Get The App

સાચો પરોપકારી કોને કહેવાય? .

Updated: May 7th, 2024

GS TEAM

Google News
Google News
સાચો પરોપકારી કોને કહેવાય?                            . 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- પરોપકારીનું પ્રત્યેક કદમ જાણે હરતી-ફરતી સુગંધ વાટિકા, હાથવગું તીર્થ સ્થાન. જો તમારા મનને સદુપદેશ સાંભળવાની ઈચ્છા ન હોય તો તમે કાન હોવા છતાં બધિર છો અને આંખો હોવા છતાં  અંધ !

સાચો પરોપકારી કોને કહેવાય?

પ્રશ્નકર્તા : શ્રી આર. એન. કામાબાર, જલારામ, તન્ના સોસાયટી, માણાવદર (૩૫૨૫૩૦)

ઉ પકાર અને પરોપકાર બન્ને શબ્દોમાં ભલું કરવાની ભાવનાનો અર્થ સમાએલો છે. 'ઉપ' એટલે અધિક અને 'ક' એટલે કરવું. 'ઉપકાર' શબ્દ આભાર, અહેસાસ, કૃપા. મહેરબાની અનુગ્રહ, બદલાની ઈચ્છા વગર કરવામાં આવેલું કોઈ પણ કામ, કલ્યાણ, ભલાઈ, લાભ, વાલીપણું, શિવનાં હજાર નામો પૈકીનું એક નામ વગેરે.

'પરોપકાર' શબ્દમાં 'પર' એટલે પારકું અથવા બીજાનું, માં ઉપકાર શબ્દમાંથી પરોપકાર શબ્દ નિર્મિત થયો છે. બીજાને મદદ કરવી, બીજાનું હિત કરવું, પરહિત, બીજાને મદદ કરવી, પરોપકારી એટલે બીજાનું ભલું કરનાર પરોપકારવાદ એટલે પરોપકારવૃત્તિ શુદ્ધપરાર્થ બીજાનું ભલું કરવાનો મત. માણસ દ્વારા અન્ય માણસ પર કરવામાં આવતો 'પરોપકાર' એ 'સ્વાર્થપ્રેરિત' પણ હોઈ શકે. અને નિસ્વાર્થ પણ. દાન રૂપે થતો ઉપકાર એ ગણતરી પૂર્વકનો હોઈ શકે. ઉપકૃત માણસ વળતર રૂપે ઉપકારક કે પરોપકારીને માન, સન્માન, આપો યશોગાન કરાવે એવી ભાવના પણ એવાં પરોપકારી કાર્યો સાથે જોડાયેલી હોય છે. પરોપકારી નાણાં ખર્ચીને પણ પોતાના નામની તકતી મૂકાવવાનું પસંદ કરતો હોય છે. એવાં દાનો શરતી હોવાને કારણે એનું મહત્વ ઘટી જાય છે. આજે શાહપુરની અમદાવાદની એક મ્યુનિસિપલ સ્કૂલને નવું નામ આપ્યું છે એક શ્રમજીવી નાગરિક શાળા નામ હતું. આવું બિન શરતી દાન આપનાર વંદનીય જ ગણાય. કૂવા, તળાવો ઘાટા, પરબો, વગેરે માટે પણ દાન અપાતાં હોય છે. દિવ્યાંગો માટે પણ દાન આપનાર પોતાનું નામ જોડતો હોય છે. પુસ્તકોમાં પણ વ્યક્તિ વિશેષ કે સંબંધી વિશેષને પુસ્તક અર્પણ કરવામાં આવે છે. આ બધામાં કોઈ સ્વાર્થ વગર શુદ્ધરીતે દાન અપાય તો તેની કીંમત ઓર વધે છે. નિસ્વાર્થ ભાવે, બીજાના કલ્યાણ માટે અપાતું દાન જ શ્રેષ્ઠ ગણાય અને તેનો હિસાબ કર્મને ચોપડે નોંધાતો હોઈ શકે. 'નેકી કર ઓર દરિયામાં ડાલ' એટલે કે નેક કામ કરો અને એનો બદલો મળવાની અપેક્ષા ન રાખો. રાજા શિબિની દેવોના કલ્યાણ માટે પોતાના અસ્થિનું દાન કરનાર ઋષિ દધીચિ કે કર્ણની એટલે જ મહાદાની તરીકે ઓળખ અક્ષત રહી છે.

કુદરત માણસ માટે ઉપકારી રહી છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો નિયમાનુસાર પોતાનાં કર્તવ્યો નિભાવતાં હોય છે. કુદરતના કે ઈશ્વરના ઉપકારમાં 'થેંક યુ' ને અપેક્ષા નથી. 'થેંક યુ'ની અપેક્ષા એટલે આપેલી સેવા કે મદદનું મૂલ્ય ધોઈ નાખવાની ક્રિયા અલબત્ત દાન કે મદદ સુપાત્રને જ થાય. પાખંડી, દંભી, કે પ્રવંચકોને મદદ કરવાથી માનવજાતને અન્યાય અને નુકસાન થવાની પૂરી શક્યતા નથી. રાક્ષસોની ભક્તિથી રિઝી દેવોએ રાવણ કે કંસને આપેલાં વરદાનનો તેઓએ તેમની વાસનાઓ, સત્તાલોભ અને નિર્દોષોને રંજાડવા માટે કર્યો છે. 'મતદાન' પણ ઉત્તમ પ્રકારનું 'દાન' છે. ચૂંટણીના ઉમેદવારનું શીલ કે ચારિત્ર્ય જોઈને જ મતનું દાન કરવું જોઈએ. અયોગ્ય ઉમેદવારને મત એટલે સંસ્થા, રાજ્ય, રાષ્ટ્ર કે માનવતાને હાનિ પહોંચાડવાનું દુષ્કર્મ જ ગણાય.'

ભૂખ્યાને અન્ન, તરસ્યાંને પાણી, દુઃખથી પીડાતાને મદદ, તન-મન-ધનથી સહારો. જોખમ ખેડીને પણ સાચા માણસને પડખે ઉભા રહેવું, અદાલતમાં નિસ્વાર્થભાવે સત્યને વિજેતા બનાવવા માટે હિંમત કરી સાચી જુબાની આપવી, અભયદાન, ક્ષમાદાન માટે મનને ગણતરી મુક્ત રાખવું, વડીલોની સેવા કરવી, મા-બાપના ઉપકારોનું સ્મરણ કરવું, એક આદર્શ યુવાન કે યુવતી બની સતત આત્મ સુધારણા કે આત્મઘડતર માટે પૂરતો સમય આપવો, સજ્જનો સાથે, વિદ્વાનો સાથે, ધર્માત્મા સાથે સત્સંગ રાખવો આ બધાં સાચી ભાવનાનાં ઉદાહરણ છે. પૂ. રવિશંકર મહારાજ કહેતા હતા તેમ ઘસાઈને ઉજળા થવું એ જિંદગીનો ઉદ્વેશ બનવું જોઈએ. બહાદુરીના પ્રદર્શન ખાતર અપાતાં પ્રલોભનો સાચુકલાપણાની સુગંધથી મુક્ત હોય છે. જ્યાં ગણતરી ત્યાં ઉપકાર કે પરોપકારનું સત્યાનાશ ભતૃહરિ એ 'નીતિ શતક'માં પરોપકાર અને નમ્રતા વિશે ઉચિત જ કહ્યું છે કે ફળ આવવાથી વૃક્ષ નમે છે. નવીન જળથી વાદળાં પૃથ્વી પર ઝુકે છે. સત્પુરુષો ધન મેળવીને પણ નમ્ર જ બને છે પરોપકારી જીવોનો આ સ્વભાવ જ છે. સંત સમાન સ્વભાવનાં લક્ષણો ગણાવતાં તેમણે ઉમેર્યું છે ઃ તૃષ્ણાનું છેદન કર, ક્ષમાનું સેવન કર, અહંકારને હણ, પાપમાં પ્રીતિ ન રાખ, સત્ય બોલ, સજ્જનોના પગલે ચાલ, વિદ્વાનોની સેવા કર માન આપવા યોગ્ય જનોને માન આપ, શત્રુઓને પણ રાજી રાખ, પોતાના ગુણોને પણ ઢાંકેલા રાખ, કીર્તિનું રક્ષણ કર, દુઃખી પર દયા રાખ આ બધાં સંતો-સત્પુરુષોનાં લક્ષણો છે. અશ્વઘોષે 'સૌન્દરનંદ'માં કહ્યું છે તેમ આ સંસારમાં એ જ માણસ ઉત્તમ કરતાંં પણ વધુ ઉત્તમ માનવામાં આવ્યો છે જે ઉત્તમ નૈષ્ઠિક ધર્મ નિભાવી, પોતાના પરિશ્રમની ચિંતા કર્યા સિવાય બીજાને શાન્તિધર્મનો ઉપદેશ આપે છે. એટલે આ સંસારમાં હે સ્થિરાત્મન્, પોતાનું કાર્ય છોડીને બીજાનું પણ કાર્ય કરો. રાત્રિ કામે ભટકતા અંધકારયુક્ત જીવો વચ્ચે જ્ઞાનના દીપકને ધારણ કરો.

દયાળું શરીર ચંદન-લેપથી શોભતું નથી પણ કરુણાના પરોપકારથી શોભે છે - એવું ભતૃહરિનું મંતવ્ય અત્યંત પ્રેરક છે. તુલસીદાસજી પણ 'રામચરિત માનસ'માં કહે છે -

પરહિત સરિસ ધર્મ

નહીં ભાઈ,

પરપીડા સમ

અધમ નાહી

અધમાઈ

'સત્યાર્થ પ્રકાશ'માં દયાનંદ સરસ્વતીજીએ આ વાત ભારપૂર્વક સમજાવી છે કે 'જે બળવાન હોવા છતાં નિર્બળની રક્ષા કરે છે, તે જ મનુષ્ય કહેવાય છે. અને જેઓ સ્વાર્થવશ પારકાને હાનિ પહોંચાડે છે તેઓ તો પશુઓના પણ મોટાભાઈ તુલ્ય છે.'

''સર બર, તરવર સંત જન,

ચૌથો બરસણ મેહ,

પરોપકાર કે કારણે,

ઈન ચારો ધરી દેહ'' - આ વાત પચાવનાર જ સાચો પરોપકારી અને પરમાર્થી છે.

શાયર 'દાગ' કહે છે -

''યહ કામ નહીં આસાં

ઈન્સાન કો મુશ્કિલ હૈ,

દુનિયા મેં ભલા હોના

દુનિયા કા ભલા કરના.''

'નેકી' કવિતા મેં સિંધી કવિશ્રી કિશિનચંદ 'બેબસ'નો આ પ્રેરક સંદેશ સહુએ જીવનમાં ઉતારવા જેવો છે કે ''જો તમારી પાસે ધન હોય તો નિર્ધનોને વહેંચી દો. જો પૂરતું ધન ન હોય તો તમારા મનની ભેટ આપો. જો મન પણ બરાબર ન હોય તો તન અર્પણ કરી દો. અને તન પણ સ્વસ્થ ન હોય તો મીઠાં વચન જ બોલો. પરંતુ તમારે કોઈને કાંઈ આપવું જ હોય તો પરોપકાર માટે અવશ્ય તમારી પોતાની જાતને સમર્પિત કરી દો.'' મન-વચન-કર્મથી જે માણસ આ આદર્શ સ્વીકારે તે સાચો પરોપકારી '૨૦૧ પ્રેરક નીતિ કથાઓ' સં શિવકુમારે આદિ શંકરાચાર્યનો એક ઉપદેશ ટાંકયો છે. તદનુસાર જીવનમાં ચાર વાતો હોવી દુર્લભ છે. એક પ્રિયવચન સાથે દાન, બીજું અહંકાર રહિત જ્ઞાન, ત્રીજું ક્ષમાયુક્ત વીરતા અને ચોથું ત્યાગપૂર્વક નિષ્કામ પ્રદાન. જીવનમાં વ્યક્તિનું સર્વોત્તમ આભૂષણ હોય તો તે છે શીલ એટલે કે ઉત્તમ ચારિત્ર્ય.

પરોપકારીનું પ્રત્યેક કદમ જાણે હરતી-ફરતી સુગંધ વાટિકા, હાથવગું તીર્થ સ્થાન, જો તમારા મનને સદુપદેશ સાંભળવાની ઈચ્છા ન હોય તો તમે કાન હોવા છતાં બધિર છો. આંખો હોવા છતાં અંધ છો.

Tags :