- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- પુરુષ પ્રધાન સમાજમાં પોતે દામ્પત્યજીવનના અબાધિત વિશેષાધિકાર ભોગવવા પાત્ર વિશિષ્ટ વ્યક્તિ છે, એવો ખ્યાલ પુરુષના મનમાં ઘર કરી ગયો છે
* દામ્પત્ય જીવનને સુખદ અને સંવાદી રાખવા માટેની જવાબદારી એકલી કન્યાની શું કામ ?
* ભાવના મનીષકુમાર જોષી.
કનકકલા-૨, આનંદનગર રોડ, વેજલપુર, અમદાવાદ.
ક ન્યા વિદાયના કરુણ પ્રસંગે લોકગીત દ્વારા કન્યાને 'સાસરીઆ'માં જીવવાની રીત સૂચવવામાં આવે છે. માતા અને અન્ય વડીલો પણ લગ્ન અગાઉથી જ પુત્રીના મનમાં એ વાત ઠસાવવાની કોશિશ કરે છે કે ગૃહિણી જ ઘરનો મુખ્ય આધાર હોય છે. તેણે સહિષ્ણુ, નમ્ર, આજ્ઞાંકિત રહેવું જોઈએ અને 'પારકાં'ને પોતાના બનાવી લેવાની કળા તેણે શીખી લેવી જોઈએ. સાસુને માતા સમાન ગણવાનું, સસરાને પિતા સમાન અને નણદી-દિયરને ભગિની-ભ્રાતા સમાન ગણવાનું તેણે કદાપિ ભૂલવું ન જોઈએ.
આ બધી વાતો દામ્પત્ય જીવનને સુખદ અને સંવાદી રાખવા માટે જરૂરી છે, એ વાત કબૂલ પણ અહીં પ્રશ્ન એ થાય છે કે આવું શિક્ષણ એકલી કન્યાને જ શું કામ ?
હકીકતમાં વર અને કન્યા બંનેની સમજદારી અને શાણપણ ઉપર જ પ્રસન્ન દામ્પત્ય અવલંબિત છે. પણ કોઈ માતા કે પિતા લગ્ન અગાઉ પોતાના પુત્રને સાસુ-સસરા પ્રત્યે નમ્ર, સહિષ્ણુ, સાળા-સાળીઓને સગાં ભાઈ-બહેનથી યે અધિક સ્નેહપાત્ર ગણવાનો ઉપદેશ આપતાં હોય એવું ભાગ્યે જ જોવા મળે છે.
જો કન્યા માટે આચાર-સંહિતા આવશ્યક ગણાતી હોય તો વર માટે પણ એ આચારસંહિતાની સમજણ અને પરિપાલન પણ એટલું જ મહત્ત્વનું ગણાવું જોઈએ.
પણ પુરુષ પ્રધાન સમાજે એ વાત સ્વીકારવાનું મુનાસિબ નથી માન્યું. પુરુષને સઘળાં બંધનોથી મુક્ત રહેવાનો પરવાનો આપી દેવામાં હિન્દુ શાસ્ત્રોના રચયિતાઓએ કયા તર્કનો આશરો લીધો હશે ?... એની પાછળ સ્ત્રીને અબળા અને પુરુષાધિન રાખવાની વૃત્તિ જ છતી થતી દેખાય છે. ભારતીય સમાજમાં પત્નીને 'પરાઈ' ગણવાનો પ્રદૂષિત ખ્યાલ જ નારી-સ્વાતંત્ર્યનો સૌથી મોટો શત્રુ પૂરવાર થયો છે. એક તરફ 'અર્ધ-નર-નારીશ્વર'નો આદર્શ અને બીજી તરફ સ્ત્રીને અળગી ગણવાનો વ્યવહાર, એ વચ્ચે નારીનું શોષણ થાય છે. નારીને દેવીનું પદ આપીને આપણે 'દુર્ગા' બનવાની છૂટ આપવાને બદલે 'પાષાણ પ્રતિભા' બનાવીને ગૃહમંદિરમાં આજીવન કેદ રહેવાનું એને લલાટે લખી દીધું અને પાષાણ પ્રતિમા....એ બિચારી ક્યાં બોલી શકે છે ?
કિશોરાવસ્થા વટાવી યૌવનના ઉંબરે પ્રવેશતા યુવાનોને ડૉક્ટર, વકીલ, ઈજનેર, પ્રોફેસર, શિક્ષક, કલાર્ક, અધિકારી કે સ્વરોજગાર પ્રાપ્ત કર્મચારી બનવાનું આપણે શિક્ષણ આપીએ છીએ, એથીયે અનેકગણું મહત્ત્વનું શિક્ષણ છે 'ગૃહસ્થ' બનવાની કલાનું શિક્ષણ, સારા પતિ બનવાની તાલીમ, જવાબદાર નાગરિક તરીકેના કૌશલ્યનું પ્રશિક્ષણ.
લગ્ન અગાઉ જ્યારે પણ સાસરીયાની વાત નીકળે ત્યારે સાસુ-સસરાથી નહીં દબાવાનું, વહુઘેલા નહીં બનવાનું અને વાર-તહેવારે હકો ભોગવવાનું શિક્ષણ ઘણા મા-બાપો પોતાના પુત્રને આપતાં હોય છે. મા-બાપ ઈચ્છે છે કે એમનો પુત્ર શ્રવણ બને, ભગિની ઇચ્છે છે કે ભાઈ એનો જીવનરક્ષક બને, પણ આ બધા કર્તવ્યો સાથે યુવક પોતાના દામ્પત્ય જીવનમાં ઉત્તમ કર્તવ્ય સભર અને જવાબદાર પતિ બને અને સાચા અર્થમાં પોતાની પત્નીનો મન-વચન-કર્મથી સંતરી બને, છત્રાછાયા અને વિશ્વસનીય વિસામો બને, એ વાતનું શિક્ષણ એને પરિવાર તરફથી મળતું નથી.
પરિણામે પોતે દામ્પત્ય જીવનના અબાધિત વિશેષાધિકાર ભોગવવાપાત્ર વિશિષ્ટ વ્યક્તિ છે, એવો ખ્યાલ પુરુષના મનમાં ઘર કરી જાય છે. એટલે પત્ની પોતાના દાબામાં રહે એવા ખ્યાલમાં એ રાચે છે.
મા-બાપે તેને સ્વસ્થ સામાજિક સંબંધોનું તટસ્થતાપૂર્વક મહત્ત્વ સમજાવવું જોઈએ. લગ્ન થયા બાદ પુરુષની સામાજિક ભૂમિકાનો ખ્યાલ પ્રત્યેક યુવકને સુપેરે મળવો અત્યન્ત આવશ્યક છે...એટલે જ લગ્નવિધિમાં પોખવાની પ્રક્રિયા અને ત્યાર બાદ મંગલાષ્ટક સમયે વર કન્યાને 'સાવધાન' રહેવાની વાત વણી લેવામાં આવી હશે.
યુવકને એ વાત સમજાવવી જોઈએ કે કન્યા 'દાન'માં લેવાની કે મેળવવાની વસ્તુ નથી. એક પરિવાર પોતાની પુત્રીને બીજા પરિવારના પુત્રની 'સંગિની' બનવાની છૂટ એટલા માટે આપે છે કે એમ કરવાથી પુત્રીની દૈહિક, ભૌતિક અધ્યાત્મિક અને વ્યક્તિત્ત્વ વિકાસની અનેક આવશ્યકતાઓ સરસ રીતે સંતોષાશે.
યુવકને એ વાત સમજાવવાની જરૂર છે કે એક સ્ત્રી તેને પોતાના સર્વસ્વનું સ્વેચ્છાએ સમર્પણ કરે છે, એ સમર્પણની શાન તેણે રાખવી જોઈએ.
જે રીતે પરિણીતા યુવતી પતિના પરિવારને પોતીકું ગણી એના સુખ દુ:ખોમાં ભાગીદાર બને તે અપેક્ષિત છે, તેમ પતિ પણ પોતાના સાસુ-સસરા કે શ્વસુરપક્ષના સ્વજનો સાથે પવિત્ર ફરજથી બંધાએલો છે. પ્રશ્ન સાસુ-સસરાની માંદગીનો હોય કે સાળા-સાળીના શિક્ષણનો, લગ્ન કે સુખ-સુવિધાનો, પરિણિત યુવકનું એ કર્તવ્ય બની જાય છે કે સાસરીઆ પર એ બધું કર્યાનું અહેસાન કે ગર્વ રાખવાને બદલે પોતાની ફરજ બજાવ્યાનો એણે સંતોષ માનવો જોઈએ.
દામ્પત્ય જીવનમાં 'મારા-તારા'ની સીમારેખાને સ્થાન જ ન હોવું જોઈએ. જમાઈ શબ્દને હવે સમાજવટો આપીને નવો શબ્દ પ્રયોજવાની જરૂર છે. કારણ કે એ શબ્દ વિવેકહીન અધિકાર-પ્રિયતાની દુર્ગંધ આપે છે. જમાઈ એટલે કન્યા માટે મળેલો ધર્મપુત્ર અને વહુ એટલે પુત્ર સાટે મળેલી ધર્મપુત્રી ! જેમ કન્યા કશુંક આપવા સાસરીઆમાં આવે છે, તેમ જમાઈ પણ કશુંક શ્રેષ્ઠ અર્પવા માટે સાસરીઆનો સ્વજન બને છે. લેવાની વૃત્તિ નહીં પણ આપવાની વૃત્તિનું મહત્ત્વ પરણનાર યુવકને સમજાવવું જોઈએ. દીકરીના સાસરીઆ એટલે મનોવાંછિત અધિકારો ભોગવવાનું કેન્દ્ર એવો ભ્રષ્ટાચારી ખ્યાલ જ દહેજના રાક્ષસનો પ્રાણવાયુ બને છે. યુવકને એ વાતનું શિક્ષણ મળવું જોઈએ કે સાસરીઆ પાસેથી લગ્નનિમિત્તે કશું ય માગવું એ નૈતિક દ્રષ્ટિએ તથા કાનૂની દ્રષ્ટિએ પણ અપરાધ છે. એમ કરવામાં વરનું વામણાપણું સાબિત થાય છે.
રાજા ગણાતો 'વર' પોતાના સ્વમાનને નેવે મૂકી કન્યાના પિતાની આર્થિક કૃપા અને ભેટ-સોગાદોનો નિર્લજ્જ ભિખારી બને એમાં યૌવનની ખુમારી અને ખમીર ક્યાં રહ્યાં ? પણ આવી વાત પોતાના સંતાનને સમજાવનાર મા-બાપ કેટલાં ?
હા, સાસુનો છેડો ટી.વી., સ્કૂટર કે મોટી રકમ માગ્યા સિવાય છોડીશ નહીં, એવી શિખામણ વરને વગર માગે મળે છે. કન્યા વિદાયની જેમ 'વરઘોડો' કાઢતા પહેલાં વરને એ
વાત બરાબર સમજાવી દેવી જોઈએ કે લગ્ન એ સુખી બનવાની અને જીવન સાથીને સુખી બનાવવાની 'લગની'નો વિષય છે. એ વિષય-સુખના ભોગવટાનો આજીવન પરવાનો નથી. લગ્ન એ ત્યાગ, સમજ અને સંવાદ પર રચાયેલી સામાજિક ગોઠવણ છે અને બે પરિવારોનું મિલન છે.
એટલે જ યુવાન પુત્ર-પુત્રી સાથે લગ્નજીવનના આદર્શોની ચર્ચા અને વિચાર વિમર્શને 'આભડછેટ'નો વિષય બનાવવાને બદલે નિખાલસતાનો વિષય બનાવવો જોઈએ. સ્ત્રી કોઈપણ રીતે પુરુષ કરતાં હીણી કે ઊતરતી કક્ષાની નથી એ વાતનું દ્રઢીકરણ થવું જોઈએ. જે કામ સ્ત્રી કરી શકે છે, તે પુરૂષોએ પણ શીખવા જોઈએ અને એ જ રીતે સ્ત્રી પણ જરૂરી શિક્ષણ, સ્વતંત્રતા અને સન્માનની અધિકારી છે, એમ સ્વીકારવું જોઈએ.


