Get The App

નિષ્ફળતા માટે એમ વિચારવું જોઇએ કે હજી સાધના અધૂરી છે

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
નિષ્ફળતા માટે એમ વિચારવું જોઇએ કે હજી સાધના અધૂરી છે 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- માણસને જીત માણતાં આવડે છે, પણ હાર પચાવતાં નથી આવડતું એટલે હાર માટે દોષનો ટોપલો ભાગ્યને માથે ઢોળી દે છે

પ્રશ્ન : વ્યક્તિ સફળતાને સ્વમહેનત કે સ્વપ્રયત્ન કહે છે જ્યારે નિષ્ફળતાને નસિબ સાથે જોડે છે, શા માટે ?

પ્રશ્નકર્તા : રક્ષિત ઉષાકર વોરા. 'ચ' ટાઈપ સરકારી ક્વાટર્સ, સેક્ટર-૨૮ ગાંધીનગર

નિ ષ્ફળતા એટલે મનોવાંછિત ફળની અપ્રાપ્તિ. માણસ પોતાનો પ્રયત્ન ફળશે એવી આશા સાથે કાર્ય કરે છે. ફળ પ્રાપ્તિની આશા માણસને પ્રોત્સાહીત કરે છે. આશાન્વિત માણસ દોડતો રહે છે, ઉદ્યમશીલ રહે છે. પરંતુ પ્રયત્ન છતાં ધારેલી સફળતા ન મળે ત્યારે માણસ નિરાશ-હતાશ થઇ જાય છે. માણસને જીત માણતાં આવડે છે, પરંતુ હાર પચાવતાં નથી આવડતું. માણસનું લક્ષ્ય સિધ્ધિ નહીં, સાધના હોવું જોઇએ. ઇચ્છા અને સાધના બન્નેનો સમન્વય થાય તો 'ગતિ' 'પ્રગતિ' બને, વિકટતા સરળતામાં પરિણામે.

ભગવદ્ગીતાની એ વાત માણસે યથોચિત રીતે સમજવી જોઇએ કે મનુષ્યનો અધિકાર કર્મ કરવાનો છે, ફળાગ્રહનો નહીં. વ્યાસજી ધીર-ગંભીર હતા, એમણે વિચાર્યું હશે કે માણસ જો ફળને લક્ષ્ય બનાવશે તો તેનું ધ્યાન ફળ પર વધુ કેન્દ્રીત રહેશે અને કર્મ તરફ થોડું ઉદાસીન રહેશે. માણસ એમ વિચારશે કે મારે કેમ ઓછું કે અલ્પકર્મ કરવું પડે અને મને અધિક ફળ કેમ પ્રાપ્ત થાય, તો તેના પ્રયત્નમાં ક્ષતિ રહેશે. પ્રયત્નોમાં રહેલી કચાશ ફળને નિકટ આવવાને બદલે દૂર જવાનો રહેવાનો મોકો પૂરો પાડશે અને કર્મ પ્રત્યેની ઉદાસીનતા એને મનોવાંછિત ફળ પ્રાપ્તિની વંચિત રાખશે.

પરિશ્રમ અને ફળ હંમેશા સમપ્રમાણમાં નથી ચાલતાં. ક્યારેક અતિ પરિશ્રમનું ફળ અતિ અલ્પ મળે અથવા ન પણ મળે અને ક્યારેક અલ્પ પરિશ્રમનું ફળ મોટા પ્રમાણમાં સાંપડે. પરિશ્રમનું ફળ ના મળે ત્યારે ભાગ્યને દોષ દેવાને બદલે આત્મબળ, શ્રધ્ધાબળ અને પ્રયત્નોને કામે લગાડી ફરી કાર્યની સફળતા માટે જોતરાઈ જવું જોઇએ. અને નિષ્ફળતા માટે એમ વિચારવું જોઇએ કે હજી સાધના અધૂરી છે. હજી શ્રમમાં કચાશ છે, હજી આકરી કસોટી થવાની બાકી છે.

નિષ્ફળતા મળતી નથી, મોટાભાગે માણસ નિષ્ફળતાને નોંતરતો હોય છે. નિષ્ફળતાનાં અનેક કારણો હોય છે.

૧. કઠોર પરિશ્રમનો અભાવ

૨. સમજણપૂર્વકના પ્રયત્ન કે પરિશ્રમને બદલે કેવળ વૈતરું કરાવનું માનસ

૩. નિયમિતતા અને નિષ્ઠાનો અભાવ

૪. નિર્બળ મનોબળ

૫. આત્મવિશ્વાસનો અભાવ

૬. ઉપરચોટિયા પ્રયત્નઓ

૭. તાત્કાલિક ધાર્યું ફળ નહીં મળવાને કારણે નિરાશ બની પ્રયત્ન અને પરિશ્રમનો ત્યાગ

૮. નકારાત્મક દ્રષ્ટિકોણ

૯. આયોજનનો અભાવ

૧૦. કોઠાસૂઝ અને અન્યના સકારાત્મક અનુભવોમાંથી શીખવાની મનોવૃત્તિનો અભાવ.

૧૧. હારની બીક

૧૨. લોકનિંદાનો ભય

૧૩. ધૈર્યનો અભાવ

૧૪. કર્મમાં ખૂંપી જવાની ભાવના પ્રત્યેની વિમુખતા

૧૫. શંકાશીલતા

૧૬. કેવળ ભાગ્યવાદી દ્રષ્ટિકોણ

૧૭. નિષ્ફળતા મળશે તો ઉજ્જવળ ભવિષ્ય જોખમાશે એવી કલ્પના

૧૮. પ્રયત્નોમાં સાતત્ય અને ટકી રહેવાની વૃત્તિનો અભાવ

૧૯. દ્વિધાયુક્ત માનસ

૨૦. ઉચિત નિર્ણયશક્તિની ગેરહાજરી

૨૧. બેબુનિયાદ અપેક્ષાઓ.

આ સિવાયના પણ અધિક કારણો હોઈ શકે.

માણસે નિષ્ફળતાબાદ તેનાં કારણોનું વિશ્લેષણ કરવું જોઇએ. એ વિશ્લેષણમાંથી માણસના પ્રયત્નોમાં કાર્યશૈલીમાં, આયોજનમાં, સાધનોની ઊણપમાં ક્યાં ખોટ રહી ગઈ. તેનો ખ્યાલ આવી શકે.

પણ મોટાભાગના માણસો આવું મનોમંથન આત્મવિશ્લેષણ, આત્મમૂલ્યાંકન કરવાને બદલે ભાગ્યને માથે દોષનો ટોપલો ઢોળી દે છે. કારણ કે એમ કરવાનું સરળ છે. પરાજયના કારણો સમજવા માટે શ્રમ નહીં કરવાનું બહાનું મળી જાય છે. સરળતા અને કઠિનતા બન્નેમાંથી એકની પસંદગી કરવાની હોય તો કાચો પોચો માણસ સરળતા તરફ જ કદમ માંડવાનું વિચારશે.

માણસે અસફળતાને પચાવવા માટે વૈજ્ઞાનિકોનો આદર્શ સ્વીકારવો જોઇએ. તેમના કેટકેટલા પ્રયત્નો નિષ્ફળ જાય છે, તેમ છતાં તેઓ પ્રયત્નમાં રહેલી ક્ષતિઓ સુધારી અંતે નવી શોધ જગતને ભેટ ધરવામાં સફળ થાય છે. શ્રી રામલાલ વિવેકની એ વાત સાચી છે કે માણસને પોતાના જીવનમાં સફળતા ન તો ભાગ્યથી મળે છે કે ન કોઈ ચમત્કાર કે ન તો અનુકંપાથી પ્રાપ્ત થાય છે. સફળતા માટે દરેક માણસે જાતે જ કઠોર પરિશ્રમ કરવો પડે છે.

આધુનિક યુગમાં સ્વાવલંબન એ શરમનો વિષય બની રહ્યું છે. માણસને બધું 'રિમોટ'થી ચલાવવું છે. બંગલાનો દરવાજો પણ 'રિમોટ કંટ્રોલ'થી ખૂલે અને રિમોટ કંટ્રોલથી જ બંધ થાય. માણસ સેલ્ફ કંટ્રોલ ગુમાવે અને રિમોટ કંટ્રોલને અધીન થાય ત્યારે તેનું મનુષ્ય તરીકેનું હીર-ખમીર ખતમ થઇ જાય છે. માણસને ખપે છે જીત પણ એની કર્મયાત્રા શરૂ થાય છે જીત પ્રત્યેની શંકાથી. પરિણામે હારના હાનિકારક વિચારો એના મનનો કબજો લઇ એની સંકલ્પ શક્તિમાં ગાબડાં પાડવાનું શરૂ કરી દે છે.

અને નિષ્ફળતા મળે ત્યારે માણસ ભાગ્યને દોષ આપવાનું શરૂ કરી દે છે. સફળતા મળે તો સ્વપ્રયત્નોને બિરદાવવાના અને નિષ્ફળતા મળે તો ભાગ્યને ભાંડવાનું. આ બન્ને પ્રવૃત્તિઓ વ્યર્થ અને બિનઉત્પાદક છે. આપણે જીતના ચક્રવ્યૂહમાં પ્રવેશવાનું એક જ દ્વાર વિચારતા હોઈએ છીએ, કારણ કે મન જીતપ્રાપ્તિ માટે અમુક ઉપાયો વિચારવાનું બંધાણી બની ગયું હોય છે. મનનું બંધિયારપણું અને બંધાણીપણું બન્ને ખતરનાક છે. જિંદગીના શ્રેષ્ઠ પુરસ્કારો પથ્થરની ઉપર નહીં, પથ્થરની નીચે છુપાયેલા હોય છે. આપણી હારનું કારણ ભાગ્ય છે એમ જિંદગીને ફોસલાવી ફોસલાવીને જીવવાની આપણી આદત છે.

જિંદગી પતંગ છે અને જવાબદારીઓ દોરી. દોરી જેટલી મજબૂત હશે, તેટલો પતંગ હવાને પડકારતો અને આડે આવતી કમજોર દોરીઓનો સામનો કરતો ઊંચે ઊડી આભને આંબવાની કોશિશ કરશે.

ભાગ્ય વિષયક જાતજાતની ઉક્તિઓ જોવા મળે છે. અંતે ભાગ્ય શું છે ? એનો સંબંધ પણ અંતે તો કર્મ સાથે જ છે. સંચિત કર્મોનો સારો-માઠો અંશ જે તે જન્માંતરમાં માણસે ભોગવવો પડે છે. તેને જ ભાગ્ય તરીકે ઓળખવામાં આવે છે.

એટલે કે ભાગ્ય ફળવાનું હોય તો ય કર્મ દ્વારા જ ફળવાનું છે એટલે કર્મમાં શ્રધ્ધા રાખનારે નિરાશ થવું પડતું નથી. નિષ્ફળતામાં ભાગ્યને દોષ આપવો એ અવાંછનીય છે. ભાગ્ય પણ પુરુષાર્થ વગર ફળતું નથી.