Get The App

સત્ય આવું મહાન છે, ઉપકારક છે, આદર્શ છે, તો એના ઝંડાધારી કેમ ઘટી રહ્યા છે ?

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
સત્ય આવું મહાન છે, ઉપકારક છે, આદર્શ છે, તો એના ઝંડાધારી કેમ ઘટી રહ્યા છે ? 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- સત્ય અને સ્વાર્થ વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. સ્વાર્થ માણસને સત્યમાર્ગથી ચલિત કરે છે

પ્રશ્ન : સત્ય આટલું બધું અસહ્ય કેમ છે, કે તેનો જરા જેટલો અનુભવ પણ સહન થઇ શક્તો નથી ?

પ્રશ્નકર્તા : નૈષધ દેરાસરી. ૨૦ નાલંદા સોસાયટી, ગાયત્રી સ્કૂલ પાસે, જામનગર (સૌરાષ્ટ્ર)

સ ત્ય એક શક્તિ છે, મહાશસ્ત્ર છે, સત્ય એ સાધના છે, યોગ છે તપ છે. સત્ય એ ઇશ્વર છે. એટલે એના પ્રયોગ કે ઉપયોગમાં પૂરી ગંભીરતા, સમજણ અને સંયમપૂર્ણ દ્રષ્ટિ રાખવી પડે. સત્યવીર કેવળ આવેશશીલ ન હોય, સત્યને જીરવવાની, સત્યને જાળવવાની અને પચાવવાની એનામાં શક્તિ હોવી જોઇએ. કોઈપણ વસ્તુવિષયક સત્યલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવાની વાત એટલે જ એક જવાબદારી ભર્યું કાર્ય મનાય છે. અને તેને માટે મોટું મૂલ્ય ચૂકવવા પણ વ્યક્તિએ તૈયાર રહેવું પડે છે. અને આવું મૂલ્ય ચૂકવ્યા પછી પણ દુનિયાની દ્રષ્ટિએ મહત્ત્વનો ગણાય, એવો કોઈ મોટો લાભ ન પણ મળે. કારણ કે સત્યનો ઉપાસક સ્વાર્થની પરવા નથી કરતો. પોતે જીવે કે ન જીવે પણ સત્ય જીવતું રહે, એની પરવા કરે છે.

જ્યારે અસત્યનો માર્ગ મોહક છે, લોભામણો છે. સુખ સુવિધાઓથી ભરેલો છે અને એમાં સિધ્ધાંત કે સત્યનિષ્ઠા સિવાય અન્ય કશું ગુમાવવાનું નથી, એટલે રૂપિયા, પૈસા-સત્તા કે અધિકારની આળપંપાળમાં ફસાયેલા માણસો સત્યના ભોગે બાકી બધું હેમખેમ રાખી શકે છે.

નિષ્કલંક આત્મા કે ભારે નાણાં કોથળી એ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે મોટાભાગના લોકો અંતે આત્માની પરવા કર્યા સિવાય રૂપિયાના રણકારને જ વધુ મહત્વ આપે છે. અસલી સુખ મોઘું છે. નકલી સુખ સસ્તું છે એટલે જ મોટાભાગના લોકોની દોડ નકલી સુખ તરફ રહી છે.

સત્ય બોલવાનું, સારા થવાનું કે રહેવાનું કોઈપણ યુગમાં અશક્ય નથી. હા, મુશ્કેલ અવશ્ય છે. પણ મહાન ભાવનાઓનું કે પવિત્ર સંકલ્પોનું રક્ષણ સદાય કપરું કાર્ય જ રહ્યું છે. ઉત્કર્ષ માટે ઇચ્છા અને સાધના બન્નેની જરૂર પડે છે, જ્યારે પતન માટે કેવળ કેવળ ઇચ્છાની. જે માણસ નેકીથી જીવવા ઇચ્છતો હોય, તેના જીવનમાં પણ કસોટીની પળો તો ઉપસ્થિત થવાની જ. તેણે પણ સત્ય કે સિધ્ધાંત ખાતર સર્વસ્વ હોમવાનો વારો આવે, તો હોમી દેવાની પણ તૈયારી રાખવી જ પડે. આવી બધી કસોટીઓથી સામાન્ય માણસ ડરે છે અને સત્યથી દૂર ભાગે છે. જૂઠા માણસમાં સત્યનું તેજ ઝીલવાની કે જીરવવાની તાકાતના અભાવે તે બોદો પુરવાર થાય છે. પરિણામે સત્યની કાંટાળી કેડીએ પગ મૂકવાની માણસ હિંમત કરતો નથી.

સત્ય આપણી નજીક આવવા ઇચ્છે છે, પણ આપણે જ તેને દૂર હડસેલીએ છીએ. સત્ય એ શપથ લેવાની વસ્તુ નથી, કે નથી સુવિચારના પાટિયા પર લખવાના અક્ષરો એ તો છે શ્વાસ-પ્રશ્વાસમાં સમાવવાની વસ્તુ.

સત્યને આપણે આચરણનો વિષય બનાવવાને બદલે વિવાદનો વિષય બનાવી દીધો છે. પરિણામે સત્ય શોધક બનવા કરતાં આપણે આપણા પૂર્વગ્રહોના સંતરી થવામાં જ આપણી શક્તિ વેડફી નાખતા હોઈએ છીએ. આપણે સત્યના રક્ષક બનવાની જરૂર નથી, કારણ કે સત્ય પોતે જ એટલું બધું ઓજસ્વી અને તેજસ્વી છે કે તે પોતે પોતાની રક્ષા કરી શકે છે. આજે સર્વત્ર જુઠ્ઠાની બોલબોલા છે, ત્યાં સત્યને જીવનનો સુયોગ નહીં પણ રોગ જ મનાય છે. સત્યને સમજવામાં થાપ ખાવાને કારણે સ્વસ્થતાપૂર્વક બોલવાની કળા માણસ ભૂલી ગયો છે. બૂમ-બરાડા કે ધમપછાડા કરવાથી જ સત્ય સાબિત થઇ શકે છે. એવા ભ્રમમાંથી એટલે જ આપણા નેતાઓ હજી સુધી મુક્ત થઇ શક્યા નથી.

કેવી વિચિત્રરતા છે સત્ય અને અસત્યની ! સત્યના પાઠ ભણાવવામાં આવે છે, છતાં સત્ય બોલનારા શોધ્યાય જડતા નથી. અને અસત્યને ભણાવવા માટે કોઈ પાઠશાળા નથી... છતાં ય અસત્ય બોલવામાં માણસો આપોઆપ પાવરધા કે નિષ્ણાત બની જતા હોય છે. લોકશાહી માટે પ્રૌઢશિક્ષણની જેટલી જરૂર છે તેથી વધુ ભણેલાઓ માટે 'સત્યશિક્ષણ'ની જરૂર છે. અભણ માણસ કરતાં જુઠ્ઠો માણસ વધુ ખતરનાક !

ખરેખર તો સાચું બોલવું જોઇએ, કારણ કે સાચુ બોલ્યા પછી તમે જુદા જુદા માણસ આગળ જુદી જુદી વાત કરવાની પળોજણમાંથી મુક્ત રહી શકો છો. એક અસત્ય ઉચ્ચાર્યા પછી એની રક્ષા માટે માણસ કેટકેટલા પ્રયત્નો કરતો હોય છે. એનાથી અડધી મહેનતે એ સત્ય બોલી શકે.

પણ સાચું બોલનાર સમજે છે કે વાત સાચું બોલવાથી પતી જતી નથી, પણ એ વાત જેને લાગુ પડતી હશે, તે માણસ સત્યનું સ્વાગત કરવાની ઉદારતા દેખાડવાનો નથી. પરિણામે તમે કહેલી સાચી વાતથી એ નારાજ થશે, આક્રમક પણ બની જાય, વેરનાં બીજ પણ વવાય, વર્ષોથી સીંચી-સીંચીને ઉછેરેલો સ્નેહસંબંધ છિન્ન-ભિન્ન પણ થઇ જાય, મૈત્રી શત્રુતાનું રૂપ ધારણ કરી શકે, સત્ય સાબિત કરવા સાક્ષી રજૂ કરવો પડે, અને સાક્ષી પણ અણીના સમયે સત્યનો સાથ આપશે જ એની કોઈ ગેરંટી નહીં. સત્યમાં આટલો બધો ખતરો હોય તો તેનો અખતરો કરવાની શી જરૂર ? સત્ય બોલનારે કે આચરનારે જાત-જાતની મુસીબતો અને સમસ્યાઓનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે. આમ સત્ય બોલનાર અને સાંભળનાર બન્નેએ સત્યનું પરિણામ સહેવું પડે છે, સાંભળનારને કડવું લાગે છે અને બોલનારને ઉપર જણાવ્યા પ્રમાણેના પરિણામો માટે તૈયાર રહેવું પડે છે. આવાં બધાં કારણો સામાન્ય માણસને અસહ્ય લાગે છે અને તે સત્યથી દૂર ભાગવાની કોશિશ કરે છે.

જ્યારે અસત્ય બોલનાર અને સાંભળનારને તો 'લીલાલહેર'નો જ અનુભવ થાય છે. અસત્ય બોલનાર મીઠું મીઠું બોલે છે, એટલે અસત્ય સાંભળનાર હરખાય છે. એનું મન ઉદ્વેગ પામવાને બદલે ઉમંગ પામે છે... જોખમ કોઇના પડખે નહીં. તુમ બી સલામત, હમ ભી સલામત. તો પછી પૂજા સત્યનારાયણની અને સથવારો અસત્યનારાયણનો ? સત્યને આપણે કથાનો વિષય બનાવી દીધો છે, એને બદલે સત્ય નહીં આચરી શકવાની આપણી લાચારીને આત્મદર્શનની વ્યથાનો વિષય બનાવ્યો હોત તો જીવન અને જગતનું ચિત્ર જૂદું હોત ! આજનો માણસ સત્યનો પ્રયોગ કરવામાં નહીં પણ જીવનમાં સત્યનો 'વિયોગ' પેદા કરવામાં જ પોતાની ચતુરાઇ માને છે. સત્યને ઠેબે ચઢાવનાર પ્રજા કે વ્યક્તિ આખરે તો પતનને જ પામે છે.

જે સત્યનાં આપણે ઢોલ વગાડી વગાડીને ગાણાં ગાઈએ છીએ, સૂત્રરૂપે એને ટાંકીએ છીએ, કોઈ જૂઠું બોલે છે એવો આપણને ખ્યાલ આવે તો તેને ટોકવાનો આપણો જન્મસિધ્ધ અધિકાર માનીએ છીએ, પણ સત્ય ખાતર ઝઝૂમી મૃત્યુથી ભયમુક્ત માનવીઓ આધુનિક યુગમાં જવલ્લે જ જોવા મળે છે. આમ કેમ ? 

'સત્ય આવું મહાન છે, ઉપકારક છે, આદર્શ છે તો એના ઝંડાધારીઓ કેમ ઘટી રહ્યા છે ? શા માટે માણસ સત્ય બોલતાં અચકાય છે ? ભૌતિક સત્યો આપણે બેધડક ઉચ્ચારીએ છીએ, કારણ કે એ ખોટું પડે તો બોલનારે કશું ગુમાવવાનું હોતું નથી. પણ માણસ વ્યક્તિ કે સમાજને સ્પર્શથી બાબતો વિષે સત્ય બોલવામાં સાવધ રહે છે, કારણ કે એનું કથન અસત્ય પુરવાર થશે તો અનેક પ્રકારની કટુતાઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડશે, એવું માણસ બરાબર જાણે છે.'

એટલે માથામાં વાગે તેવું સત્ય માથામાં વાગે એવી રીતે બોલવાને બદલે પ્રિયકર રીતે બોલવાની વાત આદર્શ તરીકે રજૂ કરવામાં આવી. સાચું બોલવું પણ અપ્રિય લાગે તે રીતે બોલીને માણસને દૂભવવાના પ્રયત્નથી દૂર રહેવું.

સત્યનું પરિપાલન સત્યાગ્રહી હોવા છતાં સંપૂર્ણપણે કરવું સરળ નથી એના ઉદાહરણ માટે જ યુધિષ્ઠિર દ્વારા 'નરો વા કુંજરો વા'ની ઉક્તિ મહાભારતકારે તેમના મુખમાં મૂકી છે. સત્ય અને સ્વાર્થ વચ્ચે સત્ય સંઘર્ષ ચાલે છે. સ્વાર્થ માણસને સત્યમાર્ગથી ચલિત કરી અસત્યના સહારાથી પણ ઉદ્દેશસિધ્ધિ થતી હોય તો તેમ કરવા લલચાવે છે.

અસત્ય આકર્ષક, મોહક, સરળ, દેખીતી રીતે ઓછું કષ્ટદાયક લાગે છે અને ત્વરિત ફળદાયક જણાય છે એટલે માણસ સત્યને બાજુ પર રાખી અસત્ય દ્વારા પ્રાપ્ત સુવિધાઓ, અને વિજય માટે ઉત્સુક રહે છે. માણસને તાત્કાલિક ફળ અને સલામતીમાં રસ છે, માટે એ સત્યનો માર્ગ સ્વીકારતો નથી.