- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- ક્યાં ઉતાવળ કરવી અને ક્યાં ધીમે જીવવું એના માર્ગદર્શક સિદ્ધાંતો કયા?
જિંદગી કેવી રીતે જીવવી જોઈએ? ધીમે-ધીમે કે ઉતાવળે ?
પ્રશ્નકર્તા : ઋત્વિક ઘટાડ ભ/ર્. કિશોર ઘટાડ (SBI) બી-૨૦૮ ક્રિશ્ના ટાવર, સિને પ્રાઈડ સામે, અમદાવાદ-૩૮૨૩૦૪૫.
એક સફાઈ કામદાર બાઈ સડકના આસપાસનો કચરો વીણી રહી છે. અને ત્યારબાદ સડકને વાળીઝૂડીને ચોખ્ખી કરવાની તૈયારી કરી રહી છે. એટલામાં સુપરવાઈઝર આવે છે અને ધીમેથી કામ કરવા બદલ તેને ઠપકો આપે છે એટલે એ બાઈ ઉતાવળ કરે છે.
થોડીવાર પછી એક વૃદ્ધ વટેમાર્ગુ ત્યાંથી પસાર થાય છે. સફાઈ કામદાર બાઈને ઉતાવળે કામ કરતી જોઈને ધમકાવે છે. ઉતાવળ કરીને સફાઈના કામમાં વેઠ વાળે છે. શરમ નથી આવતી ? હરામ હાડકાની...
દરેકના મનમાં એક મુંઝવણ છે, પીડા છે, મથામણ છે, સંઘર્ષ છે, ચિંતા છે. જીવન કેવી રીતે જીવવું ? ધીમે ધીમે કે ઉતાવળે ? ધીમે ધીમે જીવીશું તો જીવન સમાપ્ત થઈ જશે, ઉતાવળે જીવીશું તો જીવનમાં જોખમો પેદા થશે. તો શું કરવું ? જીંદગી તો ગુરુ છે કે મોનિટર ? શાસક છે કે સારથિ ? અભિશાપ છે કે વરદાન ? જાતજાતના પ્રશ્નો માણસના મનને ઘેરી વળે છે. અને અંતે માણસને એ વાતનો અફસોસ થાય છે કે પરમેશ્વર પાસે લાંબી ઉંમર માગીને લાવ્યા તો હતા પણ અડધી આરઝૂ-ઇચ્છાઓમાં વ્યતીત થઈ ગઈ અને અડધી ઉંમર વ્યક્તિ અને વસ્તુઓની રાહ જોવામાં વીતી ગઈ.
માણસ અટવાય છે, 'કલ કરે સો આજ કર' અને 'ધીરે-ધીરે રે મના, ધીરે સબકુછ હોય' - નાં બે ચક્રો વચ્ચે. જીવન એ ગૂંચ છે કે સહજ રીતે મળતી વિજયકૂચ ? લોકો એ વાતનો બળાપો કરતા હોય છે કે જીવન ઝળહળતી જ્યોત પણ નથી બનતું અને ધીમે ધીમે આપણને જીવવા પણ નથી દેતું. આપણે રોકાવું હોય ત્યારે જીવન આપણને ઘસડવા તત્પર હોય છે. થોભવુંહોય તો દોડવાની ફરજ પાડે છે, અને દોડતા હોઈએ ત્યારે 'રૂક જાઓ'નું પાટિયું આગળ ધરી દે છે. પરિણામે વળી પાછો પ્રશ્ન થાય છે કે ગૂંચવાયેલું કોણ છે ? જીવન કે આપણે પોતે જ ?
એક કવિતાની પંક્તિમાં તો કવિની 'ધીરે-ધીરે' પ્રત્યેની ભારોભાર સૂગ વ્યક્ત થઈ છે.
'ધીરે, ધીરે'
મુઝે સખ્ત નફરત હૈ ઇસ શબ્દ સે ધીરે-ધીરે હી ધુન લગતા હૈ
(સડી જાય છે)
અનાજ સડ જાતા હૈ !
ધીરે-ધીરે હી દીમક (ઉધઈ)
સબ કુછ ચાટ જાતી હૈ,
સાહસ ડર જાતા હૈ !
ધીરે-ધીરે બિશ્વાસ ખો જાતા હૈ,
સંકલ્પ સો જાતા હૈ
એ જ કવિ ઉતાવળનું સ્વાગત કરતાં કહે છે -
'ઇન્તજાર શત્રુ હૈ,
ઉસ પર યકીન મત કરો.
ઉસસે બચો.
જો પાના હૈ ફૌરન પા લો,
જો કરના હૈ ફોરન કરો.'
આપણા જીવનની કરુણતા એ છે કે આપણને ઉચિત રાહ જોતાં પણ નથી આવડતું અને યથાયોગ્ય ઉતાવળ કરતાં પણ નથી આવડતું. ઘડપણમાં નિરાંતે જીવવા માટે યૌવનમાં માણસ ઉતાવળે કમાય છે. અને ભજન-કીર્તન-ઉપાસના માટે ઘડપણનો સમય રિઝર્વ રાખે છે. ઘડપણ આવતાં માણસને વળી પાછી ઉતાવળ ઘેરી લે છે ૃ પ્રભુપ્રાપ્તિની, મોક્ષની અને કુટુંબ પર પોતાનું રાજ ચલાવવાની. જ્યાં ધીરજની જરૂર હોય છે ત્યાં આપણે ઉતાવળ કરીએ છીએ અને જ્યાં ઉતાવળની જરૂર હોય છે ત્યાં કામ પેન્ડિંગ કે મુલતવી રાખી નિષ્ક્રિય બની જઈએ છીએ.
સમયને બાહોશ સોદાગર ખપે છે, બેહોશ-ભોટ ગ્રાહક નહીં. સમયનો એક જ પાઠ છે, જરૂરી ધીરજ પણ ધરો અને જરૂરી ઉતાવળ પણ કરવાનું ન ભૂલો. જીવનને એવી રીતે જીવો કે એ પુરસ્કારનો અવસર બને, તિરસ્કારનો નહીં.
કહેવાય છે કે વિદ્યા, ધન, પર્વત પર ચઢવાની ક્રિયા, કામ અને ધર્મ આ પાંચ વસ્તુઓ ધીરે-ધીરે પ્રાપ્ત કરી શકાય છે. ધૈર્ય ધારણ કરવું એટલે પ્રત્યેક પરિસ્થિતિમાં અવિચલિત રહેવું. એ બાબતમાં સૂર્યનું ઉદાહરણ પ્રેરક છે. સૂર્ય દરરોજ ઊગીને અંધકારને દૂર કરે છે અને અંધકાર વળી પાછો પોતાની જાળ ફેલાવે છે. આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. નથી અંધકારનું પુનરાગમન અટકતું કે નથી સૂર્ય ધૈર્ય ગુમાવીને ઊગવાનું માંડી વાળતો પ્રમાદને કારણે જન્મેલું ધીરાપણું અને ધૈર્યમાં આસમાન જમીનનું અંતર છે.
કુદરત ક્રૂર નથી. તે દરેક માણસને એક ઉત્તમ તક આપતી જ હોય છે. પરંતુ કુદરતની એક શરત હોય છે કે બીજી ક્ષણ કે તક આપતાં પહેલાં તે પહેલી તક છીનવી લે છે. આ પ્રથમ તકનો લાભ લેવામાં અનાવશ્યક વિલંબ કરો કે બિનજરૂરી ઉતાવળ કરો તો હાથમાં આવેલી બાજી બગડી જશે. મતલબ કે ગોકળગાયની ગતિ પણ નકામી અને હડકાયા કૂતરાની જેમ દોડતા રહેવાની ઉતાવળ પણ નકામી.
નર્સ હોય કે ડૉક્ટર, શેરબજારનો સોદાગર હોય કે સરકારમાં ફરજ બજાવતા મુખ્યમંત્રી, મંત્રી હોય કે લશ્કરના વડા સહુએ પોતાના કાર્યક્ષેત્ર અનુસારના યોગ્ય નિર્ણયો ત્વરિત લેવા જ પડે છે. એમાં વધારે પડતી ધીરજ કે અનિર્ણયાત્મકતા ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં વિવેકનો સહારો લેવો જોઈએ. મતલબ કે કામ કરો પણ આનંદ સાથે, રમો, ખુશ રહો, પ્રસન્નતાથી જીવો, દરેક કાર્ય માટે વિવેકપૂર્વક નિર્ણય લઈ કાર્યને સફળ બનાવો. ધૈર્ય અને ઉતાવળ બન્નેનો સમન્વય પરિસ્થિતિ પ્રમાણે કરવાથી જીવન સરળ બને છે. અને તમે ગૂંચવાઈ જાઓ અને શું કરવું તેની સમજ ન પડે ત્યારે તમારી અંદર બેઠેલા માર્ગદર્શનને પૂછો... તમારા અંતર આત્માને પૂછીને આગળ વધો.
પ્રશ્ન એ થાય છે કે ક્યાં ઉતાવળ કરવી અને ક્યાં ધીરે-ધીરે વર્તવું ?
સંબંધ બાંધવામાં ઉતાવળ ન કરશો અને સંબંધ તોડવામાં પણ ઉતાવળ ન કરવી. સંબંધને ધીમે-ધીમે વિકસવા દો.
ક્રોધમાં ક્યારેય ઉતાવળ ન કરવી, લડાઈ-ઝઘડામાં પણ ઉતાવળ ન કરવી.
કોઈ વિષે ઉતાવળે અભિપ્રાય ન બાંધવો કે ન જાહેર કરવો. ધીમે-ધીમે વ્યક્તિનું મૂલ્યાંકન કરતાં રહેવું.
ઉતાવળે વિશ્વાસ પણ ન કરવો, ઉતાવળે શંકા કે અવિશ્વાસ પણ ન કરવો. અતિવિશ્વાસ ખતરનાક પણ નીવડી શકે. એટલે ધીરે-ધીરે અનુભવને આધારે વ્યક્તિને વિશ્વાસપાત્ર ગણવી.
ઉતાવળે અમીર બની જવાના ખ્વાબમાં ન રાચવું કે ઉતાવળે સાહસિકતા ન દાખવવી. સમસ્યા, સંજોગો, પરિસ્થિતિ, પરિબળો અને સાધનોનું મૂલ્યાંકન કરી નિર્ણય લેવો.
સંજોગો વિપરિત હોય ત્યારે હાર્યા સિવાય ધૈર્યપૂર્વક ઉચિત સમયની રાહ જોવી.
પ્રેમ, મૈત્રી કે વિવાહમાં ઉતાવળ કરીને પાછળથી પસ્તાવાનો વારો ન આવે તે જોવું જોઈએ.
ઉતાવળે કોઈને ગુરુ ન બનાવવા કે ઉતાવળે કોઈના શિષ્ય ન બનવું.
કોઈ પ્રશંસા કરે એટલે ફૂલાઈ ન જવું. પણ એવી પ્રશંસા પાછળનો ઉદ્દેશ તપાસી જોવો.
ઉતાવળે-ખરીદી ન કરવી, ન વેચાણ કરવું, ન દેવું કરવું, ન કોઈને નોકરીએ રાખવો કે ન કોઈને જાકારો આપવો.
જિંદગી મૂલ્યવાન છે. એને ઉતાવળે જીવી લેવાની લ્હાયમાં ધમપછાડા કરી જિંદગીની મૂલ્યવાન ક્ષણોને વેડફી દેનારને કોઈ શાણો કહે ખરું ?


