બન્ને ઘટનાઓનો સારાંશ એ છે કે મનુષ્યોનો ઉત્કર્ષ અને અપકર્ષ તેનાં કર્મોને અધીન હોય છે. જે ખોદે છે તે ધીરે-ધીરે નીચે જાય છે, પતનને પામે છે પરંતુ જે જીવનની ઈજ્જત સાચવી સતત આગળ વધતો રહે છે તે મહેલ ચણનાર કડિયાની જેમ ઊંચે ને ઊંચે ચઢતો જાય છે. તેથી જ કહેવામાં આવ્યું છે કે કાર્યોને વાવશો તો સ્વભાવને લણશો. સ્વભાવને વાવશો તો ચારિત્ર્યને લણશો અને ચારિત્ર્યને વાવશો તો ભાગ્યને લણશો. કર્મના અરીસામાં વ્યક્તિનું સાચું વ્યકિત્વ પ્રતિબિમ્બિત થતું હોય છે.''
માણસ સ્વાર્થવશ ખોટાં કર્મ કરે ત્યારે એનાં માઠાં ફળ વિશે વિચાર નથી કરતો. માણસ વિજયભૂખ્યું પ્રાણી છે. એને કોઈ પણ રીતે વિજય ખપે છે. અમુક બાબતમાં પિતાને લાંબો વિચાર કરતા જોઈ ઉતાવળીઆ પુત્રે કહ્યું : ''હવે નક્કી કરો ને પડશે એવું દેવાશે.''
આવા લોકો જીવનમાં બરબાદીને સામેથી નોંતરે છે અને પોતાના માઠાં કર્મોનું ફળ માઠું આવે ત્યારે પારાવાર પશ્ચાત્તાપ અનુભવે છે. એવા લોકોએ સંત કબીરની આ વાત યાદ રાખવી જોઈએ.
''કરતા થા તો ક્યોં કિયા ?
અબ કરિ ક્યોં પછતાય ?
બોવૈ પેડ બબૂલકા,
આમ કહાંસે ખાય ?''
માણસની મોટી નબળાઈ હોય તો તેની વિવેકશક્તિની ઉપેક્ષા છે. એને પોતાને આત્મદર્શનની ટેવ નથી એટલે પોતાનાં કર્મોનું એ મૂલ્યાંકન કરતો નથી. એટલે પોતાનાં કર્મોનું સાનુકૂળ પરિણામ મળવું જ જોઈએ તેવો આગ્રહ રાખે છે. એના મનમાં કેવળ સુખની ચિંતા હોય છે અને સુખેષણાને સંતોષવા માટે તે ગમે તેવાં માર્ગો અપનાવે છે. સુખની આસક્તિ એ દુ:ખની જનની છે. માણસ આસક્તિને લીધે જ કર્મ પ્રત્યેની શુદ્ધતાનો વિચાર કરતો નથી.
માણસના દિમાગની ક્ષુદ્રતા એને 'શુભ' અને 'લાભ' વચ્ચેની સૂક્ષ્મતા સમજવા દેતું નથી. એટલે એ 'શુભ'ને બદલે 'લાભ'ને મહત્વ આપે છે. લાભદાયક વસ્તુ પણ શુદ્ધ અને શુભ ના હોય તો તેનો સ્વીકાર જિંદગીમાં ન જ કરવો જોઈએ. એવું ગણિત માણસ પોતાની સમજના ક્ષેત્રથી દૂર રાખે છે. ''આપણે તો રહ્યા 'બુદ્ધિજીવી' માણસ. આપણને તમારી જેમ હૃદયની વાતો કરવામાં રસ નથી. જેઓ બુદ્ધિની વાત નથી સાંભળતા તેમને બુદ્ધિ આકરી સજા કરે છે.'' પોતાને મળવા આવનારને પ્રભાવિત કરવા પેલા બુદ્ધિવાદી કહી રહ્યા હતા.
આ માણસ જેવા અનેક લોકો અહંકારી હોય છે. તેઓ અહંકારવશ હોવાની જીતને મહત્વ આપવું એ જ જીવનનું લક્ષ્ય માને છે.
બુદ્ધિનો ઉપયોગ બીજાને બુધ્ધુ બનાવવા કે ગણવા કરવો એ જિંદગીને શેતાનિયતને હવાલે કરવા સમાન છે. સ્વાર્થી લોકોને 'શીલવાન' બનવામાં નહીં પણ 'ધનવાન' બનવામાં રસ હોય છે. પોતાનાં કર્મો ખોટાં છે એટલું વિચારવા જેટલી પણ તેમનામાં ફૂરસદ નથી હોતી. એટલે તેઓ દરેક કામમાં નર્યો સ્વાર્થ જુએ છે. જેનામાં શુદ્ધબુદ્ધિ જાગ્રત ન થઈ હોય એ ભણેલો હોવા છતાં અભણ જ કહેવાય છે. તેઓ કર્મ કરતા પહેલાં કર્મના પરિણામનો વિચાર કરતા નથી, કારણ કે તેમને કેવળ પોતાના પક્ષે સાનુકૂળ ફળની જ અપેક્ષા હોય છે. ચારિત્ર્યનો અભાવ જ માણસની બુદ્ધિને ભ્રષ્ટ અને બેઈમાન બનાવે છે.


