Get The App

વર્તમાન સમયમાં 'મહેનત'નું મૂલ્ય ઘટતું જાય છે, જ્યારે 'મફત'નું મૂલ્ય વધતું જાય છે. આમ કેમ ?

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- માણસ અંત:કરણનો, આત્મિક પવિત્રતાનો અવાજ સાંભળતો બંધ થઈ જાય છે ત્યારે વિવેક અને નૈતિકતા નષ્ટ થઈ જાય છે. બુદ્ધિની શુદ્ધિની માણસ લેશમાત્ર પરવા નથી કરતો, ત્યારે 'મફતિયા વૃત્તિ' તેનો દેવ બની જાય છે

Updated: Oct 6th, 2020

GS TEAM

Google News
Google News
વર્તમાન સમયમાં 'મહેનત'નું મૂલ્ય ઘટતું જાય છે, જ્યારે 'મફત'નું મૂલ્ય વધતું જાય છે. આમ કેમ ? 1 - image


* વર્તમાન સમયમાં 'મહેનત'નું મૂલ્ય ઘટતું જાય છે જ્યારે 'મફત'નું મૂલ્ય વધતું જાય છે - આમ કેમ ?

પ્રશ્ન કર્તા : હારુન ખત્રી, વોરવાડ, સેટલાઇટ શેરી, જામ ખંભાળીયા ૩૬૧૩૦૫ (સૌરાષ્ટ્ર)

ભગવાન, ઇશ્વર કે અલ્લાહ માણસને પ્રસાદી કે આળસુ બનવા ધરતી પર નથી મોકલતો, પણ પરિશ્રમથી જીવનને મહેકાવવા આ ધરતી પર મોકલે છે. જ્યાં સુધી અને જેટલી સીમા સુધી માણસને નિ:શુલ્ક આપવાની જરૂર હતી, ત્યાં સુધી ભગવાને માતાના દૂધની વ્યવસ્થા કરી આપી. એ ચાલતો થયો ત્યાં સુધી પણ મા-બાપ દ્વારા ભોજનની વ્યવસ્થા કરી આપી. પણ જ્યારે તેના દિમાગમાં સંકલ્પ, હાથમાં શ્રમ અને પગમાં આખી ધરતી પર ઘૂમવાની તાકાત આવી ત્યારે ભગવાને કહ્યું : ''હવે મારું કામ પુરું થયું. તારે તારો રોટલો જાતે રળવાનો છે, પરિશ્રમ દ્વારા.'' માણસ તૃષ્ણા, વાસના, કામના અને લોભમાં રસ ધરાવતું પ્રાણી છે. એનાં પોતાના મન પર કાબૂ નથી, એટલે પોતાની વૃત્તિઓ પર કાબૂ રાખી શકતો નથી. માણસ મનનો પરાધીન બને ત્યારે ઇન્દ્રિયો તેને નચાવે છે. ભોગ-વિલાસ-વૈભવ પ્રત્યે આકર્ષાય છે. વસ્તુ પ્રત્યેનું આકર્ષણ લોભ અને મમતા કે આસક્તિ તેને મોહમાં બાંધે છે. મોહગ્રસ્ત માણસ પોતાની જિંદગીની પ્રત્યેક પળ તૃષ્ણાજન્ય સુખો માટે ખર્ચે છે. પરિણામે શ્રમ પ્રત્યે ઉદાસીન બને છે. એ પરિશ્રમને પારસમણિ ગણવાને બદલે પ્રમાદ અને આરામના લોખંડને જ પારસમણી માને છે. પરિશ્રમ જ માણસના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે રાજસી અને તામસી સ્વભાવના લોકો પ્રમાદી હોય છે. ''ફોગટ ખાવૈ 'ચોર' કહાવૈ,'' ગીતા કી આવાજ હૈ । મહાત્મા ગાંધી પણ કહેતા: ''જે પોતાના ભાગે આવતું કામ કર્યા વગર ભોજન કરે છે તે ચોર છે. ઘસાયા વગર સન્માન પાત્ર બનાતું નથી. એક દોહા મુજબ''

''જગમેં પૂજા ના મિલે,

બિના ઘિસાયા ચામ (ચામડી)

રગડ-રગડ ખાકર બને,

પાહન શલિગ્રામ.'' મતલબ કે પરિશ્રમ કર્યા સિવાય સંસારમાં પૂજ્ય બની શકાતું નથી. વારંવાર ઘસાઈને પથ્થર શાલિગ્રામ બની જાય છે.

માણસનું મન જ્યારે અંદરથી અસંતુષ્ટ હોય ત્યારે મફતની વસ્તુ મેળવી સંતુષ્ટ થવાનો પ્રયત્ન કરે છે. માણસને સુખ જોઈએ છે : એક તો મહેનત કરીને અને બીજાું વગર મહેનત. માણસને ભોગેષણાઓ વધતી જાય તેમ તેમ તેને સંતોષવા માટે નાણાંની જરૂર પડે. પોતાની દરેક જરૂરિયાત માત્ર નોકરી કે વ્યવસાયથી સંતોષવા માટે પર્યાપ્ત નાણાં નહીં મળે એવી જીવન પ્રત્યેની ભ્રષ્ટ દ્રષ્ટિ વિકસે, ત્યારે માણસ અશુદ્ધ સાધન દ્વારા તે વસ્તુ મેળવવાના કોડ અને લોભ રાખે છે એમાંથી જન્મે છે 'કામચોરી' અને 'હરામખોરી' આમ આસક્તિ એ મફત મેળવવાની વૃત્તિનું પોષક બળ છે.

પહેલાંનો માણસ આજના જમાના કરતાં વધુ સુખી હતો, કારણ કે એની પાસે શરીર શ્રમની તાકાત હતી. કાંટાળા પંથે ચાલવાની તૈયારી હતી. એની જરૂરિયાતો ઓછી હતી, એ આંધળી જરૂરિયાતોને સંતોષવા માટે નાણાંની રેલંછેલની આવશ્યકતા નહોતી. 'સંતોષી નર સદા સુખી' એ એનું જીવનસૂત્ર હતું....

યંત્રયુગના ઉદ્ગમ સાથે માણસને બધું ઇસ્ટંટ અને તૈયાર મેળવવાની વૃત્તિ વકરવા લાગી. સુખ-સુવિધા અને વધુ આરામ આપનાર સાધનો અને સુવિધાઓ મેળવવાની ઝંખના વધી. એણે ધનવૃદ્ધિ માટે 'પરિગ્રહ'નો માર્ગ અપનાવ્યો. આ પરિગ્રહવૃત્તિ, લોભ, વગર પરિશ્રમે પૈસો કે વસ્તુ મેળવવાની તૃષ્ણાને કારણે 'મફત'નો જયજયકાર થવા માંડયો. લોભને થોભ નથી હોતો. વિલાસવૃત્તિને હદ નથી હોતી. તૃષ્ણાઓને સરહદ નથી હોતી. પરિણામે બધું 'ઝટ' મળે પરસેવા પાડયા વગર મળે એવી ઇચ્છા જ્યારે વકરે છે, ત્યારે માણસ 'મફત'ની મોજ માણવા લલચાય છે. ભગવાને માણસને ઘડવામાં પ્રમાદ નથી દાખવ્યો, નવ-નવ મહિનાની કુદરતની મહેનત બાદ માણસનું શરીર ઘડાયું છે. ઇશ્વર મહેનત કરતાં ખચકાતો ન હોય તો ઇશ્વર કે દૈવીશક્તિના પુરસ્કાર રૂપે માનવ જીવન કરનાર દેવપુત્ર મનુષ્ય પણ મહેનત કરે અને મફતનું કશું ન મેળવે એ ઇશ્વરને પણ મંજૂર છે.

મહેનત કરનારનું મન શાન્ત રહે છે જ્યારે બેઈમાનીપૂર્વક મેળવનારનું મન અશાન્ત રહે છે. 'રાકા-બાંકા'ના પ્રસંગને અનુરૂપ જ આ પ્રસંગ સુનીલ ત્યાગીએ વર્ણવ્યો છે. તદ્નુસાર એક દંપતી ગરીબ છે, જે દરેક સમયે ભગવાનની ભક્તિમાં લીન રહે છે. તેઓ નિર્લોભી હતાં અને મહેનતથી જે કાંઈ મળતું તેનાથી તેઓ ગુજરાન ચલાવતા. ભગવાને એક દિવસ તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું.

એક દિવસ એ દંપતિ જંગલમાં લાકડાં કાપવા જઈ રહ્યું હતું, ત્યારે કુહાડી સાથે પતિ આગળ ચાલતો હતો અને પત્ની પાછળ. ચાલતાં-ચાલતાં પતિને ઠોકર વાગી અને તે પડી ગયો. જમીન પર તેણે જોયું તો સોનાના સિક્કા ભરેલી એક થેલી ખુલ્લી પડી હતી. તેણે ઝડપથી તેની ઉપર માટી પાથરી દીધી.

તેની પત્ની જ્યારે નજીક આવી ત્યારે તેણે કોઈક વસ્તુને માટીથી ઢાંકી દેવાનું કારણ પૂછ્યું. શરૂઆતમાં તેણે જવાબ આપવાની આનાકાની કરી પણ અંતે સઘળી વાત જણાવી દીધી. ત્યારે ઇમાનદાર અને મહેનત પસંદ પત્નીએ કહ્યું : ''માટી પર માટી શું કામ નાંખો છો ?'' આપણા પરિશ્રમ આગળ સોનાના સિક્કા પણ માટી સમાન છે, પણ લાગે છે કે હજી તમારી ભેદદ્રષ્ટિ દૂર થઈ નથી. તમે હજી સંપત્તિનો મોહ રાખો છો. પતિએ આત્મમંથન કર્યું અને પત્નીને ગુરુ માની.

આજે સન્મતિને બદલી સંપત્તિની બોલબોલા છે. 'નેકી'નું સ્થાન 'બંદી'એ લીધું છે માણસ પાસેની સંયમદ્રષ્ટિ નામ શેષ થઈ રહી છે, સહનશીલતા ઘટી છે, સુંવાળા જીવનને જ સર્વસ્વ માનવાની દાનત વધી છે એટલે 'મફત'થી પોતાની તૃષ્ણાઓ - અપેક્ષાઓ અને આવશ્યકતાઓ સંતોષવા માણસ હંમેશાં તત્પર રહે છે.

માણસ અંત:કરણનો, આત્મિક પવિત્રતાનો અવાજ સાંભળતો બંધ થાય ત્યારે એનામાંથી નૈતિકતા અને વિવેક નષ્ટ થઈ જાય છે. બુદ્ધિની શુદ્ધિની માણસ જ્યારે લેશમાત્ર પરવા ન કરે ત્યારે ભૌતિક સુખો નો મોહ તેને પોતાનો શિકાર બનાવે છે અને 'મફતિયા' વૃત્તિ જ તેનો દેવ બની જાય છે.

Tags :