- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- લગ્ન માટે ગોઠવાતા ઈન્ટરવ્યૂ 'વર દેખાડ' કે 'કન્યા દેખાડ'ની ક્રિયા માત્ર બની ગયા છે. પરસ્પરને જાણવાની એમાં તક હોતી નથી. પરિણામે સાચા અર્થમાં તે ઉપકારક નીવડતા નથી. લગ્ન માટે ગોઠવાતા ઈન્ટરવ્યૂ કેટલા અંશે સાર્થક નીવડે છે ?
- ભાવના મનીષકુમાર જોષી
લ ગ્ન માટે ગોઠવાતા ઈન્ટરવ્યૂ કોનો કયો હેતુ સિધ્ધ કરશે તે તો કહેવું મુશ્કેલ છે. લગ્નના ઈન્ટરવ્યૂ પાછળનો મહત્વનો ઉદ્દેશ્ય હોય છે, પરસ્પરને ઓળખીને - મળીને નિર્ણય લેવાની તક ઉપસ્થિ કરવી. પણ આ ઈન્ટરવ્યૂમાં પરસ્પરને ઓળખવા કરતા 'જોવા' ને જ મહત્વ અપાય છે. એટલે લગ્નના ઈન્ટરવ્યૂ 'ઘર દેખાડ' કે 'કન્યા દેખાડ' ની ક્રિયા માત્ર બની જતા હોય છે. એમાં નોકરી, ધંધો, આવક, ખાનદાન કે કુળ વિષે તો મોટાભાગે વડીલોએ એડવાન્સમાં માહિતી મેળવી જ લીધી હોય છે. એટલે કેવળ રૂપના વત્તા ઓછા પણાને લક્ષમાં લઈને જ સ્વીકૃતિ-અસ્વીકૃતિ નો નિર્ણય થતો હોય છે. એટલે લગ્ન માટે ગોઠવાતા ઈન્ટરવ્યૂ સાચા અર્થમાં ઉપકારક નથી નીવડતા કારણ કે પરસ્પર કે જાણવાની એમાં તક હોતી નથી.
પરસ્પર જાણકારી કે એકબીજાની ઓળખાણ કેળવવી હોય તો એક નહીં પણ વધારે વાર ઈન્ટરવ્યૂ ગોઠવવા જોઈએ, એક જ વ્યક્તિ સાથે. બાકી તો આવશ્યક કે પરંપરાગત પ્રશ્નોની પૂછપરછ મિત્રો કે સહેલીઓએ સૂચવેલા શીખવેલા પ્રશ્નોનું પુનરાવર્તન જ થતું હોય છે.
વ્યક્તિના આંતરિક સૌંદર્ય કરતા રૂપ, અદા, ચંચળતા, ફેશન પ્રિયતા અને વસ્ત્ર-પરિધાનને જ જ્યાં સર્વેસર્વા ગણવામાં આવતા હોય છે. ત્યાં લગ્ન માટેના ઈન્ટરવ્યૂનો મૂળ હેતુ સચવાય નહીં, એ સ્વાભાવિક છે. આવા ઉતાવળીયા ઈન્ટરવ્યૂમાં કોઈપણ માણસ થાપ ખાઈ જાય તો એમાં આશ્ચર્ય પામવા જેવુ નથી. કારણ કે ઈન્ટરવ્યૂ દરમિયાન કન્યાના પરિવારવાળા અને વર પક્ષના પરિવારવાળા એકબીજાને આંજી નાખવા તૈયાર જ બેઠા હોય છે. વર અને કન્યા પણ એકબીજાને ગમે તેવું સુંદર, સંસ્કારી વર્તન કરતાં હોય છે... બાકી તો નીવડે જ વખાણ.
મનુષ્યની દ્રષ્ટિ થાપ ખાઈ જતી હોય છે, એ વાત સ્વીકારીએ તો પણ એક વાત તો છે જે કે મનુષ્યનો ચહેરો જોઈને તેના અસલી-નકલીપણાની થોડી ગંધ તો આપણને તેને જોતાં-વેંત આવી જ જતી હોય છે. ખાનદાની માળવાનું કોઈ યંત્ર નથી હોતું. પણ જેની વાણી, વર્તન, વ્યવહાર એ બધામાં સંસ્કારિતાની છાપ જોવા મળે તેને આપણે ખાનદાન તરીકે સ્વીકારવા મનને મનાવી શકીએ છીએ માણસનું વ્યક્તિત્વ તેની વાણી અને વર્તનમાં એક યા બીજા સ્વરૂપે પ્રગટ થતું જ હોય છે અને દંભ, કૃત્રિમતા કે પ્રપંચ અથવા છીછપણાનો અણસાર તે વ્યક્તિ સાથેના થોડાક પરિચય કે પ્રસંગોમાં પ્રતિધ્વનિત થતો હોય છે. એટલે જુદા જુદા પ્રસંગોમાં વ્યક્તિ સ્વાર્થ કે સસ્તાપણું અશિષ્ટતા કે ઉછાછળાપણું દેખાડે છે કે નહીં તે બધા પરથી તેની ખાનદાનીનો અંદર કાઢી શકાય ખાનદાન વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠાની વધુ દરકાર રાખતી હોઈ સંંબંધ પરત્વેનું વલણ આપોઆપ જ પરખાઈ જાય છે. આ થઈ ખાનદાનીની પરીક્ષાની વાત !
કોઈપણ વ્યક્તિ ગમે તેટલી અમીર કે ઉંચા ઘરાનાની સુંદર વ્યક્તિ સાથે લગ્ન કરવાની અપેક્ષા રાખે છે, પણ આ અપેક્ષા રાખનારે પોતાની યોગ્યતા અને પોતાના ગજાનો પણ ખ્યાલ કરીને, વિવેક, વાપરીને વર્તવું જોઈએ. મોટેભાગે દરેક યુવાન એમ ઈચ્છે છે કે એની પત્ની રૂપાળી હોય, ત્યારે, સ્માર્ટ વગેરે... હકીકતમાં યુવાન પોતે પોતાનો દેખાવ, વ્યવસયા, પરિવાર, આર્થિક સ્થિતિ વગેરેને નજર સમક્ષ રાખતો નથી.
ઘણીવાર રૂપાળી અને ભોળી છોકરીઓ સાથે પૈસા કે વર્ચસ્વના બળે એવા યુવાનો લગ્ન કરી લેતા હોય છે, કે જેઓ લગ્ન બાદ થોડા જ સમયમાં પેલી ભોળી છોકરીઓને ત્યજી દેતા હોય છે. આવા કાગડા જેવા માણસોની ચાલમાં 'ઢેલ' જેવી માસૂમ છોકરીઓ ફસાઈ ના જાય એ માટે છોકરીઓએ પોતે તથા તેમના વડીલોએ સાવધ રહેવું જોઈએ.
આજકાલ લગ્નની બાબતમાં પૈસો, કહેવાતી મોટાઈ અને દંભને વધારે પડતું મહત્વ મળી રહ્યું છે. વિદેમાં વસતા યુવક કે યુવતીનું લગ્નના માર્કેટમાં મોખરાનું સ્થાન બની રહ્યું છે. પરિણામે મધ્યમવર્ગના પણ સંસ્કારી માણસોની ઉપેક્ષા થાય છે. માણસે એટલા બધા ભોળા પણ ન જ બનવું જોઈએ કે પોતાનું ભોળપણ પોતાને જ ભારે પડે. એટલે પૈસા, દંભ, સ્વાર્થ કે ખોટી પ્રદર્શન પ્રિયતાથી છેતરવા માટે કોઈને જવાબદાર ઠેરવીએ તો તેની સાથે સાથે જધરે પડતું ભોળપણ દાખવી છેતરાઈ જનારનો પણ દોષ તો જોવો જ જોઈએ. આત્મરક્ષણ પૂરતી સાવધાની રાખવાની વ્યક્તિની પોતાની ફરજ છે. બાકી તો બનાવટ કરનારનો ધંધો તો ચાલ્યા જ કરવાનો કારણે કે 'લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે' એ કહેવત પણ અહીં ફીટ બેસે છે. માટે લગ્ન અંગેના નિર્ણયમાં યુવક-યુવતીએ તથા મા-બાપે અત્યંત સાવધાની રાખવી આવશ્કય બની જાય છે.
આ ઉપરાંત યૌવનની સામાજિક સમસ્યાઓમાં એક મહત્વની અને કરુણ સમસ્યા એ છે, કે મા-બાપના દબાણને વશ થઈ અણગમતા યુવક કે યુવતી સાથે લગ્ન કરવાની પરિસ્થિતિમાં મુકાવાની.
હકીકતમાં તો લગ્ન જેવા ગંભીર પ્રશ્નમાં કોઈએ દબાણ કરાવી કે કરી, યુવક-યુવતીને લગ્ન કરવા મજબૂર ન કરવા જોઈએ. પણ આપણા સમાજમાં હજી લગ્નની બાબતમાં યુવક-યુવતીને પર્યાપ્ત છૂટ આપવામા ંઆવતી નથી. પિતા લગ્નને વટનો સવાલ બનાવી દે છે. ક્યારેક કડવી જીભ, ક્યારેક દબાણ, ક્યારેક માતા-પિતાની આત્મહત્યાની ધમકી, ક્યારેક યુવક-યુવતીના પ્રણય સંબંધના મૂળમાં ઘા કરીને, મા-બાપો યુવક-યુવતીઓ પાસે પોતે નક્કી કરેલા ઠેકાણે લગ્ન ગોઠવી દેવામાં સફળ થતા હોય છે અને એ વિજયને પોતાના ગૌરવનો વિષય માનતા હોય છે.
પરંતુ આ એક અત્યાચાર છે. કોઈના સ્વપ્નને કચડી નાખવું, કોઈના આત્માને ગૂંગળાવી મન માન્યુ કરાવવું એ ખૂબ જ મોટું પાપ છે. દરેક યુવક-યુવતીમાં એટલું સામર્થ્ય નથી હોતું કે તેઓ મા-બાપની વાતનો નિર્ભયતા પૂર્વક વિરોધ કરે.
આવી રીતે દબાણથી કરાવેલાં લગ્નો મોટેભાગે નિષ્ફળ જતા હોય છે. ઘણીવાર માત્ર પૈસો અને રૂપ જોઈને કરેલા લગ્ન પણ નિષ્ફળ જતાં હોય છે, કારણ કે ઘણીવાર સંબંધો ઉભરાની જેમ શમી જતાં હોય છે, પિરણામે સમાજ પ્રેમ-સંબંધો સામે લાલ-બત્તી ઘરે છે.
દરેક વસ્તુમાં અતિશયતાથી બચવું સલાહભર્યું છે. અતિશય વિશ્વાસ નકામો છે. તેમ અત્યંત ખતરનાક પણ છે. તેથી જ વ્યવહારકુશળ લોકો 'તેલ જોવાની તેલની ધાર જોવાની' વાત કરતા હોય છે.
પ્રેમ આમ તો બે વ્યક્તિનો અંગત પ્રશ્ન છે. એમાં સમાજનું વિવેકપુર્ણ અને શ્રેયસ્કર નિયમન જ આવકારદાયક છે. પોતાના પુત્ર કે પુત્રીની ઈચ્છા કે ભાવનાની ઉપેક્ષા ન કરી વડીલો તેમાં અંતરાયરૂપ ન બને એટલું ઔદાર્ય તેમણે દેખાડવું જ જોઈએ. બાકી જિંદગી આખરે તો જોખમ જ છે ને ?


