Get The App

ઈચ્છા ના હોવા છતાં લેવા પડતાં કેટલાંક નિર્ણયોનું રહસ્ય

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
ઈચ્છા ના હોવા છતાં લેવા પડતાં કેટલાંક નિર્ણયોનું રહસ્ય 1 - image

- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- દુષ્કૃત્યને આપેલી મૌન સંમતિ પણ માણસને પાપનો ભાગીદાર બનાવે છે

પ્રશ્ન : ઈચ્છા ના હોવા છતાં ઘણા નિર્ણયો કેમ સ્વીકારવા પડે છે ?

પ્રશ્નકર્તા : હારૂન ખત્રી, વોરાવાડ, જામખંભાળીયા.

મ નુષ્ય-સ્વભાવના કેટલાક ગુણો-દુર્ગણો જન્મજાત હોય છે, અને કેટલાંક ઉપાર્જિત એટલે કે પ્રાપ્ત કરેલા. આવા ઉપાર્જિત ગુણોમાં શિક્ષણ અને સત્સંગથી પરિવર્તન લાવી શકાય, પણ કેટલાક માણસોનું મનોબંધારણ કેટલીક દૂર ન કરી શકાય એવી મર્યાદાઓથી બંધાયેલું હોય છે, જેનો ઉપાય શોધવો મુશ્કેલ છે.

ધર્મશાસ્ત્રો કહે છે કે આત્માનો મૂળ સ્વભાવ સુખ-દુ:ખ, ઇર્ષ્યા-દ્વેષ, દગા-પ્રપંચ, વેરવૃત્તિ વગેરેથી પ્રભાવિત થતો નથી. જીવાત્માને સ્વભાવનાં બંધનો નડે છે. માણસ મૂળ સ્વભાવે પરિશુદ્ધ હોઈ એ સ્થિતિને પામવી એ જ આપણું હોવું જોઈએ.

ભ્રમિત બુદ્ધિ માણસના સ્વભાવને પણ ખોટી દિશામાં લઈ જાય છે, એટલે માણસ જેટલા અંશે પોતાની બુદ્ધિને સ્થિર બનાવી શકે તેટલા અંશે પોતાના સ્વભાવને પણ વશમાં આણી શકે. જ્યારે પ્રજ્ઞા સ્થિર બને ત્યારે સ્વભાવમાં શાલીનતા પ્રગટે, અવૈર જન્મે, જગત પ્રત્યેનો મૈત્રીભાવ વિકસે, સાચા-ખોટાની પરખ વિકસે, સદ્કૃત્ય અને દુષ્કૃત્યનો ભેદ પણ બરાબર સમજાઈ જાય... પણ હકીકતમાં આવું બધું જાણ્યા છતાં ઘણીવાર માણસ આંખ આડા કાન કરતો હોય છે.

માણસ સ્વાર્થવશ, આવેગવશ, આવેશવશ, અમુક કાર્યો કરવા તત્પર થાય છે ત્યારે એનામાંથી મોટે ભાગે વિવેકનો દીપક બુઝાઈ જતો હોય છે. પરિણામે ગમે તેવા કૃત્યમાં પણ મૌન રહીને સાથ આપતો હોય છે. સારા-નરસાનો ભેદ, યોગ્ય-અયોગ્યનો ભેદ સારી રીતે પીછાણતો હોવા છતાં ઘણીવાર માણસ એવા ભ્રમમાં જ રચ્યોપચ્યો રહે છે કે કોઈ કારણવશ કોઈકના શબ્દો કે વ્યવહાર એને સ્પર્શી જાય તો એ પોતાની જીવનનૌકાની દિશા બદલવા તૈયાર થઈ જાય છે.

ધર્મશાસ્ત્રોમાં એવાં ઢગલાબંધ ઉદાહરણો સંચિત છે જેમાં માણસ પાપમાર્ગેથી પાછો ફરી પુણ્યગામી બન્યો હોય અને શેતાનિયતનો સર્વથા પરિત્યાગ કરી સાધુત્વની ઊંચાઈનો આદર્શ એણે ચરિતાર્થ કરી બતાવ્યો હોય. પણ આવા બહુ થોડા આંગળીના વેઢે ગણી શકાય તેટલાં જ જોવા મળે છે.

માણસ સામાજીક પ્રાણી છે. એને લીધે જ માણસ કર્મરત બને છે. જ્યારે પરિણામનો વિચાર કર્યા સિવાય માણસ પોતાની એષણાઓનો ગુલામ બને છે. અને ત્યારે એષણાઓ તેને પોતાની રીતે નચાવે છે. આવી અપેક્ષાઓ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર પૈકી કયા અને કેટલા દુર્ગુણોનો સહારો લઈને માણસને લલચાવશે તેનો કોઈ અંદાજ હોતો નથી.

વિવેકભ્રષ્ટ માણસનો શતમુખે એટલે કે સો રીતે વિનિપાન અર્થાત્ પતન થઈ શકે- એ પણ હકીકત છે. એટલે માણસ પોતાની એષણાઓ-અપેક્ષાઓ પર કેટલો વિજય મેળવી શકે એ વાત પર તેની વર્તણૂકની પવિત્રતા આધારિત છે. કારણ કે અગણિત અપેક્ષાઓ આગળ નબળા મનનો માનવી સહેલાઈથી ઝૂકી જાય છે. અને વિવેકને ઝુકાવવા માટે સદાય તત્પર હોય છે. અને વિવેકને વીસરીને પોતાને ન ગમતાં દુષ્કૃત્યોની જાળમાં ફસાય છે.

એટલે જ રવીન્દ્રનાથ ટાગોરે એ વાત સમજવાના મહત્વ પર ભાર મૂક્યો છે કે વાસનાઓને બહેકવા ના દો. વાસનાઓ પ્રબળ બને ત્યારે મનુષ્યના તામસિક ગુણો પણ અતિ પ્રબળ બને છે. પરિણામે માણસ એવા દુર્ગુણો સામે લાચાર બની જાય છે. વાસનાઓનો અને અપેક્ષાઓનો અંધકાર સમજણ અને જવાબદારીનું અજવાળું નષ્ટ કરી મનમાં ઘોર રાત્રિ ફેલાવે છે. પરિણામે કાં તો માણસ સાચા-ખોટાની ભેદરેખા જાણવા છતાં ભૂલી ગયાનો ડોળ કરી મનને મનાવે છે, અથવા તો સ્વાર્થવશ ખોટું કે ખરાબ જાણ્યા છતાં મૌન ધારણ કરીને નહીં લેવા જેવા નિર્ણયોને પણ આવકારે છે. પરિણામે દુષ્કૃત્યોનો પ્રબળ પ્રવાહ તેને પતન ભણી ઘસડી જાય છે.

છોડવા યોગ્ય છોડવાની તાકાત જ માનવીની વ્યક્તિગત અને નિર્મળ શીલની સાચી ઓળખાણ છે. વાસનાઓ માણસને બહેકાવીને પાગલ બનાવી દે છે. અને એવું પાગલપણું માણસને અવિચારી બનાવી દે છે. અને માણસને જ્યારે સાચી પરિસ્થિતિનું ભાન થાય છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હોય છે. અને એનો પશ્ચાતાપ વ્યર્થ બની જાય છે. જ્યાં વિકારોની પ્રબળતા હોય ત્યાં સંસ્કાર જ્યોત બુઝાઈ જવાનો ખતરો હંમેશા રહેતો જ હોય છે.

માણસે અનુભવે એ વાત જાણીપિછાણી છે કે પાપનો ઘડો ક્યારેક તો ફૂટે છે. જ્યારે ફૂટે ત્યારે એનાં માઠાં પરિણામો આવતાં માણસ હેબતાઈ જાય છે, શોક કરે છે, હતાશ થઈ જાય છે, રુદન કરે છે, આંતરિક પશ્ચાતાપ પણ કરે છે. પણ જો એવો પશ્ચાતાપ દુષ્કૃત્યોના માર્ગેથી પાછા ફરવાનું નિમિત્ત બને તો પણ એ એક સિદ્ધિ છે. સાચો પશ્ચાતાપ ક્યારેય નિરર્થક નથી જતો. પસ્તાવો થવાની સ્થિતિ જ બતાવે છે કે માણસમાં સમજણ પ્રગટી છે અને ખોટાને ખોટું સમજતો થયો છે. એટલે મનને સંયમની તાલીમ દ્વારા સતત નિયંત્રિત કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ.

મહાભારતમાં વ્યાસજીએ એટલે જ એ વાત સમજાવી છે કે અનેક શાસ્ત્રોના જાણકાર, બીજાની શંકાનું સમાધાન કરનાર, બહુશ્રુત પંડિત પણ જો લોભના ચક્કરમાં ફસાયો તો એણે અનેક પ્રકારનાં કષ્ટોનો સામનો કરવો પડે છે કારણ કે કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય નરકનાં દ્વાર છે.

ઈચ્છા ના હોવા છતાં નિર્ણયો સ્વીકારવાની ગમે તેટલી મજબૂરીની સ્થિતિ આવે ત્યારે તે નિર્ણયની યોગ્યતા, સચ્ચાઈ, બીજાને નુકસાન ન થાય એ જોવાની દ્રષ્ટિને નજર સમક્ષ રાખી નિર્ણયને સ્વીકારવો કે નહીં તે નક્કી કરવું જોઈએ. કોઈપણ ખોટા નિર્ણયને સ્વીકારવો એ પાપના ભાગીદાર થવા સમાન છે.

ગૌતમ બુદ્ધે એક સરસ વાત કહી છે. તેમણે કુકર્મોના ફળની વાત સમજાવતાં કહ્યું છે કે જેમ તાજાું દૂધ તરત જ બગડી જતું નથી, તેમ કુકર્મીને તેના ફળનો ખ્યાલ તરત જ આવતો નથી. ખોટા કૃત્યો ભારેલા અગ્નિની જેમ ગુપ્ત સ્વરૂપે હાજર રહે છે.

'કરે તેવું પામે'ના સિદ્ધાંતમાં કર્મનું તત્ત્વજ્ઞાન સમાયેલું છે. 'વાવો તેવું લણો'ની જેમ માણસને એમ સમજાવવામાં આવ્યું છે કે એણે ગમે ત્યારે પોતાનાં કર્મોનું ફળ ભોગવવાનું જ છે.

માણસ કૃત્ય ખોટું છે તે જાણતો હોવા છતાં, તે કૃત્યને આચરે છે અથવા બીજાએ કરેલા દુષ્કૃત્યને મૌન સંમતિ આપે છે, તેનું મૂળ કારણ તેની સ્વાર્થ કેન્દ્રીત દ્રષ્ટિ જ છે. બીજાએ કરેલા કુકર્મને માણસ લોભ, સ્વાર્થ અને લાલસાવશ થઈને સ્વીકારે છે. ટૂંકમાં સુખની વિવેકહીન ચળ માણસને કુકર્મ માર્ગે ધકેલે છે.

એટલે જ માણસે પોતાની તૃષ્ણાઓને છૂટો દોર આપવાને બદલે એના પર લગામ રાખવાની ટેવ પાડવી જોઈએ. એ ટેવ સ્વાધ્યાય, મનન-ચિંતન, સત્સંગ, આત્મદર્શન વગેરેથી દ્રઢિભૂત થાય. એકવાર માણસની બહેકેલી તૃષ્ણાઓને નાથવા માટે માનસિક રીતે તૈયાર કરી શકાય, તો તેને કુકર્મોના માર્ગેથી પાછો વાળવો શક્ય બની શકે.

તેમ છતાં હંમેશાં એવું બની જ શકે એ ખાતરી પણ દુર્યોધન-રાવણના જેવા કિસ્સા જોતાં ન જ આપી શકાય. દુર્યોધન અને રાવણ બન્ને જ્ઞાની હતાં, બંને જાણતાં હતાં ધર્મ શું છે, છતાં તેઓ ધર્મ આચરણમાં મૂકી શકતાં નહોતાં.

આજનો માણસ ભૌતિક સુખ પાછળ દોડવામાં મશગૂલ છે, એટલે એને તાત્કાલિક સુખ મળે તેવા કર્મોમાં રસ છે. માટે 'દેખા જાયેગા'નું આશ્વાસન લઈ આગળ વધે છે. પણ આ ન લેવા જેવા નિર્ણયો સ્વીકારવા એ બિલકુલ યોગ્ય નથી, ખરેખર તો ખોટાં નિર્ણયો લેનારને સમજાવીને તેને ખોટાં માર્ગે જતાં અટકાવવો જોઈએ.