Get The App

માણસને ભરખી જનારો કોઈ મહારોગ હોય તો તે આળસ છે

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
માણસને ભરખી જનારો કોઈ મહારોગ હોય તો તે આળસ છે 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- કામ સાધે તે કર્મવીર, કામ ટાળે તે કર્મભીરુ એટલે કામચોર

પ્રશ્ન : આપણી પ્રગતિ/વિકાસ માટે નડતી આળસને નાથવાના ઉપાયો કયા ?

પ્રશ્નકર્તા : જયેશ સુથાર કામનાથસોસાયટી પોકણજટી જિ. ખેડા

મા ણસને ભરખી જનારો કોઈ મહારોગ હોય તો તે છે આળસ. કામ નહીં કરવા માટે, કામ મુલતવી રાખવા માટે, કામ ટાળવા માટે આપણી પાસે બેશુમાર બહાનાંનો અક્ષય ભંડાર પડયો છે આપણે એવાં બહાનાં આગળ તો ધરીએ જ છીએે, પણ જાત સામેય એવાં બહાનાં ધરી કામચોરોની યાદીમાં આપણું નામ હોંશે હોંશે નોંધાવીએ છીએ.

વિશ્વમાં સૌથી નીચ વ્યક્તિ જો કોઈ હોય તો તે એ છે કે જેને પોતાના કાર્ય કે કર્તવ્ય વિષે ખ્યાલ હોવા છતાં તેનું પરિપાલન નથી કરતો. આ એક જાતની કામચોરી જ છે. કામચોર એટલે રામચોર. કામચોર એટલે ધર્મદ્રોહી. એટલે જ ફોગટ ખાનારને ધર્મશાસ્ત્રો ચોર કહે છે.

એક કંપનીના મેનેજરે પોતાની નવી નોકરીનો ચાર્જ લીધો અને અઠવાડિયા સુધી કર્મચારીઓની રીત-ભાત અને પરિશ્રમ પ્રત્યેની અભિરુચિનો અભ્યાસ કર્યો. એક દિવસ તે કંપનીના મેનેજીંગ ડિરેકટરને તેમણે કહ્યું : 'અત્યારે તો ઓફિસમાં ટેબલ ખુરશીઓ જ છે. સ્ટાફ તો હજુ એપોઇન્ટ કરવો પડશે.'

મેનેજરની વાતમાં રહેલો વ્યંગ મેનેજિંગ ડિરેકટર સમજી ગયા અને મોટાભાગના આળશુ, પ્રમાદી અને બહાનાં ખોર સ્ટાફ મેમ્બર્સને નોકરીમાંથી દૂર કર્યા.

આપણા દેશમાં ઘણી બધી ઓફિસોની દશા પણ આવી જ છે. ઓફિસ એટલે ટેબલ-ખુરશી, પંખા પાણીના ગ્લાસ, સ્ટેશનરી અને પડદા ! બધું જ છે પણ સ્ટાફ નથી. માત્ર ટેબલ-ખુરશી પર કાયા ગોઠવીને સત્વરે ઘેર જવાની પ્રતીક્ષા કરતાં શ્વાસ લેતાં પૂતળાં છે. 'સ્ટફ' વગરનો સ્ટાફ આજના કાર્યાલયોની આગવી વિશેષતા છે.

બેજવાબદારી, કામચોરી, બહાનાં ખોરી, આરામપ્રિયતા, આગંતુકનું અપમાન કરવાની તત્પરતા અને એકાગ્રતા તથા નિષ્ઠાનો અભાવ આ છે. આજના કાર્યાલયોની કાર્યપધ્ધતિ... પછી વિકાસ કે પ્રગતિની વાત કરવી જ અસ્થાને છે.

જેમ જેમ માણસના જીવનમાં બુધ્ધિની પ્રધાનતા વધતી જાય છે તેમ તેમ વિકાસ કે પ્રગતિને બદલે કામચોરીના બહાનાંઓનો વિકાસ વધતો જાય છે. 'સભ્ય' મનુષ્યને આળસ કે કામચોરી કરતાં ગભરાટ નથી થતો, પણ પકડાવાની શક્યતાથી તે ચિંતિત રહે છે. તેને વિકાસ કે પ્રગતિ સાથે કોઈ લેવા-દેવા નથી હોતી. બસ એને પોતાના જીવનનિર્વાહ માટે જોઈતું રળવામાં જ રસ છે.

નોકરીમાં, ધંધામાં, વ્યવસાયમાં, હાથમાં લીધેલાં કામોમાં કામ ટાળવાની આદતને કારણે જ જીવનમાં સફળતાના અધિકારી હોવા છતાં, નિષ્ફળતા પામે છે. તેઓ નિષ્ફળતા માટે દોષ દે છે ભાગ્યને, સમયની પ્રતિકૂળતાને, લોકોને, સરકારને, ... આમ માણસ નામનું પ્રાણી જાતને બહેલાવવામાં અને બહેકાવવામાં જેટલો સમય ખર્ચે છે તેના કરતાં વીસમા ભાગનો સમય આળસ-બહાનાં છોડી તે હાથમાં લીધેલાં કામોને મહેકાવવામાં પ્રયોજે તો માણસના જીવનની જ નહીં જગતની પણ તસવીર બદલાઈ જાય.

કામ સાધે તે કર્મવીર, કામ ટાળે તે 'કર્મભીરુ' કામ સાધવા માટે કષ્ટોની ગણતરી નહીં પણ કષ્ટોની બાદબાકી કરવાની આદત કેળવવી પડે છે. કામ ટાળવું એટલે સફળતાને માથે જાતે ટાલ પાડવી.

દરરોજ હજારો મોટરો અને ગાડીઓ દોડે છે. હવામાં સંખ્યાબંધ વિમાનો ઊડે છે. પાણીમાં લાખ્ખો હોડીઓ અને સ્ટીમરો આવન-જાવન કરે છે. એમાંના કોઇનેય આવનાર પ્રતિકૂળતાના બહાનાં વિષે વિચારવાની ફુરસદ નથી હોતી.

યા હોમ કરીને કૂદી પડનાર ઝરણું કે ધોધ અંતે મહાનદ બની શકે છે. નદી કે ઝરણાંને મૂડ જોઇને વહેવાની આદત નથી. વહેતા રહેવાની જ તેઓ પોતાનો અસલી મૂડ માને છે.

કાર્યથી કંટાળીને જીવનાર માણસ માત્ર જીવી ખાય છે, જીવી જાણતો નથી. શુક્રાચાર્યની એ સલાહ ધ્યાનમાં લેવા જેવી છે કે એવો કોઈ અક્ષર નથી જે મંત્ર ન હોય, એવો કોઈ છોડ નથી જે ઔષધ ન બની શકે, એવી એકપણ વ્યક્તિ નથી જે કશાય કામની ના હોય, માણસને યથાયોગ્ય કામમાં જોતરવો જોઇએ.

મનનું પણ એવું જ છે. એને કામમાં જોતરો એટલે ચમત્કારિક પરિણામ આવવા માંડે. બહારની પરિસ્થિતિઓથી શાસિત થવાને બદલે બાહ્ય પરિસ્થિતિઓ પર શાસન કરવા માટે સજ્જ થવું એ વિજયનો વાવટો ફરકાવવાની પૂર્વશરત છે. 

આપણે ઇચ્છીએ તેમ પવન વહેવાનો નથી, આપણે ઇચ્છીએ ત્યારે વરસાદ પડવાનો નથી, એટલે સાનુકુળ કે આદર્શ પરિસ્થિતિઓના પ્રલોભનમાં ફસાવાને બદલે ઉપસ્થિત પરિસ્થિતિઓને ફાવતી-ભાવતી બનાવવા માટે માર્ગમાં આવતા અંતરાયો ખતમ કરવાનું સાહસ અને હિંમત હેમખેમ રાખવાં એજ કર્મવીરનું કર્તવ્ય છે. મૂડ, આળસ, બહાનાંખોરીનું જીવનમાં સ્થાન ન જ હોઈ શકે, જે આપણને પ્રગતિ અને વિકાસથી દૂર રાખવાનું કામ કરે છે.

વિચારોની નૌકાને ડામાડોળ રહેવાની ટેવ છે. વિચારો કિનારો ચીંધી શકે, પણ કિનારે પહોંચવા માટે દ્રઢ સંકલ્પ અને કાર્ય કરવાનો જોશ જ મદદગાર બની શકે. તોફાનો શમવાની રાહ જોઇને બેસી રહે એ ખલાસી કાયર કહેવાય. તોફાનો સામે લડવાના માર્ગો શોધનાર ખલાસી જ જવામર્દોની યાદીમાં સામેલ થતા હોય છે. પાળિયા શહીદોના જ નહીં પણ એવા અણનમ સાહસવીરોના પણ પૂજાવા જોઇએ જેમણે ખતરા વચ્ચે પણ મહાન અખતરા કર્યા છે. જોખમ ખેડનારા સાગરખેડુઓ અને પ્રયોગશાળામાં જાતને ખપાવી દેનારા વૈજ્ઞાનિકો પણ એટલા જ મહાન છે. વિચારોને કાર્યાન્વિત કરવા એ પણ એક પ્રકારની સાધના છે.

મન દિગ્દર્શક છે, સાધક પણ છે, બાધક પણ છે અને ઘાતક પણ. કેવળ મૂડ કે આળસને અધીન થવું એ મનને ઘાતક બનવાની છૂટ આપ્યા સમાન છે. મશીનમાં જો ખામી ના હોય તો સ્વીચ પાડતાં વેંત જ કાર્યરત બની જાય છે. મનને પણ મૂડ કે આળસ નામની ખામીથી મુક્ત રાખવું જોઇએ. જેથી તમારો આદેશ મળતાં જ એ તમને કાર્યરત બનવામાં અંતરાયરૂપ ન બને. પહેલો ને વહેલો નિર્ણય કરે તે શાણો, પહેલો ઘા કરે તે રાણો અને વ્યર્થ વિલંબ કરે તે જૂનો પુરાણો.

આજનો કોળિયો કરીને જ કાલ ઊગતી હોય છે. શાણો માણસ એટલે જ કામ કાલ પર ટાળતો નથી. માણસે 'અભી નહીં તો કભી નહીં'ની શક્યતા યાદ રાખીને કબીરની સલાહ ગાંઠે બાંધી 'અબ'ને યાદ રાખી કામનો સત્વરે આરંભ કરી દેવો જોઇએ.

'કલ કરે સો આજ કર,

આજ કરે સો અબ'

જેઓ કામમાં ડૂબતા નથી, કામ તેમને ડુબાડવાનો મોકો છોડતું નથી.

ઉત્સાહશૂન્ય નજર સફળતાના ભવ્ય પ્રાસાદનું સૌંદર્ય 'નીરખી શક્તી નથી. કોઈપણ બાબત પરેત્વેનો શુભનિષ્ઠા અને ઉત્સાહપૂર્ણ દ્રષ્ટિકોણ ઉન્નતિનાં દ્વાર ખુલ્લાં કરી દે છે. તેથી જીવનને સમૃદ્ધ અને સુંદર બનાવનારી વસ્તુઓમાં સતત રસ લેવો જોઇએ. સફળતા અને ક્ષુદ્રતા વચ્ચે અણબનાવ છે. જ્યાં સફળતા છે ત્યાં વિકાસ છે... પ્રગતિ છે.'

જે કામમાં આપણને રસ હોય, તેમાં સતત કાર્યમગ્ન રહેવાથી સફળતાનાં અજવાળાં રેલાય છે. સફળતા એટલે સતત સાધનાનું ઉત્કૃષ્ટ પરિણામ.

જેની આંખમાં ઊંઘ નથી, જેના મનમાં નિરાશા નથી, જેના દિલમાં ડર નથી, જેને સ્તુતિ કે નિંદાની પરવા નથી, જેના નિર્ણયમાં દ્રઢતા છે, બુદ્ધિમાં પારદર્શકતા છે, લક્ષમાં એકાગ્રતા છે, તેના સ્વાગત માટે સફળતાની દેવી સદાય ઉત્સુક રહે છે. સફળતા મેળવવા માટે જિંદગીના કોઈ મહત્ત્વના ટુકડાની આહુતિ આપવી પડે છે. અભ્યાસ, અનુભવ અને સંજોગોની સમજ લેખને માથે મેખ મારીને સફળતાને ખેંચી લાવે છે. મૂડ નથી, આળસ આવે છે આવા ક્ષુલ્લક બહાનાં જિંદગીને ધૂળધાણી કરી નાખે છે.