- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- બૌદ્ધ ધર્મદર્શનના મહાયાનમાં વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ જેવા પરસ્પર વિરોધી સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા છે તે જ વાત અત્યારે પાર્ટિકલ ફિઝિક્સ કહી રહ્યું છે
''અવલોકિતેશ્વર બોધિસત્વ, પ્રજ્ઞાપારમિતાં ચર્યમાણો
ચંચલાં વાક્પ્રભાં અનુભવતિ । રૂપં શૂન્યતાં, શૂન્યતૈવ રૂપમ્ ।
સર્વધર્મા: શૂન્યતાપ્રધાના: ।
ન જન્મ ન મૃત્યુ, ન અશુદ્ધિ ન શુદ્ધિ ।
ન લાઘવ, ન સ્થાયિત્વ, ન અન્તઃકરણ, ન પરં ।
તસ્માદ્ પ્રજ્ઞાપારમિતાયાઃ સુષ્ઠુ જ્ઞાનં પ્રતિ પદ્ય
સર્વ દુઃખં નાશયેત્ ।
અવલોકિતેશ્વર બોધિસત્વ પ્રજ્ઞાપારમિતાના અભ્યાસમાં લાગીને અનુભવ કહે છે કે રૂપ (આકાર) જ શૂન્યતા છે અને શૂન્યતા જ રૂપ (આકાર) છે. બધા તત્ત્વો શૂન્યતા પ્રધાન છે. ના જન્મ, ના મૃત્યુ, ના અશુદ્ધિ ના શુદ્ધિ. ના કોઈ લાઘવ, ના સ્થાયીપણું, ના કોઈ અંતઃકરણ કે પરંપરાગત અસ્તિત્વ. એટલે પ્રજ્ઞાપારમિતાના સાચા જ્ઞાનને પ્રાપ્ત કરીને બધા દુઃખોની નિવૃત્તિ થઇ
જાય છે.''
- પ્રજ્ઞાપારમિતા હૃદય સૂત્ર
''અયં ધર્મ અનિર્વચનીયઃ, અયં આત્મારહિતઃ,
સર્વે ધર્માઃ પરસ્પર નિર્ભરા: । યદિ કોડપિ સ્મરતિ
મમ વા મિત્ર, સ એવ ભ્રમ માત્રમ્ । તસ્માદ્
સર્વધર્મેણ અપ્રત્યક્ષત્વેન વ્યવહારઃ ।
આ તત્ત્વ પરસ્પર નિર્ભર છે. જો કોઈ કહે - (આ) મારું કે (આ મારો) મિત્ર તો તે ભ્રમ છે. એટલા માટે બધા તત્ત્વોમાં અપ્રત્યક્ષ રૂપે વ્યવહાર
કરાય છે.''
- વજ્રચ્છેદિકા પ્રજ્ઞાપારમિતા સૂત્ર
''આત્મેત્યતિ પ્રજ્ઞાપિતં અનાત્મેત્યપિ દેશિતમ્ ।
બુદ્ધૈર્નાત્મા ન ચાનાત્મા કશ્ચિદિત્યપિ દેશિતમ્ ।।
આત્માના રૂપમાં કોઈ સત્ય દર્શાવવામાં આવ્યું નથી અને અનાત્મા (આત્મા નથી) એ રીતે પણ કોઈ સ્થાયી વસ્તુ ઘોષિત કરવામાં આવી નથી. બુદ્ધોએ ન તો આત્માને અને ન તો અનાત્માને એવા કોઈ અલગ સ્થાયી તત્ત્વ રૂપે ઘોષિત
કર્યું છે.''
- નાગાર્જુન, મૂલમધ્યમકારિકા, અધ્યાય-૧૮, શ્લોક-૬
બૌદ્ધ તત્ત્વજ્ઞાન એ બાબત
દર્શાવે છે
જે અર્વાચીન ક્વૉન્ટમ ભૌતિકવિજ્ઞાન રજૂ કરે છે. બૌદ્ધ ધર્મદર્શનના મહાયાનમાં વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ જેવા પરસ્પર વિરોધી સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા છે તે જ વાત અત્યારે પાર્ટિકલ ફિઝિક્સ કહી રહ્યું છે. અમેરિકન થિયરિટિકલ ભૌતિકવિજ્ઞાની રિચાર્ડ ફિલિપ્સ ફીનમેન (Richard Phillips Feynman) એમની થિયરી ઑફ ક્વૉન્ટમ ઇલેકટ્રોડાયનેમિક્સ માટે વિખ્યાત છે. ફીનમેનને જુલિયન સ્વિન્ગર (Julian Schwinger) અને શિનિચિરો ટોમોનાગા (Shinichiro Tomonaga) સાથે સંયુક્તપણે ક્વૉન્ટમ ઇલેક્ટ્રોડાયનેમિક્સના વિકાસ માટે ૧૯૬૫નું ભૌતિક વિજ્ઞાનનું નોબલ પ્રાઇઝ પણ પ્રાપ્ત થયું હતું.
ફીનમેને એમના સંશોધન ગ્રંથમાં ત્રણ પરમાણુ કણોની પરસ્પર ક્રિયા Interacton) બતાવતો ડાયગ્રામ રજૂ કર્યો છે. આ આકૃતિમાં કોઈ વર્લ્ડ લાઈન (એટલે કે આકાશ રૂપરેખામાં દેખાતા ત્રિઆયામી આકાશને સમયમાં રહેલાં તંત્ર કે પદ્ધતિનાં સ્થિતિ અને સ્થાન દર્શાવે છે તે) પરસ્પર ક્રિયા/ક્રિયા-પ્રતિક્રિયા (interacton) તરફ દોરી જતી નથી કે તેને તેની બહાર લઇ જતી નથી. તે કોઈ સ્થાનમાંથી ઉત્પન્ન થતી નથી. કે કોઈ કારણથી પણ ઉત્પન્ન થતી નથી. જ્યાં પહેલાં કંઇ ન હતું ત્યાં એકાએક કંઇ બની જાય છે ! અસ્તિત્વના ક્ષણિક આકસ્મિક આવિર્ભાવ રૂપે ત્યાં ત્રણ કણો ઉત્પન્ન થઇ ગયેલા દેખાય છે અને તે જ પળે પાછા આકસ્મિક રીતે તિરોભાવ પણ પામી જાય છે.
ભૌતિકવિજ્ઞાની રિચાર્ડ હીનમેને દર્શાવેલો આ ડાયેગ્રામ 'વેક્યુમ ડાયેગ્રામ' કહેવાય છે કેમ કે અહીં ક્રિયા-પ્રતિક્રિયા શૂન્યાવકાશમાં થાય છે. અહીં શૂન્યાવકાશ વિશેની સામાન્ય સમજ અને ધારણા સાચી નથી એવું સાબિત થાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શૂન્યાવકાશ એટલે એવું સ્થાન જે સંપૂર્ણપણે શૂન્ય (ખાલી) હોય. પરંતુ ભૌતિકવિજ્ઞાનીઓએ સૂક્ષ્મ પરમાણુઓ પર પ્રયોગો કરી દ્રશાવ્યું છે કે વાસ્તવમાં આવું હોઈ શક્તું નથી. ખાલી અવકાશમાં કંઇ ને કંઇ ઉદ્ભવતું જ રહે છે. વેક્યુમ ડાયેગ્રામ પરથી આ સાબિત થાય છે. તે એનો પ્રાયોગિક પુરાવો છે. સબ-એટોમિક સ્તર પર શૂન્ય નથી. અસ્તિત્વમાં ખાલી આકાશ જેવી કોઈ સ્થિતિ છે જ નહીં ! 'ખાલીપણું' કેવળ માનસિક વિભાવના છે. એ જ રીતે 'ભરેલાપણું' પણ માત્ર માનસિક ખ્યાલ છે.
અમૂર્ત વિચાર-વિભાવનાઓમાં આપણે એવા બંધાઈ જઈએ છીએ કે પ્રકટ થયેલું ક્ષણિક આભાસી રૂપ એ અસ્તિત્વમાંથી ઉદ્ભવેલું અલ્પકાલીન દ્રશ્યમાનપણું છે એમ અનુભવવાને બદલે એ આભાસી એવી દ્રશ્યરૂપતાને જ સાચી માની લઇએ છીએ. ફીનમેન કહે છે કે આપણે જ આપણી માનસિક-બૌદ્ધિક વિભાવનાઓથી આપણું અસ્તિત્વ સર્જીએ છીએ. આપણી રૂઢિચુસ્ત માન્યતા અનુસાર તો શૂન્યમાંથી કશું સર્જાઈ શકે નહીં. 'કંઇ ન હોવા' માંથી કંઇક ઉત્પન્ન થાય એવું બની શકે નહીં. પણ ઉપ-પારમાણ્વિક (Sub-atomic) ક્ષેત્રે આવું બને છે.
બૌદ્ધ તત્ત્વદર્શનને સમજાવતા પ્રજ્ઞાપારમિતાા સૂત્રોમાં જે વાત કહેવાઈ છે તે જ ક્વૉન્ટમ ભૌતિક વિજ્ઞાનીઓ કહી રહ્યા છે. તે કહે છે - 'Reality is relational, observer - dependent and constantly in flux.' સત્ય, વાસ્તવિક્તા સંબંધ પરક છે, દ્રષ્ટા, પ્રેક્ષક પર નિર્ભર છે અને નિરંતર પરિવર્તનશીલ છે.' ‘Particles and fields have no inherent self, properties emerge upon observation કણો અને ક્ષેત્રોનું કોઈ અંતર્નિહિત કે સ્થાયી 'સ્વ' (પોતાપણું) નથી હોતું, તેના ગુણ પ્રેક્ષણ (જોવાની ક્રિયા) સમયે પ્રકટ થાય છે.
ફીનમેનનો વેક્યુમ ડાયેગ્રામ અને પ્રજ્ઞાન પારમિતા સૂત્રોની કાવ્ય પંક્તિઓ બિલકુલ એક સરખી વાત કરી રહ્યા છે. જાણે કે બૌદ્ધ કાવ્ય ગણિતની વાત કરી રહ્યા છે એમ લાગે છે અથવા ભૌતિક વિજ્ઞાનના ગણિતની આકૃતિ અસ્તિત્વની કવિતા ગાઈ રહી છે એમ લાગે. ફીનમેન ડાયેગ્રામ શૂન્યમાંથી સ્વરૂપ સર્જનનું અને સ્વરૂપ સર્જનનું શૂન્યમાં પરિણમવાનું સુંદર લલિત નૃત્ય દર્શાવે છે. અસ્તિત્વમાં સતત 'કંઇ ન હોવા'માંથી 'કંઇ છે' અને 'કંઇ છે' માંથી 'કંઇ નથી'નું રૂપાંતરણ થતું જ રહે છે. અનિશ્ચિતતાનો સિદ્ધાંત, ઊર્જાનો શક્તિ સંચયનો સિદ્ધાંત અને સંભવિતતાનો સિદ્ધાંત દર્શાવે છે તેમ રૂઢિગત ભૌતિક નિયમ પ્રમાણે આપણને મર્યાદિત, ખંડિત અનુભવ થાય છે તેને આપણે સાચા સમજી લઇએ છીએ.
બૌદ્ધ મત અનુસાર પ્રત્યેક પદાર્થ થાય છે અને નદીના જળ પ્રવાહની જેમ સતત ગતિમય અને રૂપાંતરિત થતા રહે છે. એવી કોઈ વસ્તુ નથી જેને માટે માત્ર 'છે' કે 'નથી' એમ કહી શકાય. એટલે જ ભગવાન બુદ્ધે કહેલું - 'સબ્બે સંખારી અનિચ્ચા - જે કંઇ પ્રકટે છે તે નષ્ટ થાય છે. પાર્થિવ રૂપ ફીણના ગોટા જેવું છે. લાગણીઓ પરપોટાની જેમ ફૂટી જાય છે. સંવેદનો મૃગજળ જેવા આભાસી છે. કર્મ કેળના ઝાડ જેવા છે, જ્ઞાપ્તિ (ચેતનામાં ઉદ્ભવતો બોધ) ભ્રાંતિ છે.'
'સર્વે ધર્મા: પરસ્પર નિર્ભરાઃ' - બધા તત્ત્વો પરસ્પર નિર્ભર છે. એ બાબતનું પણ ક્વૉન્ટમ ફિઝિક્સ સમર્થન કરે છે. તે દર્શાવે છે - Particles can be entangled across distances, showing that all elements are interconnected beyond local constraints કણો દૂરના અંતરે રહીને પણ જોડાયેલા રહી શકે છે. તે દર્શાવે છે કે બધા તત્ત્વો સ્થાનીય સીમાઓથી પર એકબીજા સાથે જોડાયેલા છે.
નાગાર્જુને મૂલમધ્યમકારિકામાં જણાવ્યું છે - 'બુદ્ધોએ દેશના આપી કે 'આત્મા છે', તેઓએ જ વળી જણાવ્યું કે આત્મા નથી, તેઓએ શીખવ્યું કે આત્મા છે એમ પણ નહીં અને નથી એમ પણ નહીં.' બૌદ્ધ તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ સત્ય (વાસ્તવિક્તા) 'ચતુષ્કોટિવિર્નિમુક્ત' અર્થાત્ ચાર અવસ્થાથી રહિત) છે. આ ચાર અવસ્થા આ પ્રમાણે છે - ૧. તે છે. ૨. તે નથી. ૩. તે બન્ને છે. ૪. તે બન્ને નથી. ભગવાન બુદ્ધ કહે છે - આ ચારે અવસ્થાથી પર છે તે જ સાચું તત્ત્વ છે. ભાવ, અભાવ, અભાવાભાવ, ભાવાભાવ આ બધી સ્થિતિ સત્યને લાગુ પડતી નથી. અષ્ટસાહસ્ત્રિકા પ્રજ્ઞાપારમિતામાં સત્યના સ્વરૂપને સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. શૂન્ય અને પૂર્ણ, સંસાર અને પદાર્થની અનિત્યતા, બધાની પારસ્પરિક નિર્ભરતા (પ્રતિત્યસમુત્પાદ) દ્રષ્ટા (પ્રેક્ષકની ભૂમિકા વિશે પ્રજ્ઞા પારમિતામાં જે કહેવાયું છે કે જે ક્વૉન્ટમ ફિઝિક્સ નિરૂપિત કરે છે. પ્રજ્ઞા પારમિતા યથાર્થને જીવનનો માર્ગ છે અને ક્વૉન્ટમ ભૌતિકવિજ્ઞાન વાસ્તવિક્તા, યથાર્થને ગણિતમાં પકડવાનો પ્રયાસ છે. બન્ને આપણને શીખવે છે કે યથાર્થ, સત્ય એવું નથી જેવું તે દેખાય છે.


