'માણસ દીવા પાછળ અંધારું' એમ બોલ્યા કરે છે પણ અંધારામાં પ્રકાશ પાથરવાનું કેમ નથી કરતા?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- આજનાં બાળકો હવે નાની ઉમ્મરે 'મોટાં' થઈ ગયાં છે, ત્યારે એમનું માનસ પારખીને જ તેના ઘડતરમાં અભિનવ દ્રષ્ટિ કેળવવાથી ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે
* 'માણસ દીવા પાછળ અંધારું' - એમ બોલ્યા કરે છે પણ અંધારામાં પ્રકાશ પાથરવાનું કેમ નથી કરતા ?
* પ્રશ્નકર્તા: જગદીશ ગોહેલ 'દોસ્ત', કલાપી સ્ટોર્સ, ૧૧, સાંઈનાથ શોપિંગ વાવ પ્લોટ, ગારિયાધાર (સૌરાષ્ટ્ર)
દી વો કે દીપનો અર્થ થાય છે પ્રકાશ આપનાર એક બનાવટ. સાથે જોડણીકોશ (ગૂ.વિ.)માં દીવા સાથે સંકળાએલી કહેવતો - રૂઢિપ્રયોગો કે વિશિષ્ટ અર્થ આપેલા છે જેમ કે દીવા જેવું સ્પષ્ટ એટલે સાફ, દીવો ઉઠવો એટલે સત્ કીર્તિ અથવા વ્યંગ્યના અર્થમાં સંતાન નામ બોળે તેવું પાકવું, દીવો ઓલવાઈ જવો એટલે કોઈના અવસાનથી કુટુંબનું નિર્વંશ થવું, દીવો ગુલ થવો અર્થાત્ દીવો હોલાવાવો. દીવો રાણો કરવો એટલે દીવો ઓલવવો. દીવો રામ થવો એટલે દીવો ઓલવાઈ જવો વગેરે.
'પ્રસન્નિકા કોશે' દીવા શબ્દનો વિસ્તારથી અર્થ આપ્યો છે. લાખો વર્ષ પહેલાં એક માત્ર દીવો ચંદ્ર હતો. માણસે અગ્નિની શોધ પછી લાકડાં સળગાવી તેના પ્રકાશનો લાભ લેવાનું તે શીખ્યો. દીવાની ઉત્ક્રાંતિમાં લાંબા સમયે દિવેટની શોધ થઈ. પહેલાં દિવેટ ઝાડની છાલના રેસાની હતી આગળ જતાં રૂની દિવેટ બનવા લાગી. મીણબત્તી, ફાનસ, પેટ્રોમેક્સ વગેરેનો પણ પ્રકાશ માટે ઉપયોગ થાય છે. બધાને હરાવીને વીજળીનો દીવો આપણી પાસે આવ્યો છે. પહેલો ગોળો અમેરિકાના એડિસને ૧૮૭૯માં બનાવ્યો. ૧૯૧૧માં વિલિયમ કુજે ટંગસ્ટન તારની ફિલામેન્ટ શોધી. ટયૂબ લાઇટો શોધાઈ અને આજે મોબાઇલ ફોનનો પણ ઉપયોગ થાય છે. વીજાણું દીવા પણ પ્રચલિત થયા છે.
દીપ શબ્દ કુળ સાથે જોડી 'કુળદીપક' એટલે કે શ્રેષ્ઠ પુત્ર એ અર્થમાં પણ પ્રયુક્ત થાય છે. દીવો મૂકવો એટલે અજ્ઞાનથી દૂર રહેવું. દીપ શબ્દ ભાગ્યવંત પુરુષ કે ગૂણવિદ્યાથી પ્રસિધ્ધિ પામેલ માણસ માટે પણ વપરાય છે. 'દીવા પછવાડે અંધારું' એ એક વિશિષ્ટ પ્રયોગ છે. નામાંકિત માણસના મરણ પછી તેના કામ વગેરેની અવ્યવસ્થા એટલી ખરાબ થઈ જવી તે. જેનો વંશ જ ખરાબ નીવડયાના અર્થમાં પણ દીવા તળે અંધારું કહેવત વપરાય છે.
સંતાનના ઘડતરની જવાબદારી માતા-પિતાની છે. ઘણી વાર જાહેરજીવનની અતિવ્યસ્તતા, નોકરી-ધંધાનો લાંબો સમય, બાળકની એકલતા, કુસોબત વગેરે કારણોસર મોટા માણસો કે સજ્જનોના સંતાનો પણ સંસ્કારને અભાવે ઉન્માર્ગે ચઢી જાય છે. ઘણી વાર પૈસાની વધુ પડતી છૂટને કારણે બાળકો સ્વચ્છંદી બની જાય છે. બાળકોને વધારે પડતાં લાડ લડાવવાથી મા-બાપની કૃપાદ્રષ્ટિનો સંતાન ગેરલાભ લે છે. મા-બાપોએ કે દાદા-દાદીએ પોતાની વાણી, વર્તન, વ્યવહાર એવું પ્રેરક રાખવું જોઈએ કે સંતાનો તેમના આદર્શોને સ્વીકારે. ઘણી વાર મોટા નેતાઓ સત્તાધારીઓ કે ધનેષણાને ખાતર ઘર- પરિવાર પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકાતું નથી. દીકરો કે દીકરી સદ્ગુણની બાબતમાં સવાયાં નીવડે તે મા-બાપના જીવનની સિધ્ધિ છે. એટલે જ કહેવામાં આવ્યું કે 'જનની જણજે ભક્તજન, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વંધ્યા, મત ગુમાવીશ નૂર.' સંસ્કૃતના એક સુભાષિત મુજબ 'અસારે ખલુ સંસારે મૃતો કો વા ન જાયતે, સજાતો યેન જાતેન યાતિ વંશ સમુન્નતિ.' જેનાથી વંશની કે કુળની ખ્યાતિ વધે તેવા સંતાનનું જન્મવું સાર્થક. નરસિંહ મહેતા 'કુળ ઇકોતેર તાર્યાં રે' - કહી ઇકોતેર પેઢી તારે એવો વૈષ્ણવજન મતલબ કે ભગવાનનો માણસ કુળમાં હોય તે ભાગ્યશાળી.
ઈતિહાસમાં અનેક એવાં ઉદાહરણો જોવા મળશે કે પવિત્ર, પૂજનીય, મહાન કે કીર્તિવંત માણસનાં સંતાનો તેમના જેવાં મહાન, આદર્શવાદી કે સત્પંથી નીવડતાં નથી. એવા મોટા માણસનું અવસાન થતાં તેમનાં વારસદારો તેમણે બાંધેલાં કીર્તિના કોટડાં જાળવવાને બદલે નામશેષ કરી નાખે છે.
ઘણી વાર મા-બાપોની અતિ અધિકાર પ્રિયતા સંતાનને ઉધ્ધત બનાવી દે છે. આજે લાયક સંતાનો સામેની ફરિયાદો થાય છે તેમ લાયક મા-બાપોના બે જવાબદાર વર્તનની ફરિયાદ થાય છે. મા-બાપ હોય કે સંતાન જેમનામાં સાત્વિક ગુણોની જેટલી પ્રધાનતા તેનું વર્તન તેટલું જ શ્રેષ્ઠ કે ઉત્તમ. આજે રાજસી પ્રકૃતિ અને તામસી પ્રકૃતિએ માણસોના મનનો ભયાનક રીતે કબજો લઈ લીધો છે. માણસને કોઈ સુધારી શકતું નથી, સિવાય કે એનો પોતાનો સુધરવાનો સંકલ્પ.
શિક્ષણનું કાર્ય બાળકના ચારિત્રિક ઘડતર સાથે સંકળાએલું છે. મા-બાપ પાસે પણ બાળકને ઘડવાનો સમય નથી. ધન એજ ધર્મ બનતો જાય છે. પ્રાચીન ગુરુકુળોમાં ઉચ્ચ સંસ્કારો, વિનય-વિવેક, વડીલોનું માન-સન્માન અને મન- વચન અને કર્મની પવિત્રતા પર વિશેષ ધ્યાન આપવામાં શિક્ષણ પૂરું કરી વિદ્યાર્થી ઘેર જાય ત્યારે સમાવર્તન સંસ્કાર રૂપે ગુરુ 'સત્યં વદ, ધર્મંચર'ની વાત તેને સદ્વિદ્યાના વારસા રૂપે આપતાં. સ્વાધ્યાય સાથે ગુરૂજનોની સેવાનો સંદેશ પણ આપતાં.
આજનો જમાનો આધ્યાત્મિક મૂલ્યોનો નહીં પણ ભૌતિક સુખોનો અને બેજવાબદાર વર્તન અને વ્યવહારનો જમાનો બની ગયો છે. પૈસા કે વાસના ખાતર પતિ-પત્ની એકબીજાનું ગળું કાપતાં અચકાતા નથી. મનમોજી ખર્ચ કરવા પૈસા ન આપનાર માતા કે પિતાની પુત્ર હત્યા કરે છે. વાત્સલ્યની સરિતાનાં નીર મલીન થયાં છે. અકબર ઇલાહાબાદીનો એક પ્રસિદ્ધ શેર છે કે
'બચ્ચો મેં આયે કહાંસે
એતબાર અપને મા-બાપ કે
દૂધ હે ડિબ્બેકા
ઔર તાલીમ હૈ સરકાર કી'
નૈતિકતા, માનવતા કે જીવન પ્રત્યેના ઉદાત્ત દ્રષ્ટિકોણને બાજુ પર મૂકીને ધનિક કે ઉચ્ચ પદપ્રાપ્ત અધિકારી અથવા રાજકારણમાં મોભાદાર સ્થાન મળે એવાં સપનાં વિદ્યાર્થી જોતો થઈ ગયો છે. ધાર્મિક સ્થાનોમાંય કેવા-કેવા માણસોએ ધર્મનો કબજો લઈ લીધો છે એટલે તે ક્ષેત્રથી પણ યુવાને નિરાશ થવું પડે છે. અંધારામાં પ્રકાશ પાથરવા માટે યુવા ઘડતરલક્ષી સમાજ સેવી સંસ્થાઓની જરૂર છે. આવી સંસ્થાઓમાં પણ વડીલો જ મહત્વનું સ્થાન ભોગવતાં હોય છે. સમૂહ માધ્યમો દ્વારા રજૂ થતાં ધારાવાહિકો પણ જીવનનું ગરવું રૂપ રજૂ કરવાને બદલે વરવું, છીછરુ અને ફેશનલક્ષી સ્વરૂપ જ રજૂ કરે છે.
પુનિત મહારાજે 'ભૂલો ભલે બધું પણ મા-બાપને ભૂલશો નહીં'- ની વાત ભારપૂર્વક કરી છે પણ સાથે- સાથે મા-બાપો માટે એ વાત પણ મહત્વની છે 'ભૂલો બધું ભલે પણ સંતાનને ભૂલશે નહીં.' પણ સંતાન ખોટા તાનમાં રહે, તો અંધારું જ થાય.
અહીં એક પ્રસંગ પ્રસ્તુત કરવાનું મન થાય છે. સૌરાષ્ટ્રવાસી એક મા-બાપે પુત્રને પૂછ્યા વગર તેના વિવાહ માટે ચાંલ્લાની વાત નક્કી કરી. એમને વિશ્વાસ હતો કે સંતાન તેમની સાથે નિખાલસ ચર્ચા કરશે. પણ સંતાને પોતાનું પોત પ્રકાશ્યું... માતાએ પોતાના ઉપકારોની યાદી ગણાવા માંડી. મેં ભીનામાં સૂઈ તને કોરામાં સૂવાડયો, દૂધ પાઈ ઊછેર્યો, તારા ખાતર કેટકેટલાં કષ્ટ વેઠી તને જન્મ આપ્યો, નવ-નવ મહિના તને પેટમાં રાખ્યો, છતાં તું અમને એમ કહે છે કે તમારો મારા પર ઉપકાર શો ?
પુત્ર વંઠેલો હતો. એણે જાણે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માગતો હોય તેમ ધડાકો કર્યો. 'મા, તેં મને નવ-નવ મહના પેટમાં રાખ્યો તેનો બદલો મારે તને આપવો હોય તો જો આપી શકતી હોય તો મારા પેટમાં તું આવી જા, હું તને વ્યાજ સાથે અઢાર મહિના પેટમાં રાખવા તૈયાર છું.' સંતાનો અને મા-બાપો વચ્ચેના સંબંધમાં કૃત્રિમતા અને આત્મીયતાની ઉણપ વરતાવાના કપરા સંજોગો ઉભા થયા છે.
આવા અંધકારમાં પ્રકાશ પાથરવાનું કામ કોઈ બહારનો માણસ નહીં કરી શકે. સંતાન ઘડતરને સર્વસ્વ માનનાર મા-બાપો પોતે સંતાન માટે અનુકરણીય આદર્શ બની અને વિદ્યાધામો સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતરને મહત્વ આપી સમાજને ચરણે ઉત્તમ નાગરિકો અર્પવાનું બીડું ઝડપે તો જ પ્રકાશ રેલાય. મુન્શી પ્રેમચંદે એક માર્મિક વાત કરી છે કે સંતાન એ એવી કઠણ કસોટી છે, જે ઈશ્વરે મનુષ્યની પરીક્ષા માટે ઘડી છે.
સ્વ. ધૂમકેતુએ કહ્યું છે: પડે છે ત્યારે બધું જ પડે છે. આજે મા-બાપોએ સુધરવાની જરૂર છે તેટલી જ સંતાનોને સુધરવાની જરૂર છે. નથી મા-બાપ અને સંતાન વચ્ચે 'સંવાદ' કે નથી રહ્યો ગુરુ-શિષ્ય વચ્ચે સંવાદ. યૌવનાવસ્થામાં એક અજબ-ગજબનું પાગલપણું કામ કરતું હોય છે. યુવાવસ્થા ભાવના, કલ્પના, આકાંક્ષાઓ, જાતજાતનું ઘણું બધું. એટલે આવેશોને કારણે યૌવનના વર્તનમાં સ્થાયિત્વ નથી હોતું. યૌવનની આ માનસિકતા સમજીને જ તે જેવો છે તે સ્વીકારી એને પોતીકાપણા અને વાત્સલ્યની હૃદયસ્પર્શી અનુભૂતિ કરાવવામાં આવે તો યૌવનને જીતીને સન્માર્ગે વાળી શકાય. આજનાં બાળકો હવે 'નાની ઉમ્મરે' મોટાં થઈ ગયાં છે ત્યારે તેનું માનસ પારખી તેના ઘડતરમાં અભિનવ દ્રષ્ટિ કેળવવાથી ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે.