Get The App

સાહિત્યકારો-કલાકારોની માનીતી હોટેલ ચેલ્સીમાં અનેક ભૂતો ભટકતાં જોવા મળે છે!

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
સાહિત્યકારો-કલાકારોની માનીતી હોટેલ ચેલ્સીમાં અનેક ભૂતો ભટકતાં જોવા મળે છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- આત્મા એની મરણ સમયની કોઈ ઇચ્છા અધૂરી રહી ગઇ હોય કે કોઈ ક્રિયા પૂરી થઇ શકી ના હોય તો તે પૂરી કરવાનો પ્રયત્ન કરતો હોય છે

મ રણ એ જીવનનો અંત નથી. મરણ પછી પણ બીજા સ્વરૂપે જીવન પ્રવાહ ચાલુ રહેતો હોય છે. મૃતાત્મા ફરી જન્મ લે એ પૂર્વે મરણ પછીની દશામાં પ્રેતાત્મા જગતમાં કે અન્ય લોકમાં રહેતો હોય છે. આ આત્મા એની મરણ સમયની કોઈ ઇચ્છા અધૂરી રહી ગઇ હોય કે કોઈ ક્રિયા પૂરી થઇ શકી ના હોય તો તે પૂરી કરવાનો પ્રયત્ન કરતો હોય છે. એને પોતાની મનગમતી જગ્યા, પ્રિય વ્યક્તિઓ અને આનંદદાયક પ્રવૃત્તિઓ કરવાની ઇચ્છા હોવાથી તે જગ્યાએ કે વ્યક્તિ પાસે પ્રેતાત્મા રૂપે આવતો હોય છે. એ રીતે જે જગ્યાએ કોઇની હત્યા થઇ હોય કે કોઇએ આત્મહત્યા કરી હોય તો તે જગ્યાએ એનો આત્મા ત્યાં ભટકતો જોવા મળે છે.

અમેરિકાના ન્યૂયોર્ક શહેરના ઐતિહાસિક ચેલ્સિયા વિસ્તારમાં આવેલી હોટેલ ચેલ્સી (Hotel Chelsea) મેનહટ્ટનમાં મેડિસન સ્કવેર ગાર્ડન પાસે આવેલી છે. આ આલીશાન વૈભવી હોટેલને ભૂતિયા ચેલ્સી હોટેલ (Haunted Hotel Chelsea) તરીકે પણ ઓળખવામાં આવે છે. હોટેલ ચેલ્સી એ ન્યૂયોર્ક શહેરના કલાત્મક વારસાનું એક કાયમી પ્રતીક છે. એક સમયે માર્ક ટ્વેન, ઓસ્કર વાઇલ્ડ, જીમી હેન્ડ્રીક્સ અને એન્ડી વોરહોલ જેવા મહાનુભાવો પણ તેમા રહ્યા હતા. તેના રૂમો એ વીસમી સદીની કેટલીક સાંસ્કૃતિક ક્ષણોના સાક્ષી રહ્યા છે.

૧૮૮૪માં જ્યારે ચેલ્સીએ તેના દરવાજા ખોલ્યા ત્યારે વિક્ટોરિયન ગોથિક માળખું ન્યૂયોર્કની સૌથી ઊંચી ઇમારતોમાની એક હતી, તેને આર્કિટેક્ટ ફિલિપ હ્યુબર્ટ દ્વારા સમાજવાદી સમુદાય માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું જ્યાં ભાડૂતો ઇંધણ અને સેવા ખર્ચને વિભાજીત કરીને પૈસા બચાવી શક્તા હતા. ઇમારતનો ઉપરનો માળ કલાકાર સ્ટુડિયોને અપાયો હતો. સંગીતકારો લેખકો સાથે મળીને રહી શકે તે માટે તેનું બાંધકામ ૩ ફૂટ જાડી સાઉન્ડપ્રૂફ દીવાલોથી કરવામાં આવ્યું હતું. ૧૯૦૫માં નાદારી બાદ ચેલ્સીને હોટેલમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. ૧૯૫૦ના દાયકા સુધીમાં તે એવન્ટ ગાર્ડ (Avant Garde)  ફેશન માટેનું કેન્દ્ર બની રહી, જેઓ સર્જનાત્મક સ્વતંત્રતા અને વ્યભિચાર (Debauchery) માં આનંદ માણતા હતા. આ હોટલમાં જે જેક કેરોઆકે 'ઓન ધ રોડ' લખ્યું. બોબ ડાયલને તેનું 'બ્લોન્ડ ઓન બ્લોન્ડ' આલ્બમ લખ્યું અને એન્ડી વોરહોલે ચેલ્સી ગર્લ્સ માટે દ્રશ્યો ફિલ્માવ્યા. હોટેલ ચેલ્સીમા અનેક દુ:ખદ ઘટનાઓ પણ બની. એની કરુણાન્તિક શ્રેણી આગળ ધપતી રહી.

૧૯૫૩માં કવિ ડાયલન થોમસ (Dylan Thomas) કોઈ આવેશમાં સતત ૧૮ વ્હિસ્કી પી ગયા. તે વખતે તે આ હોટેલના રૂમ નંબર ૨૦૫માં હતા. આલ્કોહોલ પોઇઝનિંગથી તે કોમામાં સરી પડયા અને ત્યાંથી હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે ત્યાં તેમનું મૃત્યુ થઇ ગયું. લોસ્ટ વિક એન્ડ (Lost Weekend) ના લેખક ચાર્લ્સ આર. જેકસને ૧૯૬૮માં હોટેલ ચેલ્સીમા જ આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત આણી દીધો હતો. તે પછી પણ આવી વારદાતો ચાલુ જ રહી. ૧૯૭૮માં સેક્સ પિસ્તોલનો બાસિસ્ટ (બાસ ગિટાર વગાડનાર મ્યુઝિસિયન) સિડ વિસિયસ (Sid Vicious) પર પણ તે તેની ગર્લ ફ્રેન્ડ નેન્સી સ્પુંજેન (Nancy Spungen)  સાથે હોટેલ ચેલ્સીના રૂમ નંબર ૧૦૦માં હતો ત્યારે જાણે માથા પર ભૂત સવાર થઇ ગયું હોય તેમ એકાએક આક્રમક બની ગયો હતો અને નેન્સીના પેટમાં ચપ્પાના ઘા મારીને તેની હત્યા કરી નાંખી હતી. તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે હત્યાનો કેસ ચાલે તે પહેલા તેનું હેરોઇનના ઓવરડોઝથી મરણ થઇ ગયું હતું.

હોટેલ ચેલ્સીમા અનેક હિંસક અને લોહિયાળ ઘટનાઓ બની છે એટલે ત્યાં મરણ પામનારના પ્રેતાત્મા ત્યાં ભટકતા જોવા મળે છે. ત્યાં સૌથી વધારે જોવા મળતા ભૂતોમાં એક ભૂત છે લેરી ધ હિલ્સ્ટર ઘોસ્ટ (Larry the Hipster Ghost)  લેરીનું ભૂત વાતોડિયું છે, તે મહેમાન સાથે તેના જીવન, તેના સાથીદાર ભૂતોના જીવન અને હોટેલના ઇતિહાસ વિશે ખુશીથી લાંબી વાતો કરે છે. એક ધનવાન, રેશમનો વેપારી આ હોટેલમાં રહેતો હતો. ેતની પુત્રી નાદિયાએ આવેશમાં આવી તેનો પોતાનો હાથ ઔદ્યોગિક કાતરથી કાપી નાંખ્યો હતો. તેનો દુ:ખાવો સહન ન થતાં તેણે ઉપરના માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી નાખી હતી. તેનું ભૂત આજે પણ ધુમ્મસવાળી રાત્રિએ હોટેલ ચેલ્સીની બહાર ચાલતું જોવા મળે છે.

હોટેલ ચેલ્સીનું એક જાણીતું ભૂત છે - 'મેરી ધ ટાઈટેનિક ઘોસ્ટ' એવું કહેવાય છે કે મેરી, દુર્ભાગ્યપૂર્ણ ક્રૂઝ લાઈનર ટાઈટેનિકના તેના અકસ્માતમાં બચી ગયેલા મુસાફરોમાંની એક હતી. હોટેલ ચેલ્સીએ આ દુર્ઘટનામાં બચી ગયેલા કેટલાક મુસાફરોને આશ્રય આપ્યો હતો. મેરી આ હોટેલમાં જ રહી હતી. જહાજ ડૂબી ગયું ત્યારે મેરીએ તેના પ્રિય પતિને ગુમાવી દીધો હતો. એટલે હોટેલની વૈભવી સુવિધા હોવા છતાં તે ડિપ્રેસનમાં રહેતી હતી. પતિના મરણના વિષાદમાં તેણે પાંચમા માળના હોટેલના રૂમમાં આત્મહત્યા કરી નાંખી હતી. તેનું ભૂત હોટેલની અંદરના ભાગમાં અને ખાસ કરીને પાંચમા માળ પર જોવા મળે છે. તે ઘણીવાર હોટેલમાં ગોઠવાયેલા અરીસાઓમાં તેનાં પ્રતિબિંબને જોતી જોવા મળે છે. હોટેલમાંથી તે પાછી પરલોકમાં જાય ત્યારે તેના પતિને આકર્ષક, સુંદર તો લાગશે ને તેની ખાતરી કરવા તે વારંવાર દર્પણમાં જોયા કરે છે એવું ઘણા માને છે. તે અજાણ્યા લોકો સાથે વાત કરવાનું પસંદ કરતી નથી અને જો કોઈ અજાણી વ્યક્તિ તેને રોકી વાતચીત કરવાનો પ્રયત્ન કરે તો તે થોડી આક્રમક બની તેને ડરાવી દે છે. 'ધ સોપ્રાનોસ'ના સ્ટાર ન્યૂયોર્કવાસી માઈકલ ઇમ્પેરિઓલી (Michael Imperioli) એવો દાવો કરે છે તે મેરીના ભૂતને મળ્યા હતા અને તેણે તેમને સારા એવા ડરાવી દીધા હતા. તે ઇચ્છે કે ફરી ક્યારેય મેરીના ભૂતનો તેમને ભેટો ન થાય તો સારું. હોટેલ ચેલ્સીમાં ડિપ્રેશનમાં રહેતા એક અનાથ છોકરાનું ભૂત પણ જોવા મળે છે જે મહેમાનોના પગ નીચે લાત મારી પછી ભાગી જાય છે. પ્રખ્યાત કાર્ટૂનના પાત્ર જેવો પોશાક પહેરતી 'ધ બેટી બૂપ ઘોસ્ટ' તરીકે ઓળખાતી એક કોલગર્લનું ભૂત પણ આ હોટેલમાં જોવા મળે છે.

Tags :