- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- 'મતભેદ' વખતે પણ 'મનભેદ' રાખ્યા સિવાય વાણી અને વર્તનની શિષ્ટતા ન વિસરે તે સાચો શિક્ષિત
* જગતને કેવી રીતે હચમચાવી શકાય ?
* પ્રશ્નકર્તા: હૅરિત-બિનલ ભટ્ટ ૮ પૂજન બંગલો, લીટલ વિંગ્ઝ બસ સ્ટેન્ડ સામે, બોપલ, ઘુમા રોડ, અમદાવાદ.
મા ણસ હંમેશાં કાંઈક નવું-નવું કરી પોતાનું નામ ઈતિહાસને ચોપડે નોંધાય તેવાં અરમાન ધરાવતો હોય છે. માણસે બહારથી દુનિયાને હચમચાવી મૂકવી હોય તો પોતાને અંદરથી હચમચાવી મૂકવાની તાકાત કેળવવી જોઈએ.
મહાત્મા ગાંધીએ પોતાની જાતને અંદરથી હચમચાવી ન હોત તો મહાત્મા તરીકે વંદનીય ઠર્યા હોત ? જાતને હચમચાવ્યા વગર ગૌતમ બુધ્ધ, મહાવીર, મહમ્મદ પેગંબર કે ગુરૂ નાનકદેવ શું ધર્મ પ્રણેતા બની શક્યા હોત ? નમાલા અંતઃકરણથી એક ડગલું પણ જીતી ન શકાય.
એક પ્રસંગ અનુસાર મગધ દેશના રાજા અજાતશત્રુએ બાહોશ વજ્જીઓ પર ચઢાઈ કરવાનો નિશ્ચય કર્યો. તેમનો સર્વનાશ કરવાનો તેનો ઈરાદો હતો. એમાં પોતે ફાવી શકે કે નહીં એ જાણવા ખાતર પોતાના પ્રધાનને ભગવાન બુધ્ધ પાસે તેમનો અભિપ્રાય જાણવા તેમની પાસે મોકલ્યો.
રાજાનો વિચાર સાંભળી બુધ્ધે પોતાના પટ્ટશિષ્ય આનંદને તેવજ્જલોકો લોકો વિશે પૂછયું. આનંદે કહ્યું: એ લોકો બધા લોકોને એકઠા કરી ચર્ચા પછી નિર્ણય લે છે. તેમનામાં સંપ છે. તેઓ મુરબ્બીઓનો મોભો સાચવે છે. સ્ત્રીઓને માન આપે છે. ધર્મને વળગી રહે છે. સજ્જનોનું રક્ષણ કરે છે.'
આનંદની વાત સાંભળી ગૌતમ બુધ્ધે કહ્યું કે વજ્જીઓનું પતન થશે નહીં કારણ કે તેમનામાં શાણપણ છે. ભગવાન બુધ્ધે વધુ એક તપાસ કરવા દૂતને મોકલ્યો. દૂતે કહ્યું 'એ લોકો કેળવાયેલા છે. અંદરથી શિક્ષિત માણસને હરાવવાનું મુશ્કેલ છે.'
ભગવાન બુધ્ધે કહ્યું કે જ્યાં સુધી એકતા અને સંપ હશે, જ્યાં સુધી તેમનું મનોબળ મજબૂત હશે. ત્યાં સુધી તેમને કોઈ હરાવી શકશે નહીં.
માણસ પહેલાં અંદરથી હારે છે પછી બહારથી. પડકારો ઝિલવાની અને તેમને પહોંચી વળવાની તમન્ના જ જાતને અને જગતને હચમચાવી મૂકવાની તાકાત આપે છે. વસ્તી વધારાથી કોઈ દેશ મહાન નથી બની શકતો પણ દ્રઢસંકલ્પયુક્ત ઝઝૂમવાની તમન્નાવાળા તથા પોતાના આત્મબળ અને અંતઃકરણથી પવિત્ર નાગરિકોથી દેશ ઉજળો બની શકે છે. દેશ નામર્દો પેદા કરવાનું કારખાનું બની શકે નહીં. મતભેદ ટાણે પણ મનભેદ રાખ્યાં સિવાય સામેની વ્યકિતનું ગૌરવ સાચવી શકે એ શિક્ષિત માનવ. માણસાઈ લજવાય એવા વર્તનમાં ડૂબેલા માનવીઓ મનુષ્ય રૂપે પશુઓ છે.'
કયો દેશ મુઠ્ઠી ઊંચેરા માનવીઓની કેટલી સંખ્યા ધરાવે છે, તે પરથી તેની સંસ્કારિતાનું માપ નીકળી શકે છે. મહાન વૈજ્ઞાનિક શોધો કરનાર કે નેતૃત્વના ઉત્કૃષ્ટ સિધ્ધાંતો ચરિતાર્થ કરનાર લોકોએ પોતાની જાતને હાથમાં લીધેલા કાર્યને દીપાવ્યું હતું. અને પોતાને ભલે નુકસાન પહોંચે, ફાંસીના માંચડે લટકી જવું પડે પણ તેમણે મોતની ચિંતા કર્યા સિવાય દેશની આઝાદીની ચિંતાને જ મહત્વ આપ્યું હતું.
હિન્દી કવિ હરિવંશરાય બચ્ચનની એક કવિતા છે જેનું શીર્ષક છે -
'તીર પર કૈસે રુકું મૈં આજ લહેરોમેં નિમંત્રણ.' કવિ કહે છે - સાગરના કિનારે ઉભો છું. ભયંકર પવન ફૂંકાય છે. સાગરનાં ઉછળતાં મોજાં મને લલકારે છે. હવે તમે જ કહો હું કાયર બની સાગરતટે કેવી રીતે ઉભો રહું. લોકો ડૂબી જનાર લોકોનો દાખલો સાહસ ન કરવા ચેતવે છે. કેટલાક યુવાનો ડૂબી ગયાનું ઉદાહરણ આપે છે. પણ કેટલાક મોત સામે બાથ ભીડી કિનારે પહોંચ્યા તેની વાત નથી કરી શકતા. યુવાન ડૂબી શકે છે, યુવાની નહીં. દેશને 'વૃદ્ધ' યુવાનોની જરૂર નથી.
'જીવન ચિંતન'માં કાકાસાહેબ કાલેલકરે નોંધ્યું છે તેની વિગતો માણસ માટે બહુ મોટો બોધ પાઠવે છે. તદનુસાર ઉત્કર્ષની કામના વ્યકિત સેવે તેમાં કશું જ અનુચિત નથી. જે જ્યાં ઉભો હોય ત્યાંથી બે કદમ આગળ જવાની મનોકામના સેવે તે સહજ છે. પરંતુ જ્યારે સ્વવિકાસની એષણા ઘેલછામાં પરિણત થઈ અન્યના વિકાસમાં અંતરાયો ઉભા કરે ત્યારે ક્ષુબ્ધતાઓ સર્જાય છે. જયાં સુધી માણસ ક્ષુલ્લક અને કેવળ સ્વાર્થી અપેક્ષાઓના વર્તુળમાં કેદ રહે ત્યાં સુધી એ કૂવામાંના દેડકાથી અલગ કશું જ બની શકતો નથી. વાસનાઓનું રમકડું બનનારને વાસનાઓ નચાવે તેમ નાચ્યા કરે છે.
જીવન એક ખેલ છે જેમાં રમતવીર તરીકેની ભૂમિકા સહુએ નિભાવવાની છે. પત્તાંના ખેલમાં બાજી ભારે પણ આવી શકે અને હલકી પણ. ભારે પત્તાંની બાજી તો સહુ કોઈ જીતી શકે હલકાં પત્તાંની બાજી ખુમારી અને કોઠાસૂઝથી જીતી શકે તે સાચો રમતવીર. તમે યુવાન છો ? તો પછી જુઓ તમારી જાતને કે 'મારા ઘટમાં ઘોડા થનગની રહ્યા છે?' કવિ રામનારાયણ પાઠકના શબ્દોમાં -
'રૂઝવે જગનાં જખ્મો
આદર્યાંને પૂરાં કરે
ચલાવે તંતૂ સૃષ્ટિનો
ધન્ય તે નવ યૌવન.'
સમાજનો, દેશનો, વિશ્વનો વિકાસ અને ઉત્કર્ષ જાતને સાચવનારાઓએ નહીં પણ જાતને ખરચી નાખનારાઓ જ કર્યો છે. લોકો ભલે પાગલ કહી પથ્થરો મારે પણ ભારતની ભાળ મેળવવા પ્રસ્થાન કરનાર એક પોર્ટુગિઝ વાસ્કોડી ગામા હિંમત હારતો નથી.
ફ્રેંચ કવિ વો-લેસનું આ કથન કેટલું સાર્થક છે - ઝંઝાવાત આખા શહેરને ધુ્રજાવી શકે પણ તેનામાં એક પરબિડિયું ખોલવાની તાકાત નથી.
દુનિયાને ધુ્રજાવી નાખવાની તાકત માનસિક રીતે સ્વસ્થ માણસમાં જ હોઈ શકે... જેનામાં ધૈર્ય હોય, સંયમ હોય, જે પ્રશંસાથી પીઘળતો નથી, જે નિંદાથી વિચલિત થતો નથી. જે પોતાનો જીવનમંત્ર હોય અને તેનું મૂલ્ય ચૂકવવા તૈયાર હોય. જેને મન સત્ય એ જ દેવતા હોય, જે સ્વાર્થની અંધકારભરી ગલીઓમાં અટવાતો, ભટકતો ન હોય. એક પ્રસિધ્ધ શેર મુજબ -
'ખુદી કો કર બૂલંદ ઈતના કી
હર તકદીર સે પહલે
ખુદા બંદેસે ખુદ પૂછે,
બતા તેરી રજા ક્યા હૈ ?


