Get The App

જવાબદારી સામે લાગણી કેમ હારી જાય છે? .

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
જવાબદારી સામે લાગણી કેમ હારી જાય છે?                            . 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- સંતાનનું જીવન જવાબદારી અને લાગણીનું પવિત્ર સંગમ સ્થાન બને એ જરૂરી છે.

જવાબદારી સામે લાગણી કેમ હારી જાય છે ?

પ્રશ્નકર્તા  ઃ હારુન ખત્રી, વોરાવાડ, જામ ખંભાલીઆ (સૌરાષ્ટ્ર)

લાગણી એટલે ભાવના, સંવેદનશીલતા, અંતઃકરણની મર્મ સ્પર્શિતા.

મા ણસ એ માત્ર શ્વાસ લેતું પૂતળું નથી. એની પાસે હૈયાનો ધબકાર છે. માણસ જેમ ક્રોધિત થઈ જાય છે. તેમ કવિત પણ થઈ જાઈ છે. આ કવિત થવાનો ગુણ જ માણસના હૃદયની ભીનાશની અનુભૂતિ કરાવે છે. અંતઃકરણમાં થતી સારી માઠી અસરયુક્ત મનોદશા, ભાવના, ડંખ, દાઝ વગેરેનો પણ લાગણીમાં સમાવેશ થાય છે.

મનમાં ખૂંપીને પ્રેમ, વાત્સલ્ય, દયા, વગેરે સંબંધી, વિચાર, વેદના, ભાવ પણ લાગણીને કારણે જ થાય છે. કવિ અને સમાજ સુધારક નર્મદનો એવો રિવાજ હતો કે જે જે મોટા પ્રશ્નો એમને વિચારવા જેવા લાગે તે તેઓ ભીંત પર નોંધતા અને મિત્રો ભેગા થાય ત્યારે એ પ્રશ્નોની ચર્ચા ઉપાડવામાં આવતી. એક વખત લાગણીને માટે યોગ્ય શબ્દ વિશે નર્મદના મિત્રમંડળમાં ચર્ચા ચાલી. આખરે લાગણી શબ્દ નક્કી થયો એ વાત ચર્ચાનો વિષય પણ રહી કે લાગણી શબ્દ સૌથી પહેલાં કોણે વાપર્યો ? ખરેખર તો લાગણી શબ્દ પ્રથમવાર વાપરવાનું માન પણ નર્મદને જાય છે.

લાગણીઘેલું એટલે આવેશશીલ, લાગણીપ્રધાન એટલે વિચાર કે તર્ક નહીં. પણ લાગણી જેમાં મુખ્ય હોય તેવું, ભાવ પ્રધાન, માણસ લાગણીશીલ હોઈ શકે તમે લાગણીશૂન્ય પણ હોઈ શકે. જડ શબ્દનો લાગણીહીન માટે પ્રયોગ થઈ શકે જ્ઞાન બોધ સમજ કે બુધ્ધિના અર્થમાં પણ લાગણી શબ્દનો ઉપયોગ થઈ શકે. હિન્દી સુખ્યાત કવિ સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સાયન  'અજ્ઞોય'ની એક પ્રખ્યાત કવિતા છે.

 ' 'સાંસ કા પૂતલા હૂં મે.જરા સે બધા હુઆ,

ઔર મરણ કો દે દિયા ગયા હૂં,

લેકિન પ્યાર જો હૈન,

ઉસી કે દ્વારા મૈં જીવન મુક્ત કર દિયા ગયા હૂં

કવિ અજ્ઞોય કહે છે કે મનુષ્ય તરીકે હું શ્વાસ લેતું પૂતળું છું. જરા એટલે કે ઘડપણથી બંધાયેલો છું. અને મૃત્યુને હવાલે કરી દેવામાં આવ્યો છું. પરંતુ પ્રેમ દ્વારા મને જીવન મુક્ત કરી દેવામાં આવ્યો છે.

લાગણી એ સામાજિક રાજકીય, વૈશ્વિક જીવનનું એક જબર્જસ્ત પરિબળ છે.

પરિવારથી વાત શરૂ કરીએ તો પરિવારમાં લાગણીનું સામ્રાજ્ય પ્રવર્તે છે. પરિવારનો દરેક સભ્ય એમ માનીને ચાલતો હોય કે પોતાને પારિવારિક ઉષ્મા ઉર્ફે લાગણીની પ્રતીતિ થાય એવું વર્તન કરવામાં આવે. પતિ પત્ની પાસે લાગણીભર્યા વર્તનની અપેક્ષા રાખતો હોય છે તેજ રીતે પત્ની પણ ઈચ્છતી હોય છે કે પતિ દ્વારા અને પતિનાં નિકટસ્થ સ્વજનો દ્વારા પોતાનું ગૌરવ સચવાય. દરેક પિતા ઈચ્છતો હોય છે કે પુત્ર તેનો કહ્યાગરો, સંયમી અને લાગણીશીલ હોય. એ પોતાનાં જ નહીં સમાજના સર્વલોકો સાથે સુમેળભર્યો સંબંધ રાખે. પારિવારિક સંબંધો વધુ પડતી લાગણીશીલતાને કારણે કસોટીની એરણે ચઢે છે. લાગણી તર્કને જાણતી નથી એ માત્ર ભાવનાને મહત્વ આપે છે. જ્યારે જવાબદારીમાં માત્ર લાગણીનો નહીં પણ પોતાને ફાળે આવેલું ઉત્તરદાયિત્વ અદા કરવાની વાતનો પણ સમાવેશ થાય છે. જવાબદારીમાં પલાયનવાદને સ્થાન નથી પણ ઊંડી સમજને સ્થાન છે.

પુત્ર-પુત્રી, સહિતના સંબંધોમાં પણ પરિવારની અપેક્ષા મુજબ જેઓ વર્તતા નથી તેઓ સ્વચ્છંદી છે, મનસ્વી છે, અનુશાસન વિહીન છે. એવા આક્ષેપો કરવામાં આવે છે. મા-બાપો ઈચ્છે છે કે તેમનું સંતાન જવાબદાર બને. તેને પોતાના ઢાળમાં ઢાળવાનું આયોજન પણ કરે છે. એનાથી વિપરીત વર્તન કરનાર પુત્ર-પુત્રીને ઘરમાંથી કાઢી મૂકવાની ઘટનાઓ પણ બને છે. પણ અંતે લાગણી જીતી જાય છે અને જવાબદારી અદા નહીં કરતાં સંતાનને તેઓ માફ કરી દે છે. સંતાનો પણ પોતાને પરિવારજનો સમાજવાની કોશિશ કરતાં નથી એવી ફરિયાદ કરતાં હોય છે. એક યુવક કહે છે કે મને કોઈ સાચા અર્થમાં સમજતું હોય તો તે મારો દરજી છે કારણ કે દરેક વખતે એણે મારું નવેસરથી માપ લીધું છે.

માણસ બહારથી જેટલો કઠોર દેખાય છે, અંદરથી તે સાવ પોચો છે. વિકાસ માટે રચનાત્માક તનાવ જરૂરી છે. એટલે જવાબદારી અદા કરવામાં કોઈ નિષ્ફળ નીવડે ત્યારે લાગણી ક્ષમાશીલતા દાખવે છે.

રાજકીય બાબતો પણ લાગણીની પવિત્રતાની કદર કરવાને બદલે રાષ્ટ્રના વડાઓ ક્યારેક અતિ ભાવુકતાથી નિર્ણય લેતા હોય છે તો ક્યારેક જડતાપૂર્વક. દેશહિત ઉપરાંત રાજ્ય કે રાષ્ટ્રના વડાઓ કડક નિર્ણય લેતા હોય છે. એને કારણે લાગણીને આઘાત પહોંચે છે. ચર્ચા-વિચારણા વખતે ચર્ચા કર્તાઓ લાગણીથી નિર્ણય લેવાને બદલે જવાબદારીપૂર્વક નિર્ણય લે છે કારણ કે એમાં વ્યાપક હિત સમાયેલું છે. લાગણીશીલતા માણસને સ્વસ્થ અને તટસ્થ રીતે વિચારવામાં આડખીલી રૂપ બને છે. લાગણી અને જવાબદારી બન્ને એક બીજા સાથે મેળ સાધે તો જગતના અડધા ઝઘડા આપોઆપ શમી જાય.

રાજકારણમાં રાજકારણીઓ ગમે તેવાં બે જવાબદાર વિધાનો કરતાં હોય છે. પરંતુ શિસ્તભંગનાં પગલાં લેવાની શક્યતા ઉભી થાય ત્યારે લાગણી પ્રદર્શિત કરી ફેરવી તોળે છે.

લોકશાહીમાં મતદાતા એ મહાદાની છે. એના દ્વારા લેવામાં આવતા નિર્ણય લાગણી કે લોભ અથવા સ્વાર્થ ખાતર લેવાના હોતાં નથી. મત એ ફેંકી દેવાની વસ્તુ નથી પણ 'પવિત્ર દાન' છે એ કુપાત્રને ન જ અપાય. એટલે એવા નિર્ણયો ભાવાવેશમાં ન લેવાય. માણસને અક્કડ બનતાં આવડે છે પણ ફકકડ બનતાં નથી આવડતું એ જ આજના જીવનની કરુણતા છે.

જેઓ માનતાં હોય છે કે હૈયાથી મોટી શ્રીચંતાઈ શી હોઈ શકે તેઓ પોતાની લાગણીને વળગી રહે છે અને જવાબદારીને ગૌણ ગણે છે એનાથી ઉટલું જવાબદારીને સર્વસ્વ માનનાર લોકો લાગણીની પરવા કરતા નથી જવાબદારી અને લાગણી બન્નેના સમન્વયની ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ અપ્રતિમ હતી. જવાબદારી એ કર્તવ્ય છે, લાગણી એ ભાવાવેશ છે. એટલે કર્તવ્યના સંગ્રામમાં લાગણી પરાજિત થાય છે.