- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- ગમ ખાવી જરૂરી હોય ત્યાં ખવાય, પણ સામેની વ્યક્તિ આપણને નિરૂપાય અસહાય કે નામર્દ સમજે એટલી હદ સુધી નહીં.
ગમ ખાનારની કોઈ આકરી કસોટી કરે ત્યારે ધીરજ ક્યાં સુધી રાખીને એણે ગમ ખાવી જોઈએ ?
પ્રશ્નકર્તા : જય પ્રજાપતિ, સાર્થક કોમ્પલેક્ષ રામદેવનગર, અમદાવાદ
ગ મ ખાવી એટલે સહન કરી લેવું, જતું કરવું, ક્રોધ આવ્યા છતાં સંયમ રાખવો, દાખવવો ઉદ્દંડ ન બનવું વગેરે. માણસને વાંકુ પડે ત્યારે એ સંયમ ગુમાવે છે. તેની ધીરજ ચાલી જાય છે. વિનય-વિવેક અદૃશ્ય થઈ જાય છે. પ્રતિસ્પર્ધી, અન્યાયકર્તા, સિતમગર કે પીડા આપનારને પદાર્થપાઠ ભણાવવા તેનું મન તેને ઉત્તેજિત કરે છે. આવી ક્ષણ કસોટીની ક્ષણ હોય છે.
માણસે નાની નાની વાતમાં ઉશ્કેરાઈને પોતાની માનસિક શાંતિ હણવી ન જોઈએ. જ્યાં ઉચિત સમાધાનવૃત્તિ દાખવવાની હોય એમાં પણ સહયોગી રહેવું જોઈએ. પણ એનો અર્થ એ નથી કે માણસે અન્યાયને સદાય ચૂપચાપ સહન કરી લેવો જોઈએ. કોઈ વ્યક્તિ બીજાને તેના ન્યાયોચિત અધિકારથી અનુચિત રીતે વંચિત કરવાની કોશિશ કરે, એના અધિકાર પર તરાપ મારે ત્યારે મૌનધારણ કરવું કે સહિષ્ણુ બનીને અકર્મણ્યતા દાખવવી એ કાયરતા છે.
પ્રથમ વર્ગની પોતાની પાસે ટિકિટ હોવા છતાં રંગભેદની સંકીર્ણતાને વશ થયેલો ગોરો ગાંધીજીને ગાડીમાંથી પરાણે ઉતારવાની કોશિશ કરે ત્યારે ગાંધીજી પાસે સત્યાગ્રહ સિવાય બીજો ક્યો વિકલ્પ રહે ? પાંડવો ગમ ખાતા જ રહ્યા, છતાં દુર્યોધન અને તેના દુષ્ટ સાથીદારોએ પજવણી કરવામાં કશું બાકી ન રાખ્યું અને સંધિકાર તરીકે શ્રીકૃષ્ણને પણ કેદ કરવાની કોશિશ કરી, ત્યારે 'પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુધ્ધ એજ કલ્યાણ'ના અંતિમ નિર્ણય પર તેમણે આવવું પડયું. કોઈ આપણી નમ્રતા, ધૈર્ય, સહિષ્ણુતા અને ક્ષમાભાવનાનો ગેરલાભ લઈ તેની વધુ વકરવાની અનુકૂળતામાં ખપાવે ત્યારે લાલ આંખ દેખાડવી એ જ એક ગૌરવપૂર્ણ વિકલ્પ છે.
ચંદન આમ તો શીતળ છે. એને પણ હદ કરતાં વધુ ઘસવામાં આવે તો ચંદનકાષ્ઠ આગ પેદા કરવામાં પાછી પાની કરતું નથી. માણસ વધુ પડતો સહનશીલ બને ત્યારે અન્યાયીને બહેકવાનો મોકો મળે છે. એટલે પેલી જર્મન કહેવત યાદ રાખવી : 'જો તમારી જાતને બકરી બનાવી દેશો તો વરુ આવીને ફાડી ખાશે.' ગમ ખાવી એ બકરી બનવાની ક્રિયા નથી. ઉચિત સંયમ શ્રેયસ્કર, અનુચિત આત્મદમન હાનિકારક. જ્યાં સહનશીલતા દેખાડવી આવશ્યક હોય ત્યાં આકરી કસોટીથી ડરવું ન જોઈએ. જેમકે ભક્ત અને ભગવાનનો સંબંધ. ભક્તોની એવી અનેક પ્રેરક કથાઓ પ્રાપ્ત થાય છે, જ્યાં ભગવાન ભક્તની આકરી કસોટી કરતો હોય. એની ન્યાયપ્રિયતા, એની નીતિમત્તા એની પ્રભુ શ્રધ્ધા અને એની સમર્પણ ભાવનાની ઇશ્વરે આકરી કસોટી કરી હોય અને એ એનાં ખરો સાબિત થયો હોય અને એની ઉપર ઇશકૃપા ઉતરી હોય એવા અનેક પ્રસંગો ધર્મકથા રૂપે આપણને પ્રાપ્ત થાય છે. એ બધાનો સારાંશ હોય તો એજ હોઈ શકે કે, આપણે સાચા હોઈએ તો અગ્નિપરીક્ષાથી ગભરાવું ન જોઈએ. પણ કોઈ કેવળ આપણને રંજાડવા માટે જ દુષ્ટતા દેખાડતો હોય, મુશ્કેલીઓની વણઝારો ખડકતો હોય અને છતાં ય એની પજવણીને વશ થઈને મૌન ધારણ કરવું કે સહિષ્ણુ બની જતું કરવું એ ધર્મ નથી, અધર્મ છે. એમ કરવાથી અનાચારીને છૂટો દોર મળશે. આતતાયીને મોકળું મેદાન મળશે. પરિણામે વ્યક્તિ કે સમાજ કે રાષ્ટ્રને માટે ખતરનાક પરિસ્થિતિ સર્જાશે. એટલે જ ભર્તૃહરિએ કહ્યું છે કે આત્મગૌરવ ગુમાવીને જીવતા રહેવું એ મૃત્યુથી પણ બદતર છે. આત્મ-ગૌરવ હણાય એટલી હદ સુધી ગમ ખાવાનું નથી ઉચિત કે નથી આવશ્યક.
યર્જુવેદમાં કહેવામાં આવ્યું છે કે 'તું ભયભીત અને ચંચળ ન બનીશ. આપત્તિની ક્ષણોમાં પણ મનને ડામાડોળ સ્થિતિમાં નહીં રાખવાની એટલે જ સલાહ આપી છે. ધીરજ પણ અમુક હદ સુધી જ રાખી શકાય. તમે જુલમગારનું હૃદય પરિવર્તન થશે એ શ્રદ્ધાથી એનો ત્રાસ સહન કરવા માટે તત્પરતા દાખવવાનું સાહસ ન જ કરી શકો. ગમ ખાવી જરૂરી હોય ત્યાં ખવાય, પણ સામેની વ્યક્તિ આપણને નિરૂપાય, અસહાય કે નામર્દ સમજે એટલી હદ સુધી નહીં.'
આપણી સામાજિક વ્યવસ્થામાં સ્ત્રીએ સહનશીલ બનવું જોઈએ, ગમ ખાવી જોઈએ વગેરે વાતો પર જરૂર કરતાં વધુ ભાર મૂકવામાં આવ્યો, એનું પરિણામ શું આવ્યું ? લાચાર બનીને અગ્નિસ્નાન કરવાની સ્થિતિ. સ્ત્રીને એની સહિષ્ણુતા માટે ખરેખર તો કદરદાની રૂપ પુરસ્કાર મળવો જોઈએ, પણ એનો તિરસ્કાર થયો, અને પુરસ્કારને બદલે દંડ મળ્યો. આ એક અત્યંત દુ:ખદ સ્થિતિ છે. સાથે સાથે વધુ પડતા સહનશીલ કે ગમ ખાનારા માટે ચેતવણીરૂપ પણ ! હદ બહારનું કશું ઉચિત ન હોઈ શકે.
પણ કોઈની ધીરજની કોઈ કસોટી કરે તો શું કરવું જોઈએ ? કસોટીથી ડરે એ કાચો કસોટી એ આપણામાં રહેલા હીર-ખમીરને અભિવ્યક્ત થવાનો સુઅવસર છે. એટલે જેમણે જિંદગીની પાઠશાળામાં જીવતરની કળા સુપેરે શીખી લીધી હોય તેઓ કસોટીની પળોમાં વિચલિત થતા નથી. હકીકતમાં વિપત્તિઓ અને આંધીઓ જ આપણા વ્યક્તિત્વને ઓપ આપતી હોય છે. સરાણ પર ઘસાઈને છરી-ચપ્પુની ઘાર તેજ બને છે તેમ.
જેઓ ન્યાય, નીતિ, કર્તવ્ય પરાયણતા અને પરોપકારના પંથના પ્રવાસીઓ છે, જેમને મૂલ્યોમાં શ્રદ્ધા છે, જેમણે જીવનમાં કશુંક પામવું છે, જેમણે પડકારો ઝીલીને પોતાનું સામર્થ્ય અભિસિધ્ધ કરવું છે. એમને વિચલિત થવાનું પોસાતું નથી. માણસ કઈ માટીનો બનેલો છે. તેનું માપ કસોટીની પળોમાં એ કેટલો અડીખમ રહી શકે છે એ પરથી જ નક્કી થાય છે.
સ્નેહીઓ હોય કે સ્વજનો, સાથીઓ હોય કે સહકર્મચારીઓ સૌ પોતાના નિકટના માણસને મોટે ભાગે શંકાની નજરે જોતા હોય છે. પોતાને થયેલા નકારાત્મક અનુભવોને લીધે તમે સાચા હોવા છતાં તેઓ તમારી વાત, પ્રસ્તાવ, સૂચન કે વર્તન યથાવત તરત જ સ્વીકારવા તૈયાર થતા નથી. પરિણામે તેઓ તેમને વારંવાર કસવા તત્પર રહે છે. આનાથી આપણે વિચલિત થવાની જરૂર નથી. આપણી ધીરજની કસોટીની ક્ષણોમાં આપણું આત્મબળ ટકાવીને બેપરવા અને મસ્ત રહેવું. એ જ શ્રેષ્ઠ માર્ગ છે. કસોટીમાંથી પાર ઉતારવાનું પહેલું સૂત્ર છે : કસોટીને કસોટી માનવાને બદલે જીવનનો એક ક્રમ, એક સ્વાભાવિક ઘટના ગણી લો. એમ કરવાથી કસોટીનો ડર મનમાંથી આપોઆપ અદૃશ્ય થઈ જશે. એટલું જ નહીં, કસોટી કરનાર પ્રત્યે રોષ અને દ્વેષની લાગણી પણ નહીં રહે. વિપત્તિનાં વાદળો હટી જવાનાં છે અને અંતે સચ્ચાઈની જીત થવાની જ છે. એવી શ્રધ્ધા અને વિશ્વાસને બળે કસોટીઓનો સામનો કરવો જોઈએ.
કસોટી સામે ટકી રહેવાનું બળ એટલે જ ધૈર્ય. સરદાર વલ્લભભાઈ એટલે જ ખુમારીપૂર્વક કહેતા કે શત્રુનું લોખંડ ભલે ગરમ થાય,
પણ આપણા હથોડાએ તો ઠંડા રહીને કામ પાર પાડવાની કળા શીખી લેવી જોઈએ. વાલ્મીકિએ પણ ધૈર્યનું સમર્થન કરતાં એ જ વાત કરી છે કે 'શોક, આર્થિક સંક્ટ અને પ્રાણત્યાગનો ભય ઉપસ્થિત થયા છતાં જે પોતાની બુધ્ધિ વડે દુ:ખ નિવારણનો ઉપાય શોધીને ધૈર્ય ધારણ કરે છે. તેણે કષ્ટ વેઠવાનો વારો આવતો નથી, કારણકે તેને મન કષ્ટ એ કષ્ટ રોતાં જ નથી. મતલબ કે કસોટીની પરંપરાઓ વચ્ચે પણ હિમાલય શા અવિચળ રહેવું એ જ સિધ્ધિયાત્રાની શાનદાર સફળતા છે.'
ગમ ખાવાની પરિસ્થિતિ મોટેભાગે પારિવારિક જીવનમાં ઉપસ્થિત થતી હોય છે. બહારનાને આપણે નજર-અંદાજ કરી દઈએ તો ચાલે છે પણ પારિવારિક સંબંધોમાં બાંધછોડ કર્યા વગર છૂટકો થતો નથી.
પરિવારનાં સંબંધોને બંધિયારપણું આપનારું તત્વ હોય તો તે આપણી અવજ્ઞાઓનો સકંજો છે. અંગત સ્વજનો જ્યારે અન્ય માટે કશુંક કર્યાનો અહં કે સામેના પાત્રે કશું ન કર્યાનો કચવાટ અનુભવે ત્યારે કરેલું કામ કે નહીં કરેલું કામ સંબંધની ધનિષ્ઠતા કે સાર્થકતાનો માપદંડ બની જાય છે. ત્યારે પરિવારમાં સુમેળભરું વાતાવરણ રહે તે માટે મોટેભાગે વડીલો ગમ ખાતા હોય છે, એનું નામ ત્યાગ છે.
સંબંધ રાખવો એ એક વસ્તુ છે અને સંબંધ જીવી જાણવો એ બીજી વસ્તુ છે. જેની સમક્ષ સંબંધ જીવી જાણવાની, જીરવી જાણવાની અને સંબંધ, લાગણી કે મમતાને બિનશરતી અપેક્ષા વગર મૂ લવી જાણવાની દૃષ્ટિ હોય તે પોતાના સ્વજનનું આત્મગૌરવ વધારવા માટે ગમ ખાતા હોય છે, અને તે પરિવારની એકતા માટે આવશ્યક પણ છે.


