Get The App

સેવામાં સર્વશ્રેષ્ઠ સેવા કઈ, ઇશ્વર સેવા, મા-બાપની સેવા કે જનસેવા ?

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
સેવામાં સર્વશ્રેષ્ઠ સેવા કઈ, ઇશ્વર સેવા, મા-બાપની સેવા કે જનસેવા ? 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- માતા-પિતા ધરતી પર હરતાં ફરતાં ભગવાન છે. એ માતાપિતાને જન્મ આપનાર ભગવાન જ છે. એટલે માતા-પિતા અને ભગવાન બન્ને મોટાં છે. ઇશ્વરનાં પ્રતિનિધિ તરીકે માતા-પિતાની સેવા કરવી એ ભગવાનની જ સેવા છે. જનસેવાને દેવપુજાથી નોખી જોવાની જરૂર નથી

* પ્રશ્ન : સેવામાં સર્વશ્રેષ્ઠ સેવા કઇ, ઇશ્વર સેવા, મા-બાપની સેવા કે જનસેવા ?

* રક્ષિત ઉષાકર વોરા, સરગાસણ, ગાંધીનગર

પરમાત્મા સાથે આત્માને જોડવા માટે માણસ જ્ઞાાનપથ, કર્મપથ કે ભક્તિપથ ત્રણમાંથી કોઈપણ પથ અપનાવી શકે. સાકારની ઉપાસનાને વરેલા શ્રધ્ધાળુ દેવપૂજાને મહત્વ આપે છે. સ્વામી દયાનંદ સરસ્વતી 'પૂજા'ને એક પ્રકારની સત્કારભાવના સ્વરૂપે ઓળખાવે છે. દેવપૂજા એટલે પરમાત્માનો સત્કાર ! આવી પૂજા કે સત્કારને કેવળ મૂર્તિપૂજાના અર્થમાં જ ખપાવી ન શકાય.સ્વામી વિવેકાનંદે એટલે જ કહ્યું છે કે મનુષ્ય જ પરમાત્માનું જીવતું જાગતું, હાલતું-ચાલતું મંદિર છે.

માણસના મન પર પુણ્ય અને પાપ તથા મુક્તિ નામના શબ્દોએ જબરદસ્ત કબજો લઇ લીધો છે. તેને કારણે પોતે જે કાંઈ સત્કાર્ય કરે એ પુણ્યદાયક ઠરશે કે નહીં તેનો વિચાર કર્યા બાદ જ પોતાના નિર્ણયને અમલી બનાવે છે.

મા-બાપના સંતાન ઉપરનાં ઉપકારો વિષે ઘણું બધું લખાયું છે. માતા જન્મ આપે છે, દૂધ પીવડાવીને મોટા કરે છે, લાડ-લડાવે છે, સંતાનના સુખને જ બધામાં અગ્રિમતા આપે છે અને સંતાન માટે ગમે તેવો મોટો ત્યાગ કરવાનો આવે તો માતા અચકાતી-ખચકાતી નથી. એટલે માતાના ધાવણનું મૂલ્ય જેટલું અદા કરીએ તેટલું ઓછું છે. માતા ધરતી જેવી મહાન અને સાગર જેવી ઉદાર છે.

પિતાના પણ અગણિત ઉપકારો છે. પિતા વાત્સલ્યની મૂર્તિ તો છે જ, પણ મહેનત કરીને પૈસો કમાઈ સંતાનો સહિત પરિવારનાં સુખ-શાંતિ માટે યત્નશીલ રહે છે. સંતાનને ભણાવી-ગણાવીને તૈયાર કરવામાં, તેની કારકિર્દીના ઘડતરમાં અને તેને સદ્ગૃહસ્થ બનાવવામાં પોતાનાથી બનતું બધું જ કરી છૂટે છે. ઘડતર માટે કડક અનુશાસન દાખવવાની જરૂર પડે તો તેવી કપરી ફરજ પણ પિતા જ અદા કરે છે. આમ સંતાનો પર માતા-પિતાના પારાવાર ઉપકારો છે. તેથી માતાપિતાને પણ દેવ માનવામાં આવે છે. માતા-પિતા હરતાં-ફરતાં દેવતુલ્ય છે. સમર્પણભાવથી માતાપિતાની સેવા કરો, તો એ સત્કર્મ આપોઆપ ઇશ્વર સેવા બની જાય છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એટલે જ કહેવામાં આવ્યું છે.

પુનિત મહારાજની એક પંક્તિ પ્રસિધ્ધ છે. 'ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં' તેવી જ રીતે માતા-પિતાની મહત્તા અને ગૌરવ વિષે પણ અનેક સુંદર પંક્તિઓ જોવા મળે છે. જેમ કે -

'આરાધનામાં સ્મરું રૂપ બાનું,

ને બાને સ્મરણીને પ્રભુરૂપ પામું'

મહાત્મા ગાંધી શ્રદ્ધાવાદી હતા અને એમની શ્રધ્ધા જેટલી પરમાત્મા પરત્વે હતી, એટલી જ માનવમાં હતી, કારણ કે તેઓ મનુષ્યમાં પણ પરમાત્માના દર્શન કરતા હતા. એમણે કહ્યું હતું કે 'લાખ્ખો મૂંગાં હૃદયોમાં પરમાત્મા વિરાજમાન છે. એ સિવાયના પરમાત્મામાં હું માનતો નથી. હું એ લાખ્ખો લોકોની સેવા દ્વારા ઇશ્વરની પૂજા કરું છું. જે સત્ય સ્વરૂપે વિરાજમાન છે, એ સત્યને હું પરમાત્મા માનું છું.'

હૃદયના નિર્મળ ભાવોની અભિવ્યક્તિ એટલે પૂજા. એનો અર્થ એ થયો કે દેવપૂજા કરવા માટે પોતાનામાં દેવત્વ પ્રગટાવવું પડે. આંતરિક પવિત્રતા વિહોણી દેવપૂજા કેવળ કર્મકાંડ જ બની જાય. ઉપવાસ, જોરજોરથી સ્તુતિ વંદના, પ્રાર્થના કે ભજનનું ગાન અથવા કિર્તન કરવું એ જ માત્ર પૂજા નથી. પણ પોતાના પૂજ્ય કે આરાધ્યના મહાન ગુણોને જીવનનાં ઉતારી તે મુજબનું જીવન જીવવાનો મન-વચન-કર્મથી અહર્નિશ પ્રયાસ કરવો તે પૂજા છે.

લૌકિક જીવનને પરમાર્થિક જીવનથી અલગ સમજવાનો પ્રયત્ન એ જ મૂળભૂત ભ્રમ છે. જગતને પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ ગણી આ ધરતીને જ સ્વર્ગીય બનાવવાનો પ્રયત્ન કરવો, એટલે જનસેવાધર્મી બનવું મનુષ્ય માત્રમાં પરમાત્મા વિરાજિત છે, એટલે મનુષ્યને સુખ, શાંતિ, આનંદ પ્રાપ્ત થાય એ માટે એના દુ:ખમાં ભાગીદાર બનવું એટલે જ જનસેવા. એટલે જ કહેવામાં આવ્યું છે કે 'જનસેવા એ પ્રભુ સેવા છે.' એક કવિએ ગાયું છે કે, 'મૈં ઢુંઢતા તુઝે થા, જબ કુંજ ઔર વન મેં, તું ખોજતા મુઝે થા, તબ દીન કે વતનમેં.'

દેવપૂજાને લોકસેવાથી નોખી જોવાની જરૂર નથી. કારણ કે દેહમાં જ દેવ દૈદીપ્યમાન છે. દેવપૂજા કરવી પ્રમાણમાં સરળ છે પણ લોકસેવા કે જનસેવાનું વ્રત અત્યંત કઠીન છે. એટલે જ તથાગત ગૌતમબુધ્ધે પોતાના શિષ્યોને ઉપદેશ આપતાં કહ્યું હતું કે 'જેણે મારી સેવા કરવી હોય, એ પીડિતોની સેવા કરે. આવી સેવા અહંકાર અને ગર્વથી મુક્ત રહેવી જોઇએ. જે સેવામાં અહંકારની દુર્ગંધ હોય, એ સેવા નિરર્થક બની જાય છે. સેવાવ્રતી એ સાધુ કે સન્યાસી કરાતં લેશમાત્ર નાનો નથી. સન્યાસી કેવળ પોતાની મુક્તિ' પર ધ્યાન કેન્દ્રીત કરી શકે, પણ સેવાવ્રતી તો પરકલ્યાણની વેદી પર પોતાની જાતની આહુતિ આપવા માટે સદાય ઉત્સુક રહે છે.

લોકસેવા પણ ગણતરી કે સ્વાર્થસિધ્ધિનો વેશ ધારણ કરીને કરવામાં આવે, ત્યારે એ દંભ કે ઢોંગ બની જાય છે. અને આજે આવી લોકસેવાનું વરવુંરૂપ અત્ર-તત્ર સર્વત્ર જોવા મળે છે. શુધ્ધ ભાવે કરેલી નિ:સ્વાર્થ લોકસેવા એ દેવપૂજાનો શ્રેષ્ઠ પ્રકાર છે. દેવપૂજા એ ઇશ્વર પાસેથી લોકસેવાની શક્તિ માગવાનો સુઅવસર જ બનવો જોઇએ.

તત્વજ્ઞાાની એમ કહે છે કે ઇશ્વર ચૈતન્ય રૂપે આપણામાં વિલસી રહ્યો છે. પરમાત્મા જ્યાં સુધી માયાનો શાસક રહે છે ત્યાં સુધી તે ઇશ્વર કહેવાય છે અને જ્યારે એ માયાને આધીન બને છે ત્યારે તે જીવાત્મા કહેવાય છે, એમ સ્વામી વિવેકાંદ માનતા હતા.

લોકોને ઇશ્વરવિષયક તમામ વાતો જ્ઞાાનને માર્ગે સમજાવી શકાય નહીં, એટલે ઇશ્વરના સાકાર સ્વરૂપ અને અવતારાોની વાત ઇશ્વર સાથે જોડાતી ગઈ. ઇશ્વર ભજવાના આધાર રૂપે 'મૂર્ત' રૂપે ઇશ્વર પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કરવા માટે પ્રતિમાઓનું નિર્માણ થયું. ધર્મશાસ્ત્રોએ ઇશ્વરના સ્વરૂપોને આધારે દેવીદેવતાઓની પ્રતિમાઓ કંડારી તો બીજી બાજુ ઇશ્વરને નિરાકાર રૂપે સ્વીકારીને મૂર્તિપૂજાનો અસ્વીકાર કરવામાં આવ્યો.

પણ સત્કર્મો, સદાચાર, પરોપકાર, ત્યાગ, દાન, સન્નીતિ અને જીવનની પવિત્રતાનો સર્વધર્મોએ સ્વીકાર કર્યો.

ઇશ્વર આપણી અંદર રહેલો છે, એનો અર્થ એ જ કે આપણામાં રહેલી ચૈતન્યશક્તિ એ ઇશ્વરનું જ સ્વરૂપ છે. એટલે અંદરથી પવિત્ર બનો એટલે તમે ઇશ્વરની નિકટ પહોંચી જશો.

આપણે ઇશ્વરને પ્રત્યક્ષ જોયા નથી, આપણું અનેક રીતે કલ્યાણ કરનાર માતાપિતાને આપણે જોયાં છે. માતા-પિતા સંતાન પર જે ઉપકારો કરે છે, તેનું ઋણ ચૂકવી શકાય નહીં. જગતને જે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિઓ મળી છે, ચિંતકો, ધર્મોપદેશકો, વૈજ્ઞાાનિકો, વિભૂતિઓ એ બધાંને જન્મ આપનાર માતા છે ને પરવરિશ કરનાર પિતા છે. માતા-પિતા સંતાન માટે ઇશ્વર સ્વરૂપ જ છે. માતા-પિતાની પૂજા કરવી એ ઇશ્વર પૂજા સમાન જ છે.

માતા-પિતા ધરતી પર હરતાં-ફરતાં ભગવાન છે. એ માતા-પિતાને જન્મ આપનાર પણ ભગવાન છે એટલે માતા-પિતા અને ભગવાન બન્ને મોટાં છે. પણ માતા-પિતા સુલભ છે અને ભગવાન અદ્રશ્ય અને દુર્લભ છે, એટલે માતા-પિતાને ઇશ્વરનાં પ્રતિનિધિ માની તેમની સેવા કરવી એ ભગવાનની જ સેવા છે.

કબીરને પણ ગુરુ અને ગોવિંદ બન્નેમાંથી કોને પગે લાગવું, એવી મુંઝવણ થઇ હતી. કબીરે માન્યું કે ઇશ્વરને પામવાનો રસ્તો ગુરુએ જ બતાવ્યો એટલે ગુરુ પ્રથમ પૂજનીય છે. આ વાત માતાપિતાને લાગુ પડે છે.

જગત પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. એટલે જનસેવાને દેવપીજાથી નોખી જોવાની જરૂર નથી. શુધ્ધ ભાવે કરેલી નિ:સ્વાર્થ જનસેવા એ ઇશ્વર સેવાનો શ્રેષ્ઠ પ્રકાર છે.