Get The App

મોટાભાગના લોકો એમ માનીને ચાલે છે કે સલાહ આપવી એ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
મોટાભાગના લોકો એમ માનીને ચાલે છે કે સલાહ આપવી એ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- ઘણા લોકો આપત્તિના સમયે જ સ્વજનો કે સંબંધીઓને યાદ કરે છે ત્યારે તેમને માત્ર સલાહ જ મળે છે, મદદ મળતી નથી.

પ્રશ્ન : અત્યારે માણસને સલાહ મફતમાં દેવાવાળા હજાર મળે પણ સપોર્ટ દેવાવાળો એકાદ પણ કામમાં આવતો નથી, એમ કેમ ?

પ્રશ્નકર્તા - અરવિંદભાઈ ચાવડા. ૧૧, જાગૃતી સોસાયટી, ભોમેશ્વર મંદિર પાછળ, રાજકોટ-૬

સ લાહ એ કેટલાક લોકોને માટે શોખનો વિષય હોય છે. કારણ કે તે આપવામાં કશું ગુમાવવાનું હોતું નથી. ઘણા લોકો સલાહપ્રિય હોય છે અને માણસ ઇચ્છે કે ન ઇચ્છે તરત જ સલાહ આપવાનું શરૂ કરી દે છે.

માણસ તન-મન-ધન માટે ચિંતિત રહે છે. રોગ, અપમૃત્યુ, અપયશની સંભાવના, સત્તા, પદ કે અધિકારથી વંચિત થવાની શક્યતા પણ તેને હચમચાવી મૂકે છે. સ્વપ્ન તૂટે, વહાલાં વેરી બને, મિત્રો-સ્નેહીઓ વિશ્વાસઘાત કરે ત્યારે માણસની બુદ્ધિ બહેર મારી જાય છે. કુદરત આફતોની વણજાર ઉતારે ત્યારે ગમે તેવો ડાહ્યો માણસ પણ હેબતાઈ જાય છે.

આવા વિપરિત સંજોગોમાં માણસને યોગ્ય નિર્ણય માટે કોઈકની માનસિક હૂંફની જરૂર વરતાય છે. સલાહ માગનાર એવી શ્રદ્ધાથી સલાહ ઝંખે છે કે સલાહકાર સાચા અર્થમાં તેના શુભચિંતક છે અને તેને કહેવાથી પોતાને યોગ્ય મદદ કે રસ્તો મળી રહેશે.

પરંતુ મોટાભાગના લોકો વાક્શૂરા હોય છે. એમની સલાહનું ઉત્પત્તિ સ્થાન હૈયું નહીં હોઠ હોય છે. એટલે તેઓ નિરાંતે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ વિષે શબ્દોની લહાણ કરે છે. સલાહ આપવી એ પણ એક જવાબદારી છે, એ પાયાની વાત લોકો ભાગ્યે જ ગંભીરતાપૂર્વક વિચારતા હોય છે.

ઘણીવાર ખુશામતભરી ખોટી સલાહથી સલાહ પ્રાપ્ત કરનારને કશો ફાયદો થતો નથી. વળી ઘણીવાર કાવતરાખોર ઇર્ષાળુ માણસો ઊંધી સલાહ આપી વિશ્વાસઘાત પણ કરતાં હોય છે. એનાથી ઊલટું કેટલાક લોકો જીભના કડવા પણ અંતરથી શુદ્ધ હોય છે. એમની વાત કડવી લાગે છે, પણ હોય છે હિતકર. એટલે જ કડવું કહેનાર અને કડવું સાંભળનાર બહુ ઓછા જોવા મળે છે.

સલાહ આપનારે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે એની પાછળ રીઝવવાનો નહીં પણ મદદરૂપ થવાનો શુભાશય જ સમાયેલો હોવો જોઈએ. વળી વણમાગી સલાહ આપવાનું કે ટોળાને પોતાનો અભિપ્રાય આપવાનું યથાશક્ય ટાળવું જોઈએ.

વગર વિચારે સલાહ માનનારાને પસ્તાવાની સ્થિતિમાં જોવા-જાણ્યાને કારણે પણ માણસના અન્યની સલાહ લેવાના ઉત્સાહમાં ઓટ આવે છે. સલાહ આપવામાં ન તો કેવળ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, ન કેવળ ભાવનાનો. ભાવુક માણસની સલાહ ભાવાવેશ પ્રેરિત હોવાને કારણે ઘણીવાર ધાર્યા કરતાં ઊલટું પરિણામ લાવી દે છે.

એટલે સલાહ આપનાર અને લેનાર બન્નેમાં વિવેક આવશ્યક છે. સલાહ આપનારે સો ગળણે ગાળીને સલાહ આપવી જોઈએ, તેમ સલાહ લેનારે સવાસો ગળણે ગાળીને સલાહનો સ્વીકાર કરવો જોઈએ. આતમને અજવાળે ચાલનારે સાવ નિરાશ થવું પડતું નથી. બધાં જ લોકો જ્ઞાની હોતાં નથી એટલે આપણા વિવેકને ગીરો મૂકીને સલાહ આપવા દોડી જવું શ્રેયસ્કર નથી. વળી ઉંમરમાં મોટી વ્યક્તિ, વિવેક બુદ્ધિમાં પરિપક્વ જ હોય તેવો તર્ક દોડવવો પણ ઉચિત નથી.

જેને સાચો સલાહકાર મળી જાય એના જેવો ભાગ્યશાળી કોણ ? અફસોસ, એવા સાચા સલાહકારો શોધ્યા જડતા નથી. એટલે ખોટા સલાહકારોના નુકસાનકારક અભિપ્રાયોને કારણે પણ લોકો બીજાની સલાહ માનતા ખચકાય છે. વહેમ, શંકા, ભય, જીદ, અહં, ગુરૂતાગ્રંથિ જેવાં કારણોસર પણ લોકોને બીજાની સલાહ ગમતી નથી. હા, એ વાત નક્કી, દરેક માણસ એમ માનીને ચાલે છે કે સલાહ આપવી એ તેનો જન્મસિદ્ધ અધિકાર છે, એટલે જીભ સલાહ માટે તૈયાર હોય છે.

આ તો વાત થઈ સલાહ આપનારાઓની. સલાહ આપવી અને મદદ કરવી, બે અલગ વસ્તુ છે. સલાહ ફ્રી માં આપવાની વસ્તુ છે. એમાં પણ જો સલાહ આપનાર સલાહ લેનારનો શુભચિંતક હોય તો તે સાચી સલાહ લાગણીથી આપશે. પણ ઘણાં બોલવા ખાતર ઉપરછલ્લા માત્ર બોલતા જ હોય છે. તેમાં લાગણી કે શુભેચ્છાને સ્થાન હોતું નથી.

માણસ એ હૂંફ ભૂખ્યું-હૂંફ તરસ્યું પ્રાણી છે. જીવનમાં દુ:ખ અને આફત સમયે એને ખાસ હૂંફની તલાશ હોય છે. હૂંફના અનેક સ્રોત હોય છે. એક લોહીના સંબંધો અને બે લાગણીના સંબંધો

સ્વજનો મોટેભાગે લોહીની સગાઈની પરિધિમાં આવે છે. અને સ્નેહ તથા આત્મીયતાની ભાવનાથી ભીંજાયેલા સ્વયં સ્વીકૃત સંબંધોને આપણે લાગણીના ક્ષેત્રમાં આવરી લઈએ છીએ. આફતની પળોમાં માત્ર સલાહ નહીં પણ તેમના તરફથી પ્રાપ્ત થતા ઉપકાર, સહયોગ, નિ:સ્વાર્થ પ્રેમ, આભાર, કરુણા સ્વરૂપે સહભાગીતા પ્રાપ્ત થતી હોય છે.

સામાન્ય રીતે લોહીના સંબંધોમાં અધિકારપ્રિયતા અળગી રહી શકતી નથી. એમાં અપેક્ષાઓનું પાસું પણ એટલું પ્રબળ હોય છે કે ઘણીવાર લોહીના સંબંધોમાં આગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ, જીદ, મમત વગેરેની માત્રા એટલી બધી જોવા મળે છે કે તેઓ આફતના સમયે 'મન, મોતી ને કાચ તૂટયા સંધાતા નથી' - જેવી ઉક્તિ આગળ કરી સ્વજનો કોઈપણ જાતની મદદ કરતાં નથી.

જ્યારે લાગણીના સંબંધોમાં કોઈ અપેક્ષાઓને સ્થાન હોતું નથી. આવા સંબંધોમાં સહજ ઉષ્મા કેન્દ્રસ્થાને હોય છે. આવા લાગણીપ્રધાન સંબંધોમાં ભોગ કરતાં 'ત્યાગ' ભાવનાનું મહત્વ જોવા મળે છે.

જ્યાં સંબંધમાં વાવવા કરતા લણવાની ગણતરી હોય ત્યાં સંબંધની શાન પ્રગટતી નથી. સંબંધ બાંધવો સહેલો છે, પણ જીરવવો અને જાળવવો અઘરો છે. એ એક સામાજીક વ્રત છે. ઘણા લોકો આપત્તિના સમયે જ સ્વજનો કે સંબંધીઓને યાદ કરે છે ત્યારે માત્ર સલાહ જ મળે છે, સપોર્ટ કે મદદ મળતી નથી. આપત્તિની પળોમાં મદદની આશા રાખવા માટે સંબંધને લીલોછમ રાખવાની આપણી જવાબદારી છે. મદદ ઇચ્છનારે આ વાત પણ એટલી જ યાદ રાખવી જરૂરી છે.

અત્યારના ભૌતિક યુગના જમાનામાં માણસ આત્મકેન્દ્રી બની ગયો છે. કોઈને આફતની પળોમાં મદદ કરતાં પહેલાં એ સો વાર વિચાર કરે છે, આફતમાં-દુ:ખમાં મદદ ઇચ્છનાર માણસ ભવિષ્યમાં કામ લાગે તેવો છે ખરો ? એને મદદ કરવાથી ભવિષ્યમાં એ ઋણ ચૂકવી શકવાની શક્તિ ધરાવે છે ખરો ! અથવા તેને મદદ કરવાથી તેના બીજા નિકટના સ્વજનોની નારાજગી તો નહીં વહોરવી પડે ને ? આવા બધાં વિવિધ પરિબળો મદદકર્તાના મનમાં પડેલા હોય છે.

હકીકત એ છે કે આપત્તિની પળોમાં સલાહ આપનાર અનેક હોય છે પણ દુ:ખી વ્યક્તિના દુ:ખમાં સહભાગી એ જ બની શકે જેની પાસે સંવેદનશીલ હૃદય હોય અને કોઈ વિરલો જ દુ:ખગ્રસ્તનો સાચો આશ્વાસક બની તેને મદદ કરતો હોય છે. કારણ કે આજે સંવેદનશીલ હૃદયનો દુષ્કાળ વરતાઈ રહ્યો છે.