- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- જ્યારે સ્વાતંત્ર્યના રૂઆબને બદલે નાગરિકોને રોટલો અને રૂપિયો વધુ મૂલ્યવાન લાગે ત્યારે આઝાદી ચોધાર આંસુએ રડે છે
શું રાષ્ટ્રપ્રેમ પંદરમી ઓગષ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ જ પ્રદર્શિત કરવાનો વિષય છે ?
પ્રશ્નકર્તા : સર્વાંગી પટેલ, બાપુનગર રોડ, અમદાવાદ.
દેશપ્રેમ એ ક્ષણિક ઊભરાનો વિષય નથી. પરંતુ દેશના નાગરિકોએ પ્રત્યેક પળે અભિવ્યક્ત કરવાની નિરંતર સાધનાની વસ્તુ છે. કશીક દુ:ખદ ઘટના બને ત્યારે આપણે સંવેદનશીલ બનીને દેશ માટે બધું જ કરી છૂટવા તત્પર રહીએ એ આવકાર્ય, પરંતુ એવી ભાવનાની જ્યોત પ્રત્યેક નાગરિકના હૃદયમાં અહર્નિશ જલતી રહે એ જ સાચી દેશભક્તિ છે. આપણી અને દેશની રક્ષા માટે લડતા આપણા સૈનિકોનું ઋણ અદા કરવાની આપણી ફરજ છે. વીર શહીદની પત્ની, પરિવાર, માતા-પિતા કે આશ્રિત સ્વજનની ચિંતા અને યથાશક્તિ મદદ એ જ એમને શ્રધ્ધાંજલિ અર્પવાનો શ્રેષ્ઠ માર્ગ છે. નાગરિકોની સ્વમાનપ્રિયતા અને ખુમારી જ દુશ્મનોના દાંત ખાટા કરવાનું અમોધ શસ્ત્ર છે. દેશની અંકુશરેખાઓ ઓળંગી અંદર ઘૂસનારા સફળ થાય છે, કારણ કે એમને મદદરૂપ થનારા ગદ્દારો પણ ક્યાંક ને ક્યાંક દેશમાં કામો કરતાં હોય છે.
એક રાષ્ટ્રના નિર્માણમાં હજારો વર્ષ જાય છે, પરંતુ એની પાયમાલી માટે તો એક કલાક જ પૂરતો હોય છે. સ્વતંત્રતાના ચાહક બનનારા ઘણા છે. સ્વતંત્રતાના પૂજક બનનારાની સંખ્યા પણ મોટી છે. સ્વતંત્રતા ખાતર મળી જનારાઓને પણ આપણે આદરપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પતા આવ્યા છીએ, પણ સ્વતંત્રતાને જન્મસિધ્ધ અધિકાર માનવાને બદલે આપણા કર્તવ્યોથી પરિપુષ્ટ કરવાનો મંત્ર નહીં સ્વીકારીએ ત્યાં સુધી સ્વતંત્રતાની ખુમારી અને ઈજ્જત સાચા અર્થમાં, નહીં પ્રગટે.
સ્વરાજ્ય નહીં, 'સત્ય રાજ્ય' પણ આપણો જન્મસિધ્ધ અધિકાર હોવો જોઈએ. સ્વતંત્રતાને સૂત્રોચ્ચારથી સિધ્ધ કરવાને બદલે કર્મનિષ્ઠાથી કૌવતભરી બનાવવાનો જયઘોષ કરવો જોઈએ. એટલે જ વિનોબાજીએ કહ્યું હતું કે, સ્વતંત્રતા જન્મસિધ્ધ નહીં, કર્મસિધ્ધ અધિકાર છે. આપણને વ્યકિતગત સ્વતંત્ર્ય ખપે છે અને તેને માટે લડવા, ઝઘડવા, મરવા પણ તૈયાર થઈ જઈએ છીએ. પણ સ્વતંત્રતાને એકલપેટા બનીને ભોગવવાની લાલસા માણસને વિવેકહીન બનાવે છે.
સ્વતંત્રતા એ 'કથા' નથી 'વ્રત' છે. સિધ્ધિ નથી સતત સાધનાનો આયાસ છે, પડાવ નથી, યાત્રા છે. વિજયનો ઉત્સવ માત્ર નથી, કષ્ટોથી નહીં ડરવાનો નિશ્ચય છે, એ વિશ્રામ નથી.
જ્યારે લક્ષ્મી અને સરસ્વતી સત્યને બદલે 'સ્વાર્થીઓ'ના દરબારમાં યશગાયિકાઓ બને છે, ત્યારે સ્વતંત્રતાને બદલે તેનો પડછાયો જ શેષ રહી જાય છે. જ્યારે સ્વતંત્ર્યના રુઆબને બદલે નાગરિકોને રૂપિયો અને રોટલો વધુ મૂલ્યવાન લાગે છે ત્યારે આઝાદી ચોધાર આંસુએ રડે છે.
સ્વતંત્રતા એ પૂરનો વિષય નથી, અંત:કરણના નૂરનો વિષય છે. એમાં કેવળ ભાવુકતા નહીં, સમજણ અને શ્રધ્ધાની જરૂર છે. અંદરથી ગુલામ રહીને બહારથી આઝાદ રહેવાનું શક્ય નથી. આપણે વારંવાર આવાં વાક્યો ઉચ્ચારતાં રહીએ છીએ કે, 'રાજકારણ તો ગંદુ છે'. 'ડર્ટી પોલિટિક્સ !' પણ આ રાજકારણને ગંદુ કોણ બનાવે છે ? જેમને મન રાજકારણ સત્તાલાલસા કે કમાણીનું સાધન છે તેઓ. જ્યાં સત્યનિષ્ઠા, સિધ્ધાંતનિષ્ઠા છે, આચારશુદ્ધિનો આગ્રહ છે ત્યાં કોઈ ગંદકી પ્રવેશી શકતી જ નથી. એટલે રાજકારણી ગંદો હોઈ શકે, રાજકારણ નહીં.
લોકશાહીમાં આપણે લોકોના પ્રતિનિધિત્વને મહત્વ આપ્યું એની પાછળ લોકભાવનાની કદર અને જયજયકારની વાત જોડાયેલી છે. પરંતુ પક્ષોની રચના અને સંગઠન સત્યની રક્ષા કરવા માટે નહીં, પરંતુ હરીફ સામે વેરની વસૂલાત માટે થાય ત્યારે રાજકારણમાં 'ગંદકી'ની ગટર ન ઉભરાય તો બીજું થાય પણ શું ? આજે મતગણતરી એ માથા-ગણતરી બની ગઈ છે. સત્ય કહેવાની અને સત્ય સહેવાની તાકાત લોકોમાં ઘટી ગઈ છે એટલે તકલાદી સંબંધો, તકલાદી આચાર, તકલાદી વિચારોની બોલબાલા વધી ગઈ છે. પરિણામે ધૂર્ત વ્યકિત સજ્જન ગણાય છે અને દંભી સૌજન્યશીલ ગણાય છે. જયાં બનાવટીપણું જ સત્યશીલતાનો માપદંડ બની જાય ત્યાં એવા સમય પાસેથી બીજી અપેક્ષા પણ શી રખાય ? નાગરિકોએ લાલચ, લોભમાં ફસાયા વગર વિવેકની રક્ષા માટે જાતે જ લક્ષ્મણરેખા ખેંચવી પડે છે. પણ મોટાભાગના મતદાતા સમજ્યા કે વિચાર્યા વગર એકબીજાની દેખાદેખી મતદાન કરે છે. સાચા અર્થમાં પ્રજાધર્મ શું છે તે સમજવાની બહુ જ જરૂર છે. મતદાન કરનાર જ્યાં સુધી પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી ધૂર્ત નેતાઓ ચૂંટાઈ આવવાના જ છે. એવા વામણા લોકોને શિરે તાજ અને એમનું રાજ જોઈ સામાન્ય લોકોએ પણ એવી વિકૃતિઓથી દૂર રહેવાનો છોછ છોડી દીધો છે. 'ફોગટ ખાના હમારા જન્મસિધ્ધ અધિકાર હૈ' ના સૂત્ર પર આવા ચૂંટાઈ આવેલા નેતાઓ રાજ કરે છે. શ્રમ હવે 'શરમ'ની વસ્તુ બની ગઈ છે. શ્રમ કરનાર મૂર્ખ કે ભોટ અને બીજાને છેતરનાર કાબેલ-કાર્યદક્ષ ગણાય છે. ટૂંકમાં શાસન સત્યના પ્રયોગો ને બદલે સ્વાર્થના પ્રયોગો બની જાય છે... માટે પ્રજાએ જાગવાની જરૂર છે.
જેના મનમાં ઉદારતા નથી અને જેનું મન પોતાના નિયંત્રણમાં નથી તે માણસ લોકનેતૃત્વનો ભાર વહન કરવાનો અધિકારી નથી. સતત સાવધાની અને વિવેક એ જ કોઈ પ્રજાની આબાદીનો પાયો છે. નહીં તો પછી 'જેવી પ્રજા તેવો પ્રતિનિધિ' સાબિત થાય છે. ચૂંટણી એ વિવેકપર્વ, સંયમપર્વ અને અનુશાસન પર્વ છે. પ્રજાસત્તાની આન અને શાન એમાં સમાયેલી છે.
અત્યારે આપણો દેશ શત્રુ દેશોથી ત્રસ્ત છે. ત્યારે પ્રજા તરીકે આપણી ફરજ બજાવવી એ આપણો ધર્મ બની જાય છે. આપણા દેશની રક્ષા કાજે આપણા બહાદુર સૈનિકો આપણા માટે મોતને બાથ ભીડતા હોય ત્યારે દેશની પ્રજા તરીકે આપણે આટલું તો કરીએ.
(૧) આપણી સેવા-પૂજા- પ્રાર્થનામાં સરહદે ઝઝૂમતા આપણા બહાદુર સૈનિકોના ક્ષેમ-કુશળને તથા શહીદોના આત્માની શાંતિને પણ સ્થાન આપીએ. (૨) ભોજન સમારંભો, મેળાવડાઓ અને વૈભવ પ્રદર્શન નિમિત્તે થતા ખર્ચા બંધ કરીને એ રકમ સૈનિકોના કલ્યાણ ફંડ માટે સમર્પીએ. (૩) સૈનિકો અને શહીદોના પરિવારજનોને મળીને એમને યથાશક્તિ મદદરૂપ થવાનો સન્નિષ્ઠ પ્રયત્ન કરીએ.
(૪) આપણા જન્મદિનની ઉજવણીનો ખર્ચો ટાળી સૈનિક દિનની ઉજવણીમાં ખર્ચો કરીએ. (૫) નાની નાની સભાઓ દ્વારા ગામ-શહેર કે સરહદ વિસ્તારના લોકોના દેશપ્રેમની જ્યોત બળવત્તર બનાવીએ. દેશભક્તિનાં ગીતોથી લોકોને પ્રોત્સાહિત કરીએ. (૬) સૈનિકોની વીરતાના પ્રસંગોથી બાળકો અને યુવાનોને વાકેફ કરીએ, યુવાનોને દેશની હાકલ પડતાં લશ્કરી-સેવામાં જોડાવા માટે પ્રોત્સાહન આપીએ.
(૭) દેહનો ઉપયોગ દેશ માટેની ભાવના રાખીએ.


