Get The App

મન એટલે શું ? મન કહે તેમ કરવું કે બુદ્ધિ સૂઝાડે તેમ કરવું ?

Updated: Apr 13th, 2021

GS TEAM


Google News
Google News
મન એટલે શું ? મન કહે તેમ કરવું કે બુદ્ધિ સૂઝાડે તેમ કરવું ? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- કોઇ નિર્ણય લેતા પહેલાં કાયરતા પૂછે છે કે તે નિર્ણય આપત્તિ વગરનો છે ? સ્વાર્થ પૂછે છે તે નિર્ણય ફાયદાકારક અને નીતિયુક્ત છે ? અહંકાર પૂછે છે: તેનાથી લોકપ્રિયતા પ્રાપ્ત થશે ? પરંતુ અંતઃકરણ પૂછશે: શું તમારો નિર્ણય ન્યાય સંગત છે ?

* મન એટલે શું ? મન કહે તેમ કરવું કે બુદ્ધિ સૂઝાડે તેમ કરવું ?

* પ્રશ્નકર્તા: ઉપેન્દ્ર એચ. જોશી, ૮, વનમાળી ફાર્મ, માલપુર રોડ, મોડાસા, જિન્અરવલ્લી (ગુજરાત) 

જેનાથી વિચાર કરી શકાય એવી આત્મા કે ચૈતન્યથી શક્તિ એટલે મન, વિચાર કરવામાં સહાયક - એક પ્રકારનું સૂક્ષ્મ પરમાણું. પ્રસન્નિકા જ્ઞાાન કોશ ભાગ-૭ માં શ્રી બંસીધરભાઈ શુકલએ મન વિશે વિગતે ચર્ચા કરી છે. તદનુસાર મન શબ્દ બે અર્થમાં વપરાય છે. મગજ અને માનસિક ક્રિયાઓ. વેદાન્તમાં શરીરના ત્રણ પ્રકારોમાં એક સૂક્ષ્મ શરીર છે, જે પંચ પ્રાણ, જ્ઞાાનેન્દ્રિય, કર્મેન્દ્રિય ઉપરાંત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર નામના તત્વોનું બનેલું છે. આમાં મન એ અંતઃકરણની સંકલ્પ-વિકલ્પ કરનારી વૃત્તિ છે. બધા સંસ્કૃત સમાજોમાં મનને સમજવાની કોશિશ સદીઓથી થઈ છે. દાર્શનિકોમાં કોઈ મનને શરીરનો ભાગ ગણે છે તો કોઇ શરીરથી મનને ભિન્ન ગણે છે. કોઇ કહે છે જે છે તે મન જ છે. શરીરનો આભાસ માત્ર છે. માણસની વિચાર, ઇચ્છા અને સંવેદનાની વૃત્તિને મન કહે છે. તે બુદ્ધિ અને સ્મૃતિનું કેન્દ્ર છે.

મનની શક્તિ પ્રચંડ છે. વિરાટ બ્રહ્માંડમાં જેના અસ્તિત્વનું કશું મહત્વ નથી તેવું મન વિરાટ બ્રહ્માંડનો જ નહીં તેની સીમા પારનો વિચાર કરી શકે છે. તેના દૂરના ભાવિનો વિચાર કરે છે અને ભારપૂર્વક કહે છે કે 'અહં બ્રહ્માસ્મિ મતલબ કે હું જ ઈશ્વર છું. ઊર્જા અને દ્રવ્ય એક જ છે એ મનની જ ઉપજ છે. હિન્દુ દાર્શનિકો વિશ્વના પ્રથમ માનસશાસ્ત્રીઓ થયા. તેમણે વિજ્ઞાાનનો આધાર આપ્યો. પશ્ચિમમાં સિગ્મંડ ફ્રોઇડ, કાર્લ યુંગ, આલ્ફ્રેડ એડલર, કાર્લયુંગ વગેરે પ્રસિદ્ધ માનસશાસ્ત્રીઓ થઈ ગયા. જૈન, બૌદ્ધ વગેરે ધર્મોમાં પણ મન વિશે ચિંતન થયું છે. સમસ્ત ચેતનાના વ્યાપારો, વિચારો, લાગણીઓ જેવી કે રાગ, દ્વેષ, ઇચ્છા, ધ્યાન, સ્મરણ વગેરે સર્વ કાર્યોનું સાધન મનને માનવાનો ઉલ્લેખ વૈશેષિક દર્શનમાં મળે છે. શરીરની તમામ ઇન્દ્રિયો ભલે તે જ્ઞાાનેન્દ્રિયો હોય કે કર્મેન્દ્રિયો તેનું પ્રેરક માણસનું મન છે. તે થકી જ આપણે બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ કે પ્રસન્નતા, વિષાદ કે સુખ-દુઃખની લાગણી અનુભવી શકીએ છીએ. મન શબ્દાદિ ગુણદોષોનો વિચાર કરનારું છે. મનમાં સત્વગુણ, રજો ગુણ અને તમોગુણ જેવા ત્રણ ગુણ રહેલા છે. માણસનો તદનુસાર સ્વભાવ ઘડાય છે.

પ્રશ્નોપનિષદનું મંતવ્ય છે કે પ્રકૃતિનાં સૂક્ષ્મ રૂપોમાં મન એક જ છે. મનમાં જેવા તરંગો ઉઠે તેવો આત્મા પોતાને માને છે. મન જીવનમાં સર્વે ઈન્દ્રિયોનો નાયક છે. આત્મા પોતાના સ્વરૂપને ભાગ્યે જ જુએ છે. તેથી એ મનથી ભરપૂર રહે છે. જ્યારે મનોમય આત્મા વાસનાઓથી ભરપૂર રહે છે. મન એ વિવિધ વાસનાઓનું સંગ્રહ સ્થાન છે. ભોગપ્રધાન વાસનાઓથી ઘેરાએલો જીવ અતૃપ્ત વાસનાઓ ભોગવવા માટે શરીર ધારણ કરે છે. વાસનાઓના ક્ષયથી મન શુદ્ધ બને છે, પરમાત્મા તરફ અભિમુખ થાય છે. પવિત્ર મન આત્મદર્શનની લાયકાત આપે છે. મન વગેરે ઇન્દ્રિયો પણ પરમાત્માની શક્તિથી જ પોતપોતાની પ્રવૃતિ કરવા શક્તિમાન બને છે. ઇન્દ્રિયોમાં શક્તિ મૂકનાર પરમેશ્વર છે. તેથી સિદ્ધ થાય છે કે ઈશ્વર જ અંતઃકરણનો અધિષ્ઠાતા છે.

બુદ્ધિની વ્યાખ્યામાં વિદ્વાનોમાં મતમતાંતર છે. માનસશાસ્ત્રીઓ બુદ્ધિની વ્યાખ્યા આપતાં જણાવે છે કે બુદ્ધિ માણસની સામાન્ય અનુકૂલન શક્તિ છે, જે તેને પર્યાવરણ સાથે પ્રભાવક રીતે કામ પાર પાડવામાં ઉપયોગી છે અને નવી પરિસ્થિતિમાં, જૂના અનુભવથી મેળવેલું જ્ઞાાન તેના લાભમાં કરી આપવાની શક્તિ ધરાવે છે. બુદ્ધિને કારણે માણસ તર્ક કરી શકે છે, દલીલો કરી શકે છે. ચિંતન પણ કરી શકે છે અને ચિંતા પણ. માણસને તેની સમસ્યાઓ ઉકેલવામાં અને નિર્ણય લેવામાં મદદગાર બને છે. મંદબુદ્ધિવાળાનો બુદ્ધિઆંક મંદ એટલે કે ૭૦ થી ઓછો હોય છે જયારે અસાધારણ બુદ્ધિ ધરાવનારનો બુદ્ધિ આંક ૧૨૦ થી ૧૪૦ હોય છે. આપણે તેવા માણસોને 'જિનિયસ' કહીએ છીએ. બુદ્ધિ નષ્ટ પણ થઇ શકે છે અને ભ્રષ્ટ પણ. શુદ્ધબુદ્ધિ કામધેનુ કે કલ્પવૃક્ષ સમાન ગણાય છે. દેવી-દેવતાઓ રિઝે તો ધન-વૈભવ આપે કે ન આપે પણ શુદ્ધબુદ્ધિ તો અવશ્ય આપે છે. મન ચંચળ છે, ચતુર છે. બુદ્ધિને લલચાવે પણ છે અને બહેકાવે પણ છે. મન તો વાસના અને તૃષ્ણાવેશ કે મજબૂરીથી ન કરવા જેવું પણ કરાવે છે. બુદ્ધિ મનનો આદેશ માની તેની દાસી બની એટલે મન કે બુદ્ધિ કહે તેમ કરવાને બદલે વિવેક મતલબ કે સારા-નરસાની સમજ કેળવી સમજણ અને સંયમપૂર્વક વર્તવું જોઈએ. જીવનમાં પ્રેય અને શ્રેયનો સંઘર્ષ ચાલ્યા જ કરે છે. મન અને બુદ્ધિ 'પ્રેય' એટલે કે ગમતું કરવા માણસને પ્રેરે છે જ્યારે અંતરાત્મા તેને 'શ્રેય' એટલે કે જેમાં તેનું કલ્યાણ સમાએલું હોય તે માર્ગે પ્રયાણ કરવા સૂચવે છે. અંતઃકરણ માણસનું આકાશવાણી કેન્દ્ર છે. તે માણસને અમુક નિર્ણય લેતા પહેલાં નિસ્વાર્થ ભાવે ચેતવે છે. ભ્રષ્ટ બુદ્ધિ વાળો માણસ રાવણ કે દુર્યોધનની જેમ બધિર હોય છે. અંતરાત્માની ચેતવણી સાંભળવાને બદલે વાસનાની વાણી સાંભળવા સદાય તત્પર રહે છે. વિવેક ઠરેલ બુદ્ધિનું નજરાણું છે. શેક્સપિયરે એટલે જ સલાહ આપી છે તમારા વિવેકને તમારો ગુરૂ બનાવો. શબ્દોનો કર્મ સાથે અને કર્મોનો ધર્મ સાથે મેળ કરાઓ. મનને કર્તવ્યનું પ્રશિક્ષણ ન આપો તો તે સ્વૈરવિહારી બની બેફામ રીતે ઉડતું ને ભટકતું રહે છે. મનને સરમુખત્યારી ગમે છે એટલે હૃદયની વાત સાંભળવાને બદલે હૃદય પર શાસન જમાવવાની પ્રવૃત્તિ કરે છે. બુદ્ધિને પોતાનો સેનાપતિ બનાવે છે. મનોવેગને શરીરની વાણી કહેવામાં આવે છે, જ્યારે અંતઃકરણ આત્માની વાણી છે. જ્યારે મન અને બુદ્ધિ વચ્ચે નિર્ણયનો ઝઘડો થાય ત્યારે અંતરાત્માના ન્યાયાધીશની સલાહ માનવી. અહીં એ વાત પણ યાદ રાખવા જેવી છે કે માણસે કેવળ મન કે બુદ્ધિથી નિર્ણય લેવાની સાથે ભાવનાનો પણ સંગમ કરવો જોઈએ. નિર્ણય ભાવાવેશનું સંતાન પણ ન બનવો જોઈએ. એટલે મન કે બુદ્ધિ સૂઝાડે તેમ નહીં પણ વિવેક અને આંતરિક પ્રકાશ સૂઝાડે તેમ કરવું. 'વિષયકન્યા'માં લેખિકા શિવાનીએ ઉચિત જ કહ્યું છે કે પ્રત્યેક પાપકર્મની ખાઇમાં કૂદતાં પહેલાં માનવનો અંતરાત્મા તેના કાન પાસે આવીને ચેતવણી આપે છે. અંતઃકરણને પણ સતત શુદ્ધ વિચારો અને સત્સંગ દ્વારા શુદ્ધ રાખવું પડે છે. શુદ્ધ અંતઃકરણ જ મન અને બુદ્ધિને ઘાતક, વિઘાતક, ભ્રષ્ટ, અનુચિત અને અનૈતિક નિર્ણય લેતાં રોકશે. એટલે એકલા મન કે બુદ્ધિની શરણાગતિ સ્વીકારી નિર્ણય કરવાને બદલે નિર્ણયને અંતઃકરણની સુરસરિતામાં સ્નાન કરવાનો મોકો અવશ્ય આપવો. વિલિયમ પુંશાને નિર્ણયને ચકાસવાના માપદંડો આપ્યા છે. તદનુસાર કાયરતા પૂછે છે કે નિર્ણય આપત્તિ વગરનો તો છે ને ? સ્વાર્થ પૂછે છે તે નીતિયુક્ત અને ફાયદાકારક છે ? અહંકાર પૂછે છે તેનાથી લોકપ્રિયતા પ્રાપ્ત થશે ? પરંતુ અંતઃકરણ પૂછશે: શું તમારો નિર્ણય ન્યાય સંગત છે ?

Tags :