- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- જ્યારે તમે બોલો છો ત્યારે બ્લડ પ્રેશર વધી જાય છે અને જ્યારે સાંભળો છો ત્યારે ઘટી જાય છે. ધૈર્ય અને શાંતિ રાખી કરાયેલું અન્યની વાતચીતનું એકાગ્ર શ્રવણ સ્વાસ્થ્યવર્ધક બને છે
અ મેરિકન મનોવિજ્ઞાની, સંશોધક અને લેખક ડૉ. જેમ્સસ જે. લીન્ચ (James J. Lynch) માનવ એકલતા અને સામાજિક અલગાવના સ્વાસ્થ્ય સંબંધી પ્રભાવોના ક્ષેત્રમાં અગ્રણી છે. અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલમાં પ્રાધ્યાપક તરીકે કામ કરી આ વિશે વિસ્તૃત શોધ-સંશોધન કર્યો છે. તેમણે ૧૯૭૬માં 'ધ બ્રોકન હાર્ટ : ધ મેડિકલ કોન્સિક્વન્સિસ ઑફ લોનલીનેસ' ૧૯૮૫માં 'ધ લેન્ગવેજ ઑફ ધ હાર્ટ : ધ હ્યુમન બોડી ઇન ડાયલોગ અને ૨૦૦૦માં' 'એ ક્રાઈ અનહર્ડ : ન્યૂ ઇનસાઇટસ ઇનટૂ ધ મેડિકલ કોન્સિક્વન્સિસ ઑફ લોનલીનેસ' એ ત્રણ મહત્વપૂર્ણ પુસ્તકો લખ્યા છે. તેમણે મેડિકલ પાઠયપુસ્તકો (textbooks) માં પંદર પ્રકરણો લખ્યા છે અને સમકક્ષ સમીક્ષિત મેડિકલ જર્નલ્સમાં ૧૦૦થી પણ વધારે લેખો લખ્યા છે.
જેમ્સ લીન્ચ કહે છે : ‘ It is the seperation from self, from the living world, that brings disease: સ્વયંથી, જીવિત સંસારથી અલગાવ (પૃથકતા) જ રોગ લાવે છે.' બ્રોકન હાર્ટમાં તેમણે દર્શાવ્યું છે કે એકલતા માત્ર રોગ જ નહીં, મૃત્યુનું મુખ્ય કારણ બની રહે છે. તેમણે ચાર્લ્સ ડાર્વિનનો ઉલ્લેખ કરી કહ્યું છે - ચાર્લ્સ ડાર્વિને તેમના પુસ્તક ધ એક્ષપ્રેશન ઑફ ઇમોશન્સ ઇન એનિમલ્સ એન્ડ મેન'માં સિદ્ધ કર્યું છે કે પ્રેમ જબરદસ્ત લાગણી છે. બધી લાગણીઓમાં પ્રેમ ખૂબ પ્રબળ છે અને તે રાસાયણિક અને ઉપચારક છે.
૧૯૬૫માં જેમ્સ લીન્ચ જેન્સ હોપકિન્સ મેડિકલ સ્કૂલમાં પોસ્ટ ડોક્ટરલ વિદ્યાર્થીના રૂપમાં હોર્સ્લે ગૈન્ટના હાથ હેઠળ રિસર્ચ કરી રહ્યા હતા. તે પશુઓમાં ઉચ્ચ રક્તચાપ (હાઈ બ્લડ પ્રેશર) ઉત્પન્ન કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા જેથી મનુષ્યોમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરનારી દવાઓ વિકસાવી શકાય. સંયોગથી તેમણે તે પશુઓને હૃદય-સંવહની તંત્ર/હૃદય રુધિરવાહિની તંત્ર (Cardiovascular System) પર મનુષ્યોનો શક્તિશાળી પ્રભાવ પડે છે તેવું નોંધ્યું. તેમણે જોયું કે પ્રયોગ કરી રહેલા કૂતરાને તે પ્રેમથી પંપાળતા હતા ત્યારે તેનું બ્લડ પ્રેશર લગભગ પચાસ ટકા ઓછું થઇ જતું હતું. પછી તેમણે બીજા અનેક પશુઓ પર પણ આ પ્રયોગ કર્યો તો આ જ પરિણામ જોવા મળ્યું. પ્રેમાળ સ્પર્શથી, તેમના તરફ વ્યક્ત કરાતા વ્હાલથી તેમનું બ્લડ પ્રેશર ઓછું થઇ જ જતું હતું.
તે પછી જેમ્સ લીન્ચ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલમાં પ્રોફેસર બની ગયા ત્યાં તેમણે વિચાર્યું - મનુષ્ય પશુઓના હૃદયને પ્રભાવિત કરી શકે છે તો શું તે બીજા મનુષ્યોના હૃદયને પ્રભાવિત કરી શકે ? તેમણે તેને લગતા પ્રયોગો પણ કર્યા. જ્યારે દર્દીને મળવા તેની પત્ની કે પ્રિય વ્યક્તિ આવતી તેની અસર તેના હૃદય અને રુધિરવાહિની તંત્ર પર પડતી. તેની સંભાળ લેવા પરિચારિકા ! (નર્સ) આવતી તો તેનો પણ પ્રભાવ પડતો. તેમણે જોયું કે ક્ષણિકવાર માટેના માનવીય સંપર્કની પણ હૃદયની ગતિ અને બ્લ્ડ પ્રેશર પર અસર પડે છે તે પછી તેમણે ટ્રોમા યુનિટના એ રોગીઓનો અભ્યાસ શરૂ કર્યો જે કોમામાં હતા અને પોતાના કોઈપણ અંગની એક માંસપેશી પણ હલાવી શકવા સમર્થ નહોતા. એવા દર્દીનો હાથ પકડવામાં આવતો ત્યારે એવી ગંભીર અવસ્થામાં પણ માનવીય સ્પર્શથી હૃદય ગતિમાં તરત પ્રતિક્રિયા થતી હતી.
આના ઉપરથી ડૉ. જેમ્સ અને તેમના સહાયકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો - જો માનવોની વચ્ચે ક્ષણિક સંપર્ક થાય એનો એમની કાર્ડિયો વાસ્કુલર સીસ્ટમ પર આટલો પ્રભાવ પડે છે તો લાંબા સમય સુધી માનવીય સંપર્કની અનુપસ્થિતિ આપણા હૃદય પર કેવો પ્રભાવ પાડતી હશે ? શું માનવીય એકલતા (human loneliness) આપણા હૃદય પર પ્રભાવ પાડે છે ?
આ વિશે તેમણે સંશોધન કર્યું. માનવીય ભાવનાઓ અને સ્વાસ્થ્ય પરિણામના સહસંબંધ વિશે તેમણે શોધ કરી. ૧૯૭૦ પહેલું જનગણના વર્ષ હતું જ્યારે સ્વાસ્થ્ય સર્વેક્ષણોમાં વૈવાહિક સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી હતી. જ્યારે તેમણે તે આંકડા જોયા તો તે જોઇને દંગ રહી ગયા કે યુએસએમાં અવિવાહિત લોકો, વિધૂર કે વિધવા કે છૂટાછેડા લઇને સાવ એકલા રહેતા લોકોનો મૃત્યુ દર વિવાહિત (લગ્ન કરેલા) લોકોની તુલનામાં ૨થી ૧૦ ગણો વધારે હતો. હૃદયરોગ પર એનો પ્રભાવ બહુ સ્પષ્ટ હતો. તે વખતે તેમણે તેમનું પ્રથમ પુસ્તક 'ધ બ્રોકન હાર્ટ : ધ મેડિકલ કોનસિક્વન્સિસ ઑફ લોનલીનેસ' લખ્યું અને પ્રકાશિત કર્યું જેમાં આની વિગતો આપી છે - ૧૯૭૦ના દશકમાં એ પુસ્તકે રાષ્ટ્રના મન પર ઘણો ભારે પ્રભાવ ઉત્પન્ન કર્યો લોકો સહજ રીતે જાણતા હતા કે એકલતાને એમના સ્વાસ્થ્ય સાથે કંઇ સંબંધ તો છે જ.
પરંતુ એકલતાથી બ્લડ પ્રેશર, સ્ટ્રોક કે કેન્સર કેવી રીતે થઇ જાય છે? એનું શું કારણ છે ? તે અંગે સંશોધન કરવા મદદરૂપ બને એવી ભૂમિકા રચાઈ. જેમ્સ અને તેમના સહાયકોને પ્રથમ સ્વ-ચાલિત બ્લડ પ્રેશર મશીન પ્રાપ્ત થયું, જેનાથી તે દર્દીઓ સાથે વાત કરી એમની કાર્ડિયો વાસ્કુલર સીસ્ટમનો અભ્યાસ કરી શકવા સમર્થ બન્યા. તેમણે જોયું કે વાતચીતનો બ્લડ પ્રેશર પર ભારે પ્રભાવ પડે છે. પહેલાં તો એ તેમને માન્યામાં ન આવે તેવું લાગ્યું કે એકલતા જીવલેણ હોય છે. જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે બ્લડ પ્રેશર વધી જાય છે. પ્રયોગને અંતે તેમણે જોયું કે જે લોકોનું બ્લડ પ્રેશર બોલતી વખતે બધાથી વધારે વધતું હતું તે આ ન અનુભવતા તનાવ (Stress) ને લીધે લોકોના સંપર્કથી દૂર રહેતા હતા. સિઝોફ્રેનિયાથી પીડિત લોકોને છોડીને, બોલતી વખતે બધા લોકોનું બ્લડ પ્રેશર વધી જાય છે. તેમણે રડતા બાળકોનો અભ્યાસ કર્યો તો જોવા મળ્યું કે રડતી વખતે તેમનું બ્લડ પ્રેશર બમણું થઇ જાય છે. તેમણે શાળાઓમાં જઇ બાળકોનું પરીક્ષણ કર્યું તો જોવા મળ્યું કે અભ્યાસ કરતી વખતે તેમનું બ્લડ પ્રેશર વધી જાય છે. ડૉ. જેમ્સ કહે છે કે હાઈ બ્લડ પ્રેશરની તકલીફવાળા લોકો પણ બોલતી વખતે એમના બ્લડ પ્રેશરમાં થતા વધારાને અનુભવ કરી શકે છે અને કોઈપણ દવા આ પ્રભાવોને અટકાવી શક્તી નથી. ડૉ. જેમ્સના સંશોધનો દર્શાવે છે કે ભાવનાત્મક રૂપથી ઉત્તેજક વિષયો પર વાત કરનારા હૃદય રોગીઓમાં બ્લડ પ્રેશરમાં ભારે ઉછાળો આવે છે. પ્રયોગો પરથી એમને ખ્યાલ આવ્યો કે ભાવનાત્મક રેચન - ભાવનાઓની ઊલટી એ નુકસાનકારક બની શકે છે.
ડૉ. જેમ્સ લીન્ચ કહે છે કે તેમણે દર્દીના ઇલાજના વિકલ્પો શોધ્યા તો બે પ્રકારની ફિઝિયોલોજી જોવા મળી. એક હાઈડ્રોલિક મશીન ફિઝિયોલોજી અને એક કોમ્યુનિકેટિવ દર્દીઓની સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે વિશિષ્ટ કોમ્યુનિકેટિવ જરૂરત પર કામ કરવું હાલમાં અત્યંત જરૂરી છે. અત્યારે મુખ્ય તનાવ 'કોમ્યુનિકેટિવ તનાવ' છે. બીજી એક મહત્વની શોધ એ છે કે જ્યારે તમે બોલો છો ત્યારે બ્લડ પ્રેશર વધી જાય છે અને જ્યારે સાંભળો છો ત્યારે ઘટી જાય છે. આપણને એમ લાગે છે કે વાતચીત કરવી માનસિક છે, પણ જ્યારે આપણે બીજાની સાથે વાતચીત કરીએ છીએ ત્યારે આપણે તેમના હૃદયને સ્પર્શતા હોઈએ છીએ.
સ્વયંથી, સ્વજનથી અને જીવિત જગતના લોકોથી અલગાવ જ રોગ લાવે છે. પ્રેમસભર સ્પર્શ અને પ્રેમાળ શબ્દો હીલિંગનું કામ કરે છે. વક્તા નહીં, શ્રોતા બનો તો રોગ દૂર રહેશે. ઉગ્રતાપૂર્વક બોલનારા તો હાઈ બ્લડ પ્રેશર અતિશય માત્રામાં વધારી હૃદય અને રુધિરાભિસરણ તંત્રના રોગોને નોતરે છે. હૃદય રોગના દર્દીઓ સ્ટેન્ટ મૂકાવવા, બાયપાસ સર્જરી કરાવવી વગેરે હાઈડ્રોલિક મોડલને સ્વીકારી એને મહત્વ આપે છે, પણ માનવીય સંબંધોને હળવામાં લે છે, એને ખાસ કોઈ મહત્વ આપતા નથી. હકારાત્મક વિચારસરણી, પ્રેમાળ સંબંધો, અંતર્નિહિત સંવાદ (hidden dialogue) થકી લાભકારક શબ્દોનું ચયન, ધૈર્ય અને શાંતિ રાખી કરાયેલું અન્યની વાતચીતનું એકાગ્ર શ્રવણ સ્વાસ્થ્યવર્ધક બને છે. ડૉ. જેમ્સ કહે છે - 'એકીકૃત - સંપૂર્ણ ચિકિત્સા (ઇટીગ્રેટિવ મેડિસિન) શરીર-મન-આત્માને જોડે છે અને વ્યક્તિની સચોટ, સફળ ચિકિત્સા કહે છે. પ્રેમ, પ્રસન્નતા, મૌન અને શાંતિ સંબંધોને સમગ્રથિત રાખે છે. તે શ્રેષ્ઠ રોગપ્રચારક ઔષધિનું કામ કરે છે.'


