Get The App

મોર્ફિક રેઝોનન્સથી પ્રાણીઓ વિચાર, અનુભવો અને માહિતીઓનું આદાન-પ્રદાન કરી લે છે!

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
મોર્ફિક રેઝોનન્સથી પ્રાણીઓ વિચાર, અનુભવો અને માહિતીઓનું આદાન-પ્રદાન કરી લે છે! 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- એક કોષ બીજા કોષોથી છૂટો પડી પોતાને ચોક્કસ પ્રકારે અમુક આકાર ધારણ કરવાનું અને બીજા છૂટા પડતાં કોષો વચ્ચે ચોક્કસ સ્થાને સ્થિર થઈ સ્થિતિ પામવાનું કેવી રીતે જાણે છે ?

"Science Advances by questioning its own assumptions.

- વિજ્ઞાન ત્યારે આગળ વધે છે જ્યારે તે પોતાની જ માન્યતાઓ પર પ્રશ્ન કરે છે.

"Genes alone cannot explain the form and organisation of living beings.

માત્ર જીન જીવોના રૂપ અને સંગઠનની પૂરેપૂરી સમજૂતી આપી શકતા નથી.

"Morphic fields shape the form, development, and behavior of organisms. 

મોર્ફિક ફીલ્ડ જીવોના રૂપ, વિકાસ અને વ્યવહારને આકાર આપે છે.

Nature has an inherent memory.

પ્રકૃતિની અંદર એક અંતર્નિહિત સ્મૃતિ હોય છે.

- Rupert Sheldrek 

(રૂપર્ટ શેલ્ડ્રેક)

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ તરીકે કામગીરી આપી ચૂકેલા, કોષ જીવવિજ્ઞાન (Cell Biology) પર સંશોધન કરનારા, બ્રિટિશ જીવવિજ્ઞાની, પરામનોવિજ્ઞાની અને લેખક રૂપર્ટ શેલ્ડ્રેક  (Rupert Sheldrek) એમણે પ્રસ્તુત કરેલાં 'મોર્ફોજિનેટિક ફીલ્ડ'ના સિદ્ધાંતને કારણે વિજ્ઞાન જગતમાં પ્રસિદ્ધ છે. Morpho (આકાર) અને  Genesis (ઉત્પત્તિ) એ બે શબ્દો પરથી મોર્ફોજિનેટિક્સ શબ્દ બન્યો છે. જીવોનો આકાર, સંરચના અને વ્યવહાર કેવી રીતે બને છે અને પેઢી, દર પેઢી કેવી રીતે પુનરાવર્તિત થાય છે તેનો તે અભ્યાસ કરે છે.

ઉત્ક્રાંતિવાદ પછીના જીવવિજ્ઞાનીઓ એવું માનતા હતા કે જીવના ગર્ભના વિકાસ, વૃદ્ધિ, નિયમન, અનુકૂલન, પુનરુત્પત્તિ, પ્રજોત્પત્તિ વગેરે ડી.એન.એ. (D.N.A.) ના યાંત્રિક, સાહજિક માર્ગદર્શન અને વ્યવસ્થાતંત્રને કારણે થાય છે. જેમ 'કોમ્પ્યૂટર કન્ટ્રોલ એસેમ્બલી લાઈન' અનુસાર મોટર કારના બધા જ છૂટક ભાગો તેને એકવાર 'ફિડ કરાયેલ પ્રોગ્રામ' પ્રમાણે એની મેળે યોગ્ય સ્થાને ગોઠવાઈને એક મોટર કારના રૂપે તૈયાર થઈ જાય છે તેવું જ પ્રાણીઓના શરીરના નિર્માણમાં પણ બને છે. સામાન્ય રીતે 'જિનેટિક મટિરિયલ' અનુસાર બધું જ એના એ આકાર કે સ્વરૂપથી પ્રગટ થાય છે, પરંતુ DNA ચેઈન પર એમિનો એસિડની અદલાબદલીની પરંપરાથી કે અસ્તવ્યસ્ત પરિવર્તનથી નવા આકારો કે સ્વરૂપો ઉત્પન્ન થાય છે. વિજ્ઞાનીઓ એવું માનતા આવ્યો છે કે સજીવ-નિર્જીવ સ્વરૂપની ઉત્પત્તિ માત્ર ભૌતિક-રાસાયણિક પ્રતિક્રિયાથી જ થાય છે.

રૂપર્ટ શેલ્ડ્રેક એમના પૂરોગામી વિજ્ઞાનીઓની આ થિયરીથી પૂર્ણપણે સંતુષ્ટ નહોતા. તેમનું માનવું છે કે આ માટે DNA તો એક સાધન તરીકે ઉપયોગમાં આવે છે. તે દલીલ કરે છે કે માત્ર DNA  એ કેવી રીતે નક્કી કરે છે કે કોશિકાઓ ક્યાં જાય અને કેવો આકાર ધારણ કરે ? રચનાતંત્રના દરેક કોષને એક સમાન ડીએનએ કોડ હોય છે ત્યારે એ સમજવું મુશ્કેલ છે કે દરેક કોષની એક સરખી ડીએનએ રૂપરેખા એક કોષને મસ્તિષ્ક કોષ અને બીજાને સ્નાયુ કોષ કેવી રીતે બનાવી શકે ? ગર્ભ (Fetus) શરૂઆતના દિવસોમાં માત્ર કોષોના દડા  (bell of cells) જેવો નાનો સમૂહ હોય છે, જે પાછળથી અગણિત જુદા જુદા કોષોના હાથ, પગ, ફેફસાં, હૃદય, મગજ વગેરે અવયવોના રૂપે જટિલ આકારવાળો બની 'મેટામોર્ફોસિસ' પ્રક્રિયાથી એક બાળક તરીકે તૈયાર થાય છે.

શરૂઆતના કોષોના દડા જેવા નાના સમૂહમાં એક કોષ બીજા કોષોથી છૂટો પડી પોતાને ચોક્કસ પ્રકારે અમુક આકાર ધારણ કરવાનું અને બીજા છૂટા પડતાં કોષો વચ્ચે ચોક્કસ સ્થાને સ્થિર થઈ. સ્થિતિ પામવાનું કેવી રીતે જાણે છે ? મગજમાં રહેલો કોષ મગજમાં જ કેમ છે અને તે હાથ પર કેમ નથી કે હૃદયમાં રહેલો કોષ હૃદયમાં જ કેમ છે અને તે પગ પર કે બીજા કોઈ અવયવમાં કેમ નથી ? કોઈ પણ સજીવ સ્વરૂપના વૃદ્ધિ અને વિકાસને જોતાં એમ લાગે છે કે તે બધી પ્રક્રિયાઓને જરૂર કોઈ અભૌતિક ક્ષેત્ર (Field) ચલાવી રહ્યું છે. શેલ્ડ્રેકે આ ક્ષેત્રને નામ આપ્યું છે - મોર્ફોજિનેટિક ફિલ્ડ (Morphogenetic Field). તે દર્શાવે છે કે એક એવી શક્તિ અસ્તિત્ત્વ ધરાવે છે જે DNA અને સજીવ તંત્રની સ્વરૂપ આપવાની પ્રક્રિયા વચ્ચે મધ્યસ્થી ધરાવે છે. આ માધ્યમ એ અદ્રશ્ય છૂપા ક્ષેત્રો છે જે મોર્ફોજિનેસિસની બધી જ અવસ્થાઓને દોરવણી આપે છે અને તેમનું નિયમન કરે છે. આ ક્ષેત્રો જ મોર્ફોજિનેટિક ફિલ્ડસ છે.

રૂપર્ટ શેલ્ડ્રેક દર્શાવે છે કે મોર્ફોજિનેટિક ફિલ્ડ માત્ર જીવંત રચનાને દોરવણી આપે છે એવું નથી, પણ નિર્જીવ લાગતી વસ્તુઓ જેવી કે ખનિજ, સ્ફટિક, જટ પદાર્થની અણુ કે પરમાણુઓને પણ સ્વરૂપ અને ગતિ આપે છે. આ ક્ષેત્રો એક ચેનલ કે બ્લ્યુ પ્રિન્ટ તરીકે કામ કરે છે. પરમાણુની નાભિ અને ઇલેકટ્રોનની રચના એક ક્ષેત્રથી થાય છે અને તેમને આકાર આપવાનું કામ બીજું ક્ષેત્ર કરે છે. કોષોનું નિયમન અને વિકાસ બીજા ક્ષેત્રોથી થાય છે. દરેક ક્ષેત્ર બીજા ક્ષેત્રો સાથે સંકળાયેલું રહે છે અને એક સાથે કામગીરી કરે છે. દરેક વ્યક્તિના શરીરના કોષો, કણો, ચામડી, માસપેશી વગેરે સેન્દ્રિય ક્ષેત્રોથી બને છે. તે બધા મળીને એક મુખ્ય ક્ષેત્રનું નિર્માણ કરે છે.

જીવવિજ્ઞાની રૂપર્ટ શેલ્ડ્રેક પ્રસ્થાપિત કરે છે કે જુદા જુદા સ્થાન ્ને સમયમાં ઉત્પન્ન થયેલા આકારો કે સ્વરૂપો આ ફિલ્ડના મોર્ફિક રેઝોનન્સ (Morphic Resonance) થી એકબીજા સાથે માહિતી અને અનુભવોનું આદાન-પ્રદાન કરે છે. એ વસ્તુઓ જે એકબીજા સાથે સંવાદી  (in tune) હોય છે કે સમાન ફ્રીકવન્સી પર વાઇબ્રેશન ધરાવતી હોય છે તે આવા પ્રતિધ્વનિ કે અનુનાદથી એકબીજામાં ઊર્જાની અદલાબદલી કરી લે છે. પ્રકૃતિમાં પહેલાં જે કંઈ થઈ ચૂક્યું હોય, તે ભવિષ્યમાં તે જ પ્રકારના જીવોને અદ્રશ્ય રૂપે પ્રભાવિત કરે છે. જો દુનિયામાં કોઈ પ્રજાતિએ નવો વ્યવહાર શીખ્યો હોય તો તે પ્રજાતિના અન્ય જીવો માટે તે શીખવો સરળ બની જાય છે. મોર્ફિક રેઝોનન્સથી અનુભવ-જ્ઞાન જલદી સંક્રામિત થઈ જાય છે.

આ બાબતના શેલ્ડ્રેકે અનેક ઉદાહરણો આપ્યાં છે. એક દેશમાં ઉંદરોને ભૂલ-ભુલામણી (Maze)  શિખવવામાં આવી. બહુ જ થોડા સમયમાં બીજા દેશોમાં ઉંદરો તે ભૂલ-ભુલામણી બહુ જલદી શીખી ગયા. જાપાન પાસે આવેલા એક ટાપુ પર રહેતી વાનર જાતિ પર એક પ્રયોગ કરાયો. તે પર રહેતી એક વાનર ટોળીને તાજા ખોદેલા, ધૂળવાળા બટાકા બીજા ચોખ્ખા અને ખાઈ શકાય તેવા ખાદ્ય પદાર્થો સાથે ખાવા માટે આપવામાં આવ્યા. ધૂળવાળા બટાકા કોઈએ ખાધા નહીં. એક માદા વાનરે અનાયાસે શોધી કાઢ્યું કે ધૂળવાળા બટાકા પાણીથી ધોઈ શકાય છે અને ધોયા પછી બટાકા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેના અનુભવ પછી તેની ટોળીના બીજા બધા વાનરો ખૂબ ઝડપથી બટાકા ધોઈને ખાવા લાગી ગયા. તે ટાપુની બધી વાનર ટોળીઓ તે રીતે શીખી ગઈ. એટલું જ નહીં. એટલું જ નહીં, બાજુમાં આવેલ ટાકાસાકીયામાના મેઈન લેન્ડ પર રહેતા વાનર જૂથો પણ ધોઈ ધોઈને બટાકા ખાતા શીખી ગયા હતા. થોડા દિવસો બાદ દૂર દૂરના બીજા ટાપુઓ પર વસતી તમામ વાનર વસાહતોને આ રીતે બટાકા ધોઈને ખાવાની આવડત પ્રાપ્ત થઈ ગઈ હતી. શેલ્ડ્રેક કહે છે કે એક વાનરે શીખેલું વર્તન દૂર દૂરના ટાપુઓના વાનરોએ કોઈ પણ જાતના દેખીતા સંપર્ક વિના સહજ રીતે અર્જિત કરી લીધું તે આ મોર્ફિક રેઝોનન્સના લીધે બન્યું હતું.

જંગલોમાં ઊધઈ રાફડાઓના મહાનગર બનાવે છે. આ કાર્ય પૂરૃં થતાં વર્ષો લાગે છે ત્યાં સુધીમાં તો ઉધઈની કેટલીય પેઢીઓ બદલાઈ ગઈ હોય છે. એમ છતાં એના આકારની પૂર્વનિર્ધારિત સંરચનાની ડિઝાઈન પ્રમાણે જ પછીની બધી પેઢીઓ આગળનું કામ ચાલુ રાખે છે. પહેલાં એવું મનાતું કે ઊધઈ ફેરોમાન નામનું પ્રવાહી છોડે છે એનાથી પછીની પેઢીઓને સંરચનાની સ્મૃતિ રહેતી હશે. પણ શેલ્ડ્રેક દર્શાવે છે કે એ પણ મોર્ફિક રેઝોનન્સથી જ બને છે. મોર્ફોજિનેટિક ફિલ્ડથી જ પ્રાણીઓ વચ્ચે ટેલિપથિક સંબંધ બંધાય છે અને તે એકબીજાના વિચારો અને અનુભવોનું આદાન-પ્રદાન કરી લે છે.

રૂપર્ટ શેલ્ડ્રેક કહે છે - Memory is not only stored inside the brain, it depends on morphic resonance from the past.  સ્મૃતિ કેવળ મસ્તિષ્કની ભીતર સંગ્રહીત નથી થતી, તે ભૂતકાળથી આવનારા મોર્ફિક રેઝોનન્સ પર આધાર રાખે છે. એક જ ભાષા બોલનારા લોકોના ઉચ્ચારણ અને બોલવાની લઢણ/ઢબ આપ મેળે એક સરખા થઈ જાય છે એનું કારણ પણ મોર્ફિક રેઝોનન્સ જ છે. રૂપર્ટ ફોલ્ડ્રેકના પુસ્તક  A New Science of Life- The hypthesis of formative causation માં તેમણે મોર્ફિક રેઝોનન્સની વિસ્તૃત સમજૂતી આપી છે.