Get The App

વૈદિક દેવતાઓ : માનવ શરીરના જૈવિક પ્રતીકો

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
વૈદિક દેવતાઓ : માનવ શરીરના જૈવિક પ્રતીકો 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- મુઠ્ઠી જેટલા કદનું માનવ મગજ ચમત્કારિક શક્તિ ધરાવે છે. ચેતના, સંવેદનશીલતા અને ક્રિયાશીલતા એમાં એટલા બધા પ્રમાણમાં છે કે તેને શરીરનું કેન્દ્રસ્થાન કહેવાય છે

‘The vedic gods are not mythological beings, they are personifications of physiological functions in the human body.’

વૈદિક દેવો મિથકીય વ્યક્તિઓ નથી, તે માનવ શરીરની જૈવ-શારીરિક ક્રિયાઓના વ્યક્તિકરણ (પ્રતીકાત્મકરૂપ) છે.

- V.G.Rele 

(વી.જી.રેલે), 

The Vedic Gods as Figures of Biology.

  ‘The gods of the veda are not merely naturalistic personifications but powers of the one Divine.

વેદોના દેવો કેવળ પ્રકૃતિ - તત્ત્વોના વ્યક્તિકરણ નથી, પણ એક પરમ દિવ્ય સત્તાની 

શક્તિઓ છે.

‘The veda is a book of mystic symbols. વેદ રહસ્યમય પ્રતીકોનું એક પુસ્તક છે.'

- shri Autobindo 

(મહર્ષિ શ્રી અરવિંદ), 

The Secret of the Veda. 

વીસમી સદીના એક પ્રસિદ્ધ ભારતીય ચિકિત્સક, વિદ્વાન અને લેખક ડૉ. વી.જી.રેલે માનવ શરીર રચના વિજ્ઞાન (Anatomy) અને શરીર વિજ્ઞાન (Physiology) ના વિશેષજ્ઞા હતા જેમણે વેદો, યોગ અને જ્યોતિષને આધુનિક જીવવિજ્ઞાન Biology) અને તંત્રિકા વિજ્ઞાન (Neuroscience) સાથે જોડવાનું અભિનવ કાર્ય કર્યું. તે માનતા હતા કે વૈદિક ઋષિઓ કેન્દ્રીય તંત્રિકા તંત્ર એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર (Central Nervous system) ના પ્રતીકોના રૂપમાં કહે છે. લેખક રેલે અનુસાર વૈદિક ઋષિઓને ચેતાતંત્ર વિજ્ઞાનનું ગહન જ્ઞાન હતું. વેદોમાં વર્ણન કરાયેલા દેવો માનવ શરીરના વિભિન્ન અંગો અને એમના કાર્યોનું જ વર્ણન કરે છે.

ડૉ. રેલેએ The Vedic Gods as Figures of Biology નામના તેમના પુસ્તકમાં આની સુંદર અને વિસ્તૃત માહિતી આપી છે. તે કહે છે - જે કંઇ બ્રહ્માંડ (Macrocosm)માં છે. તે માનવ શરીર (Macrocosm)માં છે. ડૉ. રેલે દર્શાવે છે કે વેદોમાં વર્ણવેલ દ્યુલોક (સ્વર્ગ) અને અંતરિક્ષ એ ખરેખર આપણા શરીરના આ જ તંત્રના ભાગો છે. મધ્યસ્થ ચેતાતંત્રના મુખ્ય બે ભાગો છે. ૧. મગજ (Brain) ૨. કરોડરજ્જુ (spinal Cord).  વેદોમાં ઇન્દ્ર દ્વારા જેનું સૂચન કરાય છે તે માનવ શરીરનું મસ્તિષ્ક (મગજ) છે. વેદોમાં ઇન્દ્રને દેવોનો રાજા કહેવામાં આવે છે. એમ અહીં મસ્તિષ્ક ઇન્દ્રિયોનો રાજા છે. જેમ ઇન્દ્ર વાદળોને ચીરીને વરસાદ વરસાવે છે તે જ રીતે આપણું મસ્તિષ્ક સૂચનાઓનો પ્રોસેસ કરીને શરીરમાં જ્ઞાનનો સંચાર કરે છે. મસ્તિષ્ક શરીરનું નિયંત્રણ કેન્દ્ર છે તે તમામ જ્ઞાનેન્દ્રિયો અને ક્રર્મેન્દ્રિયોનું સંચાલન કરે છે.

મુઠ્ઠી જેટલા કદનું માનવ મગજ ચમત્કારિક શક્તિ ધરાવે છે. ચેતના, સંવેદનશીલતા અને ક્રિયાશીલતા એમાં એટલા બધા પ્રમાણમાં છે કે તેને શરીરનું કેન્દ્રસ્થાન કહેવાય છે. ૩ પૌંડથી પણ ઓછું વજન ધરાવતું, અખરોટ જેવા આકારનું મગજ બે ગોળાર્ધોમાં વહેંચાયેલો અનેક અટપટી રચનાવાળો માંસપિંડ છે. આ બે ગોળાર્ધોમાં એકને સેરિબ્રમ અને બીજાને સેરિબેલમ કહેવાય છે. મગજની કાર્યવાહી જે ચેતાકોષો (Nerve cells) ને મળીને સંચાલિત થાય છે તેની સંખ્યા આશરે દસ અબજ જેટલી છે. એમને એકબીજા સાથે જોડાનારાં ચેતાતંતુઓ (નર્વ ફાઇબર) અને એમના ઇન્સ્યુલેશન ખોપરીમાં ખીચોખીચ ભરેલા છે. એક ચેતા કોષનો વ્યાસ એક ઇંચના હજારમા ભાગ કરતાં પણ ઓછો છે. એનું વજન એક ઔંસના સાઇઠ અબજમાં ભાગ કરતાં વધારે નથી. ચેતાતંતુઓમાંથી નીકળીને વીજળીના જે આવેગો (impulses) દોડે છે તે જ જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી જરૂરી સૂચનાઓ તેના કેન્દ્ર સુધી પહોંચાડે છે. માનવીએ બનાવેલા સુપર કોમ્પ્યુટર વધુમાં વધુ દસ લાખ ભાગો છે અને ભાગના છ થી વધુ સંપર્ક સૂત્રો હોતા નથી. જ્યારે મગજમાં દસ અબજ કોશિકાઓ છે અને એ દરેક કોશિકાના લાખોનાં લાખો સંપર્ક સૂત્રો છે.

એ ઉપરાંત દરેકના જૈવ-રસાયણોના સંમિશ્રણમાં પણ અનેકવિધ ભિન્નતા હોય છે. ચેતા કોશાણુ એક સફેદ સૂત્ર તંતુ યુક્ત હોય છે. આ તંતુ અન્ય ન્યુરોન્સથી જોડાયેલા હોય છે. આ રીતે આખું મગજ આ રીતે પરસ્પર જોડાયેલ એક તંતુજાળથી છવાયેલું છે. આ સૂત્રોથી તે પરસ્પર જોડાયેલા રહે છે અને પોતાની જવાબદારી એકબીજાને મળીને પૂરી કરે છે. દરેક વિકસિત મગજ લગભગ ૨૦ વૉટ વિદ્યુત શક્તિથી ચાલે છે. કેટલાક કોષાણુ વિશેષરૂપથી આ વીજળીને ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. અને બાકીના એનો ઉપયોગ કરીને પોતાનું કામ ચલાવે છે. તે એક સૂક્ષ્મ ડાયનેમો જેવું કામ કરે છે. ગ્લુકોઝ અને ઑક્સિજનનું રાસાયણિક ઇંધણ પ્રજ્વલિત કરી એની ઊર્જાને તે વીજળીમાં પરિવર્તિત કરે છે. કામચલાઉ માત્રામાં તે કોષાણુઓને શક્તિ પ્રદાન કરે છે અને તે વધુ પ્રમાણમાં પેદા થાય તો સ્વયં વિસર્જિત થઇ જાય છે. એનો ચાર્જડિસ્ચાર્જ શારિરીક અને માનસિક ક્રિયાઓ અનુસાર વધતો ઘટતો રહે છે. એમાં વધઘટ થવાથી માનસિક અને શારિરીક સંતુલન બગડે છે. વેદમાં 'સ્વર્ગ' અથવા 'દ્યુ લોક' કહેવામાં આવ્યા છે એ ખરેખર ખોપરીની અંદર આવેલો મસ્તિષ્કનો ભાગ જ છે.

મગજમાંથી નીકળીને પીઠના મધ્યભાગમાં જતી કરોડરજ્જુને ડૉ. રેલેએ અંતરિક્ષ (આકાશ અને પૃથ્વી વચ્ચેનો ભાગ) તરીકે ઓળખાવી છે. તે મગજ (સ્વર્ગ) અને શરીરના અંગો (પૃથ્વી) વચ્ચેનો સેતુ છે. આ કરોડરજ્જુમાં વહેતા પ્રવાહી (Cerebrospinal Fluid) ને તે સોમરસ કહે છે જે ચેતાતંત્રને ઠંડક અને પોષણ આપે છે. ચેતાતંત્રની સૌથી મહત્ત્વની નસ જે મગજથી શરૂ થઇને હૃદય, ફેફસાં અને પેટ સુધી પહોંચે છે તે 'વેગસ નર્વ' વિષ્ણુ છે. આ નસ આખા શરીરમાં વ્યાપેલી છે અને તે જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. જેમ કે શ્વાસ લેવો અને પાચન કરવા વિષ્ણુ પોષણના જ દેવ છે. વિષ્ણુએ વામન રૂપે ભરેલા ત્રણ ડગલાથી તે ત્રિવિક્રમ કહેવાયા. વેગસ નર્વ (Vagus Nerve) શરીરના ત્રણ મુખ્ય ભાગો છાતી, પેટ અને પેઢુ પરના નિયંત્રણનું પ્રતીક છે. વેદમંત્રોમાં શરીર વિજ્ઞાનનું જ્ઞાન નિહિત છે. મગજની રચનામાં ગ્રે મેટર અને વ્હાઇટ મેટર નામના બે રંગોના દ્રવ્યો એ અદિતિ અને દિતિ છે. અદિતિ એ પરમ અનંત ચેતના છે. તે દેવોની માતા છે. તે મગજની મુખ્ય કાર્યકારી શક્તિ છે. તે ગ્રે મેટર છે. દૈત્યોની માતા દિતિ એ મર્યાદિત શક્તિ છે તે વ્હાઇટ મેટર છે. વેદમાં મરુતને પવનના દેવતા કહેવાય છે આ પવન એટલે ચેતાતંત્રમાં દોડતા વીજળીક તરંગો (Electric Impulses) જેમ પવન સંદેશો પહોંચાડે છે તેમ મરુત તરંગો મગજનો આદેશ અંગો સુધી સેકન્ડના સોમા ભાગમાં પહોંચાડે છે.

વેદમાં વરુણ દેવતા માટે કહેવાયું છે - 'વરુણસ્ય પાશા વિતતા મહાન્ત: । વરુણ દેવના પાશ બધા ક્ષેત્રોમાં ફેલાયેલા છે.' 'યસ્ય શ્વેતા વિચક્ષણ તિસ્ત્રો ભૂમિરધિક્ષિત:'

ત્રિરુત્તરાણિ પ્રપતુ: વરુણસ્ય ધુ્રવં સદ: સ સપ્તનાભિ રજ્જત વરુણની વિલક્ષણ રસપ્રવાહિની ધારાઓ ત્રણ દિશાઓમાં વહે છે. એમાંની ઉત્તર દિશાની ત્રણ સ્નાયુ કેન્દ્રોને સંચાલિત કરે છે. સપ્તસ્નાયુ કેન્દ્રોથી આખા શરીર અને મનના ક્ષેત્રની કાર્યવાહી ચાલતી રહે છે. વેદોમાં વરુણને જળના દેવતા કહેવાય છે. મગજ અને કરોડરજ્જુમાં વહેતા પ્રવાહીનું દબાણ અને તેનું નિયંત્રણ વરુણ દેવ દ્વારા દર્શાવાયું છે. શરીરમાં પ્રવાહીઓનું સંતુલન જળવાઈ રહે તે જોવાનું કામ વરુણરૂપી જૈવિક પ્રક્રિયાનું છે. તે સેરિબ્રોસ્પાઇનલ ફ્લ્યુઇડનું નિયંત્રણ કરે છે.

વરુણદેવ પાસે પાશ (ફાંસો) હોવાનું મનાય છે. જ્યારે શરીરમાં પ્રવાહીનું સંતુલન બગડે છે જેમ કે લોહીનું દબાણ વધવું અથવા સોજો આવવો ત્યારે તે 'પાશ' સમાન બને છે જે અંગોને જકડવાનું કામ કરે છે. ખાસ કરીને જલંદર (Dropsy જેવા રોગો જેમાં શરીરમાં પાણી ભરાઈ જાય છે તેને વરુણના પાશ સાથે સરખાવવામાં આવ્યા છે.વરુણ એટલે મગજની આસપાસનું રક્ષણાત્મક આવરણ અને શરીરમાં વહેતા તમામ પ્રવાહીઓનું નિયમન કરતું તંત્ર.

અશ્વિનીકુમારો એટલે સંવેદી ચેતા (Sensory Nerves) અને પ્રેરક ચેતા (Motor Nerves) ની જોડી. એ આપણા મગજ અને શરીર વચ્ચે સંદેશા લઇ જતી બે મુખ્ય ચેતાઓ (Nerves) છે. સંવેદી ચેતા શરીરના અંગો પાસેથી અનુભવ લઇ મગજ સુધી પહોંચાડે છે. પ્રેરક ચેતા મગજ તરફથી મળેલા આદેશો અંગો સુધી પહોંચાડીને તેમની પાસે કામ કરાવે છે. વૈદિક સાહિત્યમાં ઉલ્લેખ છે કે અશ્વિનીકુમારો લંગડાને ચાલતા કરે છે અને અંધાપો મટાડે છે. જો આ ચેતાઓ કપાઈ જાય અથવા કામ ન કરે તો માણસ લકવાગ્રસ્ત (Paralyzed) કે અંધ થઇ જાય છે. એટલે જ અશ્વિનીકુમારોને દેવોના વૈદ્ય કહ્યા છે જે રોગ મટાડવાની શક્તિ ધરાવે છે. અર્થાત્ તે તબીબી શક્તિ જે ચેતાઓ દ્વારા શરીરમાં સંતુલન, સ્વાસ્થ્ય જાળવી રાખે છે.

વેદોમાં વૃત્રાસુરની વાત આવે છે જે નદીઓના પાણીને લોહીનો ગઠ્ઠો (બર્ના) અથવા ચેતાતંત્રમાં પેદા થયેલો અવરોધ (મર્નબંચયી). વૈદિક સાહિત્યમાં ઉલ્લેખ છે કે ઇન્દ્ર અને વૃત્રાસુરનું યુદ્ધ થાય છે. તેનો જૈવિક અર્થ થાય છે - જ્યારે ઇન્દ્ર (મગજ/ચેતના) વૃત્રનો વધ કરે છે (ગાંઠ કે અવરોધનો નાશ કરે છે ત્યારે જીવનરૂપી જળ (લોહી અને ચેતાપ્રવાહ) ફરીથી મુક્તપણે વહેવા લાગે છે. આ રીતે બધા વૈદિક દેવો માનવ શરીરની જૈવિક શક્તિઓ અને શારિરીક તંત્રોના પ્રતીકો છે.