Get The App

પ્રામાણિકતા ટકાવી રાખવા શું કરવું? આજીવન પ્રામાણિક રહી શકાય?

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- પ્રામાણિકતાનો માર્ગ કોઈ 'રાજપથ' નથી, પણ પવિત્રતાના પ્રસ્વેદથી તૈયાર કરવાનો 'કર્મપથ' છે. પ્રમાણિકતા બજારમાં વેચાતી નથી, પણ સત્ય દ્વારા એનો વિનિમય થઇ શકે છે. સદાચારની બેંકમાં એ સુરક્ષિત રહી શકે છે

Updated: Sep 1st, 2020

GS TEAM

Google News
Google News
પ્રામાણિકતા ટકાવી રાખવા શું કરવું? આજીવન પ્રામાણિક રહી શકાય? 1 - image


* પ્રામાણિકતા ટકાવી રાખવા શું કરવું ? આજીવન પ્રામાણિક રહી શકાય ?

* પ્રશ્નકર્તા : શ્રી અજયસિંહ આઇ. રાવત, મહાવીર નગર, મહાકાલી મંદિર રોડ, હિંમતનગર-૧ (સાબરકાંઠા)

'પ્ર માણ'નો કોશગત અર્થ છે યથાર્થ જ્ઞાાનનું સાધન, પુરાવો, સાબિતી, ધોરણ, સત્ય, માન્ય કરવા યોગ્ય. પ્રમાણ ઉપરથી 'પ્રમાણિક' શબ્દ વપરાય છે અને પ્રમાણિકતા પણ. પરંતુ શુદ્ધ શબ્દો પ્રામાણિક, પ્રામાણિકતા પ્રામાણિકપણું એવું શબ્દકોશો દર્શાવે છે. પ્રામાણિક શબ્દ સાચું, ઇમાનદાર એવો ભાવ પણ સૂચવે છે. 'ભગવદ્ ગોમંડલ' ભાગ-૬માં 'પ્રમાણ' શબ્દના ૫૪ અર્થ આપવામાં આવ્યો છે.

પ્રમાણ એટલે યથાર્થજ્ઞાાન એ સંદર્ભે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ ચાર પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. ઇંદ્રિયો દ્વારા જે જ્ઞાાન થાય તે પ્રત્યક્ષ. લિંગ એટલે કે લક્ષણ એ થકી પ્રત્યક્ષ જ્ઞાાન ઉત્પન્ન થાય તે જ્ઞાાન અનુમાન.

કોઈપણ જાણેલી વસ્તુના સમાણપણાથી બીજી કોઈ વસ્તુનું થતું જ્ઞાાન, જે પ્રમાણથી થાય તેને ઉપમાન કહેવાય છે. ધર્મશાસ્ત્રોએ પણ કેટલાક વહેવાર કે આરોપોનો નિર્ણય કરવામાં ચાર પ્રમાણ માનેલાં છે. ૧. લિખિત કે દસ્તાવેજી, ૨. ભુક્તિ એટલે કે માલિકી, ૩. સાક્ષ્ય, ૪. દિવ્ય. જૈન ધર્મમાં સમ્યક્ જ્ઞાાન એટલે કે સાચા જ્ઞાાનનું આગવું મહત્ત્વ છે. પ્રમાણ બે પ્રકારે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. મતિજ્ઞાાન, શ્રુતજ્ઞાાન, અવધિજ્ઞાાન, મન:પર્યાયજ્ઞાાન અને કેવળજ્ઞાાન એમ પાંચ પ્રકારનાં જ્ઞાાન માનવામાં આવ્યાં છે.

માણસ 'નીતિવાન' હોવો જોઇએ, એનો અર્થ છે કે તેનામાં અભયતા, મૃદુતા, સત્ય, સરળતા, કરુણા, ધૈર્ય, અનાસક્તિ, સ્વાવલંબન, પોતાની જાત પરનો કાબૂ, સહિષ્ણુતા, કર્તવ્યનિષ્ઠા, પરિગ્રહનો અભાવ, અને પ્રામાણિકતા જેવા શ્રેષ્ઠ અને પવિત્ર ગુણો હોવા જોઇએ. પ્રામાણિક વ્યક્તિ સાચા અર્થમાં શૂરવીર ગણાય છે. એટલે જ કહેવાય છે કે યુદ્ધ જીતવાથી કોઈ શૂરવીર નથી બની જતો, કારણ કે યુદ્ધ તો છળકપટથી પણ જીતી શકાય છે.

શાસ્ત્રોના અભ્યાસથી કોઈ પંડિત નથી બની શક્તો કારણ કે માણસ જ્ઞાાન ન જીરવે તો પ્રપંચી કે પાખંડી બની શકે છે. વાક્પટુતા એટલે વાક્કૌશલ્યથી કોઈ સાચો વક્તા બની શક્તો નથી, કારણ કે એવા વક્તાની કથની અને કરણીમાં અંતર હોઈ શકે ! કેવળ ધનદાન આપવાથી કોઈ દાની નથી બની શક્તો.

કારણ કે દાન પાછળ પ્રતિષ્ઠા અને કીર્તિની લાલસા પણ જોડાએલી હોઈ શકે ! પણ જે મન, વચન, કર્મ, વાણી, વ્યવહાર અને વર્તનમાં સત્ય અને પવિત્રતાનો સતત ખ્યાલ રાખે તો સાચો નેક કે પ્રામાણિક. જે સમાજ, જ્ઞાાતિ, ધર્મ, સંપ્રદાય કે દેશમાં પ્રામાણિક માણસોની સંખ્યા વધુમાં વધુ હોય તે દેશ ધર્મનિષ્ઠ અને નેકનીયત ગણાય. સતયુગ કોઈ યુગ વિશેષનું નામ નથી, પણ સત્યને માર્ગે ચાલતા, જીવતા અને સત્ય ખાતર સર્વસ્વનું બલિદાન આપવા તત્પર માનવીઓની મહાનતાનું નામ છે. 

પ્રામાણિકતા એ સત્યનિષ્ઠ વ્રત છે, અને તે ત્યાગ, બલિદાન, પવિત્રતા, પરોપકાર, સૌજન્ય, સેવાભાવ અને મનની શુદ્ધિ વગર સિદ્ધ થઇ શક્તું નથી. 'સત્યનારાયણ'ની વ્રત કથામાં સત્યવ્રતનું પાલન કરી આત્મોદ્ધાર પામનાર સત્યવ્રતીઓ એટલે કે પ્રામાણિક વ્યક્તિઓની કથા આલેખવામાં આવી છે.

મહાન પ્રજ્ઞાાસંપન્ન રાજા શતાનંદ નામના બ્રાહ્મણે સત્યનારાયણ વ્રતનું આજીવન પાલન કરી બીજા જન્મ સુદામા નામે બ્રાહ્મણનો જન્મ ધારણ કરી શ્રીકૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષત્વની પ્રાપ્તિ કરી. કઠિયારા ભીલે ગુહોનો રાજા બની બીજા જન્મમાં શ્રીરામની સેવા કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. મહારાજા ઉલ્કામુખે બીજા જન્મમાં રાજા દશરથ તરીકે જન્મ્યા અને ભગવાનની પૂજા કરી અંતે વૈકુંઠ પ્રાપ્ત કર્યું. મહારાજ તુંગધ્વજ જન્માંતરમાં ભગવત્સંબંધી સઘળાં કાર્યોનું અનુષ્ઠાન કરી વૈકુંઠવાસી બન્યા.

આવી પ્રામાણિકતા કે સત્યનિષ્ઠા કેવી રીતે ટકાવી શકાય ? માણસે પાયાની એ વાત યાદ રાખવી જોઇએ કે તેનું મન જ તેનો મિત્ર છે અને મન જ તેનો શત્રુ મન માણસમાં કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર એટલે કે અદેખાઈ ઉત્પન્ન કરે છે એટલે મનના નિગ્રહ અથવા નિયંત્રણ માટે સંયમ કેળવવો, અનાસક્તિ દ્વારા લોભ-મોહથી મુક્ત રહેવું, સદ્સાહિત્યનું વાંચન કરવું, પવિત્ર સાધુ સંતોના જીવનનું પ્રેરણાત્મક અધ્યયન કરવું, અર્થલોભ, પ્રશંસા અને દંભથી બચવું, સેવા પરોપકાર, સાદગી, સર્વધર્મસમભાવ, પરમ તત્ત્વમાં અખૂટ શ્રધ્ધા, નિસ્વાર્થ પ્રેમ, નિર્દંભતા અને કથની-કરણીમાં એકતા તથા ઉદાત્ત જીવનમૂલ્યોનું મન-વચન-કર્મથી અનુપાલન મતલબ કે માનવને છાજે તેવું ઉદાત્ત વર્તન, મન-વચન-કર્મથી નેકી ન લોપાય તેવી સાવધાની. સંસારમાં રહેવા છતાં સ્વાર્થના સંસારને અંદરથી પાળવા-પોષવાની વૃત્તિ માણસને અપ્રમાણિક બનાવે છે એટલે 'સ્વાર્થાચાર'ને બદલે 'સદાચાર'ના પાલક બનવાથી પ્રામાણિક રહી શકાય છે.

સંત બનવા માટે સંસારત્યાગ કરવાની કે ધર્માલય અથવા આશ્રમ સ્થાપવાની જરૂર નથી. રાજા જનક સંસારી હતા, છતાં 'વિદેહી' કહેવાતા કારણ કે તેઓ જ્ઞાાની અને મન-વચન-કર્મથી પરિશુદ્ધ અને અનાસક્ત હતા. રાજા હરિશ્ચંદ્ર, રાજા રંતિદેવ, દધીચિ જેવા પવિત્ર મહાનુભાવોએ સત્ય અને ધર્મ ખાતર સર્વસ્વનું બલિદાન આપવાની તૈયારી રાખી હતી.

માણસ કરવા જેવું ન ભૂલે અને ન કરવા જેવું સદંતર ત્યજે એવો વિવેક કેળવે તો આજીવન પ્રામાણિક રહી શકે. આજીવન પ્રમાણિક રહેવું અશક્ય નથી એ વાત મહાત્મા ગાંધીજી, રવિશંકર મહારાજ, ભગવાન સ્વામિનારાયણ સંત જલારામ, સહિત અનેક વિભૂતિઓ, સંતો અને પવિત્ર ગૃહસ્થોએ જીવનમાં યથાર્થ કરી બતાવી છે. પ્રામાણિકતાનો માર્ગ કાંટાળો છે, અત્યંત કઠિન છે, ત્યાગ અને સમર્પણ તથા સહિષ્ણુતા માગે છે. એ સ્વીકારવા તૈયાર હોય એવા વીરલાઓ જ આજીવન પ્રામાણિક રહી શકે.

મહાત્મા ગાંધીજી સમર્પણનો મહિમા સમજાવતાં કહેતા કે 'તે' એટલે કે પરમાત્મા જેમ રાખે તેમ રહેવું જોઇએ. જો તે ઉકળતા તેલમાં હાથ નાખવાનું કહે તો આપણે ખુશીથી તેમ કરવા તૈયાર રહેવું જોઇએ. આજનો માણસ સદાચાર ભૂલ્યો છે એટલે વિશ્વમાં દુરાચારીઓની મોટી ફોજ વકરી અને વધી રહી છે. અંદરથી અને બહારથી બન્ને રીતે જે શાન્ત, પ્રસન્ન, વિવેકશીલ, વૈરાગ્યનિષ્ઠ અને માણસાઈનો ઉપાસક રહેવા તત્પર હોય તે પ્રામાણિક રહી શકે.

Tags :