- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- પોતાના મનમાં જાણે અજાણે વ્યાપતો અંધકાર દૂર કરવો એ માણસનો પ્રથમ ધર્મ છે
આજનો સૌથી મોટો ધર્મ કયો ?
પ્રશ્નકર્તા : વ્યોમેશ આર. પટેલ, ૪૦ ગંગામૈયા સોસાયટી, હાટકેશ્વર, મણિનગર, અમદાવાદ - ૮
શિ લ્પી પથ્થરમાંથી મૂર્તિ કંડારે છે. સુવર્ણકાર સોનામાંથી મનગમતા આકારનાં આભૂષણો ઘડે છે. કુંભકાર માટીમાંથી પવિત્ર જ્યોત જગાવે એવાં કોડિયાં ઘડે છે. લુહાર મજબૂત લોખંડને તપાવીને મનોવાંછિત આકાર માટે તૈયાર કરે છે.
પણ માણસને બીબાઢાળ જીવન કેમ ગમે છે એનો ઉત્તર આપવાનું કામ કપરું છે. જેમ એક 'ડાઈ' તૈયાર થઇ જાય પછી એમાંથી એક સરખી અસંખ્ય વસ્તુઓનું નિર્માણ થાય છે. તેમ માણસ પણ ઘરેડ રૂપી ડાઈની નાગચૂડમાંથી મુક્ત થઇ શક્તો નથી. પરિણામે જીવનનું જાતે ઘડતર કરવાને બદલે ધાર્મિક પુસ્તકો, કથાકારોનાં પ્રવચનો ધર્મોપદેશકોના ઉપદેશો વગેરે પ્રભાવથી જીવન ઘડતર કરવા પ્રેરાય છે. જીવન જીવવાની કળા કોઈ શીખવાડી દે તો તે વગર વિચાર્યે શીખવા તૈયાર છે. પરિણામે ઉછીનાં અજવાળાંના કારણે તેનું આત્મિક સુખ રુંધાય છે. આત્મજાગૃતિ તેના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે. બાકી તો 'આ દોડ દોડ કરતાં ગઇ જિંદગાની'નો સરવાળો હાથ આવે છે.
એક કવિએ માણસના જીવનમાં પરિવ્યાપ્ત અંધકારની પીડાને વાચા આપતાં કહ્યું છે -
'આકાશે તારાની ભાત,
ધરતી હૈયે ફૂલ બિછાત,
સર્જી તો કાં સર્જી તાત
માનવના મનમાં મધરાત ?'
પોતાના મનમાં જાણે અજાણે વ્યાપતો અંધકાર દૂર કરવો એ માણસનો પ્રથમ ધર્મ છે. જગતના ૧૧ મુખ્ય ધર્મોમાં પણ પ્રકારાન્તરે આ જ વાત કરવામાં આવી છે. ધર્મનો પ્રાણ છે માનવતા, ભૌતિક વિકાસ માત્ર નહીં, સ્વયં સાધના દ્વારા આત્મોત્કર્ષ સિધ્ધ કરવો અને સાકાર્યો દ્વારા જીવનમાં પરિતૃપ્તિનાં આનંદની અનુભૂતિ કરવી એ છે ધર્મનું કેન્દ્રબિન્દુ. 'હું માનવી માનવ થાઉંતો ઘણું' એ સૂત્ર ઘણું બધું કહી જાય છે. માનવ બનવા ટીપાવું પડે, તપવું પડે, સહિષ્ણુતા વિકસાવવી પડે, ત્યાગ અને સમર્પણ અપનાવવાં પડે. કથની અને કરણીમાં એકતા લાવવી પડે. અંદરથી શુધ્ધ થવું પડે, મતલબ કે બિનકળિયુગી માણસ બનવું પડે. ચારિત્ર્યશીલ બનવા સતત મથામણ કરવી પડે છે. દેહનો ઉપયોગ દૈવ માટે, દેહનો ઉપયોગ દેશ માટે એ સૂત્ર અપનાવવું પડે.
એક ઉદાત્ત માનવી બનવું અને માનવતાના બાગને મહેકાવવો એ જ આજના યુગમાં ધર્મ છે. જિંદગી જડતા નથી પણ પ્રવાહ છે. એક દશામાં પડયા ન રહેવું એ જિંદગીની માગ છે. માણસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પૈકી મોક્ષ પ્રાપ્તિનાં સ્વપ્ન સેવતા હોય છે. પણ મોક્ષ એટલે શાનાથી મોક્ષ ? પહેલાં ધરતી પર મોક્ષ પ્રાપ્તિના માર્ગો અપનાવવા પડે. વાસનાઓમાંથી મુક્તિ, કામ-ક્રોધ વગેરે ષડરિપુઓની પકડમાંથી મુક્તિ, સર્વધર્મ સમભાવની મનોવૃત્તિ કેળવવા માટે ધાર્મિક આધ્યાત્મિક ઉદારતાને આડે આવતાં દૂષણો નાથવાની અને દૂર કરવાના આડે આવતી માનસિક સંકીર્ણમાંથી મુક્તિ. સતત પ્રવૃત્ત રહેવાને આડે આવતા પ્રમાદને હાંકી કાઢવાના દ્રઢ સંકલ્પને કાર્યાન્વિત બનાવવાની ભાવનાનો વિકાસ, ધરતી પરના મોક્ષનો એક ભાગ છે. આપણી જિંદગીમાં આવતાં ઘણાં બધાં દુ:ખો આપણી જાતને નહીં બદલવાની વૃત્તિ અને જડતામાંથી જન્મે છે. ઘણા લોકો અહંકારને કારણે કહેતા હોય છે કે દુનિયા ભલે બદલાય આપણે બંદા બદલાવાના નથી. આવો માણસ અધર્મી છે કારણ કે એ જડ છે. માનસિક શાન્તિ માટે માણસ વેરવૃત્તિને બદલે મહેર વૃત્તિનો સહારો લે અને મન અને વર્તનમાંથી ધિક્કારની લાગણીનો જાકારો આપે તો જ જગતમા સાચી શાન્તિ ઉદ્ભવે.
મહાભારતમાં વ્યાસજીએ વેરવૃત્તિનાં પાંચ કારણો દર્શાવ્યાં છે.
૧. સ્ત્રી કારણસર વેર
૨. જમીનના કારણસર વેર
૩. કઠોર અને કટુવાણીના પ્રયોગને કારણે વેર
૪. જાતિગત દ્વેષને કારણે વેર
૫. કોઇ પણ સમયે થએલા અપરાધ વાંક કે ગુનાને કારણે વેર
જીવનમાં શાન્તિ ફેલાય એ માટે બે સાધનો ખૂબ મહત્ત્વનાં છે : એક સંવાદ, બે સમાનુકૂલન. જિંદગી જીવવા માટે છે એટલું જ નહીં બીજાને પણ શાન્તિથી જીવવા માટે છે. પણ માણસ લોભ, લાલચ અને સત્તાને કારણે ઠરતો નથી કે અન્યને ઠરવા દેતો નથી. માણસે દરરોજ પોતાની કસોટી કરવી જોઇએ અને તેનું પ્રશ્નપત્ર નીચે દર્શાવેલા મુદ્દા ધ્યાનમાં રાખીને તૈયાર કરવું જોઇએ. મતલબ કે બીજાના સદગુણોની યાદી કરો એ યાદી તમને આત્મદર્શનની તક પૂરી પાડશે. બીજાને આવકારો અને તેની વાતમાં રસ લો. મનમાં ઉગતા બાવળનું નિકંદન કાઢો. તમે સંપૂર્ણ નથી માટે બીજાં પણ ક્યાંથી સંપૂર્ણ હોય એવી ઉદાર દ્રષ્ટિ કેળવો. બીજા માણસને પ્રતીતિ કરાવો કે તે પણ એક સારો માણસ છે પહેલાં તમને થયેલા કટુ અનુભવને આધારે માણસનું મૂલ્યાંકન ન કરો. બીજો સુધરે તે પહેલાં તમે સુધરવાનો આરંભ તમારી જાતથી કરો.
આજના વિશ્વ માટે સૌથી મોટો ધર્મ છે ઇન્સાનિયત.


