- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- આપણો આજનો સમાજ આધુનિક અરણ્ય છે. જવાબદારીની ભાવનાને ન્યાય આપવા માણસ તૈયાર નથી એટલે એ પલાયનવાદી બની રહ્યો છે
પ્રશ્નકર્તા : એલ.જી.પરમાર, બકેરી સીટી સુલભ રો હાઉસ, મકરબા રોડ, વેજલપુર, અમદાવાદ-૫૧
સતયુગ અને ત્રેતાયુગના માનવીઓ મોટે ભાગે સાત્વિક સ્વભાવના જોવા મળે છે. દ્વાપર યુગના માનવીઓ રજસપ્રધાન સ્વભાવના અને કળિયુગના માનવીઓમાં મોટે ભાગે તમસ ગુણ પ્રધાન જોવા મળે છે.
તમસ ગુણ માણસને આત્મકેન્દ્રી બનાવે છે. માત્ર પોતાનું અને પોતીકાંનું કલ્યાણ ઈચ્છવું એ પર તેમની વર્તનશૈલી ગોઠવાએલી હોય છે જિંદગીને તેઓ વિલાસભોગનો વિષય માને છે
''ના જિંદગી ભાઈ,
વિલાસ ભોગ,
કર્તવ્યનો એ
અધિસાર યોગ''
- આવા આદર્શોની વાત તેમને ગળે ઉતરતી નથી.
માણસ જેટલા અંશે ધસાઈને ઉજળો થવામાં માને તેટલા અંશે એના જીવનમાં ત્યાગ અને વૈરાગ્યની ભાવના કાર્યરત રહે.
આપણો આજનો સમાજ આધુનિક અરણ્ય છે. સાચો પ્રેમ, સેવા, માનવતા વગેરે જીવનને ઉન્નત બનાવનાર સદ્દગુણો તરફ માણસ પલાયનવાદી દ્રષ્ટિકોણ ધરાવે છે કારણ કે જવાબદારીની ભાવનાને ન્યાય આપવા તે તત્પર નથી એક સંવાદ મુજબ - ''પેલો માણસ આજે બેકાર છે અને... વટ ખાતર, સિદ્ધાંત ખાતર એણે નોકરીને લાત મારી છે જો જરીક બાંધછોડ કરી હોત તો આજે ક્યાંનો ક્યાં હોત ?''
'અને આ બીજો માણસ સિદ્ધાંતોને નેવે મુકીને નોકરીમાં તાગડધિન્ના કરે છે. માણસને જેટલા અંશે સિદ્ધાંતોનો છડેચોક ભંગ કરતાં આવડે તે ડાહ્યો અને સફળ ગણાય છે. કર્તવ્યો પ્રત્યેની ઉદાસીનતાને તે સદ્દગુણ માને છે.'
ગણતરીભર્યા સમીકરણો જ માણસની કર્તવ્ય ભાવનાને ભસ્મીભૂત કરે છે. શું ઉપયોગિતા જ માણસને મહત્ત્વ પ્રદાન કરવાનો એક માત્ર રસ્તો છે ? આપણે હ્ય્દયની એટલી બધી ઉષ્મા ગુમાવી બેઠાં છીએ કે બીજાનાં દુ:ખ દર્દ આપણને સ્પર્શતાં જ નથી. શું આપણે અકારણ બીજાને ચાહી ન જ શકીએ ? માણસને ચાહવાને બદલે આપણે તેના પદ, પૈસો, પ્રતિષ્ઠા, ઉપયોગિતાને ચાહીએ છીએ. અને આ બધાંથી વંચિત હોય એને ઉપેક્ષણીય ગણીએ છીએ. અથવા આદર કે મહત્ત્વ આપવાનું નાટક કરીએ છીએ.
એક દ્રષ્ટાન્ત અનુસાર એક વખત સિકંદરે પોતાના એક સજ્જન સેનાપતિને વિના કારણ નારાજ થઈ સૂબેદારના હોદા પરથી ઉતારી પાડયો.
થોડા દિવસ પછી સિકંદરે કોઈ કામ પ્રસંગે તેને બોલાવ્યો. તે પ્રસન્ન હતો. સિકંદરે તેને તેના ખુશમિજાજ પણાનું રહસ્ય પૂછ્યું. એણે કહ્યું : 'હું સૂબેદાર હતો ત્યારે જે સેવાકાર્યો' કરતો હતો તે આજે પણ કરું છું. કર્તવ્યપણાં પ્રત્યેની ઉદાસીનતા એ માણસનું આત્મિક, નૈતિક અને ચારિત્ર્યલક્ષ પતન છે. આજકાલ કર્તવ્ય પરાયણતાની અદાયગી માટે જે કષ્ટ ઉઠાવવાની તૈયારી રાખવી પડે છે અને ભોગ આપવાની તત્પરતા દેખાડવી પડે છે તેને બદલે માણસને સ્વાર્થ, ધન, ભોગ વિલાસ, આરામ અને શોષણમાં રસ પડે છે.
સિકંદરે પૂછ્યું : ''તને ઘેર બેઠાનું દુ:ખ નથી લાગતું ?''
''જરીયે નહી : મને સેવાની વધુ તક મળ્યાનો આનંદ છે. કશાય વળતરની અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે પરોપકાર માટે તૈયાર રહેવું એ ઈશ્વરે માણસને સોપેલી વણલખી જવાબદારી છે. કર્તવ્ય પરાપણ બનવા માટે પ્રાર્થના કરવી જ હોય તો વિનમ્ર ભાવે પ્રાર્થવું જોઈએ.''
''મારું જીવન અંજલિ થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીન-દુખિયાનાં આંસુ બહોતાં અંતર કદી ન ધરાશો
મારું જીવન અંજલિ થાજો.''
'સુબોવ કથાસાગર'ના એક ઉદાહરણ મુજબ શ્રીકૃષ્ણે પાંડવોને કહ્યું, ''હવે કળિયુગ આવવાનો છે. તમારે તપ કરવા જવું પડશે. જો મારી વાત તમે ન માનતા હો તો તમે પાંચે ભાઈઓ જંગલમાં જઈ આવો. ત્યાં તથા રસ્તામાં જે કાંઈ જુઓ તેનું વર્ણન મને કરી બતાવજો.''
તે મુજબ પાંચે ભાઈઓ વિદાય થયા. યુધિષ્ઠિરે કહ્યું 'મેં બે સૂંઢવાળો હાથી જોયો.'
શ્રીકૃષ્ણે કહ્યું : 'બે સૂંઢવાળો હાથી તે કળિયુગના અધિકારીઓ છે તેઓ વાદી તથા પ્રતિવાદી બન્ને પાસેથી લાંચ લેશે.'
ભીમસેને કહ્યું : ''મેં એક ગાય જોઈ. તે વાછરડીને ધાવતી હતી.''
શ્રીકૃષ્ણે જણાવ્યું : એનો મતલબ એ છે કે ગાય જેમ વાછરડીને ધાવે છે તેમ કળિયુગનાં માણસો દીકરા-દીકરી પાસે પૈસા લઈ આજીવિકા ચલાવશે.
અર્જુને કહ્યું : ''મેં એક પક્ષી જોયું તેના મોંઢામાં વેદો હતા. પણ તે મડદા પર બેઠું હતું. શ્રી કૃષ્ણે સમજાવ્યું કે ભ્રષ્ટ પંડિતો અર્થ લોભી બની ગમે તે વ્યક્તિનું વેદ ભણ્યા છતાં દાન લેતાં અચકાશે નહીં. નકુળે કહ્યું : ''મેં ત્રણ કૂવા જોયા. તેમાં વચ્ચેનો કૂવો ખાલી હતો. બાજુના કૂવા ભરેલા હતા.''
શ્રીકૃષ્ણે કહ્યું : ''કળિયુગમાં પોતાનાં કુટુંબીજનો ખાલી રહેશે અને લોકો ઘનાઢ્યો જોડે સબંધ બાંધશે.''
સહદેવે કહ્યું : ''મેં એક પહાડ પરથી પથ્થર પડતો જોયો. તે મોટાં વૃક્ષો તોડતો નીચે આવ્યો પણ તે એક તૃણથી અટકી રહ્યો. શ્રી કૃષ્ણે સમજાવ્યું : ''એનો મતલબ એ છે કે એ પથ્થર પડયો તે ધર્મ હતો. તે અંસાર રૂપી પહાડથી ખસ્યો અને તપ-યોગ રૂપી મોટાં વૃક્ષોને ભાગતો પણ સત્ય રૂપી તૃણ સરખા પરમાત્માના નામે ટકી રહેશે.'' કૃષ્ણની વાત સાંભળી પાંડવો તપ કરવા જંગલમાં ચાલ્યા ગયા. આજનો માણસ લાભ, લોભ, પરિગ્રહવૃત્તિ અને ભૌતિક સુખોની લાલચમાં કર્તવ્ય પ્રત્યે ઉદાસીન રહે છે.


