Get The App

મસ્તિષ્ક અને જગત હોલોગ્રામની જેમ કામ કરે છે: તેમાં તમામ માહિતી સંગ્રહિત રહે છે

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
મસ્તિષ્ક અને જગત હોલોગ્રામની જેમ કામ કરે છે: તેમાં તમામ માહિતી સંગ્રહિત રહે છે 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- મગજમાં હોલોગ્રાફિક પ્રક્રિયા ઊભી કરનારા વિદ્યુત રાસાયણિક ફેરફારો ચૈતન્ય શક્તિ કે મનની અજ્ઞાન-અભૌતિક શક્તિથી થાય છે

યદિદમપિત બ્રહ્મપુરે 

દહરં પુંડરીકં વેરમ

યચ્ચાસ્યેહાસ્તિ યચ્ચ નાસ્તિ સર્વં તસ્મિન્ સમાહિતમ્ ।।

આ બ્રહ્મપુર અર્થાત્ શરીરમાં જે સૂક્ષ્મ કમળ (હૃદય મસ્તિષ્ક-અંત:કરણ રૂપી ગુફા) છે એમાં જે કંઇ અહીં છે અને જે નથી - સંપૂર્ણ જગત એમાં જ સમાયેલું છે.

- છંદોગ્ય ઉપનિષદ (૮-૧-૩)

છાં દોગ્ય ઉપનિષદ કહે છે કે અંત:કરણ કે મસ્તિષ્કમાં બ્રહ્મરંધ્ર રૂપ ચેતનાનું સૂક્ષ્મ કેન્દ્ર છે જેમાં આખું બ્રહ્માંડ અવસ્થિત છે. જે પ્રકટ છે એટલે કે આવિભૂર્ત સ્થિતિ (explicate order) માં છે તે અને અપ્રકટ એટલે કે તિરોહિત સ્થિતિ (implicate order) માં છે તે બધું આ ચેતનાના સ્થાનમાં અંતર્નિહિત છે. આ એ જ સ્થાન છે જ્યાં જીવની અનુભૂતિ થતી રહે છે, જ્યાં ચેતનાાનો પ્રકાશ છે. જેને આત્માનું નિવાસસ્થાન કહેવાય છે. ઉપનિષદ દર્શાવે છે કે જગત બહાર નહીં, આપણી અંદર પણ તે જ ચેતનાના રૂપે વિદ્યમાન છે.

સંજ્ઞાનાત્મક મનોવિજ્ઞાન (cognitive psychology)  સંજ્ઞાનાત્મક વિજ્ઞાન, તંત્રિકા મનોવિજ્ઞાન (Neuropsychology) હોલોનોમિક બ્રેઇન થિયરી અને હોલોગ્રાફિક ચેતનાના ક્ષેત્રે અસાધારણ સંશોધન કરનારા અમેરિકન - ઓસ્ટ્રિયન ન્યૂરોસાયન્ટિસ્ટ કાર્લ પ્રિબ્રમ (Karl Pribram) જ્યોર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર હતા. તેમણે યેલ યુનિવર્સિટી,રેડફોર્ડ યુનિવર્સિટી, જ્યોર્જ મેસન યુનિવર્સિટી અને જીવનના અંતિમ તબક્કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમિરેટ્સ પ્રોફેસર હતા. કાર્લ પ્રિબ્રમે ૭૦૦થી વધારે પુસ્તકો અને વૈજ્ઞાનિક પ્રકાશનો લખ્યા એમને ૬૦થી વધારે પ્રમુખ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત થયા.

કાર્લ પ્રિબ્રમ (પ્રિબરમ)ની હોલોનોમિક બ્રેન થિયરી દર્શાવે છે કે મસ્તિષ્કની સૂચના પ્રસંસ્કરણ પ્રણાલી સમાનાંતર, વિતરિત અને તરંગોની પેટર્ન પર આધારિત છે, જે રીતે કોઈ હોલોનોમિક (પૂર્ણાંક-આધારિત) ગણિતીય મૉડલમાં થાય છે. મસ્તિષ્કમાં જાણકારી એકલા ન્યૂરોન્સમાં નહીં, પણ નેટવર્ક અને વ્યતિકરણ ભાત (ઇન્ટરફેરન્સ પેટર્ન)માં રહે છે. આ બાબત ગણિતીય હોલોનોમિક ઇન્ટરફેરન્સની જેમ કામ કરે છે. વિશેષ રૂપે સ્મૃતિ અને દ્રષ્ટિ (ફૈર્જૈહ) ના અધ્યયનમાં એનો પ્રયોગ કરાયો. દાખલા તરીકે આપણે જ્યારે કોઈ ચહેરાને યાદ કરીએ છીએ ત્યારે એ સ્મૃતિ કોઈ એક ન્યૂરોનમાં નહીં, પણ દ્રશ્ય કોર્ટક્સમાં ન્યૂરોસન્સની વ્યાપક પેટર્નમાં સંગ્રહીત થાય છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે મસ્તિષ્ક તરંગો (Wave Interference Pattern) ના રૂપમાં યાદો સંગ્રહિત કરે છે, નહિ કે એક એક જગ્યાએ 'ફાઈલ'ની જેમ. આ બાબત કૂરિયર ટ્રાન્સફોર્મ જેવી ગણિતીય પધ્ધતિને મળીત આવે તેવી છે. સ્મૃતિઓ કોઈ એક સ્થાન પર નથી રહેતી. તે આખા મસ્તિષ્કમાં વહેંચાઈ જાય છે. હોલોગ્રામની જેમ જાણકારી આખા મસ્તિષ્કમાં ફેલાયેલી હોય છે. એટલે જો મસ્તિષ્કનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થઇ જાય તો પણ સ્મૃતિ બીજા ભાગમાં પણ ટકી રહે છે.

હોલોગ્રામ એક ત્રિ-આયામી (three diamensional) ચિત્ર હોય છે જેને લેસર કિરણોથી રેકોર્ડ કરાય છે. એની ખાસ વાત એ છે કે આખી તસવીરનો દરેક નાનામાં નાનો ભાગ પૂરી જાણકારી ધરાવે છે. હોલોગ્રામ કેવી રીતે બને છે તેની વાત કરીએ તે પહેલાં ક્વૉન્ટમ મિકેનિક્સના સીમાચિહ્ન રૂપ બની ગેયલા થોમસ યંગના પ્રકાશ વ્યતિકરણના પ્રયોગોનો ખ્યાલ મેળવી લઇએ. થોમસ યંગના પ્રયોગો દર્શાવ્યું કે જ્યારે જ્યારે તરંગો એકબીજાની સામસામે આવે છે ત્યારે તેમનામાં વ્યતિકરણ થાય છે. પ્રકાશ, ધ્વનિ એમ બધા પ્રકારના તરંગોમાં આ વ્યતિકરણની પ્રક્રિયા થાય છે. હોલોગ્રાફીમાં જેનો ફોટો લેવાનો હોય તેના પર લેસર કિરણોને આપાત કરવામાં આવે છે. તે વસ્તુ આપાત થયેલાં કિરણોનું પરાવર્તન કરે છે. આ પરાવર્તિત કિરણો હોલોગ્રામમાં સંગ્રહ પામે છે. પછી લેસર કિરણના માર્ગમાં રાખવામાં આવેલા હાફ-સિલ્વર અરીસા પર પણ આપાત થયેલાં કિરણોનું પરાવર્તન થાય છે. આ અરીસા પરથી પરાવર્તિત થયેલાં કિરણો સંદર્ભ કિરણો (Refrence Beams) તરીકે ઓળખાય છે. આ સંદર્ભ કિરણો પણ હોલોગ્રામ પર પડે છે. આમ, જેનું ચિત્ર લેવાનું હોય તે પદાર્થ પરથી પરાવર્તન પામેલા કિરણો અને હાફ સિલ્વર અરીસા પરથી પરાવર્તન પામેલા સંદર્ભ કિરણો બન્ને ભેગા થાય છે. થોમસ યંગના પ્રયોગના નિયમ અનુસાર આ સ્થિતિમાં પ્રકાશનું વ્યતિકરણ થાય છે. હોલોગ્રામમાં આ વ્યતિકરણને 'ફ્રીઝ' કરી લેવામાં આવે છે.

હોલોગ્રામની વિશેષતા એ છે કે તેનો દરેક નાનામાં નાનો ભાગ મૂળ પદાર્થની આકૃતિને પૂર્ણ પણે સંગ્રહિત કરે છે. અર્થાત્ તેના ગમે તેટલા નાના ટુકડા કરી નાંખો તો પણ દરેક ટુકડામાં આખું મૂળ ચિત્ર દેખાય છે. એના નાનામાં નાના ટુકડામાં પણ તેની માહિતી અખંડિત અવિભાજિત જ રહે છે. બૃહદારણ્યક ઉપનિષદ (૫/૧/૧) અને ઇશાવસ્ય ઉપનિષદમાં આલેખાયેલો આ શ્લોક અર્વાચીન હોલોગ્રાફિક થિયરી જેવી જ વાત કરે છે : 'ઓમ પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે । પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ।।' તે (બ્રહ્મ, પરમાત્મા) પૂર્ણ ચે. આ (જગત, સૃષ્ટિ) પણ પૂર્ણ છે. પૂર્ણથી પૂર્ણનો ઉદ્ભવ થાય છે; પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો, તો પણ પૂર્ણ જ બાકી રહે છે.' આ મંત્ર બ્રહ્મ (પરમ સત્ય પ્રકૃતિ બતાવે છે. બ્રહ્મ પૂર્ણ, અખંડ, અનંત છે. એનાથી બનેલી આ સૃષ્ટિ પણ એ પૂર્ણતાની જ અભિવ્યક્તિ છે. પૂર્ણતામાંથી થોડું - ઘણું - બધું ઉત્પન્ન થવા છતાં ય મૂળ પૂર્ણતામાં કોઈ ઘટાડો થતો નથી. આ સંસાર અનેક રૂપોમાં દેખાય છે. પણ બધાનો આધાર એક જ પૂર્ણ, અદ્વૈત ચેતના છે.

મસ્તિષ્ક વિજ્ઞાની, ન્યૂરોસાયન્ટિસ્ટ કાર્લ એચ. પ્રિબ્રમ દર્શાવે છે કે આપણા મસ્તિષ્કમાં રહેલી મજ્જા પેશીઓ એકમેક સાથે જોડાયેલી હોતી નથી. તે એવી રીતે ગોઠવાયેલી હોય છે કે તેમના બે છેડાઓ અક્ષતંતુ અને શિખાતંતુ સામસામા આવે, પણ તેમની વચ્ચે ખાલી અવકાશ રહેવા પામે છે. મજ્જાપેશીઓ વચ્ચે રહેલા ખાલી અવકાશને ચેતોપગમ ક્ષેત્ર (Synaptic Region) કહેવામાં આવે છે. આ મજ્જાપેશીઓનાા છેડા પર વ્યતિકરણ પ્રતિરૂપો વિદ્યુત સંવેદી થઇ કાયમી વીજભારના રૂપમાં સંગ્રહિત થાય છે. મજ્જાપેશીઓ વચ્ચેનાં આ સંધિસ્થાનોમાં થતા વિદ્યુત સંવેદનશીલતાના સૂક્ષ્મતમ ફેરફારો વ્યતિકરણ ઉભું કરે છે. એટલે તો હોલોગ્રામ બની જાય છે. આમ, મગજનો કોઈપણ ભાગ કે ઘટક હોલોગ્રામ જેવો હોવાથી બાકીના બધા ભાગને તેનું જ્ઞાન સંક્રામિત કરી લે છે અને બાકીના બધાનું જ્ઞાન પોતે ગ્રહણ કરી લે છે. મગજમાં હોલોગ્રાફિક પ્રક્રિયા ઊભી કરનારા વિદ્યુત રાસાયણિક ફેરફારો ચૈતન્ય શક્તિ કે મનની અજ્ઞાન-અભૌતિક શક્તિથી થાય છે.

ક્વૉન્ટમ મિકેનિક્સના માંધાતા ગણાય એવા મહાન ભૌતિકવિજ્ઞાન ડેવિડ બોહ્મ કહે છે કે પ્રકાશ અને ઊર્જાનો વિદ્યુત ચુંબકીય તરંગો અવકાશમાં સતત મુસાફરી કરે છે તે એકબીજા સાથે વ્યતિકરણ પામી હોલોગ્રાફિક અસર ઉભી કરે છે. આ પ્રકાશ કે ઊર્જાના વ્યતિકરણ પામી પરાવર્તિત થેયલા તરંગો તિરોહિત (implicate) કે આવિર્લત (explicate) દશામાં પદાર્થના અપ્રકટ કે પ્રકટ રૂપે દેખાય છે. પદાર્થ પણ તરંગો જ છે માટે વસ્તુઓનું કહેવાતું પદાર્થ દ્રવ્ય પણ વ્યતિકરણ પ્રતિરૂપ કે ભાતથી જ બનેલું છે. જેમ હોલોગ્રામની ફોટોગ્રાફિક પ્લેટનો કોઈપણ નાનામાં નાનો ભાગ પોતાની અંદર સમગ્ર ચિત્રને ધારણ કરી લે છે તેમ આકાશનો કોઈપણ ભાગ, ફોટોના વેવ કે વેવ પેકેટ હોય તે પણ સમગ્રને પોતાની અંદર ધારણ કરી લે ચે.

કાર્લ પ્રિબ્રમ એમનાા લેન્ગવેઝિસ ઑફ ધ બ્રેઇન (Languages of the Brain)  નામના પુસ્તકમાં કહે છે - There are universes inside our heads universes superimposed upon universes : આપણા મસ્તિષ્કની અંદર અનેક જગતો રહેલા છે - જગતોની ઉપર અધ્યારોપિત જગતો.' અમેરિકન ન્યૂરો સાયન્ટિસ્ટ જ્હોન સી. લીલી (John C. Lilly)  એમના હ્યુમન બાયો કૉમ્પ્યૂટર (Human Biocomputer) પુસ્તકમાં લખે છે : 'આપણા ચૈતન્ય અસ્તિત્વમાં સંજ્ઞાનાત્મક બહુઆયામી પ્રક્ષેપણ સ્થાનો/અવકાશો (Cognitional Multidimensional Projection spaces) છે જેમાં અગણિત વિશ્વો એકબીજાની અંતર્ગત રહેલાં છે.' ક્વૉન્ટમ ભૌતિક વિજ્ઞાન અને મસ્તિષ્ક વિજ્ઞાન દર્શાવે છે કે જગત અને મસ્તિષ્ક હોલોગ્રામની જેમ કામ કરતાં હોવાને લીધે આપણી ચેતના અને મન આકા જગત સાથે જોડાયેલાં રહી એની બધી માહિતી ગ્રહણ કરી શકે છે અને અન્ય જગતોમાં પણ આવન-જાવન કરી શકે છે.