Get The App

વચન આપતાં પૂર્વે વચન દાતાએ સંપૂર્ણ સાવચેતી રાખી વચનબધ્ધ થવું જોઇએ, પણ માણસ આમ કેમ કરતો નથી ?

Updated: May 10th, 2022

GS TEAM


Google News
Google News
વચન આપતાં પૂર્વે વચન દાતાએ સંપૂર્ણ સાવચેતી રાખી વચનબધ્ધ થવું જોઇએ, પણ માણસ આમ કેમ કરતો નથી ? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- ઘણાંને વચન આપવાનું ઝનૂન ચઢતું હોય છે. તેઓ શબ્દની ઇજ્જત સાચવતા નથી. પણ શબ્દો ફેંકે છે. આપેલાં વચનોનું રજિસ્ટર ન રાખવું એને તેઓ સ્વભાવસિધ્ધ અધિકાર માને છે

વચન આપતાં પૂર્વે વચનદાતાએ સંપૂર્ણ સાવચેતી રાખી વચનબધ્ધ થવું જોઇએ - પણ માણસ આમ કેમ નથી કરતો ?

પ્રશ્નકર્તા : રક્ષિત ઉષાકર વોરા, ૯૮/૨ 'ચ' ટાઈપ સરકારી ક્વાર્ટર, સેકટર-૨૮, ગાંધીનગર

વા ણી ઇશ્વરીય વરદાન છે. એટલે એનો ન તો દુરૂપયોગ થાય કે ન તો એને વેડફી દેવાય. વાણીની દેવી તે વાગ્દેવી. સમગ્ર વિશ્વની એ અધીશ્વરી છે. વાણી પરમાત્માની પ્રાપ્તિનું પણ સાધન બની શકે છે. શાસ્ત્રોના મતાનુસાર વ્યર્થ બોલવા કરતાં મૌન ધારણ કરવું એ વાણીની પ્રથમ વિશેષતા ગણાવાઈ છે. સત્ય વચન ઉચ્ચારવું એ વાણીની બીજી વિશેષતા છે. પ્રિય વચન બોલવાં એ વાણીની ત્રીજી વિશેષતા છે અને ઉત્તરોત્તર ધર્મપૂર્વકની શ્રેષ્ઠ વાણી બોલવી એ ચોથી વિશેષતા છે. મુખ બકવાસનું સાધન નથી. શબ્દો આમ તો વજનહીત છે પણ શબ્દોનું વજન હજારો ત્રાજવાં ભેગાં કરો તોય તોળી શકાય નહી. સંયમપૂર્વકની વાણી મનુષ્યને વિશ્વવિજેતા બનાવી શકે છે. કહેવત છે કે 'જબાન હાથી પર ચઢાવે, જબાન સિર કટવાયે'. એટલે એક વાર બોલતાં પહેલાં બે વાર નહીં સો વાર વિચાર કરવો જોઇએ.

લોકો 'વચન' અને 'વાયદા'ને એક જ અર્થમાં ઘટાવે છે તે ખોટું છે. વચન પાછળ ઉદાત્ત ભાવના છે, મૂલ્ય ચૂકવવાની તૈયારી છે. વચન ખાતર ખુવાર થવુંપડે તો ખુવાર થવાની તૈયારી વચનદાતા રાખતો હોય છે. વચન પોતે સુખી થવા નહીં પણ બીજાને સુખી કરવા માણસ આપતો હોય છે. 'રામચરિત માનસ'માં તુલસીદાસે વચન-પાલનની મહત્તા દર્શાવતા શબ્દો મૂક્યા છે -

રઘુકુલ રીતિ સદા ચલિ આઈ

પ્રાણ જાયે પર વચન ન જાઈ

વચન પાલક મહાપુરુષોનાં ઉદાહરણ આપતાં કહેવાયું છે કે -

'વચન હેતુ હરિશ્ચંદ્ર નૃપ

ભયે સ્વપચ કે દાસ,

વચન હેતુ દશરથ દિયો

રતન સુતહિ વનવાસ

વચન હેતુ ભીષમ કર્યો,

ગુરુસો સમર મહાન,

વચન હેતુ નૃપ બલિદિયો

વિષ્ણુ હી સરબસદાન.'

સાવિત્રી આગળ વચન બધ્ધ થતાં યમરાજે પણ સત્યવાનને પુનર્જીવન પ્રદાન કર્યું હતું. હાથીના દાંત અને મરદની વાત એક જ 

હોય છે.

વૃંદ કહે છે કે મોટા માણસો આપેલું વચન ધૈર્યપૂર્વક નિભાવે છે. ભગવાન રામચંદ્રે વિજય પ્રાપ્ત કર્યા છતાં પણ વિભીષણને લંકા નરેશ બનાવ્યો હતો. રણે ચઢ્યોરાજપૂત એકવાર વચન ખાતર યુદ્ધે ચઢ્યો પછી વિચલિત થતો નથી. વચન આપનારે ચાર પ્રકારની સાવચેતી રાખવી જોઇએ.

૧. વચન મોંઢેથી નહીં હૈયામાંથી પ્રગટવું જોઇએ.

૨. વચનને બુધ્ધિ-ચાતુર્યનો વિષય બનાવી છટકબારીપૂર્વકનું વચન ન આપવું જોઇએ.

૩. વચન પાલન એ ધર્મ છે અને વચન દ્રોહ એ અધર્મ, એ વાત ગંભીરતાપૂર્વક સમજીને વચન આપવું જોઇએ.

૪. વચન ખાતર સર્વસ્વનું બલિદાન આપવું પડે તો એ માટે હું તૈયાર રહીશ, એવી મનોમન પ્રતિજ્ઞાા કરીને જ વચન આપવું જોઇએ. વચનનો 'મારગ' એ 'હરિનો મારગ' છો તે કાયરનું કામ નથી એવી સમજણ સાથે વચન આપવું જોઇએ.

ગુજરાતના પૂર્વ ગવર્નર સ્વ. શ્રીમન્નારાયણજીની પંક્તિઓ ખૂબ જ પ્રેરક છે -

'જીત-હાર કુછ ભી મિલે;

રખના અપની આન,

ડટા રહે નિજ વચન પર

નર કી યહ પહચાન'

પ્રેમ અને રાજકારણ એ વચનો આપવાનાં પ્રખ્યાત ક્ષેત્રો છે. 'આઈ લવ યુ' એ હવે એક ઘસાયેલો સિક્કો બની ગયો છે. 'હું તને ચાહું છું' એ હિન્દી ફિલ્મોની સ્ટાઇલમાં બોલવાની વસ્તુ નથી, પણ મન-વચન-કર્મથી આપેલા વચનને પાળવાની વસ્તુ છે. એક રમૂજી કિસ્સા મુજબ એક યુવક પોતાની પ્રિયતમાને પત્રમાં લખે છે કે તારા ખાતર હું આકાશના તારા તોડી લાવું, તને કાંટો વાગ્યો હોય તો ગુલાબવનનો ઉચ્છેદ કરી નાખું, તને પજવનાર દુષ્ટનો એક ક્ષણમાં ખાત્મો કરી નાખું. અને પત્રમાં નીચે લખ્યું હતું 'હું તને આજે સાંજે મળવા આવીશ, વરસાદ નહીં પડે તો' આવા તકલાદી વચન શૂરાઓએ પ્રેમના ક્ષેત્રને લજવ્યું છે. પ્રેમ એ વફાદારી છે, જીવનભર પાળવાની વસ્તુ. દરેક શિરી-ફરહાદ ન બની શકે પણ સાચા પ્રેમી તો બની જ શકે. બોલકણા પ્રેમીઓ ભાગ્યે જ સાચા પ્રેમીઓ હોય છે. પ્રિય પાત્ર કદાચ વચનનું પાલન કરવામાં નિષ્ફળ નીવડે પણ સાચો પ્રેમી પ્રેમને વફાદાર રહી પ્રેમપુજારી બની આખું જીવન પ્રિયપાત્રની સ્મૃતિમાં એકલતાપૂર્વક વિતાવે છે. રોમીઓ-જુલિયેટ કે લયલા-મજનૂ બનવું એ ઠાલાં વચનો આપનાર 'બોલ'ના બેતાજ બાદશાહોનું કામ નથી. વચનદ્રોહ એ સંસારમાં સૌથી મોટો અપરાધ છે - નૈતિક, ધાર્મિક અને સામાજિક પણ આ વાત વાયદાબાજો, સ્વીકારવા તૈયાર હોતા નથી. આજનો માણસ વાયદાનો માણસ, ફાયદાનો માણસ અને કાયદાનો માણસ છે. લાભ અને લોભ એના જીવનનાં પરિચાલક બળો છે એટલે વચનના ગળે ટૂંપો દેતાં એ અચકાતો નથી.

મતદાતાઓને બુદ્ધિશાળી નહીં પણ બુધ્ધુ અને લોભીઆ માની રાજકારણીઓ ચાલતાં હોય છે. ચૂંટણી નજીક આવતાં વચનોનો ધોધ ખુલ્લો મૂકે છે. 'દલા તલવાડી'ની રિંગણાની કથાની જેમ 'આપું બે ચાર', બે - ચાર શું કામ આપને દસ બારનો નૂસ્ખો અજમાવતા હોય છે. આધિ-વ્યાધિ-ઉપાધિથી ત્રાસેલાં લોકો એવા તકવાદીઓનાં પ્રલોભનકારી વચનોથી અંજાઈ જતાં હોય છે. એમના ભ્રામક વચનોને સત્ય માની તેમની મતપેટીઓ છલકાવતા હોય છે. વચનપાલક અને વાયદાબાજ વચ્ચેનો ભેદ સમજવો એ પણ નાગરિક તરીકેની આપણી જવાબદારી છે. રાજકારણની જેમ વિજ્ઞાાપનોમાં પણ આશ્વાસક પ્રોત્સાહક શબ્દોની જાળ બીછાવાય છે. વસ્તુ પર કે દવાના લેબલ પર નાના અક્ષરે છટકબારી ભર્યા દ્વિઅર્થી શબ્દો લખી કાયદાની પકડથી બહાર રહેવાની વૃત્તિ કામ કરતી હોય છે. વચનપાલક છટકબારીનું છિદ્ર રાખવામાં પાપ અને અધર્મ માને છે જ્યારે વાયદા બાજ એવી છટકબારીને આત્મરક્ષાનું અમોઘશસ્ત્ર માને છે.

સાચા માણસનો વાયદો પણ વચન પ્રદાન કરતાં લેશમાત્ર ઓછો નથી. મહાશિવરાત્રિની કથામાં હરણાં શિકારીને આપેલો વાયદો પૂરો કરવા મોતને ઇમાનદારીપૂર્વક ભેટવા પાછાં આવ્યાં હતાં એ પ્રસંગ લોકપ્રસિધ્ધ છે.

કેટલાક લોકો પૈસાની લેવડ-દેવડ માટે અપાતી 'પ્રોમીસરી નોટ' પર પણ મનોમન પ્રોમીસ કે વચન નહીં પાળવાના ઇરાદા સાથે જ સહી કરતા હોય છે.

ઘણાને વચન આપવાનું ઝનૂન ચડતું હોય છે. તેઓ શબ્દની ઇજ્જત સાચવતા નથી પણ શબ્દો ફેંકે છે. 

આપેલાં વચનોનું રજિસ્ટર ન રાખવું, એને તેઓ સ્વભાવસિધ્ધ અધિકાર માને છે. તેઓ વાયદા કે (ખોટા) વચનને પાણી પર લખવાનો વિષય માને છે જ્યારે સાચા વચનપાલકને મન વચન એ શિલાલેખનો વિષય છે.

ડૉ. સુનીલ જોગીએ 'પિતાના વચનનું પાલન કરવું જોઇએ.' શીર્ષક એક પ્રસંગ સફળ જીવનનાં ૨૦૧ જ્ઞાાન સૂત્રોમાં નોંધ્યો છે. તદનુસાર મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરના પિતા મહર્ષિ દેવન્દ્રનાથ પોતાની વાતના પાક્કા હતા. પોતાના દરવાજે આવનારને યથાશક્તિ મદદ કરતા. એક વાર બંગાળના એક અનાથઆશ્રમના સંચાલક તેમની પાસે મદદ માટે આવ્યા. તેમણે દેવેન્દ્રનાથને કહ્યું : 'તમારા સ્વર્ગીય પિતાજીએ અમારી સંસ્થાને રૂપીઆ એક લાખનું દાન આપવાનું કહ્યું હતું. પરંતુ તેઓ પોતાનું વચન પૂરું કરે તે પહેલાં જ મૃત્યુ પામ્યા. આથી અમારી વિનંતી છે કે તમે તેમનું વચન પૂરું કરો.'

તે વખતે મહર્ષિ દેવેન્દ્રનાથની આર્થિક સ્થિતિ સારી નહોતી પરંતુ પિતાના વચનને તેઓ ધર્મ માનતા હતા. તેમણે કહ્યું : 'હું તેમના વચનનું જરૂર પાલન કરીશ. પરંતુ મને થોડો સમય આપો.'

દેવેન્દ્રનાથે પોતાની જમીન વેચીને એક અનાથાશ્રમને એક લાખ રૂપીઆ મોકલાવ્યા. એકવાર તેમણે પુત્ર રવીન્દ્રનાથને કહ્યું : 'પોતાના પિતાના વચનનું પાલન કરવું એ પુત્રની ફરજ છે. જે તેમ નથી કરતો તે પિતાનો સાચો વારસદાર નથી.'

આજનું જગત 'અભી બોલા, અભી ફોગટ'નો જમાનો છે. નથી એની પાસે ઇમાનદાર એકરાર કે નથી પ્રામાણિક ઇન્કાર. કળિયુગ સૌથી પહેલાં માણસની વાણીમાં ધાડ પાડે છે. એને ખબર છે કે વાણીની ભ્રષ્ટતા એ મતિભ્રષ્ટતાની નિશાની છે. માણસને પોતાના શીલની ઢીલમાં દોષ દેખાતો નથી. વચનપાલન એ તીર્થયાત્રા છે જ્યારે વચનભંગ એ નર્કયાત્રા. વચનભંગ એ અંત:કરણની ગંદકી છે પણ લોભી અને સ્વાર્થી લોકોનો એ ઉકરડામાં ય સુગંધ આવે છે. આવા માણસોને ભગવાન પણ ન બચાવી શકે.

Tags :