Get The App

ગામડું હોય કે શહેર અધ:પતનના માર્ગે કેમ ? ધર્મ કેમ નિષ્ક્રિય?

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
ગામડું હોય કે શહેર અધ:પતનના માર્ગે કેમ ? ધર્મ કેમ નિષ્ક્રિય? 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- આજના માણસની કથની અને કરણીમાં અંતર છે. એ દંભી છે. વિવેકશૂન્ય છે. ધર્મોપદેશકો પણ ભોગવિલાસથી મુક્ત નથી એ સંજોગોમાં માણસ પોતે ધારે તો જ પોતાની જાતને સુધારી શકે

ગામડું હોય કે શહેર સર્વત્ર અધ:પતન જોવા મળે છે. ધર્મ કેમ નિષ્ક્રિય છે ?

પ્રશ્નકર્તા : જયેશ સુથાર કામનાથ સોસાયટી, મુ.પો. કણજરી, જિ. ખેડા (ગુજરાત)

ગા મડુ કે શહેર ભગવાને નથી બનાવ્યાં માણસે જ વિકસાવ્યાં છે. શહેરમાં રહેવા જતાં માણસનું મન સાવ બદલાઈ જતું નથી અને ગામડામાં રહેનારનું મન સાવ પવિત્ર બની જતું નથી. મુખ્ય વાત છે માણસે ઇશ્વરથી ડરીને ચાલવાની માણસ જીવે છે પોતાની રીતે અને દુર્ગુણો પણ વિકસાવે છે પોતાની રીતે. ભગવાન માણસને સદગુણી પણ બનાવતો નથી અને દુર્ગુણી પણ બનાવતો નથી. જીવનાં કૃત્યોમાં પરમાત્મા ભાગ લેતો નથી એ તો કેવળ દ્રષ્ટા તરીકે કામ કરે છે.

કેટકેટલાં પુણ્યોના પ્રતાપે આપણને માણસને માનવજન્મ પ્રાપ્ત થયો છે. આવો જન્મ વારંવાર મળશે કે કેમ તેની પણ કોઈ ખાત્રી નથી ! માનવ જગત કેવું રુડું રુપાળું છે !

'આ નીલનીલ નામની

નિત નવ્ય શોભા,

આ રૂપને રસતણું

કાવ્ય વસુંધરાનું

આવ્યાં ન હોત

અહીં તો

ક્યાં મળત આ બધું

માણવાનું ?'

માણસનું મન અટપટું છે. એ શેતાન પણ બની શકે છે અને સાધુ પણ એના મનની શેતાનિયતનને નાથવા ધર્મશાસ્ત્રોએ જ્ઞાાન અને ભક્તિનાં બંધનો મૂક્યાં છે.

માણસની મુક્તિ અને બંધનનું સાધન પણ મન જ છે. શુદ્ધ મન રામ બનાવે અને અશુદ્ધ મન રાવણ. કૃષ્ણત્વનું કારણ પણ મન છે અને કંસત્વનું કારણ પણ મન. જેવું મન તેવો માનવ. ગત જન્મના સંસ્કારો માણસના સ્વભાવ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ- એ ત્રણ પ્રકારનાં કર્મો પૈકી સંચિત કર્મોના કેટલાક અંશ માણસને પ્રાપ્ત થાય છે જેને આપણે પ્રારબ્ધ કે નશીબ કહીએ છીએ. માણસની વાણી, વર્તન, વ્યવહાર, કાર્યો એ બધું એને પ્રાપ્ત થએલા સ્વભાવ અનુસાર કાર્ય કરતું હોય છે. હા, એ વાત જુદી છે કે માણસ દ્રઢ સંકલ્પ કરી મનને સાધક બનાવે તો 'વાલીઆ'માંથી વાલ્મિકિ બની શકે છે. જે મનને સમજે તે મનનો માલિક બની શકે છે.

માણસના અધ:પતનમાં કામ કરનાર અનેક પરિબળો છે જેમ કે :

૧. કામ ૨. ક્રોધ ૩. મદ ૪. મોહ ૫. મત્સર ૬. અભિમાન ૭. સ્વાર્થ ૮. લોભ ૯. વાસના ૧૦. દુષ્ટોની મૈત્રી

૧૧. ધનેષણા ૧૨. રાજ્યેષણા ૧૩. કીર્તિભૂખ ૧૪. નિર્દયી સ્વભાવ

૧૫. હિંસાવૃત્તિ, કામનો અતિરેક

ધર્મ કોઇને સારા બનવાની ફરજ પાડી શક્તો નથી. ધર્મ પાસે ઉપદેશની શક્તિ છે. આજ્ઞાાની નહીં એટલે કથાશ્રવણ કર્યા પછી પણ માનવીનું મન બદલાતું નથી. શ્રીમદ્ ભગવદગીતામાં મનને બદલવાના ઉપાયો સૂચવ્યા છે પણ એનો અમલ કરવાનું તો માણસના હાથમાં જ છે. અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મન ચંચળ અને પરિવર્તનશીલ સ્વભાવવાળું છે. તેને વશ કરવાનું કામ વાયુને વશ કરવા જેટલું અતિદુષ્કર છે. પણ ભગવાન શ્રીકૃષ્ણ જેને સુધરવું હોય તેને સુધરવાનો માર્ગ પણ સૂચવે છે. તેઓ અર્જુનને સમજાવે છે કે હે અર્જુન મન નિ:સંદેહ ચંચળ છે અને એ કઠિનતાથી વશમાં આવનારુ છે પણ અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય. પણ ધર્મ માટે કામ કરનાર પણ ગેરમાર્ગથી બચી શક્યા નથી. અહીં એ વાત પણ યાદ રાખવી જરૂરી છે કે માત્ર વૈરાગ્ય માણસને ધર્મમય બનાવી શક્તો નથી. વૈરાગ્ય સાથે વિવેક તથા દ્રઢ સંકલ્પ જરૂરી છે. ચિત્તને વશમાં લાવવા માટે અશેષ ભક્તિભાવ અને સમર્પણ જરૂરી છે. યોગવાશિષ્ટ એટલે જ મનની તુલના નટ સાથે કરે છે. તે ક્ષણભર માટે આનંદિત હોવાની ભૂમિકા ભજવે છે અને બીજી જ ક્ષણે વિષાદગ્રસ્ત હોવાની.

દરેક ગામમાં ને શહેરમાં ભજન મંડળીઓ હોય છે. નાચ, ગાન, કથા-વાર્તા, પૂજા-અર્ચન બધું જ ચાલે છે પણ મોટેભાગે એ શાશ્વત કે ચિરંજીવી પ્રભાવ પાડવાને બદલે ક્ષણિક ઉભરાનું જ કામ કરે છે. શહેરમાં ભોગ વિલાસના સાધનો અતિ સુલભ છે. જો કે ગામડાં પણ હવે તેનાથી બાકાત નથી. માણસ તીર્થયાત્રા કરે છે પણ તીર્થયાત્રા દરમ્યાન પણ એનું મન સંસારમાં જ રહે છે. ઘરનાં લોકોના સમાચાર માટે સતત ટેલિફોન. મનગમતા ખાદ્ય પદાર્થો માણવાનો ચસ્કો અને કેવળ દેખાવ ખાતર કથા-વાર્તામાં તેની હાજરી હોય છે એટલે 'હરિ તને પ્રસન્ન કેમે થાયે, તારા મનનું કપટ નવ જાયે' એ વાત સાચી ઠરે છે.

'દરિયા સાગર'માં દરિયા સાહેબે મનની વાસ્તવિક્તા રજૂ કરતાં ગાયું છે :

યહ મન કાજી,

યહ મન પાજી,

યહ મન કરતા

યહ પરવેશ

યહ મન પાંડે

યહ મન પંડિત

યહ મન દુખિયા

કરતા નરેશ.

માણસનું અધ:પતન તેનું પોતાનું મન જ રોકી શકે એમાં ગામડા-શહેરનો કોઈ ભેદ નથી. ધર્મ એ સાધન છે, સાધ્ય તો તેનું આચરણ કરવાનો સંકલ્પ છે. આજનો માણસ દંભી છે. વિવેકશૂન્ય છે. મન અને વચનમાં કથની અને કરણીમાં અંતર રાખે છે. માટે ધર્મ પણ તેને સુધારી શકે નહીં, સિવાય કે માણસ પોતે.