- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- ધર્મના ક્ષેત્રમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપ અને ગુણની વાત કરી છે તેને વિજ્ઞાાનના ક્ષેત્રે ઇલેક્ટ્રોન, ન્યૂટ્રોન અને પ્રોટોન તરીકે જોવામાં આવે છે
હિં દુ ધર્મશાસ્ત્રોએ આદિ શક્તિના ત્રણ વ્યક્તિ રૂપો દર્શાવ્યા છે જે સમગ્ર બ્રહ્માણ્ડનો ખ્યાલ આપે છે. આ ત્રણ વ્યક્તિ રૂપો છે - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા બ્રાહ્મનું પ્રતિનિધિત્વ કરે છે. શાસ્ત્રકારોએ તેમને ન્યાયતર માન્યા છે. તે પુરુષ પણ નથી કે સ્ત્રી પણ નથી, છતાં તે બન્ને બની શકે છે. વેદ-ઉપનિષદો બ્રહ્મને બધાનું આદિ કારણ માને છે. તેમાંથી પ્રથમ પ્રગટ થયેલા બ્રહ્મા બધાના સર્જક કહેવાયા છે. વર્તમાન સમયના ક્વૉન્ટમ મિકેનિક્સના વિજ્ઞાાનીઓ જગતનું આદિકારણ 'ન્યૂટ્રલ ફિલ્ડ ઑફ માઇન્ડ' છે એમ માને છે. આ વાત બ્રહ્મવાદના સિદ્ધાંતને મળતી આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બ્રહ્મશક્તિના જ ત્રણ ગુણાત્મક રૂપો છે. બ્રહ્મા એટલે આદિમ ઊર્જાનું ચિદ્શક્તિ સાથેનું ભૌતિક રૂપનું પ્રાકટય.
મત્સ્ય પુરાણમાં આલેખાયેલ બ્રહ્મા સરસ્વતીનો પ્રસંગ વૈજ્ઞાાનિક સંશોધનનું વાર્તા રૂપ છે. બ્રહ્મા તેમના શરીરમાંથી ઉત્પન્ન થયેલ તેમની પુત્રી સરસ્વતી પર મોહિત થઇ તેની પાછળ દોડયા તે કથાનું શાબ્દિક અર્થઘટન ન કરવું જોઇએ તેમ તેના પછીના શ્લોકમાં સ્પષ્ટ સૂચન છે. આ બાબત એ વાતનું સ્પષ્ટીકરણ કરે છે કે આ વાર્તા ગહન વૈજ્ઞાાનિક રહસ્યનું સાંકેતિક પ્રતીકાત્મક આલેખન છે. સરસ્વતી પર મોહિત થવું એટલે વૈજ્ઞાાનિક પરિભાષામાં ઊર્જા ક્ષેત્રમાં વિચુંબકીય આકર્ષણ ઉત્પન્ન થવું. વિજ્ઞાાનીઓ કહે છે કે આપણા જગતનો પ્રથમ પરમાણુ હાઈડ્રોજન પરમાણુ છે. તેમાં રહેલો એકમાત્ર ઇલેક્ટ્રોન (ધાર્મિક પ્રતીક રૂપે બ્રહ્મા) એક માત્ર પ્રોટોનની ફરતે પ્રદક્ષિણા કરે છે. ભૌતિકવિજ્ઞાાનીઓ કહે છે બ્રહ્માંડનો જન્મ એક મહાન વિસ્ફોટના પરિણામે થયો હતો જેને મહા વિસ્ફોટ સિદ્ધાંત અથવા બિગ બેન્ગ થિયરી કહેવામાં આવે છે. એ અનુસાર લગભગ બારથી ચૌદ અબજ વર્ષ પહેલાં આખું બ્રહ્માંડ અણુ એકમના રૂપમાં હતું. માનવ સમય અને અવકાશ જેવા કોઈ ખ્યાલ તે વખતે અસ્તિત્વમાં નહોતા, ધર્મના ક્ષેત્રમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપ અને ગુણની વાત કરી છે તેને વિજ્ઞાાનના ક્ષેત્રે ઇલેક્ટ્રોન, ન્યૂટ્રોન અને પ્રોટોન તરીકે જોવામાં આવે છે. બ્રહ્મા નિર્માણ કરે છે એનું તાત્પર્ય એ કે ઇલેક્ટ્રોન નિર્માણનો આધાર છે, કોઈપણ પદાર્થના બનવામાં ઇલેક્ટ્રોન મુખ્ય ભૂમિકા ભજવે છે. વિષ્ણુ પાલનકર્તા છે એનું તાત્પર્ય એ કે ન્યૂટ્રોનને કારણે પદાર્થના સ્વરૂપ અને ઉપયોગનું નિર્ધારણ થાય છે. શિવને સંહારકર્તા કહેવાયા છે. એનું તાત્પર્ય એ કે પ્રોટોનને કારણે પરમાણુનું વિઘટન કે વિનાશ થાય છે.
ઇલેક્ટ્રોન ઋણાત્મક આવેશવાળા કણ હોય છે જેનું દ્રવ્યમાન બહુ ઓછું હોય છે. તે પરમાણુના નાભિકની ચારે બાજુ કક્ષાઓમાં ચક્કર લગાવે છે. ન્યૂટ્રોન આવેશ વગરના કણ હોય છે અને તે પ્રોટોન સાથે પરમાણુના નાભિકમાં પ્રાપ્ત થાય છે. પ્રોટોન ધનાત્મક આવેશવાળા કણ હોય છે અને પરમાણુના નાભિકમાં પ્રાપ્ત થાય છે. એનું દ્રવ્યમાન ન્યૂટ્રોનના દ્રવ્યમાન બરાબર હોય છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર આવેશ બિલકુલ સમાન પ્રકારનો હોય છે, પણ વિપરીત હોય છે.
વિષ્ણુ આકાશતત્ત્વનું વિજ્ઞાાન પણ સમજાવે છે. વ્યાપકત્વાત્ વિષ્ણુ: એમ કહેવાયું છે - વિષ્ણુ એટલે વ્યાપક. બધે જ વ્યાપીને રહેલું તત્ત્વ. આકાશમાં વિસ્તાર પામવાનો વૃદ્ધિ પામવાનો અને સમાવેશ કરવાનો ગુણ છે એટલે જગત ટકી રહે છે. આપણા બ્રહ્માંડનું અસ્તિત્વ આકાશમાં વિસ્તરણ અને સંકોચનના ગુણધર્મ પર અને તેની સ્થિતિસ્થાપકતા પર નિર્ભર છે. શાસ્ત્રો વિષ્ણુને 'પોષણ કરનારા દેવ' કહે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયના સત્તરમાં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : ઉત્તમ પુરઉષસ્ત્વન્ય: પરમાત્મેત્યુદાહ્યત: । યો લોકત્રયમાવિશ્ય દિ ભર્ત્યવ્યય ઇશ્વર: ।। પરંતુ આ ક્ષર અને અક્ષર બન્નેથી ઉત્તમ પુરુષ તો બીજો જ છે. (તે વિષ્ણુ છે) જે પરમાત્મા કહેવાય છે. તે અવિનાશી ઇશ્વર ત્રણે લોકમાં પ્રવેશ કરીને સર્વને ધારણ કરે છે અને તેમનું પોષણ કરે છે.
વિષ્ણુના દરેક કાર્યમાં ભૌતિક અસ્તિત્વને રક્ષવાનું અને પોષવાનું લક્ષણ જોવા મળે છે. સમુદ્રમંથનના સમયે નીકળેલા અમૃતથી દેવોનું રક્ષણ કરવા વિષ્ણુએ મોહિનીરૂપ ધારણ કરી અસુરોને માર્યા હતા. વૈજ્ઞાાનિક પરિભાષામાં દેવોએ બનાવેલું જગત એ 'મેટર'નું કાર્ય રૂપ છે અને દાનવોનું જગત એ એન્ટિ-મેટરનું કાર્યરૂપ છે. ભાગવતમાં આલેખાયેલા બલિ રાજાના પ્રસંગમાં પણ વામન રૂપ ધારણ કરીને આવેલા વિષ્ણુએ વિરાટ બનીને માત્ર બે ડગલામાં જ બધા જગત, આકાશ, પાતાળ સર્વેને માપી લીધા હતા. આ કથા સૂચવે છે કે આકાશતત્ત્વનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ સર્વવ્યાપી (omnipresent) છે. વિષ્ણુને અનાદિ અને અનંત કહેવાયા છે. વિજ્ઞાાનીઓ પણ આકાશને સતત વિસ્તરતુ (Infinitely Expanding) કહે છે તેથી તે અંતહીન જ છે. વિષ્ણુના નિવાસસ્થાનને રત્નાકર કહેવાય છે. આકાશમાં રહેલી આકાશગંગાના દૂરથી દેખાતા તારાઓ રત્નઓ જેવા જ લાગે છે. વિષ્ણો: પાદ પ્રસૂતા (વિષ્ણુની પગમાંથી ઉત્પન્ન થયેલી) ગંગા સ્વર્ગ, પાતાળ, પૃથ્વી બધે વહે છે. વિજ્ઞાાનીઓ પણ કહે છે કે આકાશમાં આપણી આકાશગંગા જેવી અનેક આકાશગંગાઓ છે. વિષ્ણુ 'ક્ષીર સાગર'માં રહે છે. આપણી આકાશ ગંગાને પણ મિલ્કી વે (Milky Way) કહેવાય છે.
વિષ્ણુએ કર્મ (કાચબા)નો અવતાર લઇ ક્ષીરસાગરમાં ઊંડે ઉતરીને તેમની પીઠ પર મંદરાચળ પર્વતને ધારણ કરી સમુદ્રમંથનને સફળ કરાવ્યું હતું. વૈજ્ઞાાનિક રીતે સમુદ્રમંથન એટલે હાઈડ્રોજન હિલિયમ વાયુ વલોવાય છે તેનું સૂચન. તેનાથી જ આકાશગંગાઓ, સૂર્યો અને સૂર્યમંડળો બને છે. મંદરાચળ કાચબાની પીઠ પર ટકે છે તે બાબત પણ વિજ્ઞાાનની વાત સાથે મળતી આવે છે. વિરાટ દૂરબીન વડે આપણી આકાશગંગાને બાજુ પરથી જોવામાં આવે તો તે કાચબાની ઉપસેલી પીઠના ઢેકા કે ખૂંધ જેવી જ દેખાય છે. મંદરાચળને ફેરવવાનું કાર્ય વાસૂકિ નાગ કરે છે. સર્પ ગતિશીલતાનું સૂચન કરે છે. વિષ્ણુએ સમુદ્રમંથનનું કાર્ય સિદ્ધ કરવા દેવો સાથે દાનવોને પણ સામેલ કર્યા એ બાબતનું સૂચન કરે છે કે મેટર સાથે એન્ટિમેટર પણ જોડાયેલી રહે છે. દરેક કણોના પ્રતિકણો પણ હોય છે.
વિષ્ણુને એક નામ પદ્મનાભ છે એનો અર્થ થાય જેમની નાભિમાંથી કમળતંતુ ઉત્પન્ન થયું છે તે. તે કમળ પર બ્રહ્મા બેઠેલા છે. બ્રહ્મા પોતાની ઉત્પત્તિ ક્યાંથી થઇ તે જાણવા કમળ તંતુ પકડીને નીચે ઉતરવા પ્રયત્ન કરે છે પણ તેના છેડા સુધી પહોંચી શક્તા નથી. વિષ્ણુની નાભિનું કમળતંતુ અનંત વિસ્તાર સુધી વ્યાપેલું છે તેનો તે નિર્દેશ કરે છે.
શિવનું સ્વરૂપ વિજ્ઞાાનનનો ગતિનો સિદ્ધાંત (The Principle of Motion) રજૂ કરે છે. સર્જન-પોષણ-વિસર્જનમાં ગતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. શિવના શરીર પર લપેટાયેલ સર્પ સુષુપ્ત ઊર્જાનું ગતિના રૂપમાં થયેલું રૂપાંતરણ છે. ભૌતિક વિજ્ઞાાન તેને '‘latent energy inherent in motion કહે છે. એને Kinetic energy પણ કહેવાય છે. વામન પુરાણમાં શિવ પાર્વતીને કહે છે - 'હે પ્રિયે ! હું ચોક્કસ નિવાસ સ્થાનમાં રહી શક્તો નથી. હું આશ્રય વિનાનો છું' મારે જંગલોમાં સતત ભટકતાં રહેવાનું છે.'
બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આપણા અસ્તિત્વના અવિભાજ્ય અંગો છે. આ ત્રણેયના કાર્ય અલગ દેખાવા છતાં ત્રણેય એકબીજાની શક્તિ પર નિર્ભર છે. ઇલેક્ટ્રોન અલ્પ દ્રવ્યરાશિ ધરાવતો હોવા છતાં અને પરમાણુમાં સતત ગતિ કરતો હોવા છતાં સર્જનનું કાર્ય કરે છે. ગતિ તેની તીવ્રતાના તબક્કામાં હોય છે ત્યારે સર્જન કાર્ય કરે છે જેમ કે પરમાણુમાં ફોટોન અને ન્યૂટ્રલ પાયોન ઉત્પન્ન થાય છે, પણ તે સર્જન પ્રક્રિયા આકાશમાં જ થઇ શકે છે. આકાશ પણ વિસ્તરણ અને સંકોચન પામે છે એટલે ગતિમયતા ધરાવે છે. આમ, ત્રણેય એકબીજાના પરિપૂરક છે. હરિ-હર સ્વરૂપ વિષ્ણુ અને શિવના સંયોગથી ઉદ્ભવેલું છે. સ્કંદપુરાણમાં એવી કથા છે કે એકવાર વિષ્ણુ સુંદર સ્ત્રી બની ગયા. શિવ તેમની પાછળ દોડયા અને તેમને ગાઢ આલિંગન કર્યું. તે પછી તેમના જુદા જુદા શરીર એક બની ગયા. તે રીતે હરિ-હર બની ગયા. વિષ્ણુ મોટા કે શિવ તેનો લક્ષ્મી અને પાર્વતી વચ્ચે ચાલતો વિવાદ દૂર કરવા વિષ્ણુ અને શિવ ભેટી પડયા તેથી અડધું હરિ અને અડધું હર (શિવ)નું એવું એક સ્વરૂપ ધારણ કરી હરિ-હર બની ગયા. એવી પણ આખ્યાયિકા સાંભળવા મળે છે.


