શું 'લક્ષ્મી' અને 'સરસ્વતી' સાથે ન રહી શકે ?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
આપણે ઈચ્છીએ કે 'લક્ષ્મી' અને 'સરસ્વતી' વચ્ચે સુમેળ રહે, સમાજમાં જ્ઞાાનની પ્રગતિ અને વિસ્તાર માટે એ બન્ને સુમેળ ઉપકારક પણ છે પણ મહત્વની વાત છે કે 'લક્ષ્મી' અને 'સરસ્વતી'ની શુદ્ધિની ભ્રષ્ટ લક્ષ્મી અને ભ્રષ્ટ જ્ઞાાનને વિશ્વમાં મહત્વ મળશે તો ધન અને જ્ઞાાનની પવિત્રતા નષ્ટ થઈ જશે
* શું 'લક્ષ્મી' અને 'સરસ્વતી' સાથે ન રહી શકે ?
* પ્રશ્નકર્તા: ભરત અંજારિયા, આસોપાલવ, ઈન્કમટેક્ષ સોસાયટી, રૈયારોડ, રાજકોટ-૭
'લ ક્ષ્મી'ને ધનની દેવી તરીકે પ્રતિષ્ઠા મળી, સરસ્વતીને જ્ઞાાનની દેવી તરીકે, મહાકાળીને શક્તિની દેવી તરીકે. 'શ્રી સૂકત'માં લક્ષ્મીની વિશિષ્ટ સ્તુતિ છે. આ ત્રણેય દેવીઓ મહાલક્ષ્મી તરીકે ઓળખાય છે.
લક્ષ્મીદેવીનો જન્મ સમુદ્રમંથન વખતે થયો હતો. પ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ સૃષ્ટિ પહેલાં રાસમંડળ વખતે પરમાત્મા શ્રીકૃષ્ણના ડાબા પડખામાંથી માતા લક્ષ્મીનો જન્મ થયો હતો. લક્ષ્મીદેવી સુંદર હતા તેમના ઉત્પન્ન થયા બાદ ઈશ્વરની ઈચ્છા બે રૂપોમાં વિભક્ત થઈ. એ બન્ને મૂર્તિઓ આકાર, સૌંદર્ય આભૂષણ વગેરે તમામ બાબતોમાં સમાન હતી. રાધાજી ભગવાનના જમણા પડખામાંથી ઉત્પન્ન થયા હતાં એ બન્ને મૂર્તિઓની અભિલાષા પૂર્ણ રહે માટે ભગવાને પણ જમણા ભાગથી દ્વિભુજ અને ડાબા ભાગથી ચતુર્ભુજ મૂર્તિ ધારણ કરી. દ્વિભુજ મૂર્તિ રાધાકાંત અને ચતુર્ભુજ મૂર્તિ નારાયણ સંગી બની. શ્રીકૃષ્ણ રાધા અને ગોવાળો - ગોવાલણોને લઈને ત્યાં જ રહી ગયા અને નારાયણ લક્ષ્મીને લઈને વૈકુંઠ ચાલ્યા ગયા.
બ્રહ્માની માનસપુત્રી સરસ્વતી વાણીની અધિષ્ઠાત્રી દેવી છે. સરસ્વતીને શતરૂપા, વાગ્દેવી, ભારતી, શારદા, વાગેશ્વરી વગેરે નામોથી ઓળખવામાં આવે છે. એક પ્રાચીન નદી તરીકે પણ સરસ્વતીનો ઉલ્લેખ મળે છે. બ્રહ્મપુરાણ મુજબ વેદોના જાણકાર પુરૂરવા એ બ્રહ્મા પાસે પ્રસન્ન સરસ્વતીને જોયાં અને ઉર્વશીની મદદથી તેમણે સરસ્વતીને પોતાની પાસે બોલાવ્યાં. બન્ને પરસ્પરને મળતાં રહ્યાં. સરસ્વતીએ 'સરસ્વાત' નામે પુત્રને જન્મ આપ્યો. આ વાતની બ્રહ્માને ખબર પડી. તેમણે સરસ્વતીને મહા નદી બની જવાનો શ્રાપ આપ્યો. ભયભીત સરસ્વતી માતા ગંગાના શરણે પહોંચી. ગંગાના કહેવાથી બ્રહ્માને સરસ્વતીને શાપ મુક્ત કરી. શાપને કારણે જ સરસ્વતી ક્યાંક દ્રષ્ટ રૂપે તો ક્યાંક અદ્રશ્યરૂપે જોવા મળે છે.
એક ઉલ્લેખ મુજબ સરસ્વતીએ રાધાની જીભના અગ્રભાગમાંથી જન્મ લીધો. અને કામવશ ઈચ્છા કરી કે શ્રીકૃષ્ણ મારા પતિ થાય. શ્રીકૃષ્ણે સરસ્વતીને કહ્યું: ''મારા અંશમાંથી જન્મેલા ચતુર્ભુજ નારાયણ મારા સમાન જ છે. તેઓ નારી હૃદયની વિલક્ષણ ભાવનાઓથી પરિચિત છે. એટલે તું વૈકુંઠમાં તેમની પાસે જા. હું સર્વશક્તિ માન હોવા છતાં હું રાધા વગર કશું જ નથી. રાધાની સાથે-સાથે તને રાખવાનું મારે માટે અશક્ય નથી. નારાયણ લક્ષ્મી સાથે તને પણ રાખશે. લક્ષ્મી અને તું બન્ને સમાન છો અને ઈર્ષ્યામુક્ત છો. શ્રીકૃષ્ણે ભારતમાં સર્વપ્રથમ સરસ્વતીની પૂજાનો પ્રસાર કર્યો. વાલ્મીકિ, બૃહસ્પતિ, ભૃઝ, વગેરેને નારાયણે સરસ્વતી પૂજનનો બીજમંત્ર આપ્યો હતો.''
લક્ષ્મી, સરસ્વતી અને ગંગા - આ ત્રણેય દેવીઓ નારાયણ પાસે નિવાસ કરતી હતી. એક વાર ગંગાએ નારાયણ પર અનેક કટાક્ષો-વ્યંગ્ય કર્યા. નારાયણ તો બહાર ચાલ્યા ગયા, પરંતુ ગંગાના વ્યંગ્યથી સરસ્વતી નારાજ થઈ ગયાં. સરસ્વતીને લાગ્યું કે નારાયણ ગંગા અને લક્ષ્મીને વધુ પ્રેમ કરે છે. લક્ષ્મીએ ગંગા અને સરસ્વતી વચ્ચે બચાવની ભૂમિકા ભજવવાનો પ્રયત્ન કર્યો. લક્ષ્મીનું નિર્વિકાર મૌન જોઈને સરસ્વતી નારાજ થઈ ગયાં. સરસ્વતીએ ગંગાને પાપી જગતનું પાપ સમેટનારી નદી બનીને જનસમુદાયનાં પાપ ધોવાનો શ્રાપ આપ્યો. લક્ષ્મીને જડવત્ વ્યવહાર માટે જડ વૃક્ષ અથવા નદી બની જવાનો શ્રાપ આપ્યો.
એવામાં નારાયણ પાછા આવ્યાં. સરસ્વતીને ભેટીને તેમણે શાન્ત કર્યાં. નારાયણે કહ્યું: ''એક પુરુષ અનેક નારીઓ સાથે ગુજારો કરી શકે નહીં. એટલે એકબીજાના શ્રાપને કારણે તમારે વૃક્ષ કે નદી બનીને મૃત્યુ લોકમાં પ્રગટ થવું પડશે. લક્ષ્મી, તું તારા એક અંશથી પૃથ્વી પર ધર્મધ્વજ રાજાને ઘેર સ્વયંભૂ કન્યા તરીકે રૂપ ધારણ કરીશ અને ભાગ્યદોશને કારણે તને વૃક્ષ સ્વરૂપ પ્રાપ્ત થશે. મારા અંશમાંથી જન્મેલા અસુરેન્દ્ર શંખચૂડ સાથે તારું લગ્ન થશે. ભારતમાં તું 'તુલસી' તથા પદ્માવતી નદી રૂપે અવતરિત થઈશ. પરંતુ અહીં આવ્યા બાદ તું મારી પત્ની જ રહીશ. ગંગા, તું સરસ્વતીના શાપને કારણે ભારતવાસીઓના પાપને નાશ કરનારી નદીનું રૂપ જ ધારણ કરીશ. ગંગા, તારા ધરતી પરના અવતરણનું નિમિત્ત ભગીરથની તપસ્યા બનશે. એટલે તું ભાગીરથી કહેવાઈશ. રાજા શાન્તનું તારા પતિ બનશે. હવે તું સંપૂર્ણપણે શિવ પાસે જા. સરસ્વતી તું પણ પાપનાશિની નદી તરીકે પૃથ્વી પર અવતાર ધારણ કર. તારું પૂર્ણ રૂપ બ્રહ્માની પત્ની રૂપે રહેશે.''
ગંગા, સરસ્વતી અને લક્ષ્મીને પોતાના કૃત્ય પર પશ્ચાત્તાપ થયો. એમણે કૃષ્ણને અભિશાપથી મુક્ત થવાની મુદત જણાવવા વિનંતી કરી. કૃષ્ણે કહ્યું: ''કળિયુગના દસ હજાર વર્ષ પૂરા થતાં તમે ત્રણે શાપ મુક્ત બનશો. સરસ્વતી બ્રહ્માને પ્રિય હોવાને કારણે બ્રાહ્મી નામે પણ પ્રખ્યાત થયાં.''
સમગ્ર કથાઓનો સાર એક જ કે સરસ્વતી અને લક્ષ્મી ભગવાન નારાયણના નિકટ હતાં, પરંતુ સરસ્વતીને એમ લાગતું હતું કે લક્ષ્મી નારાયણનાં માનીતા છે. એટલે લક્ષ્મી અને સરસ્વતી વચ્ચેનો સંબંધ પ્રેમાળ ન રહ્યો. પરસ્પરની જાણે-અજાણે ઈર્ષ્યા કરતા રહ્યાં.
લક્ષ્મી અને સરસ્વતી સાથે ન રહી શકે, એ સર્વથા સત્ય નથી. ઋષિકાળમાં ઋષિઓ સાદગી અને સરળતાની મૂર્તિ હતા. તેઓ ધનને નહીં પણ જ્ઞાાનને મહત્વ આપતા હતા. એટલે લક્ષ્મીનો પોતાના પર અધિકાર ન રહે એવો ભાવ રાખતા. દ્રોણ જેવા સારસ્વતને પણ લક્ષ્મીની અવકૃપાનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ રાવણ પાસે સાધનાજન્ય લક્ષ્મી અને સરસ્વતી બન્ને હતાં. તેની લંકા સોનાની હતી. રાવણ પ્રકાંડ પંડિત હતો. પણ તેનું અંતઃકરણ મલિન હતું એટલે તેનું પતન થયું.
આજકાલ લક્ષ્મી અને સરસ્વતીએ 'મેળ-મિલાપ'નું સમાધાન કરી લીધું છે આજે સારસ્વતો અને મીડિયા કર્મીઓ સારસ્વત કર્મ કર્યા છતાં લક્ષ્મીથી વંચિત નથી. વળી વિદ્યાનાં ધામો એટલે કે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓ, ગુરૂકુળો પાસે લક્ષ્મી પણ છે અને સરસ્વતી પણ. લક્ષ્મીવંતો દ્વારા જ આજે મોટાં મોટાં
વિદ્યાલયો - મહાવિદ્યાલયો સંચાલિત છે અને સરસ્વતી જ શિક્ષણધામોમાં 'લક્ષ્મી' કૃપાનું વરદાન બની રહ્યાં છે. અબજોપતિઓ પણ લક્ષ્મીને કારણે પોતાનું નામ અમર બનાવવા માટે સરસ્વતીનો સહારો લઈ પોતાના નામો વિદ્યા સંસ્થાઓ કે વિશ્વ વિદ્યાલયો સાથે જોડવામાં પોતાનું જીવન સાફલ્ય માની રહ્યા છે. આજે જ્ઞાાની ધનને અભાવે ભૂખે મરે એવી સ્થિતિ નથી. 'ટયૂશન કલાસો'માં લક્ષ્મી અને સરસ્વતીનો સુમેળ અતિ સંતોષજનક રીતે સ્થાપિત થઈ ચૂકેલો નજરે પડે છે.
આપણે ઈચ્છીએ કે શ્રી અર્થાત્ લક્ષ્મી અને સરસ્વતી વચ્ચેનો સુમેળ રહે. સમાજમાં જ્ઞાાનની પ્રગતિ અને વિસ્તાર માટે એ સમન્વય ઉપકારક પણ છે. પરંતુ મહત્વની વાત લક્ષ્મી અને સરસ્વતીની શુદ્ધિની છે. ભ્રષ્ટ લક્ષ્મી અને ભ્રષ્ટ જ્ઞાાનને વિશ્વમાં મહત્વ મળશે તો ધનની અને જ્ઞાાનની પવિત્રતા સમાપ્ત થઈ જશે. જ્ઞાાનીઓ જ સમાજના સાચા ઉદ્ધારકો છે. એટલે જ જ્ઞાાનને અમૃત સમાન માનવામાં આવ્યું છે.
ધર્મ ચૂકે એવી લક્ષ્મી અને ઉદાત્ત ધ્યેય વિસ્મરે એવી સરસ્વતી એ બન્ને સ્થિતિ પતનને નોતરે છે. લક્ષ્મી અને સરસ્વતી વિવાદને બદલે સંવાદ સાથે એમાં જ આજના જગતનું ભલું છે. લક્ષ્મી અને સરસ્વતી બન્ને અવશ્ય સાથે રહી શકે, પરસ્પર સાથે ઈર્ષ્યા, દ્વેષ અને સ્પર્ધાનો માર્ગ ન અપનાવે તો. ધર્મ સાધના એટલે કે સત્કાર્યો માટે ધન જરૂરી છે અને વિશ્વના આત્મિક, આધ્યાત્મિક અને અંતઃકરણના વિકાસ માટે જ્ઞાાન આવશ્યક છે. જ્ઞાાનીઓ માત્ર જ્ઞાાનને અતિ મહત્વ ન આપે અને લક્ષ્મીવંતો જ્ઞાાનને ગૌણ ન ગણે એમાં જ સમાજ અને દેશ દુનિયાનું કલ્યાણ છે.