Get The App

''વચનની કિંમત ખરી? વચન આપતી વખતે વ્યક્તિએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?''

Updated: Jan 31st, 2023

GS TEAM


Google News
Google News
''વચનની કિંમત ખરી? વચન આપતી વખતે વ્યક્તિએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?'' 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- ''બડે વચન પલટૈ નહીં, કહિ નિર્વાહે ધીર, કિયો વિભીષણ લંકપતિ, પાય વિજય રઘુવીર.'' - કવિ વૃંદ

* ''વચનની કીંમત ખરી ? વચન આપતી વખતે વ્યક્તિએ શું ધ્યાનમાં રાખવું જોઈએ ?''

* પ્રશ્નકર્તા: રક્ષિત વોરા ક્ષિતિજ, સી.જી. ૫૩ કેપિટોલ ફલોરા, કેપિટોલ આઈકોન પાછળ, મુ. સરગાસણ (જિ. ગાંધીનગર)

વા ણી એ વિભૂતિએ આપેલું વરદાન છે. શબ્દ એ બ્રહ્મ છે એટલે ભ્રમમાં રહીને તેનો ઉપયોગ કરવો ન જોઈએ. બકવાસ એ વાણીના દુરૂપયોગનો નિકૃષ્ટતમ પ્રકાર છે. લોકો વાત વાતમાં 'પ્રોમીસ' શબ્દ બોલી નાખે છે પણ જ્યારે ખરાખરીનો ખેલ આવે ત્યારે ત્યારે માણસ શબ્દો ફેરવી તોળે છે. રાજકારણીઓ ઢાલાં વચનો આપવાના વાક્સમ્રાટ હોય છે. વચનોનો ઉપયોગ કોઈને રિઝવવા માટે પણ થાય અને ભોળવવા માટે પણ થાય. યૌવનના આવેશ અને જોશ તથા ઉલ્લાસમાં 'આઈ લવ યુ' સરળતાથી કહી દે છે પણ એવા વચન પાલનમાં વિઘ્ન આવે ત્યારે પોતાની વાતને વળગી રહેવામાં ઊણા ઉતરે છે. પિતાને માતા કૈકેયીને આપેલા વચન ખાતર કૈકેયીની માગણી પૂરી કરવા અને પિતાના વચનની લાજ રાખવા ભગવાન રામચંદ્રે સ્વેચ્છાએ વનવાસ સ્વીકારી આદર્શ પુત્રનો ધર્મ અદા કર્યો હતો. એટલે તો સંત મહા કવિ તુલસીદાસે લખ્યું હતું: 'રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાન જાય પર વચનું ન જાય.'

મોટા-મોટા ભક્તો, સંતો, મહાત્માઓ પોતાના સત્યવ્રત ખાતર, વચનપાલનનો ધર્મ નિભાવી અનેક કષ્ટો વેઠવા તૈયાર થયા હતા પણ વચનભ્રષ્ટ થયા નહોતા. વચનપાલન એ માણસના વ્યક્તિત્વની ઈમાનદારી પામવાનું 'વચનોમીટર' છે. વચનપાલન એ માણસની સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને અંતઃકરણની પવિત્રતાનો પુરાવો છે. માણસ અમુક સારાં કામ કરી તેની 'પબ્લિસિટી' કરે છે અને સત્કૃત્યાને વટાવી ખાય છે. આ પ્રકારનું વર્તન સ્વાર્થી હોય છે અને જાત પ્રત્યેની છેતરપીંડી એટલે કે આત્મપ્રવંચના હોય છે.

ગુજરાતના પૂર્વ રાજ્યપાલશ્રી શ્રીમન્ન નારાયણજીને ઉચિત જ કહ્યું છે કે,

''જીત હાર કુછ ભી મિલે,

રખના આપની આન,

ડટા રહે નિજ વચન પર

નર કી યહ પહચાન''

વચનની કીંમત છે. આપેલું વચન પાળે ને નર નહીં તો વચનને ફોગટ બનાવે તે ખર. ઘણા માણસો ''વચનેષુ કિમ્ દરિદ્રતા''નો સ્વાર્થી સિધ્ધાંત અપનાવી બોલવામાં બહાદુરી દેખાડી બીજાને આંજવાની કોશિશ કરે છે અને વ્યર્થ વચનો આપે છે. સભાઓમાં માન-સન્માન પ્રાપ્ત કરવા ઘણાં લોકો મોટાં-મોટાં દાનની ઉદ્ઘોષણા કરી તાલીઓ ઝિલે છે પણ પૈસા આપવામાં ઠાગા-ઠૈયા કરી પોતાના વચનનું અપમાન કરે છે.

લગ્નની સપ્તપદીના ફેરા એ વચનો છે જેમાં વર કન્યા પ્રેમ, વફાદારી, પરસ્પરને અનુકૂળ થઈ રહેવાનાં વચનો આપે છે પણ દામ્પત્ય-જીવનમાં એનું ભાગ્યે જ પાલન થાય છે. સત્યવાનના જીવને યમરાજા લઈને પ્રસ્થાન કરે છે ત્યારે સાવિત્રી તેમની પાછળ-પાછળ જાય છે. યમરાજ તેને રોકે છે ત્યારે વચનની કીંમતનું મૂલ્ય દલીલરૂપે રજૂ કરતાં સાવિત્રી કહે છે -

''નિયતે મે ભર્તારં,

સ્વયંવા યત્ર ગચ્છતિ,

મયા લગ ગંતવ્યમ્

એષઃ ધર્મ સનાતન''

અર્થાત્ મારા પતિને જ્યાં લઈ જવામાં આવે કે તેઓ જાતે જાય, ત્યાં મારે પણ જવું જોઈએ, એ મારો સનાતન ધર્મ છે મતલબ કે લગ્ન સમયે સપ્તપદીમાં મેં આપેલું વચન છે અને યમરાજની આ દલીલરૂપી વચન સામે બોલતી બંધ થઈ જાય છે.

શાસ્ત્રોમાં મધુર વચનોનું મહત્વ સુંદર રીતે સમજાવ્યું છે. એક શબ્દ બાળે છે, એક શબ્દ ઠારે છે, એક શબ્દ તારે છે, એક શબ્દ ડૂબાડે છે. એક શબ્દ પાપી બનાવે છે એક શબ્દ પુણ્યશાળી બનાવે છે એટલે વચન કે શબ્દનો ઉપયોગ અને પ્રયોગ જવાબદારીપૂર્વક કરવો જોઈએ.

સંત કવિ કબીરદાસ કહે છે -

''મધુર વચન હૈ ઔષધી,

કટુક વચન હૈ તીર,

શ્રવણ દ્વાર હૈ સંચરે,

સાલે સકલ શરીર.''

અપર માતાના કટુવેણ સાંભળી ભગવાનને પ્રસન્ન કરવા આકરુ તપ કરવા વનમાં ગએલા ધુ્રવની કથા જાણીતી છે તેમ પિતાનો ટોણો સાંભળી યમને રિઝવી પોતાના મુંઝવણનો ઉકેલ આણવા યમના દરવાજે ભૂખ્યો-તરસ્યો બેઠેલો નચિકેતાનું દ્રષ્ટાન્ત પ્રસિદ્ધ છે. વચન ભરોસોપાત્ર હોવું જોઈએ. બહાનાબાજીનું જીભવગું સાધન નહીં.

પ્રાર્થનામાં પણ વચનની કિંમત હોય છે. શુભ અને પવિત્ર હૃદયની વાણી ઈશ્વર સુધી પહોંચવાનો રાજમાર્ગ બને છે. સાચા હૃદયની પ્રાર્થના સાંભળી મીરાં, નરસિંહ મહેતા, દ્રૌપદી, પાંડવોની મદદે ભગવાન દોડી આવ્યાની કથાઓ લોકો શ્રધ્ધાપૂર્વક સાંભળે છે. મોટા માણસો કહે છે માટે તે સાચું જ હશે, એમ માની કોઈના વચનનો અંધવિશ્વાસ રાખવું એ હિતાવહ તે જ રીતે નાના બાળકની વાણીમાં પણ સચ્ચાઈ હોય તો તેનો આદરપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. વચનનો ઉપયોગ ઘા કરવા માટે નહીં પણ ઘા રુઝવનારા મલમ તરીકે કરાય તે તેનો સદુપયોગ છે.

શબ્દો બળતામાં ઘી ઉમેરવાનું કામ કરે છે. સામેની વ્યક્તિ ક્રોધમાં આડું-અવળું બોલે કે આક્ષેપો કરે ત્યારે મૌન ધારણ કરવાથી સામેની વ્યક્તિના ક્રોધને શાન્ત થવાનું નિમિત્ત મળે છે. પારિવારિક ઝઘડાઓમાં વચનોનું કાર્ય ઉશ્કેરણીજનક હોય છે. માણસે આપેલું વચન યાદ કરાવી સામેની વ્યક્તિની બોલતી બંધ કરી દે છે. જગતમાં વાયદાબાજોનો તોટો નથી એટલે તો 'પ્રોમીસરી નોટ' લખી આપી તેની સાથે આપેલો ચેક રિટર્ન થાય છે !

ફારસી કવિ હાફિજ સલાહ આપે છે કે આ નાશવંત જગતના જીવો પર એવી આસા ન રાખીશ કે તે આપેલું વચન પાળશે. તેઓ તને એકને નહીં હજારો લોકોને વચન આપે છે.

વચનનું વજન હોવું જોઈએ. જેમ કંજૂસ માણસ બરાબર વિચાર કરીને બોલે છે કે આપે છે તેમ વચનપાલનની તૈયારી રાખીને જોખી-જોખીને, સમજી-વિચારીને, શુદ્ધ દાનતને નજર સમક્ષ રાખીને વચન આપવું જોઈએ. મોટા માણસે આપેલા વચનમાં ક્યારેય પણ ફેરફાર કરતા નથી. કવિવૃંદ ભગવાન રામચંદ્ર અને રાવણના ભાઈ વિભીષણનો દાખલો આપતાં કહે છે -

''બડે વચન પલટૈ નહીં,

કહિ નિર્વાહે ધીર,

કિયો વિભીષણ લંકપતિ,

પાય વિજય રઘુવીર''

જીત્યા છતાં ભગવાન રામચંદ્રને લંકા નરેશ બનાવવાનું વચન પાળ્યું હતું. વાક્ શૂરો, વાક્ વીરો અને વચનવ્રતીઓમાં જે ફેર છે તે આ છે.

મહાદાની કર્ણ માગનારને યથેષ્ટ દાન કરવાની પ્રતિજ્ઞાાનું તેણે અક્ષરશઃ પાલન કર્યું હતું. ઈન્દ્ર અર્જુનના પિતા હતા. અર્જુનના વિજય માટે કર્ણનો પરાજય અનિવાર્ય હતો. કર્ણ જ્યાં સુધી કવચ-કુંડળ ધારી હોય ત્યાં સુધી કોઈ તેને હરાવી શકે નહીં એટલે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને કર્ણ પાસેથી ઈન્દ્રે કવચ-કુંડળ માગી લીધાં અને અર્જુને વચન પાલન ખાતર કવચ-કુંડળ ઈન્દ્રને આપી દીધા. બલિરાજાએ પણ વામનને આપેલા વચન મુજબ માંગેલી ધરતી આપી દીધી હતી.

'મૌન કા મહત્વ' દ્રષ્ટાન્તમાં શ્રી ગોયલજીને મૌનનું મહત્વ સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. વ્યાસજીએ એક લાખ શ્લોકોનું મહાભારત લખવાનો સંકલ્પ કર્યો, ત્યારે લેખનની જવાબદારી ગણેજીને સોંપી. વ્યાસજીએ વગર અટકે લખાવાનું હતું. લેખન કાર્ય સંપન્ન થયા મુજબ વ્યાસજીએ કહ્યું: મહામહિમ ગણનાયક, મહાભારત તો આપની કલમની પ્રસ્તુતિ છે. મેં તો કેવળ શબ્દોની સૃષ્ટિ કરી છે.

ગણપતિએ કહ્યું: ''મહર્ષિ, એવું નથી. આપ તો જ્ઞાાનની સાક્ષાત્ મૂર્તિ છો. શબ્દ બ્રહ્મનો સાક્ષાત કોશ છે મને ઠાલું ઠાલું - ઠાલું માન આપી રહ્યાં છો.''

વ્યાસજીએ કહ્યું, 'મને મૌનનું મહત્વ સમજાવો. ગણપતિએ કહ્યું: ઈંદ્રિયોનો દુરૂપયોગ ક્યારેય નહીં કરવો જોઈએ. ઉર્જા તથા દીર્ઘાયું પ્રાપ્ત કરવા માટે ઈન્દ્રિયોનો ઈંદ્રિય સંયમનું મહત્વ છે. વાક્ સંયમ સાથે લેવાથી અન્ય ઈન્દ્રિયોનો સંયમ આપોઆપ થઈ જાય છે. વધારે બોલવાથી ઘણીવાર વ્યર્થ અને વણકલ્પ્યા શબ્દો મોંમાંથી નીકળે છે. તેમાંથી રાગ, દ્વેષ, ઈર્ષ્યા, જેવા દુર્ગુણો વિકસે છે. એટલે યોગ્ય એ છે કે એક-એક શબ્દ સમજી-વિચારીને બોલવો જોઈએ.' મહર્ષિ વેદવ્યાસ વચન (મૌન)નું મહત્વ સાંભળી ખુશ થયા.

વચન આપતી વ્યક્તિએ નીચે દર્શાવેલી સાત બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.

૧. ઓછામાં ઓછા શબ્દો, શુદ્ધ હૃદયમાંથી નીકળે તેનું ધ્યાન.

૨. બોલતી વખતે અહંકાર અને આત્મપ્રવંચનનો ત્યાગ.

૩. પાળવાની શુદ્ધ દાનતથી જ વચન આપવું જોઈએ.

૪. વચનભંગ એ મહાપાપ છે એનો ખ્યાલ રાખવો.

૫. વચનપાલનની નિષ્ઠા. પ્રાણાર્પણે પણ વચન પાલનનો આગ્રહ

૬. વચન પાલન ખાતર પારાવાર કષ્ટો ભોગવવાં પડે તો તે ભોગવવાની તૈયારી

૭. કેવળ બકવાસ કે બણગાં ખાતર ઠાલા વચનો નહીં આપવાની કુટેવનો ત્યાગ.

Tags :