- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- ચંદ્રની ગતિને કારણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પરિવર્તનો થાય છે અને તેની અસર સજીવ સૃષ્ટિ પર થાય છે
'સૂર્યં દિવાકરં વ્યોમનિ સ્થાપિતમ્ ।
ય: સર્વભૂતાનિ પશ્યતિ સદા રશ્મિ ભિ: ।।
સૂર્ય જે આકાશમાં રહેલો છે, જે પોતાના કિરણોથી બધા જીવોને જુએ છે અને પ્રકાશિત કરે છે.'
- સૂર્ય મંડળ, ઋગ્વેદ / આદિત્ય)
'શશાંકો ભૂતાનિ પ્રાણિનિ ચ નયતિ ।
મૃદુર્માનસિ શીતલં ચ સદા ભવેત્ ।।
ચંદ્રમા બધા પ્રાણીઓ અને મનુષ્યોને પ્રભાવિત કરે છે. તે મનને શીતળ અને સંતુલિત રાખે છે.'
- ચંદ્રમા, બૃહત્ સંહિતા, વરાહ મિહિર
'સૌર ચંદ્ર ગ્રહ યથા કાર્યે પ્રાણિના
તથે: શરીર માનસ બલં સાધ્યતે ।।
સૂર્ય, ચંદ્ર અને ગ્રહો પ્રમાણે પ્રાણીઓ પર જે પ્રભાવ પડે છે, તે અનુસાર એમના શરીર અને માનસિક બળનો વિકાસ થાય છે.'
- ચરક સંહિતા, આયુર્વેદ
‘Solar activity affects the biosphere and human activity, historical patterns of wars and revolutions show correlation with solar cycles.
સૌર (સૂર્યને લગતી) ગતિવિધિ જૈવ મંડળ અને માનવ ગતિવિધિઓને પ્રભાવિત કરે છે, યુધ્ધો અને ક્રાંતિઓની ઐતિહાસિક પુનરાવૃત્તિ, સમાનતા, નિયમિતતા સૌર ચક્રો સાથે સહસંબંધ દર્શાવે છે.'
Alexander Chizhevsky (એલકઝાન્ડર ચિજેવ્સ્કી) the Russian heliobiologist.
‘We are part of this universe, we are in this universe, but perhaps more important than both of those facts, is that the universe is in us.
આપણે આ બ્રહ્માંડનો ભાગ છીએ, આપણે આ બ્રહ્માંડમાં છીએ, પણ આ બન્ને બાબતોથી કદાચ વધારે મહત્વપૂર્ણ એ છે કે બ્રહ્માંડ આપણી અંદર છે.'
- Nell de Grasse Tyson
(નીલ ડિગ્રેસ ટાયસન, ખગોળ ભૌતિક વિજ્ઞાની.
ખગોળ વિજ્ઞાનની જેમ જ્યોતિષશાસ્ત્ર પણ અનેક વિજ્ઞાનીઓના શોધ-સંશોધનનો વિષય બની રહ્યું છે. ખગોળ વિજ્ઞાન બ્રહ્માંડ, ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર અન્ય ખગોળીય પિંડોનું અધ્યયન કરે છે અને જ્યોતિષશાસ્ત્ર ગ્રહો, નક્ષત્રો અને આકાશીય પિંડોનો પ્રાણીઓના જીવન, ભવિષ્ય અને વ્યક્તિત્વ પર પ્રભાવ દર્શાવવાના પ્રયોગ કરે છે. જ્યોતિષશાસ્ત્ર (Astrology) માનવ જીવન, ભવિષ્ય કથન, સ્વાસ્થ્ય, સફળતા અને ભાગ્યનું અનુમાન કરે છે.
ફ્રાંસના વિજ્ઞાની અને સંખ્યા વિશેષજ્ઞા (Statistician) મિશેલ ગોકલિન (Michel Gauquelin) એમના 'ધ સાયન્ટિફિક બેઝિસ ઑફ એસ્ટ્રોલોજી The Scientific Basis of Astrology) માં દર્શાવે છે કે ગ્રહો અને માનવ જીવન વચ્ચે સહસંબંધ છે. તેમણે હજારો વ્યક્તિઓની કેરિયર અને જન્મ સમયના ડેટાનું વિશ્લેષણ કર્યું ત્યારે તેમાં જોયું કે ઘણા કિસ્સામાં ગ્રહોની સ્થિતિ અને વ્યવસાયમાં સાંખ્યકીય પેટર્ન (Statistical Pattern) જોઈ શકાય છે. જેમ કે મંગળ સાથે જોડાયેલા ગ્રહોની સ્થિતિ સૈનિકો, ખેલાડીઓ સાથે સંબંધ ધરાવે છે. શુક્ર સાથે જોડાયેલા ગ્રહોની સ્થિતિ કલાકારો, ફેશન ડિઝાઈનરો સાથે પેટર્ન ધરાવે છે, શનિ સાથે જોડાયેલા ગ્રહોની સ્થિતિ વિજ્ઞાનીઓ, સંશોધકો સાથે પેટર્ન ધરાવે છે. તેમણે જ્યોતિષના ફળકથનને સ્ટેટેસ્ટિકલ ફ્રેમવર્કમાં લાવવાનો પ્રયત્ન કર્યો.
રશિયન વિજ્ઞાની એલેકઝાન્ડર એલ. ચિજેવ્સ્કી (Alexander L. Chizhevsky) એ બાયોફિઝિક્સ અને હેલિઓ બાયોલોજી (Heliobiology) ક્ષેત્રે અભૂતપૂર્વ સંશોધનો કર્યા. હેલિઓબાયોલોજી સૂર્ય અને જીવનના સંબંધ પર સંશોધન કરતી વિજ્ઞાનશાખા છે. તેમણે દર્શાવ્યું કે દર ૧૧ વર્ષે સૂર્ય પર મોટા અણુ વિસ્ફોટો થાય છે તે સૂર્યની સપાટી પર કાળા ડાઘા રૂપે દેખાય છે. તેમને સૂર્યકલંક (Sun Spot) નામે ઓળખવામાં આવે છે. તે સૂર્યની ચુંબકીય ગતિવિધિ સાથે જોડાયેલા હોય છે. તેમણે તેમના પુસ્તક 'ધ અર્થલી ઇકો ઑફ સોલર સ્ટોર્મ્સ (The Earthly Echo of Solar Storms) માં દર્શાવ્યું છે કે જ્યારે સન સ્પોટ (સૂર્ય કલંક) દેખાવાની સ્થિતિ ચરમ (Peak) પર હોય છે ત્યારે પૃથ્વી પર યુદ્ધ, ક્રાંતિઓ, સામાજિક અશાંતિ, મહામારી, રોગચાળો અને જન આંદોલન વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેમણે ૨૫૦૦ વર્ષનો ઈતિહાસ આંકડાશાસ્ત્રીય દ્રષ્ટિએ અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તે આ નિષ્કર્ષ પર આવ્યા હતા. તે માનતા હતા કે સૂર્ય કલંકો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ખલેલ ઊભી કરે છે તેનાથી 'નર્વસ સીસ્ટમ, હોર્મોનલ બેલેન્સ એન્ડ બ્લડ આયોનાઇઝેશન' પર પ્રભાવ પડે છે. આ મનુષ્યના સ્વાસ્થ્ય પર ભારે અસર ઉત્પન્ન કરે છે.
જાપાનના ટોકિયોની ટોહો યુનિવર્સિટીના ડૉ. માકી તકાતા (Maki Takata) એમના પુસ્તક ‘Planetary Influences on Human Affairs btk fnu Au - The index of flocculation of blood suddenly changes during a total solar eclipse : રક્તકણોની જમાવટ પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન અચાનક બદલાઈ જાય છે. જેવો ચંદ્ર સૂર્યને ઢાંકવાનું શરૂ કરે છે 'ફલોક્યુલેશન ઈન્ડેક્ષ (રક્તકણોની જમાવટ) ઓછી થવા લાગે છે અને ગ્રહણ પૂરું થાય છે ત્યારે તે સૌથી નીચલા સ્તર પર પહોંચી જાય છે.' માકી તકાતા તો ત્યાં સુધી કહે છે - ‘Man is a living sundial મનુષ્ય એક જીવિત સૂર્ય ઘડિયાળ છે.'
ડૉ. માકી તકાતા કહે છે કે સ્ત્રીઓના લોહીમાં અમુક એવી ખાસિયત હોય છે જે પુરુષના લોહીમાં નથી હોતી. સ્ત્રીને માસિક ધર્મ દરમિયાન રજોસ્ત્રાવ થાય ત્યારે તેનું લોહી પાતળું પડી જાય છે, જ્યારે પુરુષનું લોહી તો હમેશાં એકસરખું જ રહે છે. ડૉ. માકી તકાતા સ્ત્રી-પુરુષના આ મૂળભૂત તફાવત અંગે થોડા પ્રયોગો કરતા હતા ત્યારે તેમણે જોયું કે કેટલીક વાર પુરુષોનું લોહી પણ પાતળું થઈ જાય છે જે પહેલાં કોઈના ધ્યાનમાં નહોતું. આવ્યું. આના કારણો અંગે સંશોધનો કરતાં એવું તારણ નીકળ્યું કે પુરુષોના લોહીના પાતળા થઈ જવા સાથે સૂર્યના અણુ વિસ્ફોટોથી દેખાતા સૂર્ય કલંકોનો સંબંધ છે.
ચેકોસ્લોવાકિયાના સ્ત્રી રોગ વિશેષજ્ઞા અને મનોરોગ વિશેષજ્ઞા ડૉ. યુજેન યોનાસે (Eugen Jonas) ચંદ્ર અને મહિલા પ્રજનન ક્ષમતા (Fertility) વચ્ચેના સંબંધ પર એક સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો. ડૉ. યોનાસ (જોનાસ)નું માનવું હતું કે મહિલાઓમાં બે સ્વતંત્ર પ્રજનન ચક્ર હોય છે. પહેલું હોર્મોનલ ઓવ્યુલેશન (Hormonal Ovulation) અને બીજું એક કોસ્મિક કે વ્યકિતગત ચંદ્ર ચક્ર. તેમના સિધ્ધાંત પ્રમાણે સ્ત્રી દર મહિને તે સમયે સૌથી વધારે પ્રજનનક્ષમ હોય છે જ્યારે ચંદ્ર તે જ ચરણ (Phase) માં હોય જે તે મહિલાના જન્મ સમયે હતો. કોઇપણ સ્ત્રી તેના જન્મ સમયના સૂર્ય અને ચંદ્રની સ્થિતિ પરથી તે કયા દિવસે ગર્ભ ધારણ કરી શકશે અને કયા દિવસે નહીં કરી શકે તે જાણી શકાય છે. સ્ત્રીના જન્મ સમયે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું કેટલું અંતર હતું તે જાણવું. એટલે કે the exact angular distance between the sun and the moon in degrees of longitude શોધવું. દિવસના ૨૪ કલાકના ગાળા દરમિયાન ચંદ્ર આશરે ૧૩ અંશ જેટલું અંતર કાપતો હોય છે. જન્માક્ષરમાં જેને 'યોગ' કહેવામાં આવે છે તે આ સૂર્ય-ચંદ્રના અંતરનો જ નિર્દેશ હોય છે. આવા ક્રાંતિવૃત્તના આરંભ સ્થાનથી, શૂન્ય અંશની શરૂઆતથી ૩૬૦ અંશ સુધી ૨૭ યોગો હોય છે. દરેક યોગ ઓછામાં ઓછો ૨૦ કલાકનો અને વધુમાં વધુ ૨૫ કલાકનો હોય છે. સ્ત્રીના જન્મ સમયે આવતો આ યોગ તેના ગર્ભાધાન માટેનો સૌથી સફળ સમય બને છે.
ડૉ. યુજેન યોનાસે એ પણ પ્રસ્તાવિત કર્યું કે ચંદ્રની સ્થિતિ પરથી ગર્ભધારણ સમયે બાળકની લિંગ-પુલ્લિંગ કે સ્ત્રીલિંગ એટલે કે છોકરો કે છોકરી આવે તે પણ પ્રભાવિત થાય છે. ચંદ્રની ગતિને કારણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પરિવર્તનો થાય છે અને તેની અસર સજીવ સૃષ્ટિ પર થાય છે એટલે વીર્ય (sperm) માં વિદ્યુતની મદદથી જેમ નર-માદા જંતુનું વર્ગીકરણ (sorting) થાય છે તેમ ચંદ્રને કારણે પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ફેરફારોથી પણ આવું વર્ગીકરણ થાય છે. નભોમંડળ (Zodiac)નું વર્તુળ ૧૨ ભાગમાં વહેંચાયેલું છે જેને આપણે રાશિ કહીએ છીએ. ૧૨ રાશિઓ પૈકી એકી નંબરની રાશિઓ (મેષ, મિથુન, સિંહ, તુલા, ધન અને કુંભ) પુરુષ (સચની) રાશિઓ છે. અને બેકી નંબરની (વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર, મીન) સ્ત્રી (Female) રાશિઓ છે. ગર્ભાધાન વખતે ચંદ્ર પુરુષ રાશિમાં હોય તો છોકરો અને સ્ત્રી રાશિમાં હોય તો છોકરી જન્મે એવું ડો. યોનાસનું માનવું છે. ડો. યુજેન યોનાસે Determination of the Gender of a child, Insights into Cosmology-Natural Birth Control, Birth Control by Astrology, Natural Conception Control- Jonus Method જેવા પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકોમાં આ સિદ્ધાંતોની તેમણે વિસ્તૃત માહિતી આપી છે.


