- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- સ્વસ્થ મન એ જ દેવાલય, સ્વચ્છ આચરણ એ જ કિર્તન અને પ્રત્યેક માણસને નિ:સ્વાર્થ ચાહવાની તૈયારી એ જ ધાર્મિક પારાયણ છે
પ્રશ્ન : મન 'મંદિર' કેમ બની શક્તું નથી ?
પ્રશ્નકર્તા : કનૈયાલાલ ભાવસાર, અંબાજી માતાનું ચાચરુ, મુ. તા. વડનગર
એ ક માણસ શિખરવાળું બાંધકામ જોઇને તેને મંદિર માની દર્શનાર્થે પ્રવેશ્યો. ત્યાં પહોંચ્યા બાદ એણે જોયું કે નથી કોઈ મૂર્તિ કે નથી હાજર પૂજારી. ઘંટનાદ, શંખનાદ કશું થતું હોય એમ જણાતું નહોતું.
એક ખૂણામાં લખેલું હતું 'જ્ઞાનમંદિર'. બોર્ડની નીચે પાંચ સુવાક્યો લખેલાં હતાં. પહેલાં બે વાક્યો મોટા અક્ષરે લખેલાં હતા. જ્ઞાન એ જ ભગવાન છે. બહાર સાથે વધુ સંબંધ રાખશો તો ભટકશો, અંદર સંબંધ રાખશો તો સાચા સ્થળે અટકશો. માણસે પેલા સુવાક્યો વાંચવા માંડયા.
૧. તમે આખો દિવસ જેવું ચિંતન કરશો તેવા બની શકશો.
૨. તમારી જાતનું અવમૂલ્યન ન કરો. તમારામાં અસીમિત તાકાત છે.
૩. તમારા મનની તાકાતને ઓળખવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરો.
૪. તમે જ તમારા ભાગ્યના નિર્માતા છો. એક ઉદાત્ત જિંદગી બનાવવાની અને જીવવાની પ્રતિજ્ઞા કરો. વિઘ્નો તમને હરાવવા માટે નહીં જીત માટે જગાડવા આવે છે.
૫. આત્મશ્રધ્ધા અને ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા એ બન્નેનો સરવાળો કરી નિર્ણય લો. લગભગ તમે ખોટા નહીં પડો.
એ માણસ આશ્ચર્યચકિત થઇ ગયો. આવી શ્રેષ્ઠ વાતો અને એને વાંચવા આવનાર કોઈ નહિ !
અને એટલામાં જાણે તેને લાગ્યું હજારો શંખ ફૂંકાઈ રહ્યા છે. હજારો ઘંટનાદ થઇ રહ્યા છે. કોઈ અદ્રશ્ય હાથ એના મસ્તક પર મૂકાઈ રહ્યા છે. જે કહે છે કે દુનિયામાં જ્ઞાનથી શ્રેષ્ઠ કશું નથી. જ્ઞાન અને ભક્તિનો સમન્વય તમારા મનને જ મંદિર બનાવી દેશે.
પેલો માણસ બહાર આવ્યો એણે જ્ઞાનમંદિરના નિર્વાહકને પૂછ્યું : 'અહીં કોઇને ઇશ્વર દર્શન આપે છે ?'
પેલા જ્ઞાનમંદિરના નિર્વાહકે કહ્યું : 'માણસ માનસિક રીતે શાંત બની આ પાંચ સૂત્રોનું ચિંતન-મનન કરે છે. તો તેનો અંતરાત્મા જ ઇશ્વર સ્વરૂપે તેને આશ્વસ્ત કરે છે.' અને પેલા માણસને ધન્યતા એને જીવવાનાં પથદર્શક સૂત્રો મળી ગયાં હતા. એનું મન જાણે મંદિર બની ગયું હતું.
માણસ આખો દિવસ બિઝનેસ, ધંધા, ભોગવિલાસમાં રચ્યોપચ્યો રહે છે એટલે એ ધંધાદારી બને છે. પણ જીવતર એનાથી છેટું રહે છે. પત્ની-પરિવાર-સ્વજનો-મિત્રો એમનો એ સાચા અર્થમાં પોતીકો બની શક્તો નથી. અહીં 'વ્યાસ વિચાર'માં પૂ. પાડુંરંગ શાસ્ત્રીએ એક કિસ્સો વર્ણવ્યો છે. તેનો સારાંશ એ છે કે એક વેપારી માણસ મરણપથારીએ પડયો હતો. એને તાવ આવતો હતો, જેમાં તાવ ચઢ-ઉતર થતો હતો. એમના પુત્રોએ ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તાવ માપ્યો. વેપારીએ પૂછ્યું 'કેટલો છે' ડૉક્ટરે સંક્ષેપમાં કહ્યું '૧૦૧ ડિગ્રી' વેપારી તરત પલંગમાં બેઠો થઇ ગયો અને કહ્યું : '૧૦૧ છે એમ ?' જો ભાવ વધીને ૧૧૦ રૂપિયા થાય તો બધા શેર આજે જ વેચી દેજો.' વેપારીનું મન શેરબજારમાં ભટકતું હતું. પછી એનું મન ભગવાનમાં ક્યાંથી ચોંટે ? જ્ઞાનનો તો પ્રશ્ન જ નથી.
ઇશ્વરનું સામીપ્ય કેળવવા માટે મનને ભગવદીય બનાવવું પડે. મન ભગવદીય બને તો મંદિર જવાની પણ જરૂર પડતી નથી. તમારું મન જ મંદિર બની જાય છે. મનને પાવન અને મનોરમ ભૂમિ બનાવીએ તો સ્વર્ગને બીજે ક્યાંય શોધવાની જરૂર પડતી નથી. દુરાચાર, હિંસા, વિશ્વાસઘાત, મારામારી, વેરવૃત્તિ, દ્વેષવૃત્તિ વગેરેએ મનનો કબજો લીધો હોય તો નર્કની યાતનાઓ વચ્ચે જ તમે જીવી રહ્યા છો, એવું લાગશે.
તમારું ચૈતન્ય એ જ તમારો ઇશ્વર. મન પર નિયંત્રણ રાખી વાસનાઓ પર વિજય મેળવી સરળ અને નિષ્કપટ જીવન જીવો તો સ્વર્ગાનુભૂતિ અહીં જ કરી શકો.
મંદિર કે તીર્થસ્થાનમાં મનની શાંતિ શોધવા આપણે ભટકીએ છીએ, પણ મનને જ મંદિર બનાવવાનો સંકલ્પ કેમ આપણા મનમાં સ્ફુરતો નથી ? કુદરતી આપત્તિ, પડકાર કે માનવતાનો કોઈ સાદ કરે ત્યારે આપણી કરુણાનો ઝરો એકાએક વહેવા લાગે છે. દાનવૃત્તિ સક્રિય બની જાય છે, તેને બદલે આપણું દૈનિક જીવન કરણાબિંદુથી કેમ ભાવભીનું બની શક્તું નથી ?
પરમાત્માના ચોપડે પુણ્ય નોંધવવા ને બદલે તમારા મનને જ તમારા સત્કૃત્યોનો હિસાબનીશ બનાવો. કરવું જ હોય તો શ્રધ્ધાને ભરોસાનું દાન કરો. વહેંચવું જ હોય તો કરુણાથી ઉત્તમ વસ્તુ આ પૃથ્વી પર કોઈ નથી અને પામવું જ હોય તો માણસના જીવનને ઉજાળીને પરિતોષ અનુભવવા જેવી અદકેરી કોઈ પ્રાપ્તિ નથી.
આપણે મનને લાડ લડાવીએ છીએ અને ભૌતિક સુખો માટે કાંઈપણ કરી છૂટવા તૈયાર રહીએ છીએ. આમ આપણું મન કેટકેટલા વળગણોનું જંગલ છે. તેમાં શાંતિ, સૌંદર્ય અને શીતળતાની અનરાધાર વર્ષા કરવાને બદલે સ્વાર્થ, હલકી-વૃત્તિઓ, ક્રોધ અને ઉત્પાતોની આંધી જ આપણે આવકારતા રહીએ છીએ. મનને ગમતી માગણીઓ દ્વારા લડાવાની જ નહીં, એની ખોટી માગણીઓને ઉવેખીને રડાવવાની કળા પણ માણસે શીખવી જોઇ. મનને લડાવે તે સંસારી અને મનને રાડ પડાવે તે સંન્યાસી.
સતત શુભ વિચારોનું સેવન જ મનને સમૃદ્ધ બનાવી શકે. અસાવધાન મનને અજ્ઞાન ખટકતું નથી. સાચું સુખ સંતોષી મનની નિર્મળતા અને સાવધાની તથા સમજદારીમાંથી જન્મે છે.
દરેક માણસના અંતરમાં ઇશ્વર વિરાજેલો છે. ઇશ્વર કાજે પોતાનાં કર્તવ્યો અને દૈનિક કર્મો ત્યજીને મંદિરોમાં કે તીર્થયાત્રાએ દોડી જનારને ઇશ્વર પોતાના પ્રિયપાત્રોની યાદીમાં અવશ્ય છેલ્લું સ્થાન આપે.
માણસનું મન-અંત:કરણ એટલે ઇશ્વરનું સામ્રાજ્ય. આવું માનનાર મોતને ભેટશે પણ મન-અંત:કરણને પ્રદૂષિત નહીં થવા દે. મન-અંત:કરણ એ ન્યાયાસન છે. સારા-નરસાનો ભેદ સારી રીતે જાણે છે, પણ તમે અંત:કરણના અવાજને નહીં સાંભળો તો ક્યાંથી તમારા મનને શાંતિ મળવાની છે ?
મનને મંદિર જેવું બનાવવા માટે જ્ઞાન અને ભક્તિનો સમન્વય કરો. અંતર શુધ્ધ હશે તો ભગવાનને જાતે પધરામણી કરવાનું મન થશે. મનના સિપાહી બનો. વિઘ્નો સામે લડતા રહો, વિઘ્નો તમને હરાવવા નહીં, જીતાડવા આવે છે. મન ચંચળ છે એટલે એ વશમાં નહીં જ થાય એવો ભ્રામક ખ્યાલ છોડી મનની શક્તિને એકાગ્રતાપૂર્વકની સાધનાથી જગાડો. માત્ર ભજન કીર્તન, ધર્મશાસ્ત્રોનું પઠન, શ્રવણ ને બદલે કર્મશાસ્ત્રનું રહસ્ય સમજો.
ભગવાનની કૃપા માટે અરજીની જરૂર નથી, તેની મરજીને માથે ચઢાવો એટલે બેડો પાર. તમે સમર્થ છો, કમજોર નથી એમ માની નીડરપણે ઝઝૂમતા રહો.
મનની ભૂમિ પરથી બેશુમાર ઇચ્છાઓનું નિંદામણ કરી પવિત્રતાના છોડને વિકાસવાનો મોકો બનાવો. મનને નિષ્કલંક અને નિષ્કપટ બનાવો. ઇશ્વરને તમારી ચિંતા છે જ. નહીં તો તમને 'માણસ' ન બનાવ્યા હોત. માણસાઈને નજર સમક્ષ રાખી જીવતાં શીખો.
ટુંકમાં સ્વસ્થ મન એ જ દેવાલય છે. સ્વચ્છ આચરણ એ જ કિર્તન છે. અને પ્રત્યેક માણસને નિ:સ્વાર્થ ચાહવાની તૈયારી એ જ ધાર્મિક પારાયણ છે.


