યોગ્ય, સમજુ અને બુદ્ધિશાળી વ્યક્તિ સામે સત્ય વાત કરવી, પણ બુદ્ધિહીન સમક્ષ રજૂ કરવી કેટલા અંશે યોગ્ય?
ગુફતેગો - ડો.ચંદ્રકાન્ત મહેતા
દુનિયામાં 'હૈયાસૂનાં', 'નિર્જન રણ' જેવાં માણસોનો તોટો નથી ! એટલે તમને તમારી વાત સંભળાવવા માટે 'યોગ્ય' માણસ મળી જાય, તો તમારા જેવો બીજો ભાગ્યશાળી કોણ ?
યોગ્ય, સમજુ અને બુદ્ધિશાળી વ્યક્તિ સામે સત્ય વાત રજૂ કરવી, પરંતુ બુદ્ધિહીન સમક્ષ રજૂ કરવી કેટલા અંશે યોગ્ય ?
* પ્રશ્નકર્તા : રક્ષિત ઉષાકર વોરા 'ક્ષિતિજ', બ્લોક નં. 98/2, 'ચ' ટાઈપ, સરકારી ક્વાર્ટસ, ગાંધીનગર સેક્ટર- 28
ત મે તમારું હૃદય અન્ય સમક્ષ ખોલવાનો વિચાર કરો ત્યારે એ વાત બરાબર રીતે ચકાસી લેવી જોઈએ કે જે તે વ્યક્તિ ખરેખર તમારી વાત સાંભળવા, સમજવા યોગ્ય છે ? તે વ્યક્તિ સાચા હૃદયથી તમારી વાતને ન્યાય આપવાની સમજ ધરાવે છે ? તે બુદ્ધિશાળી હોય પણ તેનામાં સહૃદયતા અને સંવેદનશીલતા ન હોય તો તે તમારી સાચી વાતને પણ ઠુકરાવશે. કોર્ટ-કચેરીમાં દલીલો 'બુદ્ધિશાળી'ઓ દ્વારા જ થતી હોય છે પણ તેમાં સત્યને જીતાડવાને બદલે સ્વાર્થને જીતાડવાનો જ પ્રયત્ન થતો હોય છે. ઘણા લોકો દંભી હોય છે તેઓ તમારી વાત સાથે સમ્મત હોવાનો ઢોંગ કરશે, પણ અણીના સમયે સત્યની રક્ષા માટે તમને સાથ નહીં આપે.
માણસોના જુદા જુદા પ્રકારો હોય છે. 'જાતિશતક'માં ભતૃહરિએ વર્ણવ્યું છે તેમ સત્પુરુષો પોતાનો સ્વાર્થ ત્યજી બીજાનું ભલું ઈચ્છે છે. સામાન્ય મનુષ્યો, એવા લોકો છે, જેઓ પોતાના સ્વાર્થ કે હિતને હાનિ ન પહોંચે એવી રીતે પારકા માટે પ્રયત્ન કરવા તૈયાર થાય છે. પરંતુ જેઓ પોતાના સ્વાર્થ માટે પારકાનું હિત બગાડે છે તેવા માણસો રાક્ષસતુલ્ય છે પરંતુ જેઓ અકારણ પારકાને નુકસાન પહોંચાડે છે. તેઓને માટે શું કહેવું એની જ અમને ખબર પડતી નથી !
એટલે સાચી વાત કહેવા માટે સુપાત્ર વ્યક્તિની પસંદગી કરવી પડે. ઘણા માણસોને પોતાનાં દુઃખોનાં રોદણાં રડવાની આદત હોય છે. તેઓ સુપાત્ર-કુપાત્રનો વિચાર કર્યા સિવાય પોતાની વાત કહી દેવા આતુર હોય છે. પોતાની વ્યથા, વેદના અને દીનતા વ્યક્ત કરવાની ભૂલ કરી બેસે છે. એક સુભાષિતકાર 'ચાતક'ના ઉદાહરણ દ્વારા એવા લોકોને પ્રબોધતાં કહે છે કે હે ચાતક, મિત્ર ભાવે સાવધાન થઈને મારી વાત ક્ષણ માટે પણ સાંભળ. આકાશમાં વાદળો તો અનેક હોય છે, પણ બધાં વાદળો એક સમાન હોતાં નથી. કેટલાંક વાદળો અનરાધાર વરસીને ધરતીને ભીંજવી દે છે, તૃપ્ત કરે છે. પણ બાકીનાં વાદળો તો ખાલી ખાલી ગરજે છે, પણ વરસતાં નથી. એટલે તેવાં ખાલીખમ જળ વિહોણાં વાદળો તારી તૃષા બુઝાવશે નહીં. એટલે જે કોઈ મળે કે તું જેને જુએ તેની આગળ દીન વચન બોલીશ નહીં મતલબ કે તેનાથી તને કશો જ લાભ થવાનો નથી !
વાત ક્યારે કરવી, કેવી રીતે કરવી, કોની સમક્ષ કરવી, કેટલા પ્રમાણમાં કરવી એ સમજી લેવું એ પણ વ્યવહાર માટે જરૂરી છે. એટલે માણસે તોળી-તોળીને બોલવું જોઈએ. જે માણસમાં તોળીને બોલવાની કોઠાસૂઝ નથી હોતી એને અંતે ઠપકાપાત્ર ઠરવાનો વારો આવે છે. બીજા સાથે વાતચીતમાં ઉતરતી વખતે એના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે માણસની વાણીમાં જ એનું ચારિત્ર્ય પ્રતિબિમ્બિત થતું હોય છે. મૌન ધારણ કરવું એ પણ એક કળા છે. માણસ ઉતાવળે બોલી જાય છે અને પાછળથી પસ્તાય છે. સર ડબલ્યૂ ટેમ્પિસે વાતચીત સંદર્ભે નોંધ્યું છે તેમ વાતચીતનો પ્રથમ અંશ છે સત્ય. બીજો અંશ છે કોઠાસૂઝ. ત્રીજો અંશ છે વાક્ચાતુર્ય અને ચોથો અંશ છે વિનોદવૃત્તિ. વાતચીતની કળામાં જે માણસ કાબેલ ન હોય તે અંતે હારી જાય છે.
દુર્યોધને જીવનમાં માર ખાધો હોય તો તેના સ્વભાવમાં રહેલી અહંકારી વૃત્તિવશ બીજાની સાચી વાત પણ નહીં સાંભળવાની હઠ. શ્રીકૃષ્ણ સંધિ પ્રસ્તાવ લઈ દૂત તરીકે ગયા ત્યારે એમણે દુર્યોધન સમક્ષ ઉદાર શરતો મૂકી હતી. દુર્યોધન ન્યાયપૂર્વક વર્તવા ઈચ્છે તો અડધું રાજ્ય આપે, એમ કરવા તૈયાર ન હોય તો કેવળ પાંચ પાંડવો માટે પાંચ ગામ આપે. પણ દુર્યોધન કૃષ્ણની સાચી વાત સમજ્યો નહીં અને કૃષ્ણને કેદ કરવાની કોશિશ કરી.
મોટાભાગના લોકો હોઠથી વાત કરતા હોય છે, હૈયાથી નહીં. એટલે તેમની વાતમાં આત્મીયતા કે સચ્ચાઈનો અંશ હોતો નથી. બુદ્ધિમાન માણસ વિદ્યાનો ઉપયોગ વિવાદ, તર્ક અને દલીલબાજી માટે કરે છે. એટલે એ તમારી સાચી વાત સાંભળી ન્યાય તોળશે અને તમને મદદરૂપ થશે એવો વિશ્વાસ
છેતરામણો પણ સાબિત થઈ શકે.
રવીન્દ્રનાથ ટાગોરના મતે બુદ્ધિમાન કોણ ? જે થોડુંક વાંચે, વધુ વિચારે, ઓછું બોલે, અને વધુ સાંભળે. બુદ્ધિશાળી માણસ બોલતાં પહેલાં વિચારે છે, જ્યારે મૂર્ખ માણસ બોલ્યા પછી વિચારે છે કે પોતે અમુક પ્રકારનું શું કામ બોલ્યો ? જેમ સ્વાર્થી અને હલકટ બુદ્ધિશાળી નકામો, તેમ અધૂરો જ્ઞાની પણ નકામો. 'જાતિ શતક'માં આ વિશે એક સુંદર શ્લોક છે. તદનુસાર અજ્ઞાનીને રાજી કરવો એ સહેલું છે. વિશેષ જાણનાર સુજ્ઞા પુરુષ તેથી પણ વધારે સહેલાઇથી પ્રસન્ન થઇ શકે છે. પણ જે માણસ જ્ઞાનના એક કણ વડે જ પોતાની જાતને બહુ ડાહ્યો માની બેઠો છે, તેવા અધકચરા જ્ઞાનીને તો બ્રહ્મા પણ પ્રસન્ન કરી શકતા નથી.
ઘણી વાર, જેને આપણે અણસમજુ, બુદ્ધિવિહીન માનીએ છીએ હકીકતમાં તે દંભી અને આડંબરી બુદ્ધિશાળી કરતાં વધુ ન્યાયી નીવડે છે અને સત્ય વાત સ્વીકારી લે છે. પહેલાંના જમાનાના માણસો 'ભણેલા' ઓછું હતા, પણ 'ગણેલા' એટલે કે વ્યવહાર કુશળ વધુ હતા. એટલે સત્ય વાતનો તાગ જલદી મેળવી લેતા.
આજે પણ ઓછું ભણેલા લોકો જતું કરવાની ભાવના ધરાવી કજિયો-કંકાસ ટાળવાની ઉદારતા દાખવે છે. જ્યારે કહેવાતા બુદ્ધિશાળી લોકો સત્ય સ્વીકારવાને બદલે પોતાના અધિકારો સિદ્ધ કરવા માટે કોર્ટકચેરીનાં દ્વાર ખખડાવતાં હોય છે. પારિવારિક ઝઘડાઓ કે મિલક્તની વહેંચણીમાં બુદ્ધિશાળી માણસો જિદ્દી બની સત્યને ગળે ટૂંપો દે છે અને વાતનું વતેસર કરે છે. એટલે બુદ્ધિશાળી માણસ સત્યને પડખે ઉભા રહેવા કરતાં સ્વાર્થને પડખે ઉભા રહેવામાં વધુ રસ ધરાવે છે.
એટલે પોતાની યોગ્ય અને સત્યતાપૂર્ણ વાત રજૂ કરવા માટે 'બુદ્ધિ'ને નહીં પણ માણસાઇ અને નિષ્પક્ષતા ધરાવનાર વ્યક્તિની પસંદગી કરવી જોઈએ.
ભગવદ્ગીતામાં કહ્યું છે તેમ 'જે બુદ્ધિ ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્ય નથી સમજતી, તે બુદ્ધિ રાજસી બુદ્ધિ છે. સ્વામી વિવેકાનંદની આ વાત સ્વીકારવી જોઇએ કે બુદ્ધિ તો ક્રિયાનું ચેતનાહીન અંગ છે. ભાવનાનો સંયોગ થતાં તે અંગમાં ગતિ આવે છે અને તે અંગો કાર્ય કરતાં થઇ જાય છે. દુન્યવી બુદ્ધિને પોતાના જીવનરથની સારથી બનાવવી એટલે પરાજયને સામેથી નિમંત્રિત કરવા સમાન છે.