- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- માણસ પોતાના બચાવમાં વ્યર્થ દલીલો કરે છે એને બદલે સત્યાચરણ કરતો હોત તો જગતના અડધા ઝઘડા આપોઆપ શમી જાય!
આજનો માણસ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બહાનાંબાજીનો આશરો લેતો થઇ ગયો છે, એમ કેમ?
પ્રશ્નકર્તા : શરદ શાહ, સાયંસ સીટી રોડ, અમદાવાદ
વાં ક કે ભૂલનો ખુલ્લા મને, ખુલ્લા દિલે સ્વીકાર કરવા માટે પણ નૈતિક હિંમત જોઇએ. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. માણસ જાણે અજાણે ભૂલો કરતો જ હોય છે. અજાણતાં થતી ભૂલ ક્ષમ્ય પણ જાણી જોઇને કરાતી ભૂલો પાછળ કોઈ બદઇરાદો કામ કરતો હોય છે. એવો બદઇરાદો કોઇને તન-મન-ધનથી કરાતી બદનીયત, વેરવૃત્તિ, ઇર્ષ્યા, દ્વેષ કે વ્યક્તિને બદનામ કરવાની પ્રવૃત્તિથી પ્રેરિત હોય છે.
શરતચૂકથી કે અજાણતાં થયેલી ભૂલ આત્મદર્શનનો મોકો બને તો માણસ ભૂલ બદલ પશ્ચાતાપ કરી હૃદય શુધ્ધિ મન:શુધ્ધિ કેળવી શકે. ભૂલ ભોળપણમાં કે ગેરસમજમાં પણ થઇ શકે. એવી ભૂલ ક્ષમાપાત્ર પણ ગણી શકાય.
ભૂલ એ અમુક વસ્તુ વારંવાર કરવાનો પરવાનો નથી, પણ મનોમન એવી કાળજી રાખવાની ચેતવણી છે કે તેવી ભૂલનું પુનરાવર્તન ન થાય. એક જ ઠેકાણે એક જ પથ્થરથી બે વાર ઠોકર ખાવી એ બેદરકારી છે. ભૂલો કરનાર મોટાભાગે બહાનાખોર હોય છે. એવા ભૂલકર્તાઓને બહાનાંનો આશરો લઇ ભૂલો કરવાની ટેવ પડી ગઇ હોય છે.
કામ કરે તેની જ ભૂલ થાય પણ ભૂલ ઇરાદાજન્ય હોય તો તેનો બચાવ કરી શકાય નહીં. કેટલાક માણસો નફ્ફટ હોય છે. ભૂલ કર્યાનો એમને અફસોસ હોતો નથી. એટલે ભૂલ સ્વીકારવાને બદલે વ્યર્થ દલીલબાજીમાં ઊતરી પોતાને નિર્દોષ સાબિત કરવાની કોશિશ કરે છે. એક હોટલવાળાને શાકમાં વંદો નીકળ્યાની ફરિયાદ ગ્રાહકે કરી ત્યારે એણે નિર્લજ્જતાપૂર્વક બચાવ કરતાં કહ્યું કે એક વાડકી શાકમાંથી તો વંદો જ નીકળે ને, થોડો હાથી નીકળવાનો હતો ? માણસને પોતાની ક્ષતિ, ભૂલચૂક કે વાંક સમજાય છે પણ ખરો, પરંતુ માણસને સારા દેખાવુ જેટલું પસંદ હોય છે, તેટલું સારા રહેવું પસંદ હોતું નથી. પરિણામે પોતે જો ક્ષતિ કે ભૂલચૂકનો સ્વીકાર કરશે તો તેને કારણે પોતાને આર્થિક, સામાજિક પ્રતિષ્ઠાગત કે અન્ય રીતે નુકશાન પહોંચશે એવો ભય અને સ્વાર્થ એને સત્યના માર્ગે આગળ ન વધવાનું પ્રલોભન આપે છે. પોતાની ભૂલ કે દોષનો ટોપલો બીજાને માથે ઢોળી દેવાથી જો એ ચાલ સફળ થાય તો બીજો દંડાય અને પોતે સલામત રહે ! આવું સીધું સ્વાર્થપ્રેરિત ગણિત માણસ અજમાવતો હોય છે.
માણસને તેની ભૂલ દર્શાવવામાં આવે ત્યારે તે ભૂલ દર્શાવનાર પ્રત્યે નારાજ થઇ જાય છે. ભૂલ દર્શાવનારને એ શત્રુ માને છે. ઘણીવાર ભૂલ દેખાડનાર પણ અહંકાર, અભિમાન કે વડીલપણાના વટમાં ઠપકો કે અપમાન સાથે સ્વજનોને ભૂલ દેખાડે છે.
ભૂલ દેખાડવી એ પણ એક જવાબદારીપૂર્વક અદા કરવાની કલા છે. એમાં સલાહ પણ એ રીતે આપવી જોઇએ કે ભૂલ કરનારને કઠે નહીં. ભૂલ દર્શાવવા માટે સત્ય પણ મિત્ર બનીને કહેવું જોઇએ. ઘણાં બધાં માણસોની વચ્ચે મોટેથી બોલીને દર્શાવવામાં આવેલી ભૂલથી ભૂલ કરનારની માનહાનિ થાય છે તેને વધારે ખોટું લાગી જાય છે. એટલે એને એકલો હોય ત્યારે આત્મીયતાપૂર્વક ભૂલનો નિર્દેશ કરવાથી, તે સત્ય સમજે અને સ્વીકારે એવી સ્થિતિ સર્જાય છે. ભૂલ કરનારને સુધરવાનું મન થાય છે.
ભૂલ જો સુધરવાનું નિમિત્ત બને તો પ્રગતિકારક સિધ્ધ થાય છે અને જો વધુ બગડવાનું નિમિત્ત બને તો એ વિઘાતક બની શકે છે.
ભૂલ ક્ષમાપાત્ર હોવા છતાં માણસ પોતાનો ભૂલનો મુક્ત અને એકરાર કેમ નથી કરતો ? એનું એક કારણ છે સજાનો ડર. માણસ સજાથી બચવા ખાતર ભૂલ છાવરવાની પ્રવૃત્તિ કરે છે. રીઢા ગુનેગારોને ભૂલ કર્યાનો અફસોસ નથી હોતો. ભૂલનો સ્વીકાર કર્યાથી સમાજમાં પોતાની બદનામી થશે, પોતે હલકટ સાબિત થશે, એવા ભયથી પ્રેરાઇને માણસ ભૂલ સ્વીકારવાનું ટાળે છે.
સત્ય સસ્તામાં મળતું નથી કે સત્યના ઉપાસકને સાચકલાપણાનો શિરપાવ મફતમાં મળતો નથી. સત્ય માણસને તાવે છે, એની પરીક્ષા લે છે અને એ અગ્નિપરીક્ષામાં ટકી રહેનાારને ઘણું બધું સહેવું પડે છે. માણસ કર્મ કરવા જેટલો થનગને છે, તેટલો કર્મનાં વિઘ્નો કે કર્મજન્ય વિપરિત પરિણામો સહેવા તૈયાર હોતો નથી. પરિણામે એનું લલાટ યશતિલક સુલભ હોય, પણ અપયશ પોતાથી સાવ અળગો રહે એની ચિંતા રાખે છે. અપયશ પાત્ર કૃત્ય કર્યા કે થયાનું જાણ્યા છતાં માણસનો સ્વાર્થ એને કાર્યની જવાબદારી અને તેનાં પરિણામોમાંથી છટકવા માટેનું બળ પૂરું પાડે છે. શિક્ષણ આખરે તો તેનામાં નિર્ભયતા અને નૈતિક હિંમતપૂર્વક વ્યક્તિત્વ ઘડતર માટે જ છે, પણ માણસ પોતાના દંભનો કારણે બધું વિસરી જાય છે, અને ભૂલના બહાના શોધવા માંડે છે.
આપણો સમગ્ર જીવનવ્યવહાર બહાનાંબાજીની રાવણલીલા છે. પોતાની પ્રત્યેક કમજોરી, અણઆવડત, ભૂલચૂક, પલાયનવૃત્તિ, બેજવાબદારી, પ્રમાદ, અપ્રામાણિકતા અને કર્તવ્યવિમુખતાને ઢાંકવા માટે દલીલો અને બચાવો તથા બીજા પર તથ્યવિહોણા આક્ષેપ કરવાની સાધનસામગ્રી આપણે પૂરતા પ્રમાણમાં 'હાજર સ્ટોકમાં' રાખીએ છીએ.
અને આપણે આપણા ગળામાં આવનાર પ્રત્યેક ગાળિયા માટે અન્ય 'ગળુ' શોધી કાઢવા માટે તત્પર રહીએ છીએ. આવું વર્તન એ કાયરતા છે, ભીરુતા છે, પલાયનવૃત્તિ છે અને એટલે જ એ નિંદનીય છે.
સત્ય માટે મૂલ્ય ચૂકવનારા મહાન આત્માઓના નૈતિક હિંમતના પ્રકાશથી જ આ ધરતીનો અંધકાર ઘટતો રહ્યો છે. બહાનાખોર, બોદા પામર માનવીઓના ધૃણિત વ્યવહારે તો અંધકારમાં વધારો જ કર્યો છે. વાંક કે ક્ષતિ કે ભૂલ એ આત્મદર્શનો અવસર છે. ખોટા પ્રયત્નોથી નિર્દોષ ઠરવાનો નહીં, પણ કરેલા કાર્યની જવાબદારી સ્વીકારીને તેનાં પરિણામો માટે તૈયાર રહી એવી ભૂલ પુન: નહીં કરવાનો સંકલ્પ એ જ માણસાઈનું ગૌરવ છે. દોષ ઢોળનારા નહીં, દોષ ધોઇને ઉજળા થનારા જ સાચુકલા માનવીઓ છે.
આજનો માણસ હૃદય કરતાં બુધ્ધિના વર્ચસ્વથી વધુ પ્રભાવિત છે. હૃદય તેને ક્ષમાપ્રિય બનાવે છે. બુધ્ધિ અમુક વર્તનને હઠ, વટ, પ્રતિષ્ઠા કે અહંકારનો વિષય બનાવવા પ્રેરે છે. એટલે આજનો માણસ સ્વાર્થવશ ભૂલને છાવરવામાં અધિક લાભ લે છે. સત્તાને બળે, પૈસાના બળે, વર્ગ વર્ચસ્વના બળે ભૂલ કરનારા કોઇને કોઈ રીતે નિર્દોષ ઠરે છે અને સાક્ષી પુરાવાને અભાવે બા-ઇજ્જત કેદમુક્ત પણ થાય છે. એ જોઇને સમાજમાં એક ખોટો સંદેશો ફેલાય છે કે ભૂલો કરો પણ જો તમે એને છાવરવામાં કામયાબ નીવડો તો ભૂલ પણ દુર્ગુણને બદલે સદ્ગુણમાં ખપી જશે.
ભૂલ થવી એ શરમજનક નથી, પણ ભૂલ થવા છતાંય આત્મદર્શન ન કરવું, ભૂલમાંથી બોધપાઠ ન લેવો અને એકની એક ભૂલ વારંવાર કરવી એ શરમજનક છે.
ભૂલ એ ગુરુ છે, એટલા માટે કે એ માણસની જાગૃતિનું નિમિત્ત બને છે. ભૂલ માણસને હચમચાવી શકે તો માણસનો એક 'નવો અવતાર' પણ બની શકે. સંતો કે મહાપુરુષોના ઉપદેશથી ચોર-લૂંટારા ડાકુઓ વગેરેનાં જીવનમાં પરિવર્તન એટલા માટે જ શક્ય બન્યું છે.
સારાંશ એ જ કે માણસો પોતાની જાતનું અતિ મૂલ્યાંકન કરવાને બદલે સમજણ અને પોતાનાથી થયેલી ભૂલનો વિવેકપૂર્વક સ્વીકાર કરી એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ભૂલને સજાપાત્ર કે મજાપાત્ર માનવાને બદલે જીવનની વાસ્તવિક્તા માની જવાબદારીપૂર્વક વર્તવું એ પોતાની જાતને સન્માનિત કરવાનો હાથવગો ઉપાય છે. ભૂલ એ દેવી છે. જે ઘણું બધું માણસને શીખવી જાય છે.


