- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- ઓગણીસમી સદીના પૂર્વાર્ધના કોર્ક શહેરની ઝીણવટભરી બાબતો જે તે વખતના જૂના નકશામાં જ જોવા મળે તે આયરલેન્ડથી સાવ અજાણ વર્જીનિયાએ કેવી રીતે સચોટ વર્ણન કરી બતાવી ?
Bridey Murphy Recording
‘Past life research stands at the edge of science and mystery-inviting deeper exploration.’
પાછલા જન્મનું સંશોધન વિજ્ઞાન અને રહસ્યની સીમા પર ઊભું છે અને ગહન શોધની માંગણી કરે છે.'
‘Th accumulation of cases weakens the argument that all such memories are mere coincidence or imagination.’
આવા (પૂર્વજન્મ- પુનર્જન્મને લગતા) કિસ્સાઓની વધતી સંખ્યા એ તર્ક શિથિલ કહે છે કે આ બધા કેવળ સંયોગ કે કલ્પના છે.'
- Ian stevenson
(ઇયાન સ્ટીવન્સન)
‘ What seems like a past life may be a forgotten memory.
જે પાછલા જન્મ જેવું લાગે છે તે ભૂલી જવાયેલ યાદ પણ હોઈ શકે છે.
The Bridey Murphy case talks about revealation of far-off memory of past life.
બ્રાઇડી મર્ફી કિસ્સો પૂર્વજન્મની બહુ દૂરની સ્મૃતિના પ્રકટીકરણની વાત કહે છે.
મનોવિજ્ઞાન દર્શાવે છે કે માનવીનું અવચેતન મન (જેમ conscious Mind) સ્મૃતિઓનો અખૂટ ભંડાર છે. તેમાં માત્ર આ જન્મની જ નહીં, પણ પહેલાના અનેક જન્મોની સ્મૃતિઓ પડેલી હોય છે. સંમોહન પ્રતિગમન (Hypnotic Regression) ની પ્રક્રિયાથી એ સ્મૃતિઓને પ્રકટ કરી શકાય છે. વિસ્મય પમાડે તેવી વાત એ છે કે મનોવિજ્ઞાની જ્યારે કોઈ વ્યકિતને હિપ્નોટિક રિગ્રેશનથી એના પાછળના જન્મમાં લઈ જાય છે ત્યારે તે એ જન્મની ઘટનાઓ, અનુભૂતિઓને પુન: યાદ કરી લે છે તે સાથે તેનું તે જન્મનું વ્યકિતત્વ, આગવી લાક્ષણિકતાઓ અને તે વખતે તે જે ભાષા બોલતાં હોય તે જ ભાષા તેના વિશિષ્ટ લહેકા સાથે તે બોલવા લાગે છે. આવો જ એક રસપ્રદ, દિલચસ્પ કિસ્સો બ્રાઇડી મર્ફીના કિસ્સા તરીકે પ્રસિધ્ધ છે.
૧૯૫૨માં અમેરિકાના કોલોરાડોના પ્યૂબલોના મોરે બર્નસ્ટીન (Morey Bernstein) નામના હિપ્નોટિસ્ટે મ્યૂબ્લોની મૂળ નિવાસી વર્જીનિયા ટાઇઘે (Virginia Tighe) પર હિપ્નોટિક રિગ્રેસનના પ્રયોગો કર્યા હતા. શરૂઆતમાં વર્જીનિયા ટાઇઘેના એ જ જીવનના ભૂતકાળની ઘટનાઓની સ્મૃતિઓ બહાર પ્રગટ થવા લાગી હતી પણ સમયના અંતરાલમાં જ્યારે પાછળ ને પાછળ જવા માંડયુ ત્યારે તેના પૂર્વજન્મના જીવનની ઘટનાઓ પ્રગટ થવા લાગી હતી.
વર્જીનિયા ટાઇઘે બોલવા લાગી હતી - 'મારું નામ બ્રાઇડી મર્ફી છે. મારો જન્મ ૨૦ ડિસેમ્બર ૧૭૯૮ના રોજ આયરલેન્ડના કોર્ક (Cork) શહેરમાં થયો હતો. હું મીડોઝમાં રહું છું.' આ વખતે તે તત્કાલીન સ્વરભાર (accent) વાળી આઇરિશ ભાષા બોલવા લાગી હતી. તેની વાતોનું રેકોર્ડિંગ પણ કરી લેવાતું હતું. મોરે બર્નસ્ટીને ઘણી બેઠકો ગોઠવી અને એમાં એના બ્રાઇડી મર્ફી તરીકેના પૂર્વજન્મની વિગતો સચોટપણે રજૂ કરી હતી. તેણે જણાવ્યું કે તે જન્મમાં તે બ્રાઇડી નામથી ઓળખાતી થઈ તે પૂર્વે, બાળપણની શરૂઆતના સમયે તેનું નામ બ્રિજેટ હતું. તેના પિતાનું નામ ડંકન અને માતાનું નામ કેથેલિન હતું. તે પ્રોટેસ્ટન્ટ ધર્મ પાળતી હતી. તેના ભાઈના લગ્ન મિસિસ સ્ટ્રેઇનેની પુત્રી એઇમી (Aimee) સાથે થયા હતા. બ્રિજેટ પંદર વર્ષની વયે જે શાળામાં અભ્યાસ કરતી હતી તેમાં મિસિસ સ્ટ્રેઇને 'મિસ્ટ્રેટ' તરીકે કામ કરતી હતી. ૧૮૧૮માં બ્રિજેટ ઊર્ફે બ્રાઇડી મર્ફીના લગ્ન કેથોલિક ધર્મ પાળતા શાન જોસેફ બ્રાયન મેક્કાર્થી (Sean Joseph Brain McCarthy) સાથે થયા હતા. તેના સગા-સંબંધીના નામ પણ તેણે આપ્યા હતા. હાલમાં નકશા પર ન હોય તેવા સ્થળો પર થઈને તે બન્ને કેરેજમાં બેસીને બેલફાસ્ટ ગયા હતા. નવદંપતીએ ફાધર જ્હોન ગોરમનના સેન્ટ થેરેસાના ચર્ચમાં પ્રાર્થના કરી હતી. ત્યાંથી તેઓ કેરિગન (Carrigan) અને ફાર (Farr) નામના સ્ટોરમાં ગયા હતા અને ત્યાંથી ખરીદી કરી હતી. તે વખતે કયા સિક્કા ચલણમાં હતા તે પણ તેણે જણાવ્યું હતું. ખાસ કરીને તે જ સમયગાળામાં વપરાતા આઇરિશ શબ્દોનો ખ્યાલ આપ્યો હતો. તેણે 'સ્લિપ' શબ્દનો ઉપયોગ બાળકોના 'પિનાફોર' માટે કર્યો જે તદ્દન સાચો પ્રયોગ હતો. વર્તમાન સદીમાં તો દુનિયાભરમાં આ શબ્દ સ્ત્રીઓનાં પેટિકોટ તરીકે વપરાય છે. તે સિવાય બીજી ઘણી વિશિષ્ટ બાબતો તેણે જણાવી, જે મૂળ મ્યૂબ્લો, કોલોરાડોની અને પછી શિકાગોમાં રહેતી કોઈ સાધારણ અમેરિકન યુવતી કદી જાણી ના શકે. તે કદી આયરલેન્ડ ગઈ નહોતી કે કોઈ આઈરિશ વ્યક્તિ સાથે તેને કોઈ ઓળખાણ કે સંબંધ નહોતો.
બ્રાઇડી મર્ફીના કિસ્સાએ સારું એવું કુતૂહલ પેદા કર્યું. અમેરિકન મેગેઝિન એમ્પાયર (Empire) થકી આની ગહન તપાસ કરવાનું અભિયાન ગોઠવાયું. આ તપાસ માટે વિખ્યાત પત્રકાર વિલિયમ બાર્કરની નિમણૂંક કરાઈ. તેણે બ્રાઇડીએ દર્શાવેલ વિગતોની બારીક ચકાસણી કરવા આયરલેન્ડમાં ત્રણ અઠવાડિયા વીતાવ્યા. તેણે દર્શાવેલા કોર્ક શહેરના વિવિધ સ્થળો, બેલફાસ્ટની મુસાફરી દરમિયાન આવતા સ્થળો, તેમણે ખરીદી કરી હતી તે કેરિગન અને ફાર નામની દુકાનો જે આજે જુદા જ નામથી ચાલે છે તે બધાની સઘન તપાસ કરી. પછી તેણે ૧૯,૦૦૦ શબ્દોનો રિપોર્ટ તૈયાર કરી પોતાના તંત્રીને આપ્યો. એમાં ઘણી અદ્ભુત બાબતો જાણવા મળી. કેટલીય બાબતોની સ્મૃતિ સાવ સાચી પુરવાર થઈ હતી. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં અસ્તિત્વ ધરાવતી પેલી બે દુકાનો જેમની માહિતી મેળવતા વિલિયમ બાર્કરને નાકે દમ આવી ગયો એમના અસલ જૂના નામ અને તેની જગ્યા વર્જીનિયા ટાઇઘેને કેવી રીતે જાણવા મળ્યા ? ઓગણીસમી સદીના પૂર્વાર્ધના કોર્ક શહેરની ઝીણવટભરી બાબતો જે તે વખતના જૂના નકશામાં જ જોવા મળે તે આયરલેન્ડથી સાવ અજાણ વર્જીનિયાએ કેવી રીતે સચોટ વર્ણન કરી બતાવી ?
રિગ્રેસન દરમિયાન વર્જીનિયાને બ્રાઇડી મર્ફી તરીકેનો પૂર્વજન્મ યાદ આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે તે વખતે કોઈનું મરણ થાય ત્યારે ઉલિયન પાઇપ્સ (Uilleann Pipes) વગાડવામાં આવતી હતી. બાર્કરની તપાસમાં તે પણ સાચું પુરવાર થયું. બ્રાઇડી મર્ફીએ જણાવ્યું હતું કે તેના વખતમાં બ્લાર્ની સ્ટોન (Blarney Stones) ને ચુંબન કરવાની પ્રથા ચાલતી હતી. વાક્પટુતા પ્રાપ્ત કરવા આ પથ્થરોને લોકો ચુંબન કરતા હતા. પાળીની નીચેના ભાગમાં આવેલા આ પથ્થરો સુધી પહોંચવા નીચેથી ઉપરની તરફ જતી કોઇ સીડી નહોતી તેથી તે પથ્થરો સુધી પહોંચવા વ્યકિત તેના શરીરને પાળીથી નીચેની તરફ લંબાવતા બન્ને હાથ દીવાલ પર લગાવેલા સળિયા પકડી રાખતા. કેટલીક વાર હાથ છૂટી જાય તો નીચે પડી ન જવાય તે માટે પાળી પાસે ઊભી રહેલી બીજી વ્યકિત તેના પગ પકડી રાખતી. આમ, પોતાના શરીરને પાળી પરથી નીચેની તરફ લંબાવીને તે વ્યકિત એ પથ્થરોને ચુંબન કરતી. બાર્કરની તપાસમાં આ હકીકત પણ સાચી સાબિત થઇ.
કેટલાક વિજ્ઞાનીઓએ બ્રાઇડી મર્ફીના કિસ્સાને પૂર્વજન્મના પ્રમાણ તરીકે માનવાને બદલે એને ક્રિપ્ટોમ્નેસિયા (Cryptomnesia) માન્યો. ક્રપ્ટોમ્નેસિયા એટલે અવચેતન મનમાંથી બહાર આવતી ભૂલાઈ ગયેલી સ્મૃતિઓ. એવી યાદો જે આપણને નવી કે આપણી પોતાની લાગે છે, પણ હકીકતમાં તે પહેલાં ક્યાંક જોઈ, સાંભળી કે વાંચેલી હોય છે. આપણે તે ભૂલી ગયા હોઇએ છીએ કે તે ક્યાંથી આવી હતી. પહેલાં વિજ્ઞાનીઓને એમ લાગતું કે પૂર્વજન્મની સ્મૃતિ એ અચેતન મનની પરિકલ્પના છે કે અચેતન મનમાં ઊંડે ઊંડે ધરબાયેલ અને અવિકસિત રહેલ વધારાના વ્યકિત્વની નીપજ છે પણ આવા કિસ્સાઓની સચોટ જાણકારી બાદ હવે ઘણા વિજ્ઞાનીઓ પૂર્વજન્મની થિયરીને સાચી માનવા લાગ્યા છે. બ્રાઇડી મર્ફીની જીવન કહાણી સૌથી પહેલાં વિલિયમ જે. બાર્કરે ૧૯૫૪માં ડેનવર પોસ્ટમાં પ્રકાશિત લેખોની શૃંખલામાં રજૂ કરી હતી. ૧૯૫૬માં ડબલ્ડાયે બર્નસ્ટીનનું 'ધ સર્ચ ફોર બ્રાઇડી મર્ફી' પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ જ નામથી પેરેમાઉન્ટે ફિલ્મ પણ બનાવી. આ ફિલ્મમાં ટેરેસા રાઇટ, લુઇ હેવર્ડ અને નેન્સી ગેટસે અભિનય કર્યો હતો. એનું ડિરેકસન નોએલ લેન્ગલીએ કર્યું હતું.


