અહંકાર આજના જીવનનું 'કેન્સર' .
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- માણસ મંગળ સુધી તો પહોંચ્યો પણ અભિમાનરૂપી 'અમંગળ' ગ્રહથી આજે પણ મુક્ત થઇ શક્યો નથી
અભિમાન પડતીનું કારણ બની શકે ખરૃં ?
* પ્રશ્નકર્તા : રક્ષિત વૉરા 'ક્ષિતિજ' સીજી ૫૩ કેપીટલ ફ્લોરા મુ.પો. સરગાસણ, જિ.તા. ગાંધીનગર
અ ભિમાન કહો, ગર્વ કહો, અહંકાર કહો, એ બધાં હૃદયના ખાલીપણાનાં સંતાનો છે. એટલે જ એવા ખાલી હૃદયનાં માણસો માટે કહેવામાં આવ્યું છે કે 'ગર્વ કિયો સો નર હાર્યો'
દુનિયામાં બધું જ બદલાય છે પણ અહંકારની વૃત્તિ બદલાતી નથી. કુલ, ધન, જ્ઞાન, રૂપ, પરાક્રમ, દાન અને તપને મુખ્ય રૂપે અભિમાનના હેતુ દર્શાવવામાં આવ્યા છે. વાસુકી નાગ પાસે હજાર ઘણું વિષ હોવા છતાં તે અભિમાન નથી કરતાં, પરંતુ વીંછી પાસે ડંખ મારવાની સીમિત શક્તિ હોવા છતાં ગર્વમાં મહાલે છે એટલે જ કહેવામાં આવ્યું કે ઓછા પાણીવાળો પાણીનો ઘડો છલકાય છે. ઓછું દૂધ આપનારી ગાયો વધુ ચંચળ હોય છે. અલ્પજ્ઞાનવાળા મનુષ્યો મહાગર્વિષ્ઠ હોય છે. કદરૂપો માણસ સુંદર દેખાવાની વધુ ચેષ્ટાઓ કરતો હોય છે. 'વિચારપોથી'માં સંત વિનોબા ભાવેએ ઉચિત જ કહ્યું છે કે સત્તાનું અભિમાન સંપત્તિનું અભિમાન, રૂપનું અભિમાન, અનુભવનું અભિમાન, કર્તવ્યનું અભિમાન, ચારિત્ર્યનું અભિમાન એ અભિમાનના નવ પ્રકારો છે. પરંતુ મને અભિમાન નથી એવું લાગવું એ ભયાનક અભિમાન છે. બીજું કાંઈ નથી.
આત્મપ્રેમને કારણે માણસ અભિમાનમાં રાચે છે. અજ્ઞાન કે અવિદ્યા તેના અહંકારને પોષે છે. પોતાના દોષોને ઢાંકવા માટે માણસ અભિમાનનો આશરો લે છે. માણસ મંગળ ગ્રહને દરવાજે ટકોરા મારી શકે છે પરંતુ અભિમાન કે ગર્વરૂપી 'અમંગળ'થી મુક્ત થઇ શક્તો નથી એ આજના જીવનની કરુણતા છે. નાનો માણસ પણ મોટા અભિમાનથી મુક્ત નથી થઇ શક્તો નથી. બનાવટી સોનામાં અસલી સોના કરતાં વધુ ચમક હોય છે. માણસનું અભિમાન તેને પોતાને જ ખાઈ જાય છે.
એક અમીર માણસ કોઈ ધર્માત્માને મળવા જાય છે. પેલા સંતનો સેવક પૂછે છે : 'આપનું નામ?'
અમીર માણસ ખિસ્સામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી સેવકને તે ધર્માત્માને પહોંચતું કરવાનો આદેશ આપે છે. પેલો સેવક કાર્ડમાં લખેલી વિગતો વાંચવાની કોશિશ કરે છે પણ તરત જ પેલો અમીર માણસ કહે છે : 'આ કાર્ડ તમારા જેવા 'ઓર્ડિનરી' માણસો માટે નથી તારે આ કાર્ડ વાંચવાની જરૂર નથી. જા તારા ધર્મગુરૂને આ કાર્ડ આપી આવ. તેઓ અંગ્રેજી જાણતા હશે તો તેમને પણ ખ્યાલ આવશે કે તેમની મુલાકાત માટે એક મહાન માણસ આવ્યો છે. હવે મોડું શું કામ કરે છે ? મારી એક એક મિનિટ કીંમતી છે ?'
ધર્મગુરૂનો સેવક ગુરૂ પાસે ગયો અને સઘળી વિગતો કહી સંભળાવી તથા મોંઘુદાટ વિઝિટિંગ કાર્ડ તેમના હાથમાં મૂક્યું :
પેલા ધર્મગુરૂ આગંતૂક મુલાકાતીનું અભિમાન જોઈ ચોંકી ઉઠયા. એમણે સેવકને કહ્યું કે જા પેલા અમીર મુલાકાતીને કહે કે આજનો દિવસ સામાન્ય માણસને મળવાનો દિવસ છે. 'વી.આઈ.પી.' માટે તેમણે કોઈ અલગ દિવસ રાખ્યો નથી. એવો અલગ દિવસ ગોઠવાશે ત્યારે આપને મળવા માટે બોલાવશે.
સેવકે તે મુજબનો સંદેશો આપ્યો એટલે અહંકારી અમીરને કમાન છટકી. એણે કહ્યું : 'આ આશ્રમ માટે મેં જમીન દાનમાં આપી હતી. એ પછી લઇ લેતાં મને વાર નહીં લાગે કહી એ અમીર ધૂંવાં પૂવાં થઇ ચાલ્યો ગયો.'
અહંકાર, ગર્વ 'હું પદ' એ બધું સદાકાળથી ચાલ્યું આવે છે. યુગ બદલાય પણ અહંકાર નાબૂદ થતો નથી, જરાસંઘ, શિશુપાલ હોય કે કંસ, રાવણ હોય કે દુર્યોધન તેઓ પોતાના અભિમાનથી જ નામ શેષ થઇ ગયા છે એટલું જ નહીં નિંદાસ્પદ તરીકે લોકો તેમને ભૂલ્યાં નથી.
એક માણસ ઘોર તપ કરતો હતો. એની અપેક્ષા હતી કે મારા જેવો કોઈ બીજો તપસ્વી નથી એવી ભગવાન નોંધ લે. એવામાં ત્યાં નારદ ઋષિ આવી પહોંચ્યા. પેલા તપસ્વીએ કહ્યું કે તમે ભગવાન પાસે જાઓ ત્યારે પૂછતા આવજો કે મને મારા તપનો સર્વોચ્ચ પુરસ્કાર ક્યારે મળશે ?
નારદે કહ્યું : 'ભલે, આજે જ હું ભગવાન પાસે જવાનો છું. તમારી સઘળી હકીકત ભગવાનને જણાવીશ.' નારદ ભગવાન પાસે ગયા અને પોતાનાં કામો પતાવ્યા બાદ પેલા તપસ્વીની વાત ભગવાનને પૂછી. ભગવાને કહ્યું : 'મારા દરબારમાં અંધેર ચાલતું નથી. જે જેને લાયક હોય તે વગર માગ્યે મળે છે. આ રહ્યા મારા ચોપડા. તમે જાતે જ તપાસી લો.'
નારદે ચોપડા તપાસ્યા. તેમાં પેલા ઘોર તપસ્વીનું નામ શોધ્યું પણ જડયું નહીં. નારદે કહ્યું : 'દેવ, તમારા દરબારમાં પણ પૃથ્વી જેવું દૂષણ છે. પેલો માણસ ઘોર તપસ્વી છે છતાં તેને અન્યાય ?' ભગવાને કહ્યું : 'નારદજી, માણસ ગમે તેટલો મોટો હોય તપસ્વી હોય પણ તે અભિમાની, અહંકારી અને ગર્વિષ્ઠ હોય તો તેને હું 'હીરો' નહીં પણ 'ઝીરો' ગણું છું.'
નારદે પાછા ફર્યા બાદ પેલા માણસને ભગવાનનો સંદેશો કહી સંભળાવ્યો. પેલા માણસનું અભિમાન ઓગળી ગયું. એણે તપની માત્રા વધારી અને આત્મકલ્યાણ માટે વિનમ્રતા ધારણ કરી. 'દર્પદલન'માં કહેવામાં આવ્યું છે કે કુળના સંબંધો અસ્થિર છે. વિદ્યા સદાય વિવાદપૂર્ણ રહી છે. ધન પણ ક્ષણવારમાં નષ્ટ થઇ જાય છે અને આ બધી બાબતો મોહજનક હોવાથી તે અહંકારનું કારણ ન બને તે જોવું બહુ જરૂરી છે. પંજાબીમાં બુલ્લે શાહે આંખ ઉઘાડનારી એક વાત કરી છે. તદનુસાર માણસ ગયા જઇને પિતૃતર્પણ કરી પિંડદાન કરે એનાથી કાંઈ વળતું નથી. પિતૃઓ પણ ત્યારે જ પ્રસન્ન થાય છે, જ્યારે માણસ 'હું'નું બલિદાન આપે છે.
અહંકારરૂપી મહાશત્રુને નાથવા માટે જીવનમાં સદાય આત્મદર્શન કરી આત્મસુધારણા કરતા રહેવું જોઇએ. ભગવાનનો હું મોટો ભક્ત છું એવો ખ્યાલ મનમાંથી કાઢી નાખવો જોઇએ. ગૃહજીવન અને સમાજજીવનમાં સામેની વ્યક્તિને માન અને મહત્ત્વ આપવું જોઇએ, હું પદનો ત્યાગ કરવો જોઇએ. ધન, વૈભવ અને સત્તાનો મોહ માણસને અહંકારી બનાવે છે. એના પર નિયંત્રણ અને સંયમ હોવો જરૂરી છે.