Get The App

માણસના જીવનમાં આવતાં દુઃખો પૂર્વજન્મનાં કૃત્યોનું પરિણામ હોય છે કે અન્ય કોઈ કારણસર ?

ગુફતેગો - ડો.ચંદ્રકાન્ત મહેતા

Updated: Feb 11th, 2020

GS TEAM

Google News
Google News


* 'સુખ પોતાના મસ્તક ઉપર દુઃખનો કાંટાળો મુગટ પહેરીને મનુષ્ય પાસે આવે છે. જે સુખને આવકારે છે, એણે દુઃખને પણ આવકારવું જ પડશે. માણસનો સ્વભાવ જ્યાં સુધી બદલાય નહીં, ત્યાં સુધી શારિરીક જરૂરિયાતો પેદા થવાની'

* માણસના જીવનમાં આવતાં દુઃખો પૂર્વજન્મનાં કૃત્યોનું પરિણામ હોય છે કે અન્ય કોઈ કારણોસર ?

* પ્રશ્નકર્તા : હિતેશકુમાર એસ. દેસાઈ મુ.પો. તલીયારા, જિ. નવસારી (દ.ગુજરાત)

જી વન એ વહેતુ ઝરણું છે. ઝરણાંનો માર્ગ સદાય એક સરખો હોતો નથી. ખાડા-ટેકરા, ખડકો અને ક્યારેક સપાટ મેદાન ! પણ ઝરણું માર્ગની પરવા કરતું નથી, કારણ કે એને વહેવામાં રસ છે, રસ્તાની વ્યાખ્યા કરવામાં નહીં.

સંસારને પણ આપણે એ નજરે જ મૂલવવો જોઇએ. આપણે કેવળ એક સીમિત દ્રષ્ટિથી સંસારને નિહાળીએ છીએ, એટલે સંસાર દુઃખરૂપ લાગે છે. પણ સંસારને સુખરૂપ નજરે જોવાનું જો આપણે શીખીએ તો આપણને અપાર સુખોનું વરદાન કુદરતે આપેલું છે. એવો સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાય.

સૂર્યનો મબલખ પ્રકાશ, મફત હવા, નદીઓનાં નીર, ઋતુ અનુસાર અનાજ અને ફળફળાદિ કુદરતે આપણને સુખી કરવામાં કશું બાકી રાખ્યું નથી. કામ કરવા બે હાથ, લાગણીભીનું હૈયું અને ફળદ્રુપ દિમાગ - સુખની આ ત્રણ ચાવીઓ માણસ પાસે કુદરતે હાથ વગી આપી છે. એનો સમજપૂર્વક ઉપયોગ ન કરીએ તો સુખની ક્ષણો આપોઆપ દૂર સરકી જાય !

આપણે કેવળ આપણી ધારણા મુજબના જીવનનું સ્વાગત કરવા ટેવાયેલા છીએ. પણ જીવન આપણી ધારણા મુજબ જ માગેલું આપશે તેની ગેરન્ટી કોણ આપી શકે ? જીવન એ આખરે જીવન છે, પરિવર્તનશીલ છે, અને પરિવર્તન ક્યારે કેવી રીતે આપશે, તેનું કોઈ નિશ્ચિત ટાઈમટેબલ હોતું નથી ! એટલે વંટોળ આવે ત્યારે રોદણાં રડવાને બદલે 'આ પણ શમી જવાનું જ છે' - એવી ધીરજ ધારણ કરીએ તો જીવવાનું બળ ટકી રહે.

જીવનમાં ત્રણ દુઃખોની શક્યતા રહેલી છે. આધિ-વ્યાધિ-ઉપાધિ એમાં કયું દુઃખ ક્યારે અને કેવી રીતે તમારી પરીક્ષા લેશે એ નક્કી નથી હોતું. તત્ત્વજ્ઞાનની ભાષામાં માણસોએ જે દુઃખોનો સામનો કરવો પડે છે તેને ત્રણ વિભાગોમાં વહેંચ્યાં છે. આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. કેટલાંક દુઃખો દૈવયોગે માણસે અનુભવવાં પડતાં હોય છે જેમ કે ટાઢ, તાપ, દુકાળ, મરકી વગેરે રોગો.આ દુઃખો આપણે ટાળી શક્તાં નથી.

દુઃખોનો બીજો પ્રકાર છે આધિભૌતિક દુઃખો. પોતાના સ્થૂળ અને સૂક્ષ્મ શરીર રૂપ સંધાતથી ભિન્ન હોય અને નેત્ર ઇન્દ્રિયોનો વિષય હોય તેવાં દુઃખો : જેમ કે ચોર, વાઘ, સિંહ, સર્પ વગેરેનાં હૂમલા.

દુઃખનો ત્રીજો પ્રકાર ને આધ્યાત્મિક દુઃખો આત્માના આશ્રયે રહેવાવાળાને સ્થૂળ કે સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થતાં દુઃખો જેમ કે ભૂખ, તરસ, શોક વગેરેથી થતાં દુઃખો. શબ્દકોશો દુઃખની આ પ્રકારે વ્યાખ્યા આપે છે.

કેટલાક દુઃખો આપણે જાતે નોંતરતાં હોઈએ છીએ. માણસ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સરને કારણે તેનાં પરિણામોથી દુઃખી થતો હોય છે. અવિચારીપણું, ખોટાં સાહસ, ઉશ્કેરાટ, અસંયમ, મોહ વગેરેને વશ થઇને માણસ ન કરવાનાં કામો કરી બેસે છે અને એનાં દુષ્પરિણામો એણે ભોગવવાં પડે છે.

માણસો સ્વભાવનુંસાર ત્રણ પ્રકારના હોય છે : સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક લોકો સત્વગુણશાળી અને જીવન વિશેની ઊંડી સમજ ધરાવનારા હોય છે : જેમ કે સજ્જનો, સંતો, ભક્તો, મહાત્માઓ. તેઓ દુઃખના સમયે રોદણાં રડવાને બદલે નરસિંહ મહેતાની જેમ જીવનની ફિલ્સૂફી સમજીને આશ્વાસન મેળવે છે કે 'સુખ-દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથેરે ઘડીઆં' શ્રીમદ્ ભગવદગીતા સત્વ, રજસ અને તમસ અંગે સ્પષ્ટતા કરતાં કહે છે. 'જે વખતે દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનાના અને વિવેકશક્તિ ઉપજે છે, તે વખતે એમ સમજવું સત્વ ગુણ વધ્યો છે. આવા સત્વગુણશાળી માણસો સુખ અને દુઃખમાં અવિચળ રહે છે.'

રજોગુણ વધતાં લોભ, પ્રવૃત્તિ, કર્મોને સ્વાર્થબુધ્ધિથી તેમજ સઘળાં કામો સકામ ભાવે કરવાં, અશાન્તિ અને વિષય લાલસા જન્મે છે.

જ્યારે તમોગુણ વધતાં અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું, ચેતનાનો અભાવ, કર્તવ્યકર્મોમાં પ્રવૃત્ત ન થવું, પ્રમાદ અને નિદ્રા જેવી અંતઃકરણને મોહમાં નાખનારી વૃત્તિઓ માણસમાં જન્મે છે.

સત્વજ્ઞાાન જ્ઞાાનને જન્મ આપે છે. રજોગુણ લોભને જન્મ આપે છે અને તમોગુણ પ્રમાદ, મોહ અને અજ્ઞાાનને જન્મ આપે છે.

પૂર્વજન્મનાં કૃત્યો અને તેનાં પરિણામો વિશે આપણી પાસે મજબૂત પુરાવા નથી પણ શાસ્ત્રોક્ત વિધાનોથી આપણી તે વિશેની સમજ કેળવાઈ છે. માણસ સાથે ત્રણ પ્રકારનાં કર્મો જોડાયેલાં છે : સંચિત કર્મ, પ્રારબ્ધકર્મ અને ક્રિયમાણ કર્મ.

મનુષ્ય કર્મ કર્યા વગર રહી શક્તો નથી. એ જીવન દરમ્યાન સારાં કે નરસાં કર્મોનું ભાથું બાંધે છે. એવાં સારાં કે નરસાં કર્મો સરવાળે તેનાં સંચિત કર્મો બને છે. સંચિત એટલે કે એકઠાં થયેલાં સારાં કે નરસાં કર્મોનું ફળ માણસે ભોગવવું પડે છે. આમ એકઠાં થયેલાં પૂર્વજન્મનાં કર્મો પૈકી તેનો જેટલો અને જેવો ભાગ માણસે ભોગવવો પડે તે પ્રારબ્ધ અથવા નશીબ. માણસના બધાં જ કર્મો ભોગવાઈ જાય એટલે એ બંધનમુક્ત બને, જેને શાસ્ત્રો મુક્તિ કે મોક્ષ કહે છે.

પ્રારબ્ધ કર્મો ભોગવ્યા સિવાય માણસ પાસે અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. એટલે માણસના જીવનમાં દુઃખ આવે એટલે માણસ નશીબને તેને માટે જવાબદાર ઠેરવે છે, પરંતુ સુખ આવે ત્યારે સુખ પ્રાપ્તિનો યશ પોતે લે છે.

દુઃખો કેવળ નશીબને કારણે જ આવે છે કે ભોગવવાં પડે છે એવું નથી. માણસ પોતાના જીવનમાં આવી પડતાં દુઃખો, આપત્તિઓ કે નિષ્ફળતાનું  જો તટસ્થ ભાવે મૂલ્યાંકન કરે તો એ વાત તે સહેલાઇથી સમજી શકશે કે ક્યાંક પ્રમાદ, આળસ, બેદરકારી, વિવેક શક્તિનો અભાવ, નિર્ણય શક્તિની ખામી, આયોજનની શક્તિ અને દ્રષ્ટિનો અભાવ, ક્રોધ, મોહ, આસક્તિ, વાસનાઓ, ઘેલછા વગેરે કારણો પણ દુઃખોનાં નિમંત્રક બનતાં હોય છે. માણસ બેદરકારીથી કે નશાની હાલતમાં વાહન ચલાવે તો અકસ્માત થવાની પૂરી શક્યતા હોય છે. એ માટે પ્રારબ્ધને દોષ ન જ દેવાય. ક્રોધમાં માણસ વિવેક ગુમાવી બેસે છે અને હિંસા, હત્યા કે વેરનો માર્ગ અપનાવે છે. આ તેની માનસિક કમજોરી છે. લોભને કારણે માણસ ધૂતારાઓની જાળમાં ફસાય અને બમણા રૂપીઆ મેળવી લેવા માટે લલચાય તો એ રીતે છેતરાવાનું તેનું દુઃખ જાતે નોંતરેલું છે. માણસ આ સહિતનો શિકાર બને ત્યારે મોહાંધ બને છે. વિવેકભ્રષ્ટ બને છે અને ન કરવાનું કરી બેસે છે. એ માટે તેની આંતરિક નિર્બળતા જ જવાબદાર  હોય છે.

એટલે માણસનાં તમામ દુઃખો પૂર્વજન્મનાં કર્મોનું જ ફળ છે, એમ માનવું એ પલાયનવાદ છે, એક પ્રકારની બેજવાબદારી છે.

એટલે ભલે આપણે ભગવદગીતામાં વર્ણવેલી 'સ્થિતપ્રજ્ઞા'ની ઉચ્ચ ભૂમિકામાં ન પહોંચી શકીએ, પણ સુખઃદુઃખમાં સમાનભાવ રાખી માનસિક રીતે સ્વસ્થ રહીએ તો શોક, ગ્લાનિ અને માનસિક પીડામાં પણ મુક્ત રહી શકીએ. દુઃખને જીવનનો એક સહજ ક્રમ માનવાથી મન ઉદ્વિગ્નતામાંથી બચી શકે છે. દુઃખને જે પડકારી શકે છે, તે ગમે તેવાં આકરાં દુઃખોમાં પણ પ્રસન્ન રહી શકે છે.

સ્વામિ વિવેકાનંદે સુખ-દુઃખ વિશે સરસ વાત કરી છે : સુખ પોતાના મસ્તક ઉપર દુઃખનો કાંટાળો મુગટ પહેરીને મનુષ્ય પાસે આવે છે. જે સુખને આવકારે છે તેણે દુઃખને પણ આવકારવું જ પડશે. જગતમાં દુઃખ માત્ર શારિરીક મદદથી દૂર થઇ શક્તાં નથી. માણસનો સ્વભાવ જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી શારિરીક જરૂરિયાતો પેદા થવાની. માનવીને જ્ઞાાનનો પ્રકાશ, પવિત્રતા, આધ્યાત્મિક શક્તિ અને સાચી કેળવણી મળે તો જ જગતની પીડા શમશે.


Tags :