પ્રેતાત્માઓના પ્રભાવવાળી એક અભિશાપિત સોનાની ખાણ જેને શોધવા ગયેલા સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા!
- ગોચર-અગોચર- દેવેશ મહેતા
- સોનાની ખાણમાંથી સોનું લઈ જવા માટે આવેલા અનેક લોકોએ ટેકરીઓ પર સોનું વરસતું હોય એવા અને ખીણમાં લાવારસની જેમ સોનું ઉછળતું હોય એવા દ્રશ્યો પણ અનેકવાર જોયા છે
વિ શ્વની અતિ સમૃદ્ધ સોનાની ખાણોમાંની એક ખાણ છે - ધ લોસ્ટ ડચમેન્સ ગોલ્ડ માઈન (The Lost Dutchman’s Gold Mine). તે અમેરિકાના એરિઝોનાના ફોનિક્સ (Apache) ની પૂર્વમાં અપાચી જંકસન પાસે 'સુપરસ્ટિશન માઉન્ટેન' તરીકે ઓળખાતી પહાડીઓમાં આવેલી છે. અમેરિકાના સાઉથ વેસ્ટર્ન ભાગ એરિઝોનામાં છુપાયેલી આ સોનાની ખાણોને અભિશાપિત માનવામાં આવે છે. એની શોધમાં નીકળેલા સેંકડો લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. સદીઓ પૂર્વે યુરોપિયનોએ આ ક્ષેત્રમાં પોતાનો અડ્ડો જમાવવાનો પ્રયત્ન કર્યો તે પૂર્વે ત્યાં આદિવાસીઓ રહેતા હતા. એમાં અપાચી (છૅચબરી) મુખ્ય હતા. એમની સાથે ગોરાઓનું ભારે ઘર્ષણ થયું. ગોરા સશસ્ત્ર અધિકારીઓએ અપાચી આદિવાસીઓનો ક્રૂરતાપૂર્વક નરસંહાર કરી નાંખ્યો. એ મૃતકોના પ્રેતાત્માઓ એ પહાડીઓ અને ખાઈઓ-ખીણોના પ્રદેશમાં ભટકતા રહે છે અને ત્યાં આવતા લોકો પર હુમલો કરી તેમને પાછા ભગાડી દે છે અને સોનાની ખાણની રક્ષા કરે છે.
સોનાની ખાણમાંથી સોનું લઈ જવા માટે આવેલા અનેક લોકોએ ટેકરીઓ પર સોનું વરસતું હોય એવા અને ખીણમાં લાવારસની જેમ સોનું ઉછળતું હોય એવા દ્રશ્યો પણ અનેકવાર જોયા છે. એટલે સ્થાનિક લોકો તો એને 'સોનાનો પહાડ' કહે છે. ૧૮૩૨માં પાયલીન વીવર નામનો સાહસિક કેટલાક સાથીદારો સાથે તે પ્રદેશમાં આવ્યો હતો. એના સાથીદારો નિદ્રાધીન હતા ત્યારે તે એકલો શોધખોળ કરવા થોડે દૂર સુધી આગળ ગયો. ત્યાં તેને જમીન પર અનેક સોનાના ટુકડા મળ્યા. જેટલા ઉચકી શકાય એટલા ટુકડા લઈ તે પાછો આવ્યો. તેના ડેરા પર આવ્યો તો ત્યાંનું દ્રશ્ય જોઈ એની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ ! એનો ડેરો આગમાં સળગી ગયો હતો. જ્યારે તેના સાથીદારો શરીરનું લોહી ચૂસાઈ ગયું હોય તેમ મરેલા પડયા હતા. એક તરફ તેને પહાડ પર સોનાની રજકણો વરસતી દેખાઈ તો બીજી તરફ ગીધોનું ટોળું તેની તરફ ધસી આવતું દેખાયું. ભયથી તે જમીન પર ઢળી પડયો અને બેભાન થઈ ગયો. ભાન આવ્યું ત્યારે તે જેમ તેમ હિંમત કરીને ત્યાંથી ભાગી છૂટયો અને પોતાના ઘેર પાછો આવી ગયો. તેણે શું બન્યું હતું તેની બધાને વાત કરી. એ જાણ્યા પછી કોઈનીય ત્યાં જવા હિંમત ના થઈ. આ ઘટનાથી પાયલીન વીવર ધીમે ધીમે માનસિક રોગનો શિકાર થઈ ગયો. ૧૮૩૨માં આ ઘટના બની.
આ ઘટનાના સોળ વર્ષ પછી મેક્સિકોના સોનારામાં રહેતો ડોન પેરાલ્ટા (Peralta) થોડા સાહસિક લોકોને લઈને એ સોનાની ખાણની શોધમાં ગયો હતો. એનો અંજામ પણ એવો જ આવ્યો. એક વ્યક્તિને બાદ કરતાં બાકીના બધા જ પેલા રેડ ઈન્ડિયન આદિવાસી મૃતકોના પ્રેતાત્માઓના આતંકી હુમલામાં માર્યા ગયા. બચી ગયેલ વ્યક્તિએ જોયું કે એ બધાના શરીર સાવ ફિક્કા, પીળા પડી ગયા હતા. એવું લાગતું હતું કે જાણે કોઈએ એમના શરીરમાંથી લોહી ચૂસી લીધું ના હોય ! પાછા ફર્યા બાદ તેણે સોનાની ખાણ અને સોનેરી પહાડનું રસપ્રદ વર્ણન કર્યું તો ઘણાને એના માટે આકર્ષણ થયું પણ જ્યારે એના સાથીદારોની પ્રેતાત્મા દ્વારા કરાયેલ દુર્દશાની વાત કરી ત્યારે કોઈનામાં ત્યાં જવાનું સાહસ ન થયું.
એ પછી સ્ટેનલી ફર્નાર્ડ નામના સાહસિકને જેમ્સ નામના એ ખાણના મુલાકાતીની પોતાના હાથે લખેલી એક ડાયરી મળી. એમાં પણ આવી જ હકીકતો જણાવેલી હતી. એ ડાયરીના આધારે સ્ટેનલી એરિઝોનાના એ પ્રદેશમાં આવી પહોંચ્યો. તેની સાથે તેનો સાથીદાર બેન્જામિન ફરેશ પણ હતો. તે બન્નેએ સો માઇલ લાંબા નિર્જન જંગલોને પાર કરી તે સ્થળે પહોંચવાનું અભિયાન આદર્યું. ત્રણ વાગે તેઓ અભિશાપિત સ્વર્ણ પહાડ જ્યાં સોનાના રજકણો વરસતા દેખાતા હતા તેની નજીક પહોંચી ગયા. પછી તેમને ભયાનક પૈશાચિક આકૃતિઓ દેખાવા લાગી. એકાએક ક્યાંકથી બે ગોળીઓ છૂટી અને બેન્જામિનને વાગી. તે લોહીથી લથપથ થઈ ગયો અને સ્ટેનલીની સામે જ એણે પ્રાણ છોડી દીધા.
સ્ટેનલી ત્યાંથી ભાગીને પાછો આવતો રહ્યો, તેનો આંખે દેખ્યો અહેવાલ અમેરિકાના વર્તમાનપત્રોમાં છપાયો. આની તપાસ અમેરિકાની જાસૂસી સંસ્થા એફ.બી.આઈ.ને સોંપાઈ. જેના પર આતંકી ઓછાયો પડી ચૂક્યો હતો તે સ્ટેનલી એનું માનસિક સંતુલન ગુમાવી બેઠો. સોનું શોધવા નીકળેલા અનેક લોકોના આ રીતે વિચિત્ર મરણ થયેલા જોઈ એફ.બી.આઈ. પણ વિસ્મિત થઈ હતી.
તે પછી ખ્યાતિલબ્ધ ડૉક્ટર લવરેન રોઅલોએ પણ બહાદુર લોકોની ટુકડી બનાવી ત્યાં જવાનું અભિયાન હાથ ધર્યું. એ પર્વત અને ખાણ પાસે પહોંચતા પહેલાં પેલા પ્રેતાત્માઓના ઉપદ્રવો શરૂ થઈ ગયા. કેટલાક ડરના માર્યા નાસી ગયા. કેટલાક વિચિત્ર મોતનો ભોગ બન્યા. લવરેને આ શોધને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો માન્યો હતો એટલે એ આગળ વધ્યા. પણ એમનો પણ એ જ અંજામ આવ્યો. એમનો મૃતદેહ મળી આવ્યો ત્યારે એવું લાગ્યું હતું કે જાણે કોઈએ આઘાત કે ઈજા પહોંચાડયા વગર એમના શરીરમાંથી લોહીનું એકેએક ટીપું ચૂસી લીધું ના હોય ! એ જ રીતે ઓસ્ટ્રેલિયન યુવક ફ્રેજ હેરેકનું હાડપિંજર તે પ્રદેશમાંથી મળી આવ્યું હતું.
એ પછી જેના નામ પરથી આ સોનાની ખાણ ઓળખાય છે તે ડચમેન જેકોબ વોલ્ટ્ઝ (ઉચનાડ) ત્યાં આવ્યો. તેણે સૌથી વધારે બુદ્ધિશાળી પગલું ભર્યું. તેણે તે ક્ષેત્રના આદિવાસીઓની સહાય અને માર્ગદર્શન મેળવવા અપાચી કબીલાની એક આદિવાસી યુવતી સાથે લગ્ન કરી લીધા. ૧૮૭૦ના દશકામાં આ બધું બન્યું. વોલ્ટ્ઝે તેની પત્નીના સહયોગથી જમીનગત અનેક રહસ્યમય સ્થાનો જોયા, સુરંગો શોધી, પ્રેતાત્માઓના હુમલાથી બચીને પુષ્કળ સોનું એકઠું કર્યું અને ત્યાંથી બીજાની મારફતે મોકલવાનું શરૂ કર્યું. પ્રેતાત્માઓને વોલ્ટઝના બદઈરાદાની ખબર પડી ગઈ એટલે જેને કારણે એના પર હુમલો નહોતા કરતા તે એમના કબીલાની આદિવાસી યુવતીનું તેમણે અપહરણ કરી લીધું. પછી વોલ્ટ્ઝ એકલો પડતાં જ તેના પર પૈશાચિક પ્રભાવો પડવાના શરૂ થઈ ગયા અને તે પણ બીજા બધાની જેમ છેવટે મરણ પામ્યો. ડચમેન તરીકે ઓળખાતો વોલ્ટ્ઝ વાસ્તવમાં જર્મન ઈમિગ્રન્ટ હતો, તેનો જન્મ ૧૮૧૦માં થયો હતો અને તેનું મરણ ૧૮૯૧માં થયું હતું. તેણે આ સોનાની ખાણનું ચોક્કસ સ્થાન શોધી કાઢ્યું હતું.
દુનિયાને તેની સવિસ્તર માહિતી આપી હતી એટલે તેના પરથી 'ધ લોસ્ટ ડચમેન્સ ગોલ્ડ માઈન' તરીકે તે ઓળકાય છે. જોકે વોલ્ટ્ઝે તેનું સ્થાન દુનિયા સમક્ષ જાહેર કર્યું નહોતું. તે ગુપ્ત જ રાખ્યું હતું. વોલ્ટ્ઝે એની નોંધપોથીમાં એવી સુરંગનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં સેંકડો નર કંકાલ (હાડપિંજરો) ભરેલા જોયા હતા. સોનાની શોધમાં ગયેલા કેટકેટલા લોકોએ એ સ્વર્ણ ખીણના રક્ષક પ્રેતાત્માઓના અભિશાપ અને હુમલાનો ભોગ બની પોતાના પ્રાણ ગુમાવ્યા હશે એ કહેવું મુશ્કેલ છે. 'ધ લોસ્ટ ડચમેન્સ ગોલ્ડ માઇન''વાળો વિસ્તાર 'ગોડાલૂપ હિલ્ગો સંધિ' અંતર્ગત મેક્સિકો દ્વારા અમેરિકાને સુપરત કરી દેવામાં આવ્યો હતો.